August 21, 2010

આકર્ષણના નિયમની ચાવી

જેકે કેનફિલ્ડ પ્રેરણાત્મક પુસ્તકોના એક સફળ લેખક છે. જેમની ચિકન સૂપ શ્રેણી સુપર બેસ્ટ સેલર પુરવાર થઇ છે. વર્ષો સુધી એમણે આકર્ષણના નિયમો પર વક્તવ્યો આપ્યા છે. ૨૦૦૭માં પ્રકાશિત કેનફિલ્ડનું પુસ્તક ‘કી ટુ લો ઓફ એટ્રેકશન’ આ નિયમને સમજાવતું ચાવીરૂપ અઘ્યયન છે. બહારના વાતાવરણને બદલવા માટે આપણા વિચારોને બદલવા જરૂરી છે. આકર્ષણના નિયમને આપણાં જીવનમાં સાકાર કરવા શું પગલાં લેવાં તે આ પુસ્તકનો વિષય છે.

આકર્ષણનો નિયમ ચોવીસ કલાક સક્રિય હોય છે અને ગુરુત્વાકર્ષણ જેવી ચુંબકીય તાકાત ધરાવે છે. અમુક ઘટના યોગાનુયોગ લાગે પણ લેખકનું માનવું છે કે એ આકર્ષણ નિયમ પ્રમાણે ઘટતી હોય છે. ઘટના હકારાત્મક કે નકારાત્મક હોઇ શકે જે આપણાં વિચારોની શક્તિ પર આધારિત છે. આપણે નેગેટિવ વિચારોને વળગી રહીએ છીએ અને એમની પકડમાંથી જલદી છૂટી શકતા નથી. આપણા જાગૃત મગજ કરતાં અંત:કરણ (સબ કોનશ્યસ) વધારે શક્તિશાળી હોય છે.

ઘ્યાન, પ્રાર્થના અથવા એકાંત દ્વારા આપણે આ મગજ સાથે વાર્તાલાપ કરી શકીએ છીએ. આપણી વર્તણૂક બનાવટી હોઇ શકે છે પણ ભાવનાઓ ક્યારેય ખોટી નથી હોતી. આપણે જે નથી જોઇતું તેના પર વધારે ઘ્યાન કેન્દ્રિત કરીએ છીએ. નેગેટિવ વિચારોથી મુક્તિ મેળવવા માફી આપતા શીખો. બદલાની ભાવના છોડી માફ કરી દેવાથી નેગેટિવ વિચારોથી ખાલી થયેલું આપણું મન હલકું થઇ જાય છે. ઘણાં કિસ્સાઓમાં આપણે શું જોઇએ છે તે સ્પષ્ટ નથી હોતું પણ શું નથી જોઇતું તે નક્કી છે.

ખરીદી કરવા જઇએ ત્યારે શું જોઇએ છે તેની યાદી બનાવીએ છીએ. તે રીતે જીવનમાં જુદાં જુદાં ક્ષેત્રોમાં શું જોઇએ છે એ મેળવવા કોશિશ કરતા રહો. આકર્ષણનો નિયમ મદદ કરશે જ. ઘ્યેયની સ્પષ્ટતા સૌથી જરૂરી છે. સ્વપ્નની સીમા જોતા નક્કી કરી એને સંકુચિત ન રાખો. જો ધગશ હશે તો કોઇ પણ ઘ્યેયને પાર પાડી શકશો. અણધારી મદદ મળી રહેશે.

એક વિઝન બૂક બનાવો જેમાં તમારા ઘ્યેયને અનુરૂપ ચિત્રો, અવતરણો, લખાણો ભેગાં કરો. આ વ્યક્તિગત ડાયરી તમને ઘ્યેયની યાદ દેવડાવતી રહેશે અને તમારા વિચારોને એ દિશામાં પ્રેરિત કરશે. જીવન એક યાત્રા છે એને માણો અને નાની નાની ઘટનાઓમાંથી આનંદ મેળવતાં શીખો. મન પ્રફૂલ્લિત અને પોઝિટિવ રહેશો તો તમારું સ્વપ્ન આકર્ષણના નિયમ પ્રમાણે જરૂર સાકાર થશે

No comments:

Post a Comment