August 18, 2010

જેવું જાગો, એવું ઊંઘો


નિદ્રાથી એમ ચમકીને જાગી ગયા છો આપ, મારા ઉપરથી જાણે ભરોસો ઊઠી ગયો !
‘નઝીર’ ભાતરી


રાતની ઊંઘનો આધાર તમે દિવસે કેવું જાગ્યા છો તેના પર નિર્ભર છે. આપણી રાત ઉપર આપણા દિવસનો પડછાયો પડતો રહે છે. જે દિવસે જાગતો નથી તેની રાત જાગરણ બની જાય છે. ઉચાટભર્યા જાગરણનું રણ અફાટ છે. જાણે આંખો ઉપર રેતીનો એક દરિયો જામી જાય છે અને સજજડ થઈ ગયેલી પાંપણો બંધ થવાનું ભૂલી જાય છે.

ઊંઘની ગોળીઓ, ઘેનનાં ઈન્જેકશન કે આલ્કોહોલની અસર કદાચ થોડીવાર સુષુપ્ત કરી દે પણ એ ઊંઘમાં હળવાશ હોતી નથી. ભારે થઈ ગયેલાં પોપચાંનો ભાર દિલ પર વર્તાતો રહે છે.રાત કાળી ચુંદડી ઓઢીને આવે છે, પણ જો આપણો દિવસ તેજોમય ન ગયો હોય તો કાળી અને અંધારી રાત કારમી બની જાય છે. પથારી આપણને તરફડતા રાખે છે. રાતે આંખ ઊંઘતી હોય તો પણ નજર જાગતી રહે છે.

રાતે સૂઈ જઈએ પછી નજર આપણાં દિલ, દિમાગ, ભૂતકાળ અને વીતેલા દિવસ પર ચક્કર મારે છે અને પછી એક સપનું બની આંખમાં દ્રશ્યો સર્જે છે. નજરની સફર જેવી હોય એવું જ સપનું આવે. રાત બહિામણી જાય તો સમજવું કે આપણે દિવસ વીતાવવામાં ક્યાંક ભૂલ કરી છે. જે પોતાની જાગૃત અવસ્થાને છેતરે છે, તેને ઊંઘ ઉજાગરાનો દંડ કરે છે. પડખાં છોલાઇ જાય તો પણ પાંપણ પાપને ભૂલવા દેતી નથી.

ઊંઘ ઉપરનો કાબુ તમે ગુમાવી દીધો હોય તો સમજવું કે દિવસની અને જાગૃત અવસ્થાની કમાન આપણા હાથમાંથી છટકી ગઈ છે. જે કમાનને માન આપતો નથી તેને ગતિ અને અધોગતિનું ભાન રહેતું નથી. જે સાનમાં સમજતો નથી તેના નસીબમાં અપમાન જ હોય છે. રાત નબળી જાય ત્યારે આપણે દિવસનું અપમાન કર્યું હોય છે. જે દિવસે સભાન હોય છે તેને જ રાત સન્માન આપે છે. પથારી બધા પાસે હોય છે પણ ઊંઘ બધાને એક્સરખી આવતી નથી.

આપણે ત્યાં એક કહેવત છે કે, પથારી ફરી ગઈ. પથારી તો જ્યાં હોય ત્યાં જ હોય છે, આપણી ઊંઘ ફરી જતી હોય છે. તમે કેવા પથારા કર્યા છે તેના ઉપર તમારી પથારીનો આઘાર છે. જે દિવસની ક્ષણોમાં ફૂલો પાથરતો નથી તેને રાતની પળોમાં કાંટા ખૂંચતા રહે છે. રાતના ઉંહકારામાં દિવસ કણસતો હોય છે.

દિવસ દીવા જેવો હોય એની જ રાત રિળયામણી હોય છે. જેનો દિવસ જ અંધારા જેવો હોય એની રાત ગભરામણી હોય છે. દિન તો ગુઝર જાતા હૈ, કમબખ્ત રાત નહીં ગુઝરતી. ઊંઘ ન આવે ત્યારે ક્ષણો પણ લાંબી થઈ જતી હોય છે. ઊંઘ આવી જાય ત્યારે ખબર ન પડે એ રીતે કલાકો પસાર થઈ જાય છે અને જાગતાં પડ્યા હોય ત્યારે એક-એક મિનિટ યુગો જેવી લાગે છે. રાત એ તો દિવસનું પરિણામ છે, બહુ ઓછા લોકો તેમાં ફુલ્લી પાસ થતાં હોય છે.

બાળકને ઊંઘવા માટે મહેનત નથી કરવી પડતી. બાળક રમતું રમતું ઊંઘી જાય છે. તેની રાતમાં દિવસનો ભાર હોતો નથી. બાળક ઊંઘમાં પણ હસતું હોય છે. મોટા થઈ ગયા પછી કેટલાં લોકો ઊંઘમાં હસતાં હોય છે? મોટા થતાં જઈએ એમ ઝબકીને જાગી જવાની ઘટનાઓ વધતી જાય છે. કેટલાંક લોકો ઊંઘમાં દાંત કચકચાવતા હોય છે. આખા દિવસનો કચવાટ રાતે ઊંઘમાં જુદી જુદી રીતે બહાર આવતો રહે છે.

આપણે સૂતા હોઈએ ત્યારે પણ આપણા શ્વાસ જાગતા રહે છે. ઊંઘમાં ચહેરા પર શાંતિ હોવી જોઈએ પણ જો જાગતી વખતે ચહેરા પર શાંતિ રહી ન હોય તો રાત પણ અશાંતિ ઓઢીને આવે છે. જેના દિલને હામ નથી એની ઊંઘ હરામ થઈ જાય છે. એક માણસ સાધુ પાસે ગયો. તેણે કહ્યું કે મને રાતે ઊંઘ નથી આવતી, ડર લાગે છે. સાધુએ કહ્યું કે તારા દિવસમાંથી ડર કાઢી નાખ એટલે રાત આપોઆપ ભય વગરની થઈ જશે. ઊંઘ એટલે શરીરના અંગોનો સંયમ.

કેટલાંક લોકોની સવાર જ થાક સાથે ઊગે છે. ઊઠે ત્યારે જ મન અને શરીર ભારેખમ હોય છે. આખી રાત જાણે એ રાત સાથે લડ્યો હોય છે. કેવું છે? સવારે ઉઠવા માટે પ્રયત્ન કરવો પડતો નથી. ઊંઘ પૂરી થાય એટલે આંખ આપોઆપ ખુલી જાય છે. માણસે ઊંઘવા માટે પ્રયત્ન કરવો પડે છે. ઊંઘ પણ ઊઠવા જેટલી જ સહજ હોવી જોઈએ. તમારી રાત કેવી ગઈ છે તેની નિશાનીઓ સવારે ચહેરા પર સવારે હોય છે. કેટલાંકને જોઈને આપણાંથી પૂછાઈ જાય છે કે, કેમ રાતે ઊંઘ નથી આવી? બહુ ઓછા લોકો એમ પૂછે છે કે, રાતે ઊંઘ કેમ નથી આવી? રાતે ઊંઘ ન આવે ત્યારે તમે તમારી જાતને ઊંઘ ન આવવાનું કારણ પૂછ્યું છે? આપણે જ દોષી હોઈએ ત્યારે આપણે આપણી સામે ફરિયાદ કરવાનું ટાળતાં રહીએ છીએ. પોતાની જાતને જ આરોપીના પાંજરામાં ખડી કરવી બહુ આકરી છે. જ્યારે માણસ પોતે જ જજ હોય અને પોતે જ અપરાધી હોય ત્યારે ન્યાય તોળવો સૌથી અઘરો હોય છે.

આખો દિવસ દિલ અને દિમાગમાં તમે જે રોપો છો એ રાતે ઊંઘમાં ઉગી નીકળે છે. રાતે ખરાબ સપનું આવે ત્યારે ઘણાં લોકો પૂછે છે કે સૂતી વખતે શું વિચારો કરતો હતો? સપનામાં પણ ભય, ડર, સંકોચ, શંકા, ગુસ્સો પ્રગટ થતાં રહે છે. તમને કેવા સપના આવે છે તેના પરથી તમારી પ્રકૃતિ અને પ્રવૃત્તિનો પણ આછોપાતળો તાગ મળી આવે છે.

એક માણસ મનોચિકિત્સક પાસે ગયો. તેણે કહ્યું કે, મને સતત ભય લાગે છે કે હું રાતે સૂઈશ અને મરી જઈશ તો? મનોચિકિત્સકે કહ્યું કે, તું દિવસે જીવતો રહે તો રાતે મરી નહીં જાય. રાત પણ જીવતી હોવી જોઈએ. મીઠી ઊંઘ એટલે જીવતી રાત. તમારી રાતમાં કેટલું જીવન છે એ તમને કેવી ઊંઘ આવી છે તેના પરથી છતું થાય છે. બધા લોકો દિવસના જીવનની ચતા કરે છે, પણ બહુ ઓછા લોકો રાતના જીવનની ચિંતા કરતાં હોય છે. જીવન એટલે જીવવા જેવું વન. જીવ વગરનું જીવન જીવતું હોય તો પણ મરેલા જેવું જ હોય છે.
ઊંઘ ન આવતી હોય તો ગોળીઓ લેવાની જરૂર હોતી નથી, દિલને સાફ કરવાની જરૂર હોય છે.

દિલ કોમળ હોય તો જ પથારી સુંવાળી લાગે છે. દેવ અને દાનવ આપણામાં જ હોય છે. આપણે દાનવ જેવું જીવતા હોઈએ તો દેવ જેવી ઊંઘ ન આવે. જે સારું જાગતો નથી તેની પાસેથી ઊંઘ ભાગતી રહે છે. ઊંઘ માટે મન શાંત હોવું જોઈએ. જો મન શાંત ન હોય તો શરીર વલખાં જ મારે. છેલ્લે માત્ર એટલું જ કહેવું છે કે, તમારે સારું સૂવું છે? તો સારું જાગો.

છેલ્લો સીન: અંત:કરણ એ અંદરનો એવો અવાજ છે જે ચેતવણી આપતો રહે છે કે કોઈક જોઈ રહ્યું છે.
- એચ. એલ. મેનકેન

No comments:

Post a Comment