August 18, 2010
માણસ સ્માર્ટ-કમ-ભોટ હોઈ શકે?
આ કાચાકુંવારા છોકરાને અમારા ગામમાં આવ્યા પછી બાપનું વ્યભિચારી જીવન જોઈને ભારે આઘાત લાગવો જોઈતો હતો, પણ એવું કશું ન થયું.
અધ બ્રધર્સ કારામાઝોવ-૬
અત્યાર સુધીમાં આપણે એટલું જાણ્યું કે એક બાપના ત્રણ દીકરા નાનપણથી જ દૂર દૂર ફંગોળાઈને જુવાનીમાં પોતાને ગામ બાપ પાસે આવ્યા. મોટો મિત્યા આવ્યો લેણાં નીકળતા પૈસા લેવા. વચલો ઇવાન આવ્યો ભેદી કારણસર. અને નાનો અલ્યોશા -નવલકથાનો હીરો- આવ્યો પોતાની માતાની કબર જોવા. મા મરી ગઈ ત્યારે અલ્યોશાએ હજુ તો ત્રણ જ વર્ષ પૂરાં કરેલાં, પણ એક વાર મમ્મી એને છાતી સાથે ભીડીને મૂર્તિ સામે બેઠી બેઠી જોરથી રડતી હતી અને ચીસો પાડતી હતી એ ર્દશ્ય અલ્યોશાના મન પર પથ્થર કી લકીરની જેમ અંકાઈ ગયેલું. પછી દોસ્તોયેવસ્કી લખે છે...
***
તો, મમ્મીનો એ વખતનો આવેશયુકત છતાં સુંદર ચહેરો અલ્યોશાના દિલોદિમાગમાં બરાબર જડાઈ ગયેલો. બસ, પછી મમ્મી મૃત્યુ પામી. એટલે અલ્યોશા અને મોટો ભાઈ ઇવાન પહેલા ઘરનોકર ગ્રેગરી પાસે, પછી મમ્મીને ઉછેરનાર માથાફરેલ વૃદ્ધા પાસે અને એ વૃદ્ધાના અવસાન બાદ તેના વારસદાર પોલેનોવ પાસે ઉછર્યા. મોટો ઇવાન નાની ઉંમરથી જ એ વાતે ખતરનાક રીતે સભાન હતો કે એ બન્ને ભાઈઓ અજાણ્યા લોકોના ‘ફંડ-ફાળા’ના આધારે જીવી રહ્યા છે. પણ અલ્યોશાને એવું ક્યારેય ન લાગ્યું. નાનપણથી અલ્યોશાના મનમાં ‘મારા પૈસા-બીજાના પૈસા’ એવો ભેદભાવ ક્યારેય જાગ્યો જ નહીં. એનું કામકાજ બહુ સીધું હતું.
એના હાથમાં ભૂલેચૂકે ચિક્કાર પૈસા આવી જાય તો એ આખી રકમ કોઈ સારા કામમાં આપી દે કે પછી કોઈ લુચ્ચો-લબાડ આવીને એ પૈસા માગે તો એને પણ આપી દે એવો નિલેgપ હતો અલ્યોશા. પણ એ ડોબો નહોતો. એની બુદ્ધિ તીક્ષ્ણ હતી. કલાસમાં એનું સ્થાન ટોચના વિદ્યાર્થીઓમાં રહેતું. એ બધું સમજતો અને બહુ વિચારતો. વિચારોમાં એ એવો ડૂબી જતો કે આસપાસની દુનિયા ભૂલી જતો. એને આશ્રય આપનાર પોલેનોવ ગુજરી ગયા ત્યારે અલ્યોશાનું ભણતર હજુ બાકી હતું. પતિના મોતથી પોલેનોવની વિધવા એટલી ઉદાસ થઈ ગઈ કે એ સ્થાનફેર માટે પોતાની દીકરીઓને લઈને ઇટાલીની લાંબી યાત્રા પર નીકળી પડી. એ વખતે અલ્યોશાનો મોટો ભાઈ ઇવાન તો ભણવા માટે મોસ્કો જતો રહેલો. બાકી બચ્યો અલ્યોશા.
