August 18, 2010
ભારતનું આગવું બ્રાઉઝર: એપિક
હમણાં રૂપિયાનો સિમ્બોલ અપનાવીને ભારતે કરન્સીનો સિમ્બોલ ધરાવતા દેશોની યાદીમાં સ્થાન મેળવ્યું, તેમ સાયબરજગતમાં પણ એક સરસ પહેલ સાથે, ભારતે પોતાનું આગવું બ્રાઉઝર પણ મેળવ્યું છે. બ્રાઉઝર એટલે શું એવો સવાલ મોટા ભાગના લોકોને તો નહીં જ થયો હોય, જેમને થયો હોય તેમના માટે આટલી સ્પષ્ટતા: બ્રાઉઝર એટલે આપણે ઇન્ટરનેટ જેની મદદથી સર્ફ કરી શકીએ તે સોફ્ટવેર. થોડા સમય પહેલાં આખી દુનિયામાં માત્ર ઇન્ટરનેટ એક્સપ્લોરર (આઇઇ)ની જ બોલબાલા હતી, મોઝિલા ફાયરફોક્સ અને ગૂગલ ક્રોમ આવતાં લોકોને ખબર પડી કે ઇન્ટરનેટ બીજા કોઈ સોફ્ટવેરથી પણ સર્ફ કરી શકાય ખરું!
હવે એમાં એક નામ ઉમેરાયું છે એપિક બ્રાઉઝરનું, જે ભારતનું પોતાનું, ખાસ ભારતીયો માટે વિકસાવેલું બ્રાઉઝર છે! આમ તો આ બ્રાઉઝર મોઝિલા ફાયરફોકસ આધારિત જ છે, એટલે ફાયરફોકસની મોટા ભાગની ખૂબીઓ તેમાં છે, ઉપરાંત એમાં આપણને ભારતીયોને કામ લાગે એવી કેટકેટલીય ખૂબીઓ ઉમેરવામાં આવી છે. જેમ કે આમાં તમે વિવિધ ભારતીય ભાષાઓમાં સહેલાઈથી લખી શકો છે તમે કહેશો કે એવું તો બીજાં બ્રાઉઝરમાં પણ શક્ય છે! વાત સાચી, પણ આમાં ખૂબી એ છે કે તમે એપિકમાં કોઈ પણ વેબસાઇટ કે બ્લોગ જોતા હો અને તેમાં તમારી કમેન્ટ ઉમેરવા માગતા હો તો કમેન્ટ બોક્સની ઉપર જમણે ખૂણે એક નાનકડું ડ્રોપડાઉન મેનુ જોવા મળશે, તેમાં તમે ગુજરાતી સિલેકટ કરી લો અને પછી અંગ્રેજીમાં લખશો એટલે લખાશે ગુજરાતીમાં! (આ કમાલ ગૂગલ ટ્રાન્સલિટરેશનની જ છે, પણ એપિકમાં એનો સ્માર્ટ ઉપયોગ કરાયો છે). તમારે બીજી કોઈ જગ્યાએ જઈ, ગુજરાતીમાં લખીને કોપી-પેસ્ટ કરવાની કડાકૂટ જ નહીં.
એવી રીતે, એપિકમાં ૧૫૦૦થી વધુ ઇન્ડિયન થીમ છે. www.epicbrowser. com પર જઈને એપિક ડાઉનલોડ કરી, ઇન્સ્ટોલ કરી લો અને પછી એનો ઉપયોગ ચાલુ કરો - સ્ટાન્ડર્ડ થીમ છે મસ્ત મજાનો મોર! અચ્છા, તો હવે આ બ્રાઉઝરમાં શું શું ખાસ છે, જે બીજામાં નથી કે સહેલાઇથી મળતું નથી એ જાણીએ. બ્રાઉઝરમાં ડાબી બાજુએ જુદા જુદા આઇકન્સની આખી હારમાળા આપી છે. પહેલો જ આઇકન છે ઇન્ડિયાનો. એના પર ક્લિક કરશો એટલે એક કોલમ ખૂલશે જેમાં જુદી જુદી ભારતીય સાઇટ્સના અપડેટ્સ જોવા મળશે.
ન્યૂઝ, હિન્દીમાં સમાચાર, ક્રિકેટ, શેરબજાર, લાઇવ ટીવી, મ્યુઝિક, વગેરે વગેરે કેટકેટલુંય, અને બધું જ ભારતીય! બીજો આઇકન છે ઇન્ડિકનો એટલે કે ભારતીય ભાષાઓનો. ઇચ્છો તો અહીં તમારી ભાષામાં લખીને કોપી-પેસ્ટ કરો અથવા ઇન્ડિક ટ્રોપડાઉનનો ઓપ્શન ઇનેબલ રાખો તો દરેક વેબપેજ પર ટેક્સ્ટબોક્સમાં ઉપર સમજાવ્યા મુજબ ભારતીય ભાષામાં લખવાનો વિકલ્પ માઉસવગો રહેશે.
એપિકની વધુ એક ખાસિયત એ છે કે તેમાં એન્ટિવાયરસ પ્રોગ્રામ ઇનબિલ્ટ છે, ઉપરાંત માઇક્રોસોફ્ટ વર્ડ જેવું જ વર્ડ પ્રોસેસર પણ ઇનબિલ્ટ છે! અહીં લખીને ફાઇલ તમારા કમ્પ્યૂટરમાં સેવ કરી શકો. આ સિવાય, ફેસબુક, ટ્વીટર, ઓર્કૂટ, જીમેઇલ, યાહૂ વગેરે વગેરેના બુકમાર્ક્સ પણ છે, જે એપિકની અલગ કોલમમાં ઓપન થાય છે એટલે એક તરફ ટ્વીટર ઓપન રાખીને બીજી તરફ તમે વિવિધ સાઇટ્સ સર્ફ કરી શકો. એપિકની એક મજા તેની બેકઅપ યુટિલિટીમાં છે. તમે જીમેઇલ એકાઉન્ટનો ઉપયોગ કરીને તમારા કમ્પ્યૂટરની ફાઇલનો ઓનલાઇન બેકઅપ રાખી શકો છો, ગમે ત્યાંથી એક્સેસ કરી શકો. એપિક માટેની એપ્લિકેશન્સનો વિભાગ ખાસ જોજો, તેમાં ઘણી ઉપયોગી કરામતો છે.
અલબત્ત, એપિકમાં અત્યારે ગૂગલ ટૂલબાર જેવા ટૂલબાર ઉપયોગમાં લઈ શકાતા નથી અને મોઝિલાના કેટલાક એડઓન પણ ચાલતા નથી. જો કે આ સગવડ ઉમેરાતાં વાર નહીં લાગે. તમને વિવિધ ટૂલબારમાં ખાસ રસ ન હોય, અને ભારતીય સાઇટ્સમાં સર્ફિંગમાં વધુ રસ હોય, તો એપિક અપનાવી લો, ચોક્કસ મજા પડશે!
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment