August 21, 2010

આ સાત વિષયમાં નાપાસ થવાની છુટ છે

પરીક્ષામાં નાપાસ થયા પછી જિંદગી હારી જવાતી નથી. જીવનમાં એવા કેટલાય વિષય હોય છે, જેમાં નાપાસ થવાથી જિંદગીમાં પાસ થવાતું હોય છે.

પરીક્ષા શબ્દની સાથે પાસ-નાપાસ શબ્દો જડબેસલાક જોડાઇ ગયા છે. પાસ થનાર સફળ અને નાપાસ થનાર નિષ્ફળ એવું સાદુંગણિત પણ સ્થાપિત થઇ ગયું છે. ઉત્તીર્ણ અને અનુત્તીર્ણ શબ્દોને બદલે પાસ અને ફેઇલ શબ્દો વધુ આકરા લાગે છે. ટીમ ઇન્ડિયાનો કપ્તાન મહેન્દ્રસિંહ ધોની રાંચીની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં બિઝનેસ મેનેજમેન્ટના પ્રથમ સેમેસ્ટરમાં જ ફેઇલ થયો છે. ધોનીએ પોતાનાં નિવાસસ્થાને પરીક્ષા આપી હતી. છતાં તે ઉત્તીર્ણ થઇ શક્યો નથી. હમણાં પૂરા થયેલા ટી-૨૦ વર્લ્ડ કપમાં પણ ધોનીની આગેવાની હેઠળની ભારતીય ટીમ ભૂંડા હાલે હારી ગઇ. ધોની માટે આ બંને નિષ્ફળતાઓ મોટી છે. છતાં મહેન્દ્રસિંહ ધોનીને વિશાળ પરિપ્રેક્ષ્યમાં જોઇએ તો તેને કોઇ નિષ્ફળ વ્યક્તિ કહી શકે? ના.

ધોની ભારતનાં સૌથી સફળ માણસોની યાદીમાં સામેલ થઇ શકે એટલો સફળ છે. આપણું બાળક બારમા ધોરણની પરીક્ષામાં નાપાસ થાય અથવા ઓછા માકર્સ આવે એટલે જાણે જિંદગી હારી ગયા હોઇએ એટલી નિરાશા થાય. વાસ્તવમાં શું માત્ર શાળાનાં પરિણામના આધારે કારકિર્દી ઘડાતી હોય છે? સફળતાનો માપદંડ શું એકમાત્ર માર્કશીટ છે? પરીક્ષામાં નાપાસ થનાર પણ જિંદગીમાં સફળ થઇ શકે અને પરીક્ષામાં સફળ થનાર પણ જિંદગીમાં નિષ્ફળ જઇ શકે.

કારણ કે સફળતા માટે ઘણાં પરબિળો અને પરિમાણો મહત્વનાં હોય છે. એટલે પરીક્ષામાં નાપાસ થયા પછી જિંદગી હારી જવાતી નથી. જીવનમાં એવા કેટલાય વિષય હોય છે, જેમાં નાપાસ થવાની પણ છુટ હોય છે. અને એમાં નાપાસ થવાથી જિંદગીમાં પાસ થવાતું હોય છે. ભણતરની પરીક્ષાના સાત વિષયની જેમ જીવનની કસોટીના એવા સાત વિષય પર નજર ફેરવીએ, જેમાં નાપાસ થાઓ તો ખુશ થજો.

એ તમને વધુ સારા માનવી બનવામાં મદદ કરશે. સફળતાને માત્ર ભૌતિક માપદંડોના આધારે માપનારે પણ સ્વીકારવું પડે કે જેમને આપણે સફળ ગણીએ છીએ તેઓ પણ જીવનની પાઠશાળાના આ સાત વિષયોમાં નાપાસ થતા હોય છે અથવા ફુલ્લી પાસ થતા હોતા નથી.

૧. લાગણીનું લોજિક

જેના પ્રત્યે લાગણી હોય તેની સામે જીતવામાં મજા આવે કે હારવામાં? પ્રેમ એવી ચીજ છે જેમાં હારીને જીતી જવાતું હોય છે. સંબંધોની સૃષ્ટિ બહુ અદભુત છે. અહીં નમતું મૂકનાર, હારી જનાર, નાપાસ થનાર પાસ ગણવામાં આવે છે. પ્રેમનો અર્થ માત્ર નર અને નારીનો પ્રેમ ન ગણીએ ત્યારે પણ આ સમીકરણ લાગુ પડે જ છે. દોસ્તની સામે મેચની બાજી હારી જવાની પણ એક મજા હોય છે અને જિંદગીની બાજીમાં દોસ્તને લાભ થતો હોય ત્યારે પરાજય સ્વીકારવાનો પણ એક અલગ સંતોષ હોય છે. માતા-પિતા, ભાઇ-ભાંડુ વગેરેની સામે જીતવાથી ખરેખર કોઇ આનંદ મળે છે ખરો?

અંતરમાં ડોકિયું કરીને જુઓ, એ જીત તમારા દિલને ટાઢક આપનાર નહીં હોય. પિતા જયારે પુત્રની સામે હારે છે ત્યારે બાપનું દિલ ખુશ થાય છે. તો જે પુત્ર જીતે તેનું શું? પુત્ર માટે પણ એ વિજય વિજય નથી હોતો, તેને ખબર હોય છે. નર અને નારી વરચેના પ્રેમમાં તો હારીને જ જીતી જવાતું હોય છે. પ્રેમ એ એવો સબ્જેકટ છે જેમાં દરેક માણસ જાત અનુભવથી પ્રબુદ્ધ થયેલો હોય છે અને ઘણું જ્ઞાન ધરાવતો હોય છે. પ્રેમ અને લાગણીના વિષયમાં સામેના પાત્ર સામે હારી જાઓ, નાપાસ થાઓ તો માનજૉ, તમે પોતાની જાતને વધુ પ્રબુદ્ધ કરવા તરફની દિશામાં એક મહત્ત્વનો પડાવ પસાર કરી લીધો છે.

૨. મદદરૂપ થવાનું મેથેમેટિક
ગણિતમાં બે વત્તા બે ચાર થાય પણ જીવનમાં બે વત્તા બે બરાબર બાર થઇ શકે, ચાર થઇ શકે અને એક પણ થઇ શકે. કોઇને મદદ કરીએ છીએ ત્યારે આપણે કશુંક આપીએ છીએ. નાણાં અથવા આપણી વગ અથવા આપણી ભલામણ અથવા આપણી કોઇ ચીજ. વાત આપવાની છે. આપવું એટલે ગુમાવવું એવું ગણિત ગણી શકાય. જયારે ભણતા હતા ત્યારે ટીચર પૂછતાં, ‘બોલ પિન્ટુ, તારી પાસે પાંચ ચોકલેટ છે અને તેમાંથી બે તુ તારા ભાઇને આપી દે તો કેટલી ચોકલેટ બચે?’ હકીકતમાં ત્યારે તમે ચોકલેટ ગુમાવતા હતા? ચોકલેટ આપ્યા પછીનો સંતોષ નાણામાં ગણી શકાય? ‘ત્યેન ત્યકતેન ભૂંજિથા:’ કાંઇ અમથું કહેવાયું છે? ત્યાગીને ભોગવી જાણો.

મદદરૂપ થવાના મેથેમેટિકને સામાન્ય ગણિતનાં સમીકરણો લાગુ પડતાં નથી. કદાચ ઊલટાં સમીકરણો તેનાં હોય છે. કોઇ વૃદ્ધને રસ્તો ક્રોસ કરાવી દો, કોઇ વિધાર્થીને યોગ્ય અભ્યાસક્રમમાં જવાનું માર્ગદર્શન આપો, કોઇ બીમાર અને ગરીબને સારવાર કરાવી આપો ત્યારે તમે ગુમાવતા નથી, મેળવો છો. આ વિષયમાં પાસ થવું હોય તો નાપાસ થવું પડે, કંઇક ગુમાવવું પડે, કંઇક જતું કરવુંપડે. એ નિષ્ફળતા નથી. એ તમને જીવનની પરીક્ષામાં પાસ કરે છે.

૩. બુરાઇની બાયોલોજી
બૂરું કરવામાં તમે માહેર હો, તેમાં ડિસ્ટિંકશન મેળવી લેતા હો તો તમે સફળ ગણાઓ ખરા? ના. બુરાઇની બાયોલોજીના આ વિષયમાં તો જેટલા ઓછા માકર્સ આવે એટલું સારું રિઝલ્ટ. ૩૫ માકર્સે પાસ થવાનું પણ આ વિષયમાં તો પરવડે તેમ નથી. એક વાકય હંમેશાં કહેવાય છે, કોઇનું ભલું ન કરી શકો તો વાંધો નહીં, કોઇનું બૂરું ન કરો. વાત સાચી છે, પણ અડધી જ સાચી છે. કોઇનું ભલું ન કરો તો વાંધો નહીં એવું કહેવું એ પલાયનવાદ છે, મઘ્યમ માર્ગ છે. ભલું કરવું જરૂરી છે. બૂરું ન કરવું આવશ્યક છે. સુસંસ્કત અને સભ્ય સમાજ ઇરછે છે કે બૂરુંન કરવું એ નિયમ હોવો જોઇએ. ગાંધીજીના બૂરું ન બોલતાં, બૂરું ન જોતાં અને બૂરું ન સાંભળતાં ત્રણ વાંદરા યાદ છે?

હવે તો ગાંધીજીના આ ત્રણ વાંદરા જાહેરમાં બહુ દેખાતા નથી. ધીમે ધીમે ખોવાઇ રહ્યા છે. એટલે જ, આ વિષયમાં નાપાસ થવું અત્યારના જમાનામાં અનિવાર્ય બની ગયું છે. જમાનો જેટલો વધુ ભૌતિકવાદી બને તેટલી આ જરૂરિયાત વધે છે. સ્પર્ધાના આ યુગમાં કોઇનું બૂરું કર્યા વગર ચાલી શકે? કોઇને મૂંડી નાખ્યા વગર અહીં મૂડી મળતી નથી. એવા જમાનામાં દરેક સફળ માણસ બીજાને મૂંડી નાખીને જ આગળ આવ્યો નથી. પરંતુ જે ખરેખર સફળ થાય છે તે અન્યનું ભલું કરીને આગળ આવ્યો હોય છે.

૪. ઇર્ષ્યાનું ઇકોનોમિકસ

એક એક માર્ક, એક એક પરસેન્ટ જયારે જિંદગીની દિશા બદલી નાખનાર ગણાવા માંડ્યો હોય, કરિયરમાં આગળ વધવા માટે જયારે ગળાકાપ સ્પર્ધામાંથી પસાર થવું પડતું હોય ત્યારે ઇર્ષ્યા સ્વાભાવિક છે. પણ, ઇર્ષ્યાના ઇકોનોમિકસનો વિષય એવો છે જેમાં વધુ માકર્સ મેળવનાર કદાચ ટૂંકા ગાળાનો લાભ મેળવી શકે, જીવનના સરવૈયામાં એ માકર્સની ઉધાર તરીકેની એન્ટ્રી પડે છે. ઇષ્ર્યા એવી ચીજ છે, જેને પેદા કરવામાં મહેનત કરવી પડતી નથી.

માણસની જે સૌથી પુરાતન વૃત્તિઓ છે તેમાં ઇષ્ર્યાનો સમાવેશ થાય છે. બે નાનાં બાળકમાં પણ એકબીજાની ઇર્ષ્યા હોય છે, જેને આપણે મીઠી ઇર્ષ્યા કહીએ છીએ. ધંધામાં, ઘરમાં, નોકરીમાં, અભ્યાસમાં, રમતમાં, દોસ્તીમાં ઇર્ષ્યા સામાન્ય છે. કોઇ બે પગથિયાં આગળ વધે ત્યાં તો ઇર્ષ્યાની આગ રૂંવે રૂંવે લાગી જાય. તેનું પરિણામ શું આવે? જે આગળ વઘ્યો છે તેનો ટાંટિયો ખેંચવાની વ્યૂહરચનામાં શકિત વપરાવા માંડે છે. આમાં તો ઝીરો માર્ક આવે તો પણ ખુશ થવું.

