August 19, 2010

મોડર્ન ગાઈડ ટુ એરેન્જડ મેરેજ: નવા જમાનામાં જૂનો રિવાજ


તખતો ગોઠવાઈ ચૂક્યો છે. સૌ સજીધજીને બેઠા છે. ભારેખમ વાતચીતો અને થોડા થોડા સમયાંતરે છૂટાછવાયાં ફોર્મલ હાસ્યોના દોર ચાલી રહ્યા છે. વડીલોની વચ્ચે એક યુવાન થોડો ગંભીર થઈને બેઠો છે, ત્યાં એક યુવતી સજીધજીને ચા-કોફીની ટ્રે સાથે પ્રવેશે છે. થોડી વાર પછી યુવક અને યુવતી એક રૂમમાં એકાંતમાં વાત કરવા ભેગાં થાય છે અને ‘છેલ્લે કયું પિકચર જોયું’થી લઈને ‘તમને રસોઈ કરવી ફાવે’ કે ‘સંયુકત કુટુંબમાં રહેવું ગમે કે વિભક્તમાં’, જેવા સવાલોની આપ-લે થાય છે...

તમારી ધારણા સાચી છે. આ શાશ્વત સિચ્યુએશન ‘છોકરી જોવા જવાના’ પ્રસંગની છે! જો કે આજના મોટા ભાગના યુવાનો આ પ્રક્રિયાને ધિક્કારે છે. તો સામે પક્ષે માતાપિતાઓ બળાપો ઠાલવે છે કે ‘આજકાલ મા-બાપનું કામ આશીર્વાદ આપવાથી વિશેષ ક્યાં કશું રહ્યું જ છે?’

નવા મિલેનિયમમાં ‘ગોળધાણા’ અને ‘લવ ટ્રેન્ડ એરેન્જડ મેરેજ’

જીવનસાથીની પસંદગી જેવા જીવનના સૌથી મહત્વના નિર્ણયમાં વડીલો સંતાનોની મરજી પૂછતાં થયાં છે અને સંતાનો લવમેરેજ કરવામાં ‘થ્રિલ’ અનુભવતા હોવા છતાં અપવાદો બાદ કરતા આજની તારીખે પણ ‘એરેન્જડ મેરેજ’ની સંખ્યા વધારે છે. માતાપિતાઓ સંતાનની નજરમાં કોઈ પહેલેથી જ છે કે નહીં તે પૂછી લેતા હોય છે. બાકી મોટે ભાગે તેઓ પોતાના સંતાનનાં તમામ પાસાં સુપેરે જાણતાં હોય છે, એટલે જ પોતાની અનુભવી આંખે સંતાન માટે ‘સ્પાઉસ’ની શોધ કરે છે. એક ઠેકાણે આંખ ઠરે અને સંતાન મંજૂરી આપે પછી જ વાત ‘રૂપિયો નાળિયેર આપવા’ના તબક્કે પહોંચે છે, પરંતુ સંતાનોની વિમાસણ આ તબક્કે શેરબજારના આખલાની જેમ વધી જાય છે. ‘માય ટાઈપની ગર્લ’ અને ‘મારા સપનાંનો રાજકુમાર, ટોલ,ડાર્ક હેન્ડસમ’ પસંદ કઈ રીતે કરવો? મુલાકાતો વખતે તેને કયા સવાલો પૂછવા?

મને કેમ ખબર પડે કે બસ, યહી હૈ વોહ!

સૌથી શ્રેષ્ઠ રીત એ છે કે પહેલાં તો બી કલીયર કે તમને કેવા જીવનસાથીની તલાશ છે? મતલબ કે તમારી પ્રાયોરિટી નક્કી કરો. એક કાગળ લો અને તેમાં એક પછી એક મુદ્દાઓ નોટડાઉન કરતા જાઓ. જેમ કે તમે એલિજિબલ બેચલર યુવાન (ટૂંકમાં, મુરતિયા!) છો, તો તમારી પત્ની બનનારી છોકરીમાં તમે શું શું ઈરછો છો? મોટા ભાગના યુવાનોની પહેલી પસંદ બાહ્ય દેખાવ હોય છે અને કોઈ છોકરી પર પસંદ કે નાપસંદની મહોર મારવામાં તેઓ દેખાવને જ સૌથી પહેલાં આગળ ધરે છે. માન્યું કે લૂક મેટર્સ, પણ તે એકમાત્ર ક્રાઈટેરિયા ન હોવો જોઈએ. બ્યૂટી જોનારની આંખોમાં હોય છે તે કહેવત આજે પણ એટલી જ સાચી છે.

