August 21, 2010

આવો પણ એક વૃદ્ધાશ્રમ હોય તો..

મને એક વાત સમજાઈ ગઈ છે કે વૃદ્ધોને પણ યંગ કંપની ગમે છે. બાળક સાથે બાળક થઈ જવામાં એમને મજા આવે છે.

વિદેશમાં સક્સેસફુલ બિઝનેસમેન તરીકે ઠરીઠામ થઈ ગયેલા મિત્રએ હમણાં ફોન કરીને કહ્યું, ‘મારા મૂળ વતનમાં એક વૃદ્ધાશ્રમ બતાવવાનો પ્લાન વિચાર્યો છે.’ સાંભળીને મારા મોઢામાંથી ‘વાહ’ને બદલે ‘ઓહ’ નીકળી ગયું. મનને લાખ મનાવું તોયે વૃદ્ધાશ્રમનો વિચાર મને નથી ગમતો.

અફકોર્સ, અનાથાશ્રમ અને હોસ્પિટલની જેમ જ વૃદ્ધાશ્રમ પણ એક સામાજિક જરૂરિયાત હોવાનું સ્વીકારું છું અને આ જરૂરિયાત માત્ર ‘કળિયુગ’ની નથી. આપણે જેને સતયુગ કે જુનો સારો જમાનો ગણાવીએ છીએ, ત્યાં પણ ગૃહસ્થાશ્રમ પછી વાનપ્રસ્થાશ્રમની અને છેલ્લે સન્યસ્તાશ્રમની પ્રથા હતી. સામાન્ય માણસ જ નહીં, રાજા-રાણી પણ ઘરડાં થાય એટલે બાળકોને ઘરબાર સોંપીને જંગલમાં જવાનું પસંદ કરતા. એ સમયે એમને આશરો આપતા ઋષિઓના આશ્રમ હતા.

હવે નથી એટલે શહેરની વચ્ચોવચ વૃદ્ધાશ્રમ બનાવવા પડે છે. ફાયદો એટલો કે જેમને પાછલી ઉંમરે સાચવવાવાળું કોઈ ન હોય, એ અહીં જઈ શકે. ઠીક છે, કદાચ વ્યવહારુ દ્રષ્ટિએ સારું છે. પણ તોયે ‘ગિવન એ ચોઇસ’ જેમ કોઈને ઘરડા થવું ન ગમે, તેમ કોઈને ઘરડાઘરમાં જવું પણ ગમે (આ મારી માન્યતા છે. ખોટી લાગે તો સુધારવાની છુટ છે). હવે ન ગમે એનાં અનેક કારણો હોઈ શકે.

મારી નજરે સહુથી મોટું કારણ જો કે વૃદ્ધાશ્રમ એટલે એવી જગ્યા કે જયાં ભલે બધી સગવડો હોય, પરંતુ સવારે આંખ ખોલો, ત્યાંથી માંડીને રાતે ગુડનાઇટ કહો ત્યાં સુધી ઘરડા, માંદા, અશકત માણસોને મોટેભાગે એમના જેવા જ લોકોની કંપની મળે. ભેગાં થાય ત્યારે કોઈ આર્થરાઈટીસની ફરિયાદ કરે તો કોઈ અનિદ્રાની. મકાનની લોબીમાં ટ્રાફિક જામ થાય તો માત્ર વ્હીલચેર્સનો. બધાં જાણે મોતની રાહ જોતા હોય. ત્યાં રહેનાર માણસ અરીસામાં જુએ કે બાજુમાં બસ, બુઢ્ઢા અને બીમાર ચહેરા જ દેખાય. માણસને ડિપ્રેશન આવી જાય. આવું જોઇજોઇને તો ઉંમર ઓર વધી જાય.

એવું નથી કહેતી કે વૃદ્ધોને જોવા સામે કોઇને વાંધો હોવો જોઇએ. મારા પરિવારમાં ઘણાં મોટી ઉંમરના વડીલો છે અને હું એમને બહુ પ્રેમ કરું છું. પરંતુ એમને જોઈજોઈને જ વર્ષો પહેલાં મને એક વાત સમજાઈ ગઈ કે વૃદ્ધોને પણ યંગ કંપની ગમે છે. બાળક સાથે બાળક થઈ જવામાં એમને મજા આવે છે. રાતે ભલે-સખત એસિડીટી થઈ જાય, પણ સાંજે પૌત્ર સાથે તીખી તમતમતી પાંઉભાજી ખાવાની કેવી મજા ઓ એ દાદાને પૂછજો! જોઇન્ટ ફેમિલીમાં રહેતી દાદીમા લેટેસ્ટ ફેશન ટ્રેન્ડથી વાકેફ રહે છે. ટૂંકમાં બાળકોની કંપનીમાં વડીલો મનથી યુવાન રહે છે. અને, એની અસર શરીર પર પણ દેખાય છે.

