August 21, 2010

સુદીર્ઘ દાંપત્યનું રહસ્ય

સ્ત્રી-પુરુષને દાયકાઓ સુધી સાથે એક જ તાંતણે બાંધી રાખતું તત્વ કયું હશે?

આપણે ત્યાં ૨૦, ૩૦, ૪૦, ૫૦ વર્ષનું દામ્પત્ય જીવન જીવનારા દંપતીઓ પૂરતા પ્રમાણમાં મળી આવે છે. સમગ્ર ભારતમાં લાંબુ લગ્નજીવન એ સહજ ઘટના છે. લાંબા લગ્નજીવનના ઢગલાબંધ રહસ્યો છે અને એ પૈકીનું એક પણ રહસ્ય લાગુ ન પડતું હોય છતાં લાંબુ દાંપત્ય જીવન પતિ-પત્ની વચ્ચે ટક્યું હોય તેવા કિસ્સા પણ મળી આવે. લાંબા લગ્નજીવનના માપદંડ નિશ્વિત નથી. તેમાં યુગલે-યુગલે નવા નિયમો મળી આવે. દેખીતી રીતે સાવ કજોડું લાગે એવા સ્ત્રી-પુરુષ પણ તેમના લગ્નજીવનના ૨૫, ૩૦ અને ૩૫ વર્ષ પૂરાં કરે ત્યારે સૌને આશ્વર્ય થાય. પણ અંદર ડૂબકી મારો તો કોઇ નવું રહસ્ય જરૂર મળી આવે.

સમાજ શાસ્ત્રની દ્રષ્ટિએ આ બાબતનો અભ્યાસ થયો હશે પણ તેનાં તારણો સમાજ સુધી પહોંચ્યા હોય તેવું જાણમાં નથી. આ બાબત અંગે વિચારતા સપાટી ઉપરના જે તારણો હાથવગા, આંખવગા, અનુભવવગા છે તે જોવાનો પ્રયત્ન કરીએ.

‘લાંબા દાંપત્ય જીવનનું એક રહસ્ય નેશનલ હાઇ-વે પર ચાલતા શિસ્તબદ્ધ વાહનવ્યવહારના ઉદાહરણ જેવું છે. નેશનલ હાઇ-વે પર રાત્રે વાહનો સામસામે પસાર થતાં હોય ત્યારે તેના ચાલકો એક વણલખ્યો નિયમ પાળે છે કે એક બાજુનું વાહન ફુલ લાઇટ કરે ત્યારે બીજી બાજુનું વાહન ડિમ લાઇટ કરે છે. લાંબા દામ્પત્ય જીવનમાં પણ પતિ-પત્ની વચ્ચે આ ડિમ-ફુલ લાઇટની પરંપરા જાણ્યે-અજાણ્યે સ્થપાઇ જાય છે. જ્યારે પતિ ગરમ હોય ત્યારે પત્ની ઠંડી રહે છે અને પતિના ગુસ્સાને વેન્ટિલેશન મળી જાય છે. સામે પક્ષે પત્ની ગરમ હોય ત્યારે પતિ શાંત રહીને વાતાવરણ થાળે પાડે છે.

‘૨૫-૫૦ વર્ષ સુધી એકબીજાને સાચવી લેનારા દંપતીઓના જીવનમાં એવું ચોક્કસ જણાય કે જતું કરવાની ભાવના બંને પક્ષમાં લગભગ એક સરખી હોય છે. પુરુષ બપોરે ૧૨ વાગ્યે આવે કે રાત્રે ૧૨ વાગ્યે આવે તો પણ તેને ગરમ રોટલી જ ખવડાવતી આર્ય સન્નારીના બીજા બધા અવગુણો ભૂલી જવા તે ગરમ રોટલી જ ખાનાર પુરુષ માટે સહજ છે અને આવું જોડુ લાંબુ દાંપત્યજીવન ભોગવે તે શક્ય છે.

‘૭૫ વર્ષની ઉંમરના અને લગભગ ૫૦-૫૫ વર્ષનું દાંપત્યજીવન ભોગવનાર એક જાજરમાન વૃદ્ધાને પૂછેલું કે આટલું લાંબુ સહજીવન કેવી રીતે ખેંચાયું? એ વૃદ્ધાએ જે જવાબ આપ્યો તે અત્યંત પારદર્શક હતો. તેમણે કહેલું કે, ‘હું પરણી ત્યારે મારી માતાએ મને શિખામણ આપી હતી કે, ‘લગ્નના પહેલા પાંચ વર્ષ માત્ર ‘હા’ અને ‘હં’ જ કરજે. પતિ સામે કશું જ બોલતી નહીં.

પાંચ વર્ષ પછી તે તારું કહ્યું કરતો અને તારી જ વાત સાંભળતો થઇ જશે.’ એ માજીએ જણાવ્યું કે મારી માતાની વાત ૧૦૦ ટકા સાચી ઠરી. ૫-૭ વર્ષ પછી મારા પતિ મારાથી એટલા ટેવાઇ ગયા કે તેમને મારા વગર ચાલે જ નહીં. પછી તો એવી સમજણ પ્રવર્તી ગઇ કે કોણે કોને ક્યારે કઇ બાબતમાં હા-કે ના પાડવી તે વગર કહીએ સમજાઇ જતું.