૫. ઇગોનો ઇતિહાસ

સુક્ષ્મથી સ્થૂળ સુધી અહમ્નું વિસ્તરણ બહુ જ વિશાળ છે. જીવનની પાઠશાળાના આ વિષયમાં પાસ થવું સહેલુ ંછે, નાપાસ થવું અત્યંત મુશ્કેલ. અહમ્માં ડિસ્ટિંકશન માકર્સ મેળવવામાં તો માનવીનું મન માહેર છે. જીવનમાં આ ઇગો ડગલેને પગલે આડખીલી બનતો રહે છે. અહમ્શૂન્ય બનવું તો મહાત્માઓ માટે પણ મુશ્કેલ છે. જાતને ઓગાળી નાખવી પડે. કોમ્પિટિશનના આ યુગમાં સેલ્ફ માર્કેટિંગ પણ જરૂરી છે, જયાં વાજબી હોય ત્યાં. તમારો અહમ્ હંમેશાં અન્યને આહત કરે છે. અહમ્ને સંપૂર્ણપણે જીતી ન શકો પણ, ઓછો તો જરૂર કરી શકો.

૬. કામચોરીની કેમિસ્ટ્રી

વર્ક ઇઝ વર્શિપ. આ વાકય લગભગ દરેક ઓફિસમાં ચિતરાયેલું જૉવા મળે. પણ, એ માત્ર દીવાલ પર ચિતરાયેલું રહી જાય છે. આલસ્ય મહાબલમ્. ઓછામાં ઓછું કામ કઇ રીતે કરી શકાય એના નુસખા સતત શોધી કાઢવામાં આવતા હોય છે. ખાસ કરીને સરકારી ઓફિસોમાં કામચોરી જયારે આદત બની જાય છે ત્યારે ખતરનાક બની જાય છે. આરામ અને આળસમાં બહુ મોટો ફરક છે. આરામ આવશ્યક છે, આળસ ત્યજય છે.

૭. ભયની ભૂમિતિ
ભય માનવીની આદિમ વૃત્તિઓમાંની એક છે. નિર્ભય માણસે પેદા કરવું પડે છે. ભયને જે અતિક્રમી જાય છે તે નીડર બને છે. નીડરતા અને દુ:સાહસમાં બહુ મોટો ફરક છે. સાહસ માણસને સફળ બનાવે છે, દુ:સાહસ નિષ્ફળતાની ખાઇમાં ધકેલી દે છે. મોડર્ન મેનેજમેન્ટ સાહસિકતાને બહુ જ મહત્ત્વ આપે છે.

ભય હોય ત્યાં જોખમ લઇ શકાતું નથી. જીવનમાં ગણતરીપૂર્વકનું જોખમ લીધા વગર સફળ થવાતું નથી. જૉખમ ઉઠાવવાથી ભય લાગતો હોય તો તેને ખંખેરી નાખો. ભય ચિંતા જન્માવે છે અને પલાયનવાદ નોતરે છે. એટલે ભયની ભૂમિતિમાં નાપાસ થવાનો પ્રયત્ન કરનાર જીવનમાં સફળતાનાં શિખરોને ચુંબન કરે છે.

આ સાત ફરજિયાત વિષયો ઉપરાંત પણ લોભ-લાલચ વગેરે ગૌણ વિષયો પણ છે જેમાં નાપાસ થશો તો જીવનની પાઠશાળામાં સફળ થવામાં વાંધો નહીં આવે. સો, બેસ્ટ ઓફ લક, નાપાસ થવા માટે.

No comments:

Post a Comment