August 21, 2010

જીવનસાથીને ‘હેન્ડલ’કરો છો કે તેની સાથે જીવો છો?

લગ્નજીવનમાં બે પ્રકારના લોકો છે.
એક મેનેજ કરે છે અને એવું માને છે કે પ્રેમ કરે છે
બીજા મેનેજ થાય છે અને એવું માને છે કે મેનેજ કરનાર પ્રેમ કરે છે... -બાબા રણછોડદાસ

આજે જ એક મજેદાર એસ.એમ.એસ. મળ્યો. એક પત્નીએ એના પતિને ભાવાવેશમાં આવી જઇ પૂછ્યું, ‘શાહજહાંએ મુમતાઝની યાદમાં તાજમહાલ બંધાવ્યો... કહો, હું મરી જઉં તો તમે શું બંધાવશો?’ જમવાની રાહ જોતા પતિએ તરત જવાબ આપ્યો. ‘ગોરધન મહારાજનું ટિફિન!’ પૃથ્વી ઉપર જે કેટલાક સનાતન અચરજ થઇ રહ્યા છે એમાંનું સૌથી ઇન્ટરેસ્ટિંગ અચરજ લગ્ન અને લગ્નજીવનમાં ભજવાઇ રહેલો ડ્રામા છે. કદાચ આપણને સોક્રેટીસ આદર્શ લાગે છે જે કહેતો, ‘ગમે તે થાય, પરણી તો જાવ જ... જો સારું પાત્ર મળશે તો સુખ આવશે, નહીંતર ફિલોસોફર તો બની જ જવાના!’ અને સમસ્યાની સમસ્યા એ છે કે આપણે પ્રેમમાં પડીએ છીએ વ્યક્તિત્વના અને જીવવું પડે છે વ્યક્તિ સાથે!

બાયરન જેવો કવિ કહી શકે, ‘મને વિશ્વાસ છે કે આપણે જીવનભર એ રીતે એકમેકને ચાહતા રહીશું કે જેમ પરણ્યા ન હોત તો પણ ચાહતા રહેત...’ બાયરને પણ ‘પણ’ મૂકીને વાત કરવી પડે એવી વાત છે આ. અને રેસ તો જુઓ! માય ગોડ..! લગ્નરૂપી ડ્રામાનું નિરીક્ષણ વશિ્ચની શ્રેષ્ઠ ટ્રેજી-કોમેડી છે. બે વ્યક્તિ સાથે રહી શકે, સતત સાથે રહી શકે, એક બીજાને પંપાળી શકે અને એ પણ જીવનભર... બાબા રણછોડદાસને તો આ વાતમાં જ કંઇક કાચું કપાતું હોય એવું લાગે છે!

ધર્મપુસ્તકો, ફિલોસોફીઓ, મનોવૈજ્ઞાનિકો કહી કહીને થાક્યા કે મનુષ્ય સ્વભાવ ચંચળ છે, સ્વાર્થી છે, અહંકારી છે, સ્વકેન્દ્રી છે. અરે જો મનુષ્ય ખરેખર આવો જ નિમૉયો છે તો એ બિચારાની વિસાત શું કે એ અન્ય વ્યક્તિ સાથે સ્વનું બલિદાન આપી, સ્થિર થઇ, અહંકારને નામશેષ કરી, સ્વના ગમા-અણગમાને દબાવી દઇ લાઇફટાઇમ એક વ્યક્તિની સાથે રહી શકે? ધ પોઇન્ટ ઇઝ, લગ્ન સંસ્થા અને સહજીવન મૂળમાં જ કુદરતી નિયમોથી વિરુદ્ધની વાત છે એ સમજતાં માનવજાતને હજી કેટલાં વરસ લાગશે?

લગ્ન કર્યા હતા કે મોજથી જીવીશું. સવારે રોમાન્સ, બપોરે મોબાઇલ થકી એસએમએસથી મજા કરીશું અને રાત્રે બાહોં મેં બાહેં ડાલકે જાલિમ જમાનેં કો ભૂલા દેંગે...મિત્રો આ તો કલાઇમેકસ છે જે ક્યારેક ક્યારેક આવે છે અને સતત આવે છે કલાઇમેકસ વિનાની એન્ટિ ક્લાઇમેક્સ! રાત્રે ટીવીનો થાક થકવી નાખે છે.

પિન્ટુ હોમવર્ક બરાબર કરતો નથી એનો થાક શ્રીમતીજીને લાગે છે અને શ્રીમતીજી આબાદ રીતે એ થાક તમારી ઉપર પાસ કરીને તમને થકવી નાખે છે અને છેલ્લે ધમ્મ કરી રિમોટ પછાડી ફડાફટ લાઇટો બંધ કરી આંખ મિંચી નાખવાની રાતો શરૂ થાય છે, અથવા તો વિશ્વ પ્રસિદ્ધ પુસ્તક ‘ગેમ્સ પીપલ પ્લે’ના મનોવૈજ્ઞાનિક લેખક એરિક બર્ન કહે છે એમ રમત કોઇ પણ હોય કે રમનાર કોઇ પણ હોય, એક બાબત કોમન મિનિમમ છે, અને એ છે બારણું પછાડવાનો અવાજ! હા, ક્યારેક ક્યારેક આમાં ચેન્જ આવી જાય છે જેને મારા પ્યારેલાલ, તમે પ્યારું પ્યારું લગ્નજીવન કહો છો. ક્યારેક ક્યારેક...ધ વર્ડ્ઝ આર ક્યારેક ક્યારેક.

જીવન મેં આયેં હૈ તો જીના હી પડેગા... શાદી કી હૈ તો નભિાની પડેગી... અને હવે શરૂ થાય છે ખૂબ જ દિલચસ્પ નજારો. મેનેજમેન્ટ ઘરમાં, સંબંધોમાં, બેડરૂમમાં કેટલી હદે ઘૂસી ગયું છે એ જોવું હોય તો ચંગુ-મંગુના લગ્નજીવનને બારીકાઇથી નિહાળવું. જે ઉત્સાહથી જીવનસાથી સાથે જીવવાનું શરૂ કર્યું હોય છે એના કરતા ઓછા ઉત્સાહ અને બમણી ચાલાકી અને હોંશિયારીથી શરૂ થાય છે જીવનસાથીને હેન્ડલ કરવાની રમત.

મિત્રો, તમારી ઓફિસને તમે મેનેજ કરો છો, હેન્ડલ કરો છો, ટેકલ કરો છો કંઇક એમ જ ટેકલ કરવા માંડો છો તમારા લગ્નજીવનને અને તમારા જીવનસાથીને. હવે પુખ્તતા વધવા માંડી છે, હવે જાણ થઇ ગઇ છે કે એને શું ગમે છે અને શું નથી ગમતું. હવે બુદ્ધિમાં આવી ગયું છે કે ક્યારે કઇ વાત કરવી અને ખાસ તો ક્યારે કોઇ વાત ન કરવી. હવે ત્વરિતતાને સ્થાને મન-બુદ્ધિ-વિચારનું સ્થાન છે. ‘ગેમ્સ પીપલ પ્લે’ના લેખક એરિક બર્ન તેમના પુસ્તકમાં આવી કેટલીક રમતો જે આપણે સહજીવનમાં રમીએ છીએ એની વાત કરે છે. આ રહી એક રમત.

પતિ ઓફિસમાં પૈસા ખર્ચીને લંચ લઇ શકે એમ હોય તો પણ પત્ની ટિફિનમાં રાતના વાળુંમાં વધેલી આઇટમોનો ઉપયોગ કરીને જે બનાવી આપશે એ લઇ જશે... એટલા માટે કે જો એ સ્વયં આવી બચત કરતો હોય તો ક્યા મોઢે પત્ની મોંઘા ઘરેણાંની માગણી કરશે! (ભલેને પછી ટિફિન જાય પટાવાળાના પેટમાં ને ભાઇ જમે હોટલમાં!) પત્નીને ખબર પડી જાય છે કે પતિદેવને કેમ રીઝવવા... અને મજાનો એન્ટિ કલાઇમેકસ એ છે કે જે પત્નીઓ પતિને હેન્ડલ કરી શકે છે તેઓ આદર્શ પત્નીઓમાં ગણના પામે છે, તેમજ હેન્ડલ ન કરી શકનાર કમભાગિનિઓની ઇષૉનું કારણ!