એટલે પોલેનોવની વિધવા પોતાની દૂરની બે સંબંધી મહિલાઓને ત્યાં અલ્યોશાને મુકતી ગઈ. અલ્યોશાને આમ પણ ક્યાંય અજાણ્યું લાગતું નહીં. એટલે એ તો બે અજાણી મહિલાઓ સાથે તરત હળીભળી ગયો. પછી જ્યારે સ્કૂલનું ભણતર પૂરું કરવાને એકાદ જ વર્ષની વાર હતી ત્યારે એણે અભ્યાસ પડતો મુકીને પિતા પાસે જવાનું નક્કી કર્યું. પેલી મહિલાઓ અલ્યોશાની એટલી હેવાઈ થઈ ગયેલી કે એમને અલ્યોશાને ગુમાવવાનું ગમ્યું નહીં. એમણે અલ્યોશાને બહુ સમજાવ્યો, છતાં એ પોતાના નિર્ણયને વળગી રહ્યો.
પિતાના ગામ સુધીની યાત્રાના પૈસા ઊભા કરવા માટે અલ્યોશાએ આમ તો પોલેનોવે ભેટમાં આપેલી ઘડિયાળ ગીરવે રાખવાનું નક્કી કરેલું, પણ પેલી મહિલાઓએ ઊલટાના એને પૂરતા પૈસા આપવા ઉપરાંત સરસ મજાનાં કપડાં પણ કરાવી આપ્યાં. જો કે, અલ્યોશાએ યાત્રાખર્ચ માટેના પૈસામાંથી અડધા પાછા આપી દીધા. મહિલાઓ એ પૈસા પાછી લેવા નહોતી માગતી. છેવટે અલ્યોશાએ એમને ખાતરી કરાવી: ‘મને થર્ડ કલાસમાં મુસાફરી કરવાનું વધુ ગમે છે.
ખરેખર.’ છેવટે માંડ મહિલાઓએ અડધા પૈસા પાછા લીધા.અલ્યોશાના ‘આર્થિક વહીવટ’ વિશે પીટરે (અલ્યોશાના સાવકા મોટા ભાઈ મિત્યાના મામાએ) એક વાર રસપ્રદ વાત કહેલી: ‘આ અલ્યોશાને એક શહેરમાં લાખો અજાણ્યા લોકો વચ્ચે મોકલી દેવામાં આવે તો પણ એ ક્યારેય ભૂખ્યો કે બેઘર નહીં રહે. કોઈ ને કોઈ એને આશરો આપશે જ. અને આપમેળે કોઈ મદદ કરવા આગળ ન આવે તો અલ્યોશા સામે ચાલીને લોકો પાસેથી ખપ પૂરતું સહજ ભાવે મેળવી લેશે. એવું કરવામાં એને સહેજ પણ તકલીફ નહીં પડે. સામેવાળાને પણ એવું નહીં લાગે કે આ માણસ માથે પડી રહ્યો છે.
ઊલટાનું, અલ્યોશાને મદદરૂપ થવામાં લોકો રાજીપો અનુભવશે.’આવો અલગારી અલ્યોશા થર્ડ કલાસમાં મુસાફરી કરીને છેવટે પહોંચ્યો અમારે ગામ. ૧૯ વર્ષનો દીકરો ૧૬ વર્ષ બાદ આમ અચાનક પાછો આવ્યો ત્યારે શંકાશીલ પિતા ફ્યોદોરે તરત પકડી પાડ્યું કે આ છોકરો આમ ભલે બહુ ઓછું બોલે છે, પણ એના મગજની અંદર સતત કંઈક ચાલતું હોય છે. જો કે બે અઠવાડિયામાં, ફકત બે જ અઠવાડિયામાં ફ્યોદોરના દિલમાં અલ્યોશા પ્રત્યે એકદમ પ્રામાણિક પ્રેમ પ્રગટ્યો. એ વાતે વાતે દીકરાને ભેટવા-ચુમવા લાગ્યો. દીકરા પ્રત્યે જાગેલી લાગણી ખુદ ફ્યોદોરને નવાઈ પમાડે તેવી હતી. ફ્યોદોરે પોતે એવું ક્યારેય નહોતું વિચારેલું કે જીવનમાં એ ક્યારેય કોઈ વ્યક્તિને આવી રીતે સાચા દિલથી પસંદ કરશે.
માત્ર ફ્યોદોરને જ નહીં, અલ્યોશા સૌને ગમી જતો એનું મહત્વનું કારણ આ હતું: સૌને એક વાત આપોઆપ સમજાઈ જતી કે અલ્યોશા એમને વખોડશે તો નહીં જ. અલ્યોશાનો સ્વભાવ જ એવો હતો કે લોકો વિશે ચુકાદા આપવાનું એને ગમતું નહીં. ચાહે ગમે તે થઈ જાય, એ કોઈની ટીકા ન કરતો. લોકોનું ભલભલું વર્તન એને વિચલિત ન કરી શકતું. તે એટલી હદે કે આ કાચાકુંવારા છોકરાને અમારા ગામમાં આવ્યા પછી બાપનું વ્યભિચારી જીવન જોઈને ભારે આઘાત લાગવો જોઈતો હતો, પણ એવું કશું ન થયું. એણે પિતાની ‘વિશેષતાઓ’ જોઈ-જાણી, પણ એ કશું બોલ્યો નહીં. એવું નહોતું કે એનામાં સંવેદના જ નહોતી. ના, એ અંદરખાને ઉદાસ તો થઈ જતો, પણ પછી પિતાની ‘લીલા’ જ્યારે હદ વટાવતી ત્યારે એ ચૂપચાપ ઘરની બહાર જતો રહેતો.
ફ્યોદોરે અલ્યોશાને અનેક વાર ફેરવી-ફેરવીને પૂછ્યું કે અધૂરું ભણતર છોડીને એ શા માટે અચાનક આવી ચઢÛો. અલ્યોશા જવાબ આપવાને બદલે પોતાના વિચારોમાં ડૂબી જતો. છેવટે, કોઈ રીતે ફ્યોદોરને એટલું સમજાઈ ગયું કે દીકરો એની મમ્મી સોફિયાની કબર જોવા આવ્યો હતો. વાત તો સાચી હતી. અલ્યોશાએ પોતે પણ સ્વીકાર્યું કે એ મમ્મીની કબર જોવા માગતો હતો. પણ મને લાગે છે કે એ વખતે ખુદ અલ્યોશા પણ એ વાત પૂરેપૂરી નહોતી સમજી શક્યો કે મામલો ફકત મમ્મીની કબરનો જ નહોતો. અસલમાં, જીવનનો એક નવો, અજાણ્યો અને અનિવાર્ય પ્રવાહ એને ખેંચી રહ્યો હતો.
ખેર, સોફિયાને કબરમાં ઊતારવામાં આવી ત્યાર પછી ફ્યોદોર તો જાણે સોફિયાને અને એની કબરને સાવ ભૂલી જ ગયેલો. આમ પણ, સોફિયાના મોતનાં ત્રણ-ચાર વર્ષ પછી ફ્યોદોર પોતે અમારું ગામ છોડીને દક્ષિણ રશિયા જતો રહેલો અને પછી, અલ્યોશા અમારા ગામમાં આવ્યો એના ત્રણેક વર્ષ પહેલાં જ ફ્યોદોર પાછો ફરેલો. એને તો સોફિયાને ક્યાં દફનાવી એ જ યાદ નહોતું. હા, નોકર ગ્રેગરીને કબર વિશે બરાબર ખબર હતી. એણે અલ્યોશાને માની કબર દેખાડી. કબર પાસે પહોંચીને અલ્યોશાએ કોઈ પ્રતિક્રિયા ન દેખાડી. એ થોડી વાર માથું નમાવીને કબર સામે ઊભો રહ્યો અને ચૂપચાપ પાછો ફર્યો.
માની કબર જોયાના થોડા જ સમય બાદ અલ્યોશાએ પિતાને કહ્યું: ‘હું મઠમાં જોડાવા માગું છું અને મઠના સાધુઓ પણ મને ચેલા તરીકે સ્વીકારવા તૈયાર છે.’અગાઉ મેં તમને કહ્યું તેમ, અમારા ગામની બાજુમાં એક વિખ્યાત મઠ હતો. ખાસ તો, ત્યાંના ફાધર ઝોસિમાની ખ્યાતિ દૂર દૂર સુધી ફેલાયેલી. અમારે ગામ આવ્યા પછી અલ્યોશા ઘણી વાર એ મઠમાં જતો. ફાધર ઝોસિમા એને એટલા બધા ગમી ગયા કે માણસ પહેલા પ્રેમમાં જેવી તીવ્ર લાગણી અનુભવે એટલી ઉત્કટતા અલ્યોશાએ ફાધર ઝોસિમા પ્રત્યે અનુભવી.
આમ તો અલ્યોશાએ અગાઉ ક્યારેય મઠમાં જોડાવાનું વિચારેલું નહીં. આ તો, ફાધર ઝોસિમા મળી ગયા એટલે ખૂબ વિચાર્યા બાદ અલ્યોશા એવા તારણ પર પહોંચ્યો કે આ જાલિમ અને અંધારી દુનિયામાંથી છુટીને પ્રેમ અને પ્રકાશ તરફ આગળ વધવું હોય તો આ એક માર્ગ છે: સાધુ ઝોસિમા સાથે જોડાઈ જવું... મઠમાં ચેલા બની જવું
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment