August 18, 2010

સુખ-દુ:ખ માણસના હાથની વાત છે?


આપણું બધું જ છીનવાઈ શકે, પણ કેવા સંજોગોમાં કેવો પ્રતિભાવ આપવો એ નક્કી કરવાની આપણી આઝાદી, સ્વતંત્રતા, અધિકાર કોઈ ન છીનવી શકે. વિક્ટર ફ્રેન્કલની લોગોથેરપી શીખવે છે કે પોતે દુ:ખી હોવા બદલ બીજાઓનો, સંજોગોનો વાંક કાઢશો નહીં.

લાખ રૂપિયાનો સવાલ: સુખ-દુ:ખ આપણા હાથમાં છે કે નહીં? તમે શું કહો છો? મનોવિજ્ઞાની વિક્ટર ફ્રેન્કલ કહે છે: સુખ-દુ:ખ આપણા જ હાથમાં છે. હા, એ ખરું કે પરિસ્થિતિ આપણા હાથમાં નથી હોતી, સંજોગો પર આપણો કાબૂ નથી હોતો. જેમ કે, મમ્મી-પપ્પા તરીકે નીતા-મુકેશ અંબાણી મળશે કે ઝૂંપડપટ્ટીમાં રહેતાં ચંપાબહેન-જીવાભાઈ મળશે એ નક્કી કરવાનો અધિકાર બાળકને નથી હોતો. વડીલો પ્રેમાળ હશે કે હિટલર જેવા, ભણતર ભારે લાગશે કે હળવું, વર વિલન જેવો હશે કે વીરલો, વહુ વઢકણી હશે કે વહાલભરી, બોસ રાવણ જેવો હશે કે રામ જેવો, આકરી ગરમીમાં આપણે ઝટ ચીમળાઇ જઇશું કે સ્ફૂર્તિ જાળવી શકીશું, આપણને કેન્સર થશે કે નહીં થાય, આવી અસંખ્ય બાબતો પર આપણો ભાગ્યે જ કંટ્રોલ હોય છે.

છતાં, માની લો કે આપણે ખરાબમાં ખરાબ સિચ્યુએશનમાં મુકાઇએ તો પણ, વિક્ટરનું કહેવું છે કે ગમે તેવી પરિસ્થિતિમાં પ્રતિભાવ કેવો આપવો એ નક્કી કરવાનો અધિકાર તો આપણી જ પાસે રહે છે. આપણી પાસે જે કંઈ છે તે બધું જ છીનવાઈ શકે, પણ કેવા સંજોગોમાં કેવો પ્રતિભાવ આપવો એ નક્કી કરવાની આપણી આઝાદી, સ્વતંત્રતા, અધિકાર કોઈ ન છીનવી શકે. ટૂંકમાં, વિક્ટરની લોગોથેરપી માણસને એ શીખવે છે કે વાતે વાતે બહાના કાઢશો નહીં, પોતે દુ:ખી હોવા બદલ બીજાઓનો, સંજોગોનો વાંક કાઢશો નહીં. એ હિસાબે લોગોથેરપી થોડી કારેલા જેવી છે: આમ કડવી, પણ આમ ગુણકારી.

અહીં કોઈ એવી દલીલ કરી શકે કે બોસ, ઊંચી ઊંચી વાતો કહેવી સહેલી છે. મારી જેમ, માથે દુ:ખનો પહાડ તૂટી પડ્યો હોય ત્યારે ભલભલો ભાંગી પડે. એ તો જેના પર વીતી હોય તે જ જાણે. આવી દલીલ કરનારને જાણે પહેલેથી જ ચૂપ કરી દેવાના મૂડમાં હોય એ રીતે, વિક્ટર ફ્રેન્કલે પોતાના પુસ્તક ‘મેન્સ સર્ચ ફોર મીનિંગ’ની શરૂઆત જ નાઝીઓના કોન્સન્ટ્રેશન કેમ્પની વાતોથી કરી. મોટા ભાગનું પુસ્તક કોન્સન્ટ્રેશન કેમ્પમાંની યાતનાઓ વિશે જ છે. એવી યાતનાઓ તો માનવજાતે કદાચ આજ સુધીમાં ક્યારેય નથી ભોગવી. વિક્ટર શરૂઆત જ વેદનાના સૌથી વરવા સ્વરૂપથી કરે છે. એટલે ‘મારું દુ:ખ ભારે મોટું, મારી વેદના તો એવરેસ્ટ પહાડ જેવડી...’ આવાં બધાં બહાનાં-દલીલને તો જાણે કોઈ અવકાશ જ નથી રહેવા દીધો વિક્ટરે.

સવાલ છે જીવનમાં સાર્થકતા શોધવાનો. કોન્સન્ટ્રેશન કેમ્પની આકરી જિંદગી જવા દઈએ, આપણે મારા-તમારા જેવા સામાન્ય માણસની સામાન્ય વાત કરીએ. અગાઉના લેખમાં નોંધ્યું તેમ, સંતાનોનું સુખ, પરિવારનું હિત, કોઈ અર્થસભર કાર્ય, તકદીર સામે લડી લેવાનો જુસ્સો... આવી બધી વાતો જીવનને વધુ સાર્થક બનાવે છે. બસ, આમ જુઓ તો આખી ચોપડીમાં આટલી જ વાત છે. પણ વેદના, ગરીબી, એકલતા, બીમારી, સંબંધોની દગાબાજી, વૃદ્ધાવસ્થા, બીમારી... આ બધી મોકાણો વખતે જીવનમાં સાર્થકતા કઈ રીતે શોધવી? આ માટે, વિક્ટરે જીવનની ત્રણ મુખ્ય ટ્રેજેડી-વેદના, ગિલ્ટ અને મોતની વાત લખી છે. આ ત્રણ છતાં જિંદગીને દિલ ફાડીને ચાહી શકાય છે. કઈ રીતે? આ રીતે.

પહેલી ટ્રેજેડી, વેદના. આમાં બધું આવી જાય: મુસીબતો, ગરીબી, તકલીફો, પીડા, બીમારી, બૂઢાપો... આ બધી વેદનાઓ છે. આમ જુઓ તો આખો પશ્ચિમનો સમાજ વેદનાને પૂજે છે. ખ્રિસ્તી-યહૂદી-ઈસ્લામ અને ઇવન જૈન ધર્મમાં વેદના, પીડા, ઉપવાસ, તપ વગેરેનું ઊંચું મહત્વ છે. ટૂંકમાં, વેદના જાણે ઇશ્વર સુધી પહોંચવાનો હાઈ-વે હોય એવો અભિગમ પશ્ચિમમાં જોવા મળે છે. વિક્ટર પણ એ જ સમાજનો હિસ્સો છે. છતાં, એ શક્ય તેટલો સંયમ દાખવીને લખે છે કે સામે ચાલીને વેદનાને નહીં આવકારો તો ચાલશે (પેટ ચોળીને પીડા ઊભી કરવાની જરૂર નથી), પણ કમસે કમ જે વેદના પરાણે આવી પડે તેને તો વધાવીએ જ.

કારણ કે વેદનાનો કોઈ અર્થ હોય છે. એ આપણને ઘડે છે. એ આપણને મજબૂત બનાવવા માટે આપણા જીવનમાં આવે છે. જીવનમાં વેદના શા માટે આવી છે એ જવાબ જો જડી જાય તો વેદના સહ્ય બની જાય છે. સરવાળે, વેદનાને શાપને બદલે આશીર્વાદ તરીકે જોવાની કળા આવડી જાય તો કુછ બાત બને. લોગોથેરપી એ કળા શીખવે છે. તમારા જીવનમાં કોઈ પણ તકલીફ હોય તો એ વિચારવું કે એમાં ‘લાભ’ શું છે? એમાં ‘મારા ટકા કેટલા છે?’ વિક્ટર ખાતરીપૂર્વક કહે છે કે વેદનામાં લાભ હોય જ છે. બસ, એ લાભ શોધવો પડે, મગજ ચલાવવું પડે, મહેનત કરવી પડે. તો કરો એવી મહેનત. આ છે વિક્ટરના શબ્દો: ‘વેદનાને વેઠી જાણવી એને જીવનની સિદ્ધિ બનાવો.’ મતલબ કે પીડાને પડકાર ગણવી. પીડા જાણે એવરેસ્ટ હોય એમ એને સર કરીને સર એડમન્ડ હિલેરી હોવાનો આનંદ અનુભવો.

બીજી ટ્રેજેડી, ગિલ્ટ એટલે કે કશુંક ખોટું કર્યાની, ગુનાની લાગણી. હું ફરેલ મગજનો છું અને મગજ શાંત રાખી શકતો નથી... હું ડાયેટિંગ કરી શકતી નથી... મારે લાંચ ન લેવી જોઈએ... આવાં બધાં ગિલ્ટ આપણને વત્તેઓ છે અંશે કનડ-કનડ કરતાં હોય છે. વિક્ટર કહે છે કે આવી કનડગત સારી છે. આ ગિલ્ટ એક તક છે, જાતને સુધારવાની. આપણે કશું ખોટું કરી રહ્યા હોઈએ ત્યારે આપોઆપ હૃદયમાં અવાજ ઊઠતો હોય છે કે ભાઈ, આ ઠીક નથી થઈ રહ્યું. આ અવાજને ધ્યાનથી સાંભળો. ગિલ્ટની એક શક્તિ છે. એ શક્તિના જોરે મર્યાદાને ઓળંગો, એવો ઉપદેશ છે વિક્ટરનો. ત્રીજી ટ્રેજેડી, મોત. આ બહુ મોટી ટ્રેજેડી છે.

તમે કંઈ પણ કરો, સ્વામી વિવેકાનંદ બનો કે છોકરીને છેડનારા પેલા મૂછાળા પોલીસ અધિકારી રાઠોડ બનો, સરવાળે ગુજરી જ જવાનું છે. મતલબ કે કશું ટકતું નથી. તો પછી, જે કંઈ થોડોઘણો સમય આ પૃથ્વી પર આપણે છીએ એ દરમિયાન સારામાં સારું કામ જ શા માટે ન કરવું? સોચ લો, આપણે ટકવાના નથી, આપણું નામ પણ પાંચ-દસ કે સો-બસો વર્ષથી વધુ ટકવાનું નથી, તો આ સતત બદલાતી દુનિયામાં જે થોડો સમય આપણા ફાળે આવ્યો છે એ સમયમાં કશું ખરાબ કરવાને બદલે સારામાં સારું કામ જ શા માટે ન કરવું? બેફામ-બેજવાબદાર બનીને જીવવાને બદલે જવાબદારીપૂર્વક, સારી રીતે જીવનનાં વર્ષો શા માટે ન પસાર કરવા? તો, આમ વાત છે. વિક્ટર કહે છે જીવન એકદમ અર્થપૂર્ણ, અર્થસભર ઘટના છે. એને નકામું, અમસ્તું, બે ઘડી ટાઇમપાસ ન ગણો.

ઉપરવાળો તમને જીવાડે છે મતલબ કે તમારા જીવનની કોઈ ઉપયોગિતા છે, સાર્થકતા છે. પેલું અત્યંત જાણીતું પુસ્તક ‘જોનાથન લિવિંગ્સ્ટન સીગલ’ લખનાર રિચાર્ડ બાકે એક અન્ય ચોપડી લખેલી - ‘ઇલ્યુઝન્સ’. એમાં આવું એક સૂત્ર વાંચ્યું હોવાનું યાદ છે: ‘આ પૃથ્વી પર તમારું અવતારકાર્ય પૂરું થયું છે કે નહીં એ જાણવા માટેનો એક સાદો ટેસ્ટ છે. જો તમે હયાત છો, તો સમજી લો કે તમારું કામ પૂરું નથી થયું.’ સાવ જ ટૂંકમાં - જીવમાત્ર સાર્થક છે, જીવનમાત્ર સાર્થક છે.

આ વાત જો સમજાઇ જાય, તો બેડો પાર છે.આ છે સંદેશો વિક્ટરનો: આશાવાદી બનો, ફરિયાદી ન બનો, જિંદગી કેટલી અર્થસભર-મૂલ્યસભર-રસસભર-આનંદસભર એ સમજો અને લો પ્રતજિ્ઞા કે કોઈ પણ સ્થિતિમાં, સુખમાં-દુ:ખમાં-હર હાલમાં જિંદગીને હું છલોછલ મહોબ્બત કરીશ. તો, આ સાથે વિક્ટર ફ્રેન્કલના પુસ્તક ‘મેન્સ સર્ચ ફોર મીનિંગ’ની ચર્ચા અહીં પૂરી કરીએ. ચર્ચાના અંતે એટલી આશા રાખું છું કે મૂળ પુસ્તક વાંચીને તમે એમાં વધું ઊંડાં ઊતરશો. કારણ કે કવિ કહી ગયા છે: માંહે પડ્યા તે મહાસુખ માણે

No comments:

Post a Comment