સ્કૂલનાં બાળકો વૃદ્ધાશ્રમની મુલાકાતે કોઇ કોઇવાર જાય, ત્યારે ત્યાંના માહોલમાં છવાઇ જતી ખુશી મેં જોઇ છે. મોટી ઉંમરે આવી નાની થોડા કલાકોની ખુશી પણ બહુ કિમતી હોય છે. સદ્નસીબે મારા એનઆરઆઈ મિત્ર આ સમજે છે. એટલે એમણે સ્પષ્ટતા કરી દીધી કે એમનો વૃïાશ્રમ બીજાથી અલગ હશે. ‘હું એવી જાતનું કોમ્પ્લેકસ બનાવીશ જયાં વચ્ચે ઓપન એર જિમ્નેશિયમ, બાળકો માટેનો ગાર્ડન હોય અને ફરતે વૃïોને રહેવા માટેના રૂમ્સ હોય. એ લોકો કદાચ ચાલી ન શકે તોયે વરંડામાં બેઠાં બેઠાં બચ્ચાઓને રમતાં, યુવાનોને કસરત કરતા જોઈ શકે, વાતાવરણમાં સવાર-સાંજ કલબલાટ હોય...’

સાંભળીને થોડું સારું લાગ્યું કે ચાલો, આ યુવાન, વૃદ્ધોની મેન્ટાલિટી સમજે છે. અમારા એરિયાની વાત કરું. વિશાળ મજાનો પાર્ક છે. જોગિંગ ટ્રેક નાનાંની સાથે મોટાં પણ બેસી શકે એવા હીંચકા, બેંચીસ બધુંય પહેલેથી હતું. પણ એક સ્થાનિક નેતાને વળી ઉત્સાહ આવ્યો તે પાર્કમાં અલગથી આજી-અજોબા ગાર્ડન બનાવ્યો. સિનિયર સિટિઝન્સ માટેના આ સ્પેશિયલ પાર્કને ફરતી વાડ અને અંદર જવા માટે નાનકડા ગેટ.

આ પાર્ક દેખાવમાં સુંદર છે પણ જોવાનું એ કે જુના પાર્કમાં વર્ષોથી નિયમિત આવતા દાદા-દાદીઓ તો હજી બહારના કોમન એરિયામાં જ બેસવાનું, ચાલવાનું, ટોળે મળીને ગપ્પા હાંકવાનું પસંદ કરે છે. ત્યાં રમતા બાળકો જેટલો જ ઘોંઘાટ આ વડીલો પણ કરે છે. બીજી તરફ એમના માટે ખાસ બનાવેલા આજી-આજોબા પાર્કમાં બધું સુમસામ લાગે. ત્યાં તો હીંચકા પણ અવાજ નથી કરતા. સો બોરિંગ! કદાચ એટલે જ ફનલવિંગ ઓલ્ડ ક્રાઉડ ત્યાંથી દૂર રહે છે.

રમૂજી વૃત્તિ ધરાવતા એક અંકલે મને કહેલું, ‘જોગિંગ કરતી છોકરીઓને જોઇને જ મારી હેલ્થ સારી રહે છે.’ મારા એનઆરઆઇ મિત્રના પ્લાન વિશે સાંભળીને આ અંકલે સજેશન આપ્યું, ‘એને કહેજે, ત્યાં એક બાર એન્ડ ડિસ્કો પણ બનાવે અને હા, બુઢ્ઢાઓને સ્મોકિંગની છુટ રાખજો.’

જો કે એનાથીયે સારું, અરે ગ્રેટ કહેવાય એવું સજેશન મારી નાનકડી ભત્રીજીએ આપ્યું, જેના પર તમે બધા વિચારજો. વૃદ્ધાશ્રમને અનાથાશ્રમની બાજુમાં કે સાથે જ બનાવીએ તો? અનાથ બચ્ચાંઓને દાદા-દાદી મળશે અને ઘરથી દૂર મોટાંઓને એકલું નહીં લાગે. કેવો લાગ્યો આઇડિયા ?

No comments:

Post a Comment