August 21, 2010

સ્ટ્રીટ સ્માર્ટ બિઝનેસમેન ધૂત બંધુઓ

વીડિયોકોન જૂથના ધૂત બંધુઓ- વેણુગોપાલ ધૂત, રાજકુમાર ધૂત અને પ્રદીપ ધૂતે સાબિત કરી બતાવ્યું છે કે ૧, ૧ અને ૧ એમ એકસાથે ઊભા રહે તો ૧૧૧ બની જાય છે. આજે વીડિયોકોન જૂથની ગણતરી સફળ જૂથમાં થાય છે. વીડિયોકોન જૂથની જ્યારે પણ માઠી દશા બેઠી ત્યારે તે સોનાની જેમ તપીને વધારે શુદ્ધ થઇને બહાર આવ્યું.

ધૂત બંધુઓને વ્યાવસાયિક અને કૌટુંબિક ગુણનો વારસો તેમના દાદા સ્વ.માધવલાલ ધૂત અને પિતા સ્વ.નંદનલાલ ધૂત પાસેથી મળ્યો. નંદલાલ ધૂતને કિશોર વયે ખેતીવાડી સંભાળવી પડી. અહમદનગર અને પુનામાં ભણેલા નંદનલાલભાઇએ યુવાનીના ઉબરે પગ મૂક્યો એ સાથે જ તેઓ મરાઠાવાડાના શેરડી અને કપાસના મોટા અને સદ્ધર ખેડૂત બની ગયા હતા. તેમ છતાં આટલેથી તેમને સંતોષ ન થયો.

ગામમાં વીજળીની સુવિધા ન હોવા છતાં ૧૯૫૫માં તેમણે યુરોપથી મશીનો મંગાવ્યા અને ઔરંગાબાદ ખાતે ગંગાપુર સુગર ફેક્ટરી સ્થાપી. આઝાદી પછી દેશભરમાં સહકારિતાનો વાયરો ફૂંકાયો હતો. આની સૌથી વધુ અસર મહારાષ્ટ્રની સુગર ઇન્ડસ્ટ્રી પર પડી. નંદલાલ ધૂતને પણ ૧૯૬૪માં ગંગાપૂર સુગર ફેક્ટરી એક સહકારી સંસ્થાને સોંપવી પડી. તેમને આ બાબતનો અણસાર આવી ગયો હતો. તેથી વૈકિલ્પક વ્યવસાય તરીકે ૧૯૬૩માં તેમણે બજાજ ઓટોની ડીલરશિપ લઇ લીધી હતી.

૬૦ના દાયકામાં ધૂત પરિવાર મહારાષ્ટ્રમાં બજાજ ઓટોના સ્ટાર ડીલર બની ગયો. ૧૯૭૦માં તેમણે પોતાનો ઉદ્યોગ સ્થાપ્યો. તેઓ લાઇટિંગ ડીમર્સ અને ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ બનાવવા લાગ્યા. ટૂંકા સમયગાળામાં મરાઠાવાડાના ઇલેકટ્રોનિક ઉદ્યોગમાં ધૂતે જમાવટ કરી. ૧૯૮૩માં નંદલાલભાઇએ ૬૦ લાખ રૂપિયાની કૌટુંબિક મૂડી અને ૩ કરોડ રૂપિયાની બેન્કની લોન લઇ વીડિયોકોન ઇન્ટરનેશનલ સ્થાપી. જાપાનની તોશીબા કોર્પોરેશનના ટેકિનકલ સહયોગથી વીડિયોકોને દેશમાં સૌ પ્રથમ રંગીન ટીવી બનાવવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું. ૬૧ વર્ષની વયે વિમાની દુર્ઘટનામાં પ્રતિભાવંત નંદલાલભાઇનું અવસાન થયું. તેમણે પોતાના ત્રણેય પુત્રોને ’૯૩માં ઔધોગિક સામ્રાજ્ય સોંપ્યું ત્યારે તેનું વાર્ષિક ટર્નઓવર ૯૩૪ કરોડ રૂપિયા હતું.

