August 20, 2010

માણસે સજેઁલો ઇશ્વર!

ઇશ્વરને મામલે દલા તરવાડીવેડા કરવા જેવા નથી. આપણે ઇશ્વરને પૂછીએ અને એ જો જવાબ આપે તો સમજવું કે પૂછનાર પણ દલો છે અને જવાબ આપનાર પણ દલો જ છે.

અંગત ઇશ્વરની વાત ચાલી રહી છે. સાચું પૂછો તો ઇશ્વર હંમેશાં અંગત જ હોય છે, કારણ કે આપણે જેને માનીએ છીએ, પૂજીએ છીએ એ આપણી કલ્પનાનો ઇશ્વર છે. કોઈએ સાચું કહ્યું છે: ઇશ્વરે માણસ બનાવ્યો એ વાતે શંકા કરી શકાય, પણ માણસે ઇશ્વર બનાવ્યો એ નિ:શંક સચ્ચાઈ છે. અસલમાં ઇશ્વર કેવો છે એ વિશે કોઈ કશું જાણતું નથી, જાણી શકે પણ નહીં. અલબત્ત, ઘણા લોકો વિશે એવું કહેવાતું હોય છે કે એમને ઇશ્વરનો સાક્ષાત્કાર થઈ ચૂકયો છે. ઠીક છે, એ એમની ‘અંગત સિદ્ધિ’ ગણીએ તો પણ, કોઈ ટીપું જ્યારે એમ કહે કે મને મહાસાગરનો સાક્ષાત્કાર થઈ ગયો છે ત્યારે એનો અર્થ એવો નથી કે ટીપું આખા મહાસાગરને જાણી ચૂક્યું છે. ટીપું બહુ બહુ તો એટલું કહી શકે કે ‘હું મહાસાગરનો અંશ છું તેની મને જાણ થઈ ગઈ છે.’ સાક્ષાત્કાર-બ્રહ્નજ્ઞાન-બોધજિ્ઞાન-ઇશ્વરપ્રાપ્તિ આ બધાનો અર્થ એટલો જ થઈ શકે કે ‘હું ફક્ત ‘હું’ નથી, પણ દિવ્ય ચેતનાનો અંશ છું તેની મને અનુભૂતિ થઈ છે.’ અહીં સુધી વાત સમજી શકાય. પણ ટચૂકડું ટીપું ઊઠીને એવો દાવો કરે કે ‘સાગર કેવડો છે, કેવો છે, એમાં કેવાં તોફાનો આવે છે, કિનારે કેવાં મોજાં ઊછળે છે... આ બધું જ હું જાણું છું’, તો સમજવું કે ટીપું ગપ્પાં મારી રહ્યું છે.

ખેર, સાગરને જાણવાના દાવા તો મોટા જ્ઞાનીઓ જ કરતા હોય છે. આપણી વાત ચાલી રહી હતી સામાન્ય માણસની. આપણે ઇશ્વરને આપણો અંગત દોસ્ત બનાવીએ ત્યારે કઈ કઈ વાતોનું ધ્યાન રાખવું તેની ચર્ચા ચાલી રહી હતી. ઇશ્વરને અંગત મિત્ર બનાવવાથી ઘણી રાહત, ઘણા લાભ મેળવી શકાય, પણ ઇશ્વરને મિત્ર બનાવતી વખતે આપણું પોતાનું ખેપાની મન પોતે જ ઇશ્વરનું રૂપ ધરીને આપણી સામે હાજર થઈ જાય એ વાતે ખાસ ચેતવું. નહીંતર મામલો ક્યાંક દલા તરવાડી જેવો થઈ જાય. દલો પૂછે: ‘રિંગણાં લઉં બે ચાર?’ પછી દલો જ જવાબ આપે: ‘લે ને યાર, દસ-બાર.’ આવું જ અંગત ઇશ્વરના મામલે થઈ શકે. ઇશ્વરને ખાસમ્ખાસ દોસ્ત બનાવ્યા પછી આપણે એને પૂછીએ: ‘બોસ, ભાજપને મત આપું કે કોંગ્રેસને?’ તો જવાબમાં આપણો ઇશ્વર એ જ કહેશે, જે આપણું મન એ જ કહેતું હોય છે.’

આપણી અંદર અંતરાત્મા નામની એક ચીજ હોય છે, જે આપણને કશુંક ખોટું કરતી વખતે રોકતી-ટોકતી હોય છે. તો શું અંતરાત્માને ઇશ્વર ગણીને એની સાથે ગાઢ મૈત્રી કેળવવા જેવી ખરી? હા, આવું કરી તો શકાય, પરંતુ એમાં પણ થોડી સાવધાની જરૂરી છે. પહેલી વાત એ કે છેવટે તો અંતરાત્માનો અવાજ પણ હજારો વર્ષના વારસાનું જ પરિણામ છે. લાંચ ન લેવાય, ખૂન ન કરાય, વ્યભિચાર ન કરાય, આવી બધી હકીકતમાં તો સમાજે હજારો વર્ષથી સ્વીકારેલી નૈતિકતાના આપણને લોહીમાં મળેલા સંસ્કારો જ હોય છે. છતાં અંતરાત્માને ઇશ્વર ગણી લેવામાં થોડું જોખમ છે. જેમ કે, આતંકવાદીનો અંતરાત્મા કહેશે: ‘અલ્લા ખાતર જીવ લેવો અને શહીદ થવું એ પવિત્ર કામ છે.’ આવા અંતરાત્માને ઇશ્વરનું લેબલ ન આપી શકાય. એમ તો સોનિયા ગાંધીને પણ અંતરાત્માએ કહેલું: ‘નથી બનવું વડાંપ્રધાન’. તો શું એ ઇશ્વરનો અવાજ હતો? ના, એ સોનિયા ગાંધીનો અંગત અવાજ હતો. એમાં કદાચ એવી ગણતરી પણ હોઈ શકે કે વડાપ્રધાન બનવા કરતાં સત્તા ત્યાગવામાં વધુ લાભ છે. ટૂંકમાં, અસલી-નકલી અંતરાત્માને પણ ઇશ્વરનો દરજજો આપવામાં જોખમ છે. આપણું જ ચાલાક મન પોતે જ ઇશ્વરનો રોલ ભજવવા લાગે અને આપણને ઉલ્લુ બનાવવા લાગે.

તો શું કરવું?

આ સમસ્યા જેટલી પેચીદી છે, એટલો જ એનો સરળ ઇલાજ વિચારી શકાય. ઇલાજ એ છે કે જેમ અસલમાં, તેમ કલ્પનામાં પણ, ઇશ્વર મૌન હોવો જોઈએ. તો પછી એ સવાલ પેદા થાય કે જો મારો અંગત ઇશ્વર બોલવાનો જ ન હોય તો પછી એની સાથેની મૈત્રીથી શો ફાયદો? અને જે બોલે જ નહીં, તેની સાથે ગાઢ મૈત્રી કઈ રીતે થઈ શકે? એક માણસ બોલ્યા કરે અને બીજો બોલે જ નહીં તો એમાં સંવાદ ક્યાં આવ્યો?
ના, રોંગ. કાલ્પનિક ગાઢ મિત્ર તરીકે મૌન ઇશ્વર પણ આપણને જબરી હૂંફ અને મજબૂત સુરક્ષાની અનુભૂતિ કરાવી શકે. કઈ રીતે? વિચારી જુઓ.

No comments:

Post a Comment