તેનું એજ્યુકેશનલ બેકગ્રાઉન્ડ, ફયુચર પ્લાન્સ શું છે? તમને નોકરી કરતી વહુ જોઈએ કે ઘરરખ્ખુ? નોકરી કરતી હશે તો તેને લઈને ભવિષ્યમાં કોઈ પ્રશ્નો ઊભા થાય તો તેને માટે તમે કે તમારો પરિવાર તૈયાર છો ખરા? તેનો સ્વભાવ, શોખ, વિચારો કેવા છે? સ્પાઉસની પ્રોફેશનલ લાઈફ અને તેની ડિમાન્ડ્સ વિશે જાણ્યા પછી બંને એ વિશે પૂરેપૂરાં તૈયાર છે ખરાં? તે મારા ફેમિલીમાં એડજસ્ટ થઈ શકશે? યુવતીઓ માટે પણ આ પ્રકારનું ચેકલિસ્ટ બનાવી શકાય. આવા જેટલા મુદ્દાઓ સુઝે તે નોટડાઉન કરીને તે વિશે કલીયર થઈ જાઓ. આ કવાયતમાં તમારી નજીકની વ્યક્તિની મદદ પણ લઈ શકાય. આનાથી ચોક્કસપણે તમારી શોધ ઘણી કલીયર બનશે. આમ છતાં, બની શકે કે તમને તમારું પરફેક્ટ મેચ ન મળે, પરંતુ સફળ લગ્નજીવનનું રહસ્ય પરફેક્ટ મેચ શોધવામાં નહીં પણ જે મેચ મળે તેને પરફેક્ટ બનાવવામાં રહેલું છે!

હસ્તમેળાપ પહેલાં મનમેળાપ

એકલદોકલ મિટિંગ્સમાં વ્યક્તિની ઓળખ થોડી થાય? સાચી વાત છે. તો પછી શું કરવું? અરે ભાઈ, આ કમ્યુનિકેશનની ક્રાંતિ કયે દા’ડે કામમાં આવશે! ફોન પર વાત કરો, ઈ-મેલ કરો, વાયા ઈન્ટરનેટ ચેટિંગ કરો. કારણ કે ઘણી વખત વ્યક્તિના વિચારો પ્રત્યક્ષ કરતાં પરોક્ષ રીતે વધુ ઈફેક્ટિવલી વ્યક્ત થતા હોય છે. સંકોચનાં બંધનો આવી પરોક્ષ મિટિંગ્સમાં નડતાં નથી. આ ઉપરાંત પર્સનલ મિટિંગ માટે પણ સગાંવહાલાંની ભીડથી દૂર કોફી શોપ જેવી કોઈ ન્યૂટ્રલ પ્લેસ પસંદ કરવી. એકબીજા પર છવાઈ જવાના પ્રયત્ન કરવા કરતાં જેવા છો, તેવા જ રહો. શરમના ઓઠા હેઠળ સંકોચાવાને બદલે ખૂલીને જે કંઈ પ્રશ્નો થાય તે પૂછી લો. કારણ કે ન પૂછવાના પરિણામો ભવિષ્યમાં પરેશાન કરી શકે છે. અને પ્લીઝ, સાચું બોલો! જૂઠના પાયા પર જીવનની ઈમારત ન ચણાય.

જન્મ કુંડળી V/S મેડિકલ ચેકઅપ

સ્પષ્ટ વાત છે કે મંગળનું નડતર દૂર થઈ શકે પરંતુ એચઆઈવી કે થેલેસેમિયાનું ‘નડતર’ દૂર કરવાની વિધિ હજુ સુધી શોધાઈ નથી, માટે યુવક અને યુવતી બંને લગ્ન પહેલાં પોતાનું મેડિકલ ચેકઅપ કરાવે તે આવશ્યક જ નહીં, બલકે અનિવાર્ય છે. કેમ કે ઘણી વખત વ્યક્તિ ખુદ થેલેસેમિયા જેવા રોગનો કેરિયર હોય તેની ખુદ તેને જ ખબર હોતી નથી. મેડિકલ ચેકઅપ કરાવવું ભવિષ્યમાં તેમનાં સંતાનો માટે પણ ફાયદાકારક નીવડે છે. પરંતુ મેડિકલ ચેકઅપની વાત આપણા સમાજ માટે હજુ પણ નવી છે અને આવી માગણીને શંકાની નજરે જોવામાં આવે છે, પરંતુ વાતની ગંભીરતા જણાયા બાદ મોટા ભાગના પરિવારો તેના માટે લીલી ઝંડી આપી જ દે છે.

છેવટે તો, ‘દિલ જો ભી કહે માને’!

‘આ તો મારા મમ્મી-પપ્પાનું માન્યું એટલે મને તું ભટકાઈ/ભટકાયો.’ આ પ્રકારના અત્યંત ગંદા સંવાદો બોલવા પડે એ પરિસ્થિતિ સર્જાવા જ ન દેવી હોય તો આખરી નિર્ણય તમારા મન પર છોડો. તમારો આત્મા જે કહે તે સાચું. મમ્મી-પપ્પા, મિત્રો, સગાં-સ્નેહીઓ ગમે તેટલાં અંગત હોવા છતાં લગ્ન છેવટે તમારે કરવાના છે. પડ્યું પાનું નિભાવવાનું નથી. લાઈફ અત્યંત સુંદર છે, તેને ભરપૂર એન્જોય કરવાની છે. શાંત ચિત્તે, કોઈનાયે દબાણમાં આવ્યા વિના નિર્ણય લો. અને હા, આધુનિકતા માત્ર પહેરવેશમાં જ નહીં, વિચારોમાં પણ દેખાવી જોઈએ. વિશ યુ ઓલ ધી બેસ્ટ!

No comments:

Post a Comment