સ્વ. નંદલાલભાઇના પનોતા પુત્રોએ કૌટુંબિક વ્યવસાયને ટોચે પહોંચાડ્યો. ત્રણેય ભાઇઓમાં સૌથી મોટા વેણુગોપાલનો જન્મ ૧૯૫૨માં થયો. વેણુગોપાલ ઇલેટ્રિકલ એન્જિનિયર છે. દૂરંદેશી પિતા પાસેથી ઉદ્યોગ ઉપરાંત પરિવારને લાગણીની ડોરથી બાંધી રાખવાનો મંત્ર પણ આત્મસાત્ કર્યો. વેણુગોપાલભાઇ ભારે ધર્મપ્રેમી છે. તેમણે શ્રીમદ્ ભગવદ્ ગીતા વાંચવા અને સમજવા માટે સંસ્કૃતનો અભ્યાસ કર્યો. તેમને મિત્રો અને પરિવારજનો ગીતા પર પ્રવચન આપવા માટે આમંત્રિત કરે છે.

વેણુગોપાલના વચેટ ભાઇ રાજકુમાર ઉદ્યોગપતિ ઉપરાંત મહારાષ્ટ્રના રાજયસભાના સભ્ય રહી ચૂક્યા છે. ૧૯૫૫માં જન્મેલા રાજકુમારભાઇ સરકારી અને બિન સરકારી સ્તરે જૂથના સંપર્ક સૂત્ર છે. સૌથી નાનાભાઇ પ્રદીપ ધૂતે પૂણે યુનિવર્સિટીમાંથી એમ.બી.એ.ની પદવી પ્રાપ્ત કરી છે. ૧૯૬૦માં જન્મેલા પ્રદીપભાઇને પરિવારે ૨૩ વર્ષની વયે જાપાનની તોશીબામાં ટ્રેનિંગ લેવા માટે મોકલ્યા હતા. તેઓ હાલમાં વીડિયોકોન જૂથના ઇન્ટરનેશનલ બિઝનેસના ઇન્ચાર્જ છે. વેણુગોપાલભાઇના પુત્ર અનિરુદ્ધ અને પ્રદીપભાઇના પુત્ર સૌરભે વ્યાવસાયિક કારકિર્દીના શ્રીગણેશ કરી દીધા છે. હવે રાજકુમારભાઇના પુત્ર અક્ષયનો વારો છે.

વીડિયોકોન જૂથ એક દાયકા (૧૯૮૪થી ૧૯૯૪) સુધી રંગીન ટીવી માર્કેટનું લીડર રહ્યું છે. રેફ્રિજરેટર, વોશિંગ મશીન, ઘરવપરાશના સાધનો અને મ્યુઝિક સિસ્ટમ્સના માર્કેટમાં વીડિયોકોનની ગણતરી ઘણા વર્ષોસુધી ટોપ ફાઇવ બ્રાન્ડમાં થતી હતી. અકાઇ, સેન્સુઇ, કેનસ્ટાર, તોશીબા, કેનવુડના ઉત્પાદનોનું મેન્યુફેકચિંરગ અને માર્કેટિંગ કરીને આ બધી બ્રાન્ડ્સને પણ મોખરાનું સ્થાન અપાવવાનું ગૌરવ ધૂત બંધુઓએ પ્રાપ્ત કર્યું છે.

બહુરાષ્ટ્રીય કંપનીઓએ ભારતીય માર્કેટમાં પગ મૂક્યો તે પહેલા વીડિયોકોન જૂથે આઇવા, અકાઇ, ક્રાઉન વગેરેના મૂલ્ય યુદ્ધ સામે બાથ ભીડી. ઓછી કમિંતે અને પોતાની ઉત્પાદન ક્ષમતાના જોરે વીડિયોકોન જૂથે આ બધી બ્રાન્ડને ધોબીપછાડ આપી. એ વખતે ઇકોનોમી મીડિયાએ વીડિયોકોન જૂથને ‘સ્ટ્રીટ સ્માર્ટ બિઝનેસ ગ્રૂપ’ જેવા બિરુદથી નવાજ્યું હતું.

ખરાબ સમયગાળામાં કથળેલી હાલતમાંથી ઊગરવા માટે જૂથે કેટલીક વ્યાવસાયિક વ્યૂહ નીતિ ઘડી કાઢી. એમાંની એક ‘પોતાના ઉત્પાદનોના બેઝિક કોમ્પોનન્ટ્સ જાતે બનાવવા’ એ છે. આ વ્યૂહનીતિ ઘણી કારગત નીવડી. આ વ્યૂહનીતિને કારણે ડૂબતી કંપની ઊગરી ગઇ. ૧૯૯૮માં ધૂત બંધુઓ ખોટ ખાતું ગ્લાસ મેન્યુફેકચિંરગ યુનિટ (વીડિયોકોન નર્મદા- વડોદરા) વેચી દેવાનું વિચારતા હતા તે જૂથ માટે આજે કમાઉ દીકરો સાબિત થયું છે.

ધૂત બંધુઓ રંગીન ટીવી શેલ્સના દેશના સૌથી મોટા જ નહીં પરંતુ એકમાત્ર નિર્માતા છે. આખી દુનિયામાં ભરૂચમાં એક જ જગ્યાએ સર્વાધિક અને સૌથી ઓછા ઉત્પાદન ખર્ચે ગ્લાસ શેલ્સ બનાવવાનું ગૌરવ વીડિયોકોને પ્રાપ્ત કર્યું છે. ફ્રેન્ચ કંપની થોમસનના ચીન, પોલેન્ડ અને મેક્સિકો સ્થિત કલર પિક્ચર ટ્યૂબ્સ (સીપીટી) ઉત્પાદન પ્લાન્ટ્સ અને વિશ્વવ્યાપી સીપીટી વ્યવાસય પર કબ્જો જમાવ્યા પછી વીડિયોકોન ઇલેકટ્રોનિક્સ ઉદ્યોગની મોખરાની ઓરિજિનલ ઇક્વિપમેન્ટ્સ મેન્યુફેકચિંરગ કંપની બની ગઇ છે.

ઇલેકટ્રોનિક્સ ઉદ્યોગમાં વીડિયોકોને સમગ્ર વિશ્વમાં ઘણા હસ્તાંતરણો પર હાથ અજમાવ્યો છે. તેમાં દિક્ષણ કોરિયાની દેવૂ ઇલેકટ્રોનિક્સ અને સ્વીડનની એજી ઇલેકટ્રોલકસની ઇલેકટ્રોલકસ કેલ્વિનેટરના હસ્તાંતરણને કારણે વીડિયોકોન બહુરાષ્ટ્રીય ઇલેકટ્રોનિક ઉદ્યોગ જૂથ બની ગયું છે. ઓઇલ એન્ડ ગેસ સેક્ટરમાં સક્રિય બન્યા પછી તાજેતરમાં વીડિયોકોને ટેલિકોમ સેકટરમાં પગપેસારો કર્યોછે. તેણે સેલ્યૂલર ફોન સેવા લોન્ચ કરી છે. ૧૫ હજાર કરોડ રૂપિયાના ઇન્વેસ્ટમેન્ટ પ્લાનિંગ સાથે ધૂતભાઇઓનું લક્ષ્ય ૧૦ કરોડ વીડિયોકોન મોબાઇલ ધારકનું છે. ‘પ્રાઇસ વોર’માં ધૂત ભાઇઓને કોઇ પહોંચી વળે તેમ નથી.

No comments:

Post a Comment