August 20, 2010

છત્રી કે આકાશ જેવાં બની શકાય તો!


કોઇએ દગો દીધો કે કોઇ આપણી સાથે ખોટું બોલ્યું કે પીઠ પાછળ કંઇક બોલ્યું તો આપણાં લાગણીતંત્રને લોહીલુહાણ શા માટે થવા દેવું?

વરસાદની મોસમમાં કવિઓ પછી જૉ કોઇ સૌથી બિઝી થઇ જતું હોય તો તે છે છત્રી. માઘ્યમોમાં છત્રીનું સામ્રાજય છવાઇ જાય છે. જાહેરખબર લાઇફ ઇન્શ્યુરન્સની હોય કે એજયુકેશનલ ઇન્સ્ટિટયુટની, ચમકે છે રંગબેરંગી છત્રીઓ લઈને નીકળી પડેલી રૂપાળી છોકરીઓ, અને રસ્તા પર તો કાળી, સફેદ, લાલ, પીળી, વાદળી, લીલી, જાંબુડિયા, ગુલાબી ઇત્યાદી રંગબેરંગી છત્રીઓની જાણે શોભાયાત્રા નીકળી પડે છે!

આ ઊઘડેલી છત્રીઓનું સામ્રાજય જૉઉં ત્યારે એક વિચાર અચૂક આવે છે કે પોતાને શરણે આવેલા માટે છત્રી કેવી આગવી સ્પેસ ઊભી કરી આપે છે! રસ્તા પર ચાહે જેટલી પણ ભીડ હોય, છત્રી ઓઢીને ઊભેલી વ્યકિતની આસપાસ પોતાના વિસ્તાર જેવડા વર્તુળનો અવકાશ તો છત્રી રચી જ આપે. આજુબાજુ કે આગળપાછળ ઊભેલી વ્યકિતથી એટલું અંતર તો જળવાય જ! આપણું રક્ષણ કરે અને સાથે જ આપણી નિજી સ્પેસનું પણ નિર્માણ કરી આપે! છત્રછાયાની આ જ વિશિષ્ટતા છે!

થોડા દિવસ પહેલાં એક મિત્રનાં વૃદ્ધ માતાનું અવસાન થયું. મિત્ર ખૂબ જ ઉદાસ હતા અને તેમના હોઠ પર વારંવાર એક વાકય આવી જતું હતું - ‘અમારા માથેથી છત્તર ચાલ્યું ગયું, મા બેઠાં’તાં તો અમારી છત્રછાયા હતી.’ આમ તો આવા પ્રસંગે આવા શબ્દો ઔપચારિકપણે બોલાતા હોય છે, પણ તેમના કિસ્સામાં એ ઠાલા શબ્દો નહોતા. થોડા સમય પહેલાં જ તેમનાં માને મળવાનું બન્યું હતું. ઉમરને કારણે અનેક શારીરિક વ્યાધિના શિકાર બન્યાં હતાં છતાં એ જાજરમાન વૃદ્ધા પૌત્રની પ્રગતિના ઉજવણામાં સવારથી સાંજ સુધી પ્રસન્ન મુદ્રામાં બેઠાં હતાં ને મહેમાનોને પ્રેમથી મળતાં હતાં. પરિવારના સભ્યો આવા સ્નેહાળ વડીલની શીળી છત્રછાયા જરૂર અનુભવે.

છત્રછાયા. મને બહુ ગમે છે આ શબ્દ. વડીલોના સંદર્ભે એ પ્રયોજાય છે ત્યારે પણ તેમાં એક આગવી સ્પેસ અભિપ્રેત છે! જેમ કે ઘરમાં વડીલ બેઠા હોય તો અન્ય સભ્યોને વ્યવહારુ અને અન્ય સામાજિક જવાબદારીઓમાંથી એક પ્રકારની મુકિત મળી જાય છે. એ બધી બાબતો વડીલો સાચવી લે છે અને વડીલ જતાં અચાનક એ બધી માથે આવી પડે છે!

મને લાગે છે છત્રછાયા એ સકુનનો, એક સલામતીનો અહેસાસ છે, અને એ અહેસાસ કોઇ પણ વ્યકિત કોઇ પણ સંબંધમાં અનુભવી શકે પણ છત્રી જે પ્રકારે નિર્ભાર બની છત્રીધારકનું રક્ષણ કરે છે તેમ વ્યકિતની અંગત સ્પેસ પર આક્રમણ કયાô વગર પણ તેનું રક્ષણ કરે તેવા સ્વજનો કેટલા? આપણે કોઇ મિત્ર કે સ્વજનને જરૂરની પળોમાં મદદરૂપ થયા હોઇએ કે તેની જિંદગીની કટોકટીની કોઇ ક્ષણે તેનો હાથ પકડી તેને ઉગારી લીધા હોય એવું બને, પણ ત્યાર બાદ એની એ અંગત બાબત વિશે ખણખોદ કરીએ કે અન્યોની હાજરીમાં એ વિશે ચર્ચા કરી તેને એ બાબત વિશે સતત યાદ અપાવ્યા કરીએ તો તેની અંગત સ્પેસ ઉપર આક્રમણ કર્યું ગણાય. રક્ષણ આપ્યું કે મદદ કરી એટલે તેની જિંદગીના પ્રત્યેક નિર્ણયમાં માથું મારવાનો પરવાનો મળી જાય એવું નથી પણ ઘણી વાર આપણે આવી હરકત કરી બેસતાં હોઇએ છીએ. લાગે છે ત્યારે છત્રીને યાદ કરીને છત્રીધર્મ બજાવી લેવો જૉઇએ.

અરે, આ આકાશ જેવી છત્રી ધરતીને મળી છે પણ તે કયારેય ધરતીની આણ ઓળંગે છે? જાળવે છે ને રિસ્પેકટેબલ ડિસ્ટન્સ? અરે પ્રકૃતિમાં આ નિયમ કેટલો સુંદર અને સુગ્રથિતરૂપે પળાય છે! ધરતીમાં ઊંડે ધરબાઇ જતાં બીજ, એમાંથી અંકુરિત થતાં મૂળિયાં, મૂળિયાંમાંથી પાંગરતા છોડ, તેનાં પાન-ડાળખી, ફળ-ફૂલ-આ બધાં એકમેકને પોષતાં રહે છે પણ પોતપોતાને સ્થાને રહીને, અંતર જાળવીને. મૂળિયાંની ગતિ જમીન ભણી ને વૃક્ષની આકાશ તરફ! દેખીતી રીતે તો બન્ને વિરુદ્ધ દિશાની પણ અંતરથી તો એક જ-ઊગવા ભણીની!

સંબંધમાં ગમે તેટલી નિકટતા હોય તો પણ સામી વ્યકિતની અંગત સ્પેસનો આદર કરી રિસ્પેકટેબલ ડિસ્ટન્સ જાળવવાનું આકાશ પાસેથી શીખવાનું છે. પ્રકòતિ પાસેથી શીખવાનું છે. નસીબદાર છે એ લોકો જે સંબંધોમાં આવું આદરપૂર્ણ અંતર જાળવી શકે છે, જે પોતે ખુલ્લાંપણાંમાં શ્વસે છે અને આત્મીયજનોને પણ મોકળાશમાં ઊગવા-મહોરવાની મોકળાશ બક્ષે છે. છત્રી જેવી સખી કે આકાશ જેવો દોસ્ત બનવું એ સંબંધોની સૃષ્ટિમાં અવ્વલ દરજજૉ હાંસલ કરવા જેવું લક્ષ્ય છે તેમ નથી લાગતું?

છેલ્લે એક વિચાર આવે છે! મનને ધેરી વળતાં આડાઅવળા વિચારોનાં ટોળાંમાં અટવાઇએ ત્યારે નક્કી કરેલા લક્ષ્ય ઉપર ઘ્યાન કેન્દ્રિત કરવા માટે પણ ફોકસ નામની છત્રી ખોલી નાખીએ તો? યાદ કરો કેટલીય વાર એવું બન્યું હશે કે કોઇ કામ કે ઘ્યાન કરવા બેસીએ અને એ કરતાં કરતાં જ અનાયાસ મનમાં તો કોઇ બીજી જ, અનાપ-સનાપ વિચારોની ધમાચકડી શરૂ થઇ જાય. એનો સ્કેન કર્યોહોય તો મોડર્ન આર્ટની અફલાતૂન કલાકòતિ નીપજી શકે! કલ્પના કરો એ બધી ધમાચકડી અને કોલાહલ પેલી ફોકસ-છત્રીની બહાર જ અટકી જાય અને આપણું ઘ્યાન માત્ર નક્કી કરેલા કામ ઉપર જ સો-પ્રતિશત હોય તો કેટલો બધો સમય અને શકિત બચી જાય! ઉત્પાદનશીલતા કેટલી વધી જાય!

આ જ રીતે લાગણીઓ-સંવેદનાઓની દુનિયાને સંતુલિત રાખવા પણ આવી એક સલામત-અંતરની છત્રી ઘણી ઉપયોગી બની શકે. કોઇએ દગો દીધો કે કોઇ આપણી સાથે ખોટું બોલ્યું કે પીઠ પાછળ કંઇક બોલ્યું તો આપણાં લાગણીતંત્રને લોહીલુહાણ શા માટે થવા દેવું? એક સલામતી-છત્રીનો દાયરો બનાવી દેવાનો, જેની સીમા ઓળંગીને આવી દુ:ખદાયી લાગણીઓ આપણી નિકટ પહોંચી જ ન શકે! એ છત્રીની આણ વર્તે તો કેટલાં બધાં દુ:ખ-દર્દ ને અણખપની પીડાઓથી બચી જવાય!

પણ હા, સ્વિચ કે બટન સહેલાઇથી ન દબાય અને વરસાદમાં ભીંજાતા છત્રી ખોલવાની કુસ્તી કરતા લોકોને જૉયા છે ને! આ ફોકસ છત્રીનુંય એવું છે. એટલે શકય છે વિચારોનાં ઝાપટાંમાં કદાચ થોડું ભીંજાવું પડે, છત્રી ખોલવા થોડી કુસ્તી કરવી પડે, પણ પછી ખૂલી જશે... જસ્ટ ટ્રાય... કીપ ઓન ટ્રાઇંગ.

No comments:

Post a Comment