એટલે જ તો નવલકથાકાર બાલ્ઝાક એવી પત્નીઓને ‘જિનિયસ’ ગણતો જે ‘સારા પતિ બનાવી શકતી!’ અને જે પતિદેવો શ્રીમતીજીને ટેકલ કરી શકે છે એ અન્યની નજરમાં તો ઠીક સ્વયં ટેકલ થનારની નજરમાં પણ પરફેક્ટ લાગવા માંડે છે! અને આ આખી રમતને પરસ્પર પ્રત્યેના પ્રેમનું સુંદર નામ આપી દઇએ એટલે કફઠ ૯૦૦૧-૨૦૦૦નો સિક્કો મળી જાય!

નાઉ ઓવર ટુ યોર નેકસ્ટ કવેશ્વન: લગ્નજીવન સારી રીતે ‘હેન્ડલ’ કરી શકાતું હોય તો હેં બાબા રણછોડદાસ, તમને વાંધો શું છે? બિલકુલ વાંધો નથી. ‘હેન્ડલ’ ન કરી શકવાથી જીવનમાં જે કડવાશ સર્જાય છે એ કરતાં ‘હેન્ડલ’ કરી શકવાથી કડવાશ ઘટે જ છે... યસ રાઇટ, કડવાશ ઘટે છે, અને કડવાશ ઘટવી એટલે મધુરતા વધવી એવું તો નથી જ. નાઉ ઇટ્સ અ ટાઇમ ફોર અ ન્યુ કાઇન્ડ ઓફ રિલેશનશપિ... રિલેશનશપિ ઓફ એવોઇડન્સ... એકબીજાને સિફ્તપૂર્વક ટાળવાનો સંબંધ શરૂ થાય છે.

આઇ એમ ઓકે યુ આર ઓકે... પછી How to be a successful husband નાં પુસ્તકો ધ્યાનપૂર્વક વાંચો! અને હા, મૂળભૂત વાત તો કરવાની જ રહી ગઇ. ‘હેન્ડલ’ કરો છો તો એનો સીધો સાદો અર્થ એ જ થાય છે કે તમે એની જીવી તો રહ્યા નથી જ. સાથે જીવવું એટલે તો...જવા દો, તમને ખબર છે સાથે જીવવું એટલે શું! પેલું ક્યારેક ક્યારેક જે થાય છે એટલે સાથે રહેવું. માય ગોડ! માણસ કેટલો મૂરખ છે! ક્યારેક ક્યારેક સાથે રહેવાના આનંદ માટે હંમેશા હંમેશાનું બંધન? ખોટનો ધંધો છે ખોટનો, ગુજજુભાઇ!

સાલ્લી મજાની વાત તો એ છે કે આ ક્યારેક ક્યારેકવાળી મઝા લગ્ન સિવાયના સંબંધોમાં હંમેશા હંમેશા આવે છે! લગ્ન કરવા જોઇએ, ચોક્કસ કરવા જોઇએ અને તો જ ખબર પડે કે સાથે રહેવાની સાચી મઝા ક્યારેક ક્યારેક કેવી આવે છે! જબ હમ કંવારે થે તબ યે મઝા નહીં થી... કુંવારા હોઇએ છીએ ત્યારે જેટલી મઝા વિજાતીય સંબંધમાં નથી આવતી એના કરતા અબજોગણી મઝા લગ્ન પછી આવે છે અને પરણ્યા પછી ખબર પડે છે કે ન પરણવું એટલે શું!લગ્ન કરવાનું આ એક નક્કર કારણ તો છે જ બાબા રણછોડદાસ!‘

લાસ્ટ બટ નો ધ લીસ્ટ: ‘લગ્ન અને મોત બંનેનું સ્વાગત છે, એક સુખનું વચન આપે છે અને બીજું ચોક્કસપણે સુખ આપે છે.’ - માર્ક ટ્વેઇન

No comments:

Post a Comment