August 21, 2010

એપોલો: ધ ટાયર, ધ લેજન્ડ

બબ્બે વખતના હસ્તાંતરણ અને મતભેદો જેવાં ભારે અપ્સ-ડાઉન્સમાંથી પસાર થયેલી એપોલો ટાયર્સ કંપની આજે ભારતીય બજારમાં મોખરાનું સ્થાન ભોગવે છે.

એપોલો ટાયર કંપનીનું હસ્તાંતરણ બે વાર થયું છે. પહેલાં હસ્તાંતરણ વખતે પિતા-પુત્ર વચ્ચેના મતભેદ ડ્રોઈંગરૂમથી વાયા બોર્ડરૂમ થઈને અદાલત સુધી પહોંચ્યા. તેમ છતાં તેણે એપોલો ટાયર્સના પાયાને વધારે મજબૂત કર્યા. બિસ્માર થયેલી એપોલો ટાયર્સ કંપની બેઠી થઈ ગઈ અને વર્ષે ૧ હજાર કરોડ રૂપિયાનો બિઝનેસ કરવા લાગી. બીજીવાર પિતાએ પુત્રની ક્ષમતા પારખી લીધી અને સ્વેચ્છાએ કંપનીની લગામ પુત્રના હાથમાં સોંપી. આ હસ્તાંતરણથી કંપનીનું વાર્ષિક ટર્નઓવર ૧ બિલિયન ડોલર (લગભગ ૫ હજાર કરોડ રૂપિયા) થઈ ગયું.

એપોલો ટાયર્સના સ્થાપક સરદાર રોનકસિંઘ પાકિસ્તાનના સિયાલકોટ પાસેના નાનકડા ગામ દાસકા ખાતે સરદાર રોનકસિંઘનો જન્મ ૧૯૨૨ની સાલમાં થયો હતો. તેમણે ૧૦ વર્ષની કુમળી વયે પિતા સરદાર નિહાલસિંઘની છત્રછાયા ગુમાવી દીધી. વિધવા માતા અને ૩ પુત્રોના જીવનનો એકમાત્ર આધાર નાનકડી કરિયાણાની દુકાન હતી. ગામની જ એક ક્રિશ્વિયન સ્કૂલમાંથી રોનકસિંઘે જેમ તેમ કરીને ૧૦મા ધોરણની પરીક્ષા પાસ કરી.

લાહોરમાં ડિલિવરી બોય જેવી મામૂલી નોકરી કરતાં કરતાં સરદાર રોનકસિંઘે પૈસા બચાવ્યા. પછી તેમણે ૧૯૪૩માં લાહોરમાં રોનક એન્ડ કંપની નામે પાઈપ્સ એન્ડ ફિટિંગ્સની દુકાન ખોલી. દરમિયાન સતવંત કૌર સાથે તેમના લગ્ન થયા. સારા દિવસની શરૂઆત થઈ કે તરત ભાગલાનો વજ્રાઘાત થયો. ૧૯૪૭માં કોમી રમખાણો ફાટી નીકળ્યા. સરદાર રોનકસિંઘ રેફ્યુજી ટ્રેનથી અમૃતસર થઈને ૧૪ દિવસમાં ગમે તેમ કરીને પરિવાર સહિત દિલ્હી પહોંચ્યા.

૨ મકાન અને દુકાન બધું લાહોરમાં છુટી ગયું. સરદારજીએ કુટુંબના ભરણ પોષણ માટે મસાલાની દુકાનમાં નોકરી કરી. દિલ્હીની ગોલ માર્કેટમાં કુટુંબના ૧૪ સભ્યોને છોડીને રોનકસિંઘ ૧૯૪૭માં કોલકાતા જઈ પહોંચ્યા. એ વખતે તેમની પાસે ૮ હજાર રૂપિયાની મૂડી હતી. આ મૂડી તેમણે પત્નીના ઘરેણાં વેચીને ઊભી કરી હતી.