‘કોલેજકાળમાં એક પ્રોફેસર અમને યુવાનોને બહેકાવવા માટે અને પરાણે પ્રેમમાં પાડવા માટે એક વાત કહેતા કે, ‘ઈશ્વર એક માટીમાંથી આગળ પાછળ સ્ત્રી અને પુરુષનું સર્જન કરે છે. પછી તેના ફાડા કરી તેને પૃથ્વી પર રવાના કરે છે. કમનસીબી એ છે કે ઈશ્વરે સર્જેલા આ મૂળ ફાડા પૃથ્વી પર આવ્યા પછી ભાગ્યે જ એકબીજાને મળે છે.

બાકી તો કોઇકનું ફાડું કોઇક અન્યમાં જોડાઇ જાય છે (કોઇનું મીંઢળ કોઇને હાથે). સિવાય કે તમે પ્રેમમાં પડીને તમારું પાત્ર પસંદ કરો.’ આ વિચારધારા સાથે જો સંમત થઇએ તો એમ ગણી શકાય કે જગતમાં લગભગ બધા કજોડા જ સર્જાય છે. પણ આનાથી જરા ઉફરા ચાલીએ તો એવું પણ વિચારી શકાય કે જે દંપતી લગ્નજીવનનાં ૨૫થી ૫૦ વર્ષો પસાર કરે છે તે ખરેખર ઈશ્વરનિર્મિત મૂળ જોડાં છે. તેનું ન્યાયિક કારણ એ કે લાંબુ અને સાતત્યયુક્ત સહજીવન પેલા ઈશ્વરના એક માટીમાંથી આગળ અને પાછળ સ્ત્રી અને પુરુષનું જે સર્જન છે તેને આભારી જ હોય શકે. અન્યથા આટલું લાંબુ સાથે કેવી રીતે ચાલી શકાય?

‘લાંબા દાંપત્યજીવનના સંદર્ભમાં એક જુદી કથા પણ આલેખવી જોઇએ. મહિલા કોલેજમાં ભણતી એક ગરીબ ગાય જેવી કન્યાનું વેવિશાળ ગામના એક તોફાની બારકસ સાથે થયું ત્યારે કોલેજ એક સંવેદનશીલ પ્રાધ્યાપક બોલેલા કે અરરર, આ લોકોનું દાંપત્યજીવન કેવી રીતે ટકશે? ત્યારે એક વ્યવહારું પ્રાધ્યાપકે કહેલું કે સાહેબ ચિંતા ન કરો. શીશી અને તેના બૂચ (ઢાંકણું)ના આંટા હંમેશાં ઊંધા હોય છે અને પરિણામે તે બરોબર એકબીજા સાથે ફિટ થઇ જાય છે. દાંપત્યજીવનનાં બંને પાત્રો સાવ જુદી દિશાના હોય અને છતાં તેવું દાંપત્યજીવન લાંબુ ચાલે ત્યારે વિરોધાભાસ પણ સંયોજકની ભૂમિકા ભજવે તેમ બને.

‘લાંબુ દાંપત્યજીવન ભાગ્યનો વિષય ખરો? આ શાશ્વત ચાલતી ચર્ચા છે. જેમની સમજણમાં અપરિમિત વિશ્વાસ હોય તેવા લોકો પણ છુટા પડી જાય છે અને બંને પક્ષે અક્કલ ઓછી હોય છતાં ગાડું સરસ ગબડી જાય તેમ પણ બને. આ બંનેમાં સત્યનો તાગ પામી શકાતો નથી, માત્ર આશ્વર્યભાવ જ આખરી બાબત છે. સતત સાથે રહેવાથી જન્મતો મનમેળ એક આંતરિક સ્વર્ગ ખડું કરી આપે છે. આ સ્વર્ગની અનુભૂતિ કરનારને અન્ય બધુ જ ઘણીવાર તુચ્છ લાગતું હોય છે.

સવારે પોતાની પત્ની પર ધોધમાર (ગુસ્સાથી) વરસેલો પતિ ૩-૪ કલાકમાં જ પત્નીના હાથની રસોઇ જમવા બેસી જાય છે! પુરુષને કોઇ દિવસેય એવી ચિંતા નથી થતી કે હું ઝઘડો છું એ સ્ત્રી મારા ખોરાકમાં ઝેર કે એવું કશુંક ભેળવી તો નહીં દે ને? લાંબુ સહજીવન જીવનાર દંપતીમાં એક ઉચ્ચ કક્ષાનો વિશ્વાસ પ્રવર્તતો હોય છે. આ વિશ્વાસ અનુભૂતિનો હોય છે.

લાંબા, સુખી અને સરળતાથી ચાલેલા કે ચાલતા દાંપત્યજીવનના અનેક કારણો અને પાસા હોય છે. કારણ કે દરેક લાંબી યાત્રાના પોતાના રસ્તા, પોતાના મુકામ, પોતાની ગતિ અને પોતાનું સત્ય હોય છે. એક સત્ય છે કે લાંબુ દાંપત્યજીવન ઉભયપક્ષોમાં કશુંક એવું ભરી દે છે કે જે તેમને એકબીજા સાથે રહેવા મજબૂર કરી દે છે. ના આ માત્ર આદતનો જ વિષય ન હોઇ શકે. કશુંક અન્ય તત્વ તેમાં છે અને તે અગોચર છે.‘

ઇતિ સિદ્ધમ્

‘ભલું થયું, તમે મને મળી ગયા પ્રવાસમાં!
મને થતું: ઢળી પડીશ હું અમુક શ્વાસમાં’ - ગની દહીંવાલા

No comments:

Post a Comment