August 21, 2010

આવા પતિને તમે પાછો સ્વીકારશો?

સ્રીઓની નફરતને તેનો પતિ કે પ્રેમી આસાનીથી જીતી લે છે.

ઓમ પુરી ફર્સ્ટ રેટ એક્ટર છે એ કબૂલ પણ માણસ તરીકે, પતિ તરીકે એને કેવો રેટ આપવો એ તમે નક્કી કરજો. કહાણી સાંભળી હોય તોયે ટૂંકમાં રિકેપ વાંચી લો. ‘અંતાક્ષરી’ દ્વારા અત્યંત ફેમર્સ થઇ ગયેલા અનુકપૂરની બહેન સીમા અત્યંત સુંદર છે અને ફિલ્મ-સિરિયલોમાં એક્ટિંગ કરવા ઉપરાંત એ પ્રોડ્યુસર-ડિરેક્ટર તરીકે પોતાની ટેલેન્ટ પુરવાર કરી ચૂકી છે. કોઇ સેટ પર એ ઓમ પુરીને મળી, પ્રેમમાં પડી અને પરણી ગઇ.

લગ્નના આઠ જ મહિના બાદ એના પર વ્યભિચાર, માનસિક ક્રૂરતા જેવા આક્ષેપ મૂકીને ઓમ પુરીએ છુટાછેડા માગ્યા-સીમાએ ચૂપચાપ આપી દીધા.સીમાએ બીજા લગ્ન ન કર્યા, પણ ઓમ તો તરત નંદિતા નામની જર્નલિસ્ટ સાથે પરણી ગયો. એમને અત્યારે ઇશાન નામનો દીકરો પણ છે, પરંતુ લગ્નના લગભગ સોળ વરસ પછી ઓમે આ બીજી પત્નીને પણ છુટાછેડા આપવાની ઇચ્છા જાહેરમાં દર્શાવી. કારણ એવું આપ્યું કે નંદિતાએ પતિની જીવનકથની, એને પૂછ્યા વિના, વંચાવ્યા વિના લખીને પ્રકાશિત કરાવી નાખી. એમાં ઓમ પુરીના બે નોકરાણી સાથેના સેક્સ્યુઅલ સંબંધો વિશે પણ લખ્યું.ઓમની નજરે આ વિશ્વાસઘાત હતો અને એ ડિવોર્સ લોયર પાસે દોડી ગયો. જોકે એ પહેલા અમિતાભ બચ્ચનના હાથે પુસ્તકનું વિમોચન કરાવીને પતિ-પત્ની અને પુસ્તકે જબરદસ્ત પબ્લિસિટી મેળવી લીધી.

‘આમ તો અમારી વચ્ચે આઠ-નવ વરસથી અણબનાવ છે.’ એવું કહીને ઓમ પુરીએ જાહેરમાં બીજી પત્નીને પણ છુટાછેડા આપવાની ઇચ્છા જાહેર કરી, એટલું જ નહીં એક સમયે જેને ભરી અદાલતમાં ક્રૂર, ચારિત્રયહીન ગણાવેલી એ ફર્સ્ટ વાઇફ સીમા પાસે જવાનો ઇરાદો પણ દર્શાવી દીધો. રાતોરાત સીમાને દેવી ગણવા માંડેલા ઓમે કહ્યું, ‘ડિવોર્સ વખતે વકીલના કહેવાથી મેં સીમા પર ખોટા આક્ષેપ કરેલા. બાકી એ તો બહુ સારી સ્ત્રી છે. મારે ખાતર એણે પોતાની કારકિર્દી પર પણ ધ્યાન ન આપ્યું. મેં એને બહુ અન્યાય કર્યો, પણ હવે મારે એનું પ્રાયશ્વિત કરવું છે.

ઓગણસાઠ વર્ષની ઉંમરે પીઠના દર્દથી પીડાતા ઓમ પુરીએ એકદમ ફિલ્મી સ્ટાઇલમાં કહ્યું કે, મારે તો હવે સીમાની સાથે જ ઘરડા થઇને બાકીની રહીસહી જિંદગી સુખેથી વિતાવવી છે. સ્વાભાવિક રીતે જ અનુભાઇ ભડક્યા, કહી દીધું કે ‘વોટ નોનસેન્સ. ઓમ પુરીને પત્ની નહીં નોકરાણીની જરૂર છે.’ અનુને વધુ અકળામણ એ વાતની છે કે, બહેન કંઇ બોલતી નથી.

એટલું જ નહીં, નંદિતાથી છુટા પડેલા ઓમ પુરીને સીમાએ પોતાની ઓફિસમાં રહેવાની સગવડ કરી આપી. લગભગ બે મહિના આ ચાલ્યું. સીમા અને ઓમ પાછા લગ્ન કરશે, એવી અટકળ થતી હતી ત્યાં ઓળખીતાને ઘેર એક ઇંન્વિટેશન કાર્ડ આવી પડ્યું. જેમાં લખ્યું હતું કે ઓમ અને નંદીતા પુરીની વેડિંગ એનિવર્સરી પાર્ટીમાં જરૂર પધારજો.

નવાઇ પામી ગયેલા લોકોને આ યુગલે કહ્યું, ‘હવે અમારી વચ્ચેના બધા પ્રોબ્લેમ સોલ્વ થઇ ગયા છે.’ સીમાને છોડીને ઓમ પુરી પાછો નંદિતા સાથે રહેવા આવી ગયો. નંદિતાએ લખેલી ઓમ પુરીની આત્મકથામાં પહેલી પત્ની સીમાનો ઉલ્લેખ સુદ્ધાં નથી. હવે ફરીવાર નંદિતા એવી રીતે વતેg છે. જાણે સીમાનું અસ્તિત્વ જ નથી.