ત્યાં ભાઈબંધ એસ.અબ્બાસે તેમને મદદ કરી. કલાઈવ રોડ પર ભાડાની રૂમમાં તેઓ રહેતા અને આ રૂમનો દુકાન તરીકે ઉપયોગ કરીને તેઓ મસાલાનું ટ્રેર્ડિંગ કરવા લાગ્યા. આ વ્યવસાયથી ત્રણ વર્ષમાં થોડી મૂડી જમા થઈ એટલે તેઓ પરિવાર પાસે દિલ્હી પાછા ફર્યા. અહીં જીવી રોડ પર એક દુકાન ખોલીને લોખંડના પાઈપ વેચવા લાગ્યા. સરદારે દિલ્હીમાં સ્ટીલ પાઈપ બનાવવાના કારખાનાનું લાઈસન્સ મેળવ્યું.

એક વિદેશી કંપની સાથે જોડાણ કરીને ૧૯૬૫માં સોનીપતના ગનોર ખાતે ભારત સ્ટીલ ટ્યૂબ્સ સ્થાપી. થોડા જ સમયમાં ચેન્નઈ નજીક રાનીપેઠમાં બીજી ફેકટરી સ્થાપી. ૧૯૭૪માં રોનકસિંઘે બે વ્યક્તિ પાસેથી ટાયર મેન્યુફેક્ચરિંગના લાયસન્સ ખરીધ્યા. એપ્રિલ ૧૯૭૫માં તેમણે ભાગીદારો સાથે મળીને કેરળમાં પહેલો ટાયર મેન્યુફેકચરિંગ પ્લાન્ટ સ્થાપ્યો. ૧૯૭૭માં આ પ્લાન્ટે વાર્ષિક ૪.૨૦ લાખ ટાયર અને એટલી જ વાર્ષિક ક્ષમતા સાથે ટ્યુબ્સનું વ્યાવસાયિક ઉત્પાદન શરૂ કયું.

૧૯૭૬માં એપોલો ટાયર્સ લિમિટેડ રજિસ્ટર્ડ કંપની બની. ૧૯૭૭ની સાલમાં એપોલો ટાયસેg કેરળમાં જ દૈનિક ૪૦ ટનની ક્ષમતા ધરાવતો પ્લાન્ટ સ્થાપ્યો. ૧૯૮૨માં કંપની પેસેન્જર કારના રેડિયલ ટાયર્સ પણ બનાવવા લાગી. ત્યારપછી કંપનીની પડતી શરૂ થઈ. એપોલો ટાયર કંગાળ થઈ ગઈ.

સરદાર રોનકસિંઘના એક પુત્ર ઓમકારસિંઘે યુનિવર્સિટી ઓફ કેલિફિર્નિયામાંથી બિઝનેસ એડમિનિસ્ટ્રેશનની ડિગ્રી મેળવી. ત્યારપછી તેઓ પિતાને બિઝનેસમાં મદદ કરવા લાગ્યા. કંપનીના પ્લાન્ટ પર કાર્યરત મજુરોની હડતાળને તેઓ પોતાની રીતે પહોંચી વળવા માગતા હતા અને એવું ઈચ્છતા હતા કે એપોલો ટાયર્સ કેરળમાંથી બહાર નીકળે. તેમને પોતાના પિતા પરંપરાગત રીતે કંપનીનો વહીવટ કરે એ પણ ગમતું નહોતું. પિતા-પુત્ર વચ્ચેનો આ મતભેદ કોર્ટ સુધી પહોંચ્યો. આના પરિણામે સરદાર રોનકસિંઘને પરાણે કંપનીની લગામ પુત્રના હાથમાં સોંપવી પડી.

ઓમકાર એસ. કંવર

૮૦ના દાયકામાં ઓમકાર એસ. કંવર એપોલો ટાયર્સ સાથે સંકળાયા. ત્યારે કંપનીની હાલત કથળેલી હતી. ઓમકારસિંઘને કંપનીનો ફેલાવો કેરળની બહાર કરવો હતો. ત્યારે બધા મુખ્ય રાજ્યોમાં હરીફોનું વર્ચસ્વ હતું. બંગાળમાં ડનલોપ, તામિલનાડુમાં એમઆરએફ, ઓરિસ્સામાં બિરલા ટાયર્સ, મહારાષ્ટ્રમાં સિએટ રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં જેકે ટાયર્સનું એકહથ્થુ સામ્રાજ્ય ફેલાયેલું હતું. ઓમકારસિંઘને ગુજરાતમાં કંપનીના વ્યાપની શક્યતા જણાઈ.