અને ફરી એકવાર સીમા કપૂરે મૌન જાળવ્યું છે. આ લખાય છે, ત્યાં સુધી એણે જાહેરમાં કોઇ વિધાન નથી કહ્યું, પણ એના મનમાં શું ચાલતું હશે એની કલ્પના થઇ શકે? પતિ એકવાર છોડી ગયો, આટલા વરસે રોતો-કકળતો પાછો આવ્યો અને બે મહિનામાં પાછો ભાગી ગયો. આવા સંજોગોમાં એક સ્ત્રીની મનોસ્થિતિ કેવી થાય?

પુરુષની આવી બદમાશીનો આ એકમાત્ર કિસ્સો નથી. બીજો એક્ટર રાજ બબ્બર એની પત્ની નાદીરા અને છૈયાં-છોકરાંને છોડીને સ્મિતા પાટીલ સાથે રહેવા જતો રહ્યો. પ્રસૂતિ દરમિયાન કોમ્પ્લિકેશનને કારણે સ્મિતા મૃત્યુ પામી. બાળક ઉછેરવાની જવાબદારી સ્મિતાની બહેન પર નાખીને રાજભાઇ પાછા નાદીરા સાથે રહેવા જતા રહ્યા.

લગ્નબાહ્ય સંબંધો ટકે નહીં, ત્યારે બેશરમીથી પત્ની પાસે પાછા ફરનારા, પુરુષોને વળી આપણો સમાજ ‘સુધરી ગયેલા પુરુષ’ તરીકે બિરદાવે. સવારનો ભૂલ્યો સાંજે ઘરે આવ્યો એને અપનાવી લેવા માટે સ્ત્રીને શિખામણ અપાય. કોઇ એ જુએ નહીં કે, ભાઇ પાછા શું કામ આવ્યા? બીજો સંબંધ બગડે કે પેલી બીજી સ્ત્રી કાઢી મૂકે, ત્યારે બીજે ક્યાંય આશરો ન મળે એટલે આ પુરુષો સ્વગૃહે પધારે છે. એમને લગભગ ખાતરી હોય છે કે આર્યનારી પતિને જાકારો નહીં આપે. પરાણે પાછા આવેલા જીવનભર ડાહ્યા થઇને રહેશે, એવા ભ્રમમાં જો કે રહેવું નહીં.

ઓમ પુરી જેવા એક બીજા કેરેક્ટરને હું ઓળખું છું. એ ભાઇ પત્નીને ડિવોર્સ આપ્યા વિના બીજી છોકરી સાથે રહેવા જતા રહ્યા. આઠ વર્ષમાં એની બદમાશીઓથી ગળે આવી ગયેલી સ્ત્રીએ એક દિવસ સામાન ઘરની બહાર ફેંકી દીધો તો, નફ્ફટાઇભેર બેગ લઇને એ માણસ પોતાની પત્ની પાસે જતો રહ્યો.

બિચારી પત્નીને લાગ્યું કે એની બાધાઆખડીઓ ફળી પણ થોડા જ મહિનામાં પતિને બીજી કોઇ છોકરી ગમી ગઇ અને એ જતા રહ્યા. પત્ની શું કરે? પેલો માણસ પાછો આવે તો એ પાછો એને રાખવા માટે તૈયાર થશે?કદાચ રાખે પણ ખરી. મોટાભાગની સ્ત્રીઓ માટે કહેવાય છે કે એ દિમાગને બદલે દિલથી વધુ કામ લે છે. એમની નફરતને પ્રેમથી જીતી લેવાનું બહુ અઘરું નથી. એમાંય સામે જો એનો પતિ કે પ્રેમી હોય.

ઘણી સ્ત્રીઓ પોતાના નિર્ણય માટે બાળકોનું બહાનું આગળ ધરે છે. છોકરાને બાપની જરૂર છે, આવું કહીને એ રખડું પતિને પાછો ઘરમાં આવવા દે છે. એને કદાચ ખબર નથી રહેતી કે આવું કરીને એ બાળકોની નજરમાં પણ સાબિત કરે છે કે, ઘર અને એમના જીવન પર આખરી માલિકી પુરુષની છે. પપ્પાને ફાવે તેમ કહેવાનો, મન પડે ત્યારે ઘરવાળાને દુ:ખી કરવાનો અધિકાર છે.

જો કે લાગણીશીલ સ્ત્રીઓની દુનિયામાં છુટાછવાયા અપવાદ પણ મળી જાય. પંજાબમાં રહેતી ગૃહિણીએ વર્ષો બાદ પાછા ફરેલા પતિને ઘરમાં આવવા દીધો, પણ એની સાથે લીધેલા અબોલા વીસ વરસ પછીયે અકબંધ છે. પતિને પત્નીના રૂમમાં પ્રવેશવાનો અધિકાર નથી.

મુંબઇમાં અન્ડરવર્લ્ડમાં એક સમયે રિસ્પેક્ટેડ નામ ગણાતી સ્ત્રીનો પતિ વર્ષો બાદ ઘરડી, માંદી, ગરીબ હાલતમાં પાછો ફર્યો તો એણે એને પોતાના બિલ્ડિંગના નીચલા માળે એક રૂમ આપી દીધા. ટિફિન, ટીવી, ડોક્ટર બધીયે સગવડ આપી પણ પત્ની સાથે બોલવાની કોશિશ કરવી નહીં, એ શરત હતી.

આઇ હોપ કે ઓમ પુરીને થોડો સમય પોતાની ઓફિસમાં આશરો આપનાર સીમાએ ભિખારીને ટુકડો આપવા જેટલી દયા જ દાખવી હોય! ફરગેટ અબાઉટ લવ!

No comments:

Post a Comment