અહીં એક પણ કંપનીના ટાયર બનતા નહોતા. ૧૯૯૧માં તેમણે ગુજરાતમાં એપોલો ટાયર્સનો બીજો પ્લાન્ટ સ્થાપ્યો. ૧૯૯૫માં પ્રીમિયર ટાયરનો કેરળસ્થિત પ્લાન્ટ કબ્જે કર્યો. આ સાથે એપોલો ટાયર્સની ઉત્પાદન ક્ષમતા વધારી અને દેશભરમાં માર્કેટિંગ નેટવર્ક સ્થાપ્યું. તેમના આ પગલાથી કંપનીની કથળેલી હાલત સુધરી. કંપની ૧ હજાર કરોડ રૂપિયાનું વાર્ષિક ટર્નઓવર કરવા લાગી. ઓમકાર એસ. કંવરને એક દીકરી અને બે દીકરા- રાજા અને નીરજ કંવર છે.

રાજા કંવર

રાજાએ ત્રણ વર્ષ સુધી વિશ્વપ્રસિદ્ધ મેગેઝિન ‘વોગ’ માટે ફ્રીલાન્સ ફોટોગ્રાફી કરી છે. ૧૯૯૫માં તેઓ ભારત પાછા ફર્યા. અહીં તેમણે ‘ડેટ્સ વેલી ટેક્નોલોજિસ’ નામની સોફ્ટવેર કંપની બનાવી. આ કંપનીએ ઈન્સ્યોરન્સ અને બેન્કિંગ સેક્ટર માટે વેબ એપ્લિકેશન ફોર્મના સોફ્ટવેર બનાવ્યા. આઈટી સેવી રાજા કંવરે આ અગાઉ મહિલાઓ માટેના લકઝરી (હાઈ-એન્ડ) ગારમેન્ટ્સ બનાવવાની શરૂઆત કરી હતી.

રાજા કંવરે સ્થાપેલી યૂએફઓ મૂવીઝ ફિલ્મોનું ડિજિટાઈર્ડ વર્ઝન બનાવે છે. ઓમકાર કંવરે પોતાના સંતાનોને તેમની ઈચ્છા અનુસાર કામ કરવાની છુટ અને સગવડ આપી છે. રાજા કંવર એપોલો ટાયર્સના વહીવટીમંડળના સભ્ય છે. જ્યારે નાના પુત્ર નીરજ મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં વધારે રસ ધરાવે છે.

નીરજ કંવર

યુ.એસ.માં શિક્ષણ મેળવેલા નીરજ કંવર ૧૯૯૪માં એપોલો ટાયર્સમાં પિતાને વ્યાવસાિયક મદદ કરવા લાગ્યા. પિતાએ તેમને કંપનીના વિવિધ વિભાગમાં ૮ વર્ષ સુધી ઘડ્યા. પછી ૨૦૦૨માં તેઓ કંપનીના સી.ઓ.ઓ., ૨૦૦૮માં વાઈસ ચેરમેન અને ૨૦૦૯માં મેનેજિંગ ડિરેક્ટર બન્યા.

આ સમયગાળામાં એપોલો ટાયર્સે ભારતીય માર્કેટમાં પકડ જમાવી અને વિશ્વસ્તરે ઓળખ ઊભી કરી. ગત વર્ષમાં એપોલો ટાયર્સે ૪૯૮૪ કરોડ રૂપિયાનું ટર્નઓવર કર્યું. નીરજભાઈ આશા સેવે છે કે આગામી પાંચ વર્ષમાં ટર્નઓવરના આધારે એપોલો ટાયર્સ વિશ્વની દસમા નંબરની સૌથી મોટી ટાયર ઉત્પાદક કંપની બનશે.

No comments:

Post a Comment