August 18, 2010

હોકી ખરેખર આપણી ‘રાષ્ટ્રીય રમત’ છે!


વચ્ચે તો એવીય ચર્ચા ચાલી હતી કે હોકીને બદલે આપણે ક્રિકેટને જ રાષ્ટ્રીય રમત બનાવી દેવી જોઇએ. ૧૫મી ઓગસ્ટે આપણી આઝાદી દિન મનાવીશું પણ જેને આપણે રાષ્ટ્રીય રમતનો દરજજો આપ્યો છે એ હોકીને આપણે બાબુશાહી અને રાજકારણમાંથી ક્યારે સ્વતંત્રતા આપીશું?

૮૩ વર્ષનાં વિદ્યા સ્ટોક્સ હોકી ઇન્ડિયાનાં પ્રેસિડન્ટ બન્યાં. એ સમાચારના ગણતરીના કલાકો પછી સરકારે હોકી ઇન્ડિયાની જ માન્યતા રદ કરી નાખી. મહિલા હોકી સાથે વર્ષોથી સંકળાયેલા અને હિમાચલના રાજકારણમાં ગળાડૂબ કોંગ્રેસી એવાં વિદ્યાબહેન તમામ કાવાદાવા કરીને પ્રમુખ તો બન્યાં પણ ચોવીસ કલાક પૂરા થાય એ પહેલાં તો હોકી ઇન્ડિયા નામની ‘ખાનગી’ સંસ્થાનો જ ભારત સરકારે છેદ ઊડાડી દીધો.

વિદ્યાબહેનની સામે ચૂંટણીમાં કોણ ઊભું હતું તે જાણો છો? ભારતીય હોકી ટીમના ભૂતપૂર્વ કપ્તાન એવા ૪૪ વર્ષના પરગટસિંહ વિદ્યા સ્ટોકસનાં રાજકારણના સ્ટ્રોકથી હારી ગયા. બીસીસીઆઇની ચૂંટણીમાં સચિન તેંડુલકર હારી જાય અને સચિન પાઇલોટ કે સુપ્રિયા શૂલે જીતી જાય એના જેવું. હોકીનું રાજકારણ ક્રિકેટના રાજકારણથી કમ નથી. ફરક માત્ર એટલો છે કે હોકીમાં ક્રિકેટ જેટલા પૈસા નથી.

પાવર અને પૈસા વિનાની ભારતીય હોકી ટીમનો એક સમયે ડંકો વાગતો હતો. હોકીનો હંમેશાં ભૂતકાળ જ ભવ્ય રહ્યો છે. નવી પેઢીને હોકીના સોનેરી દ્રશ્યો જોવા મળ્યા નથી. ચક દે ફિલ્મને કારણે હોકીના ઇન્સ્ટન્ટ પ્રેમીઓની સંખ્યા રાતોરાત વધી ગઇ હતી પણ પછી શું થયું? હોકીના ખેલાડીઓએ વિરોધ માટે મેચ ન રમવા સુધીની ધમકી આપવી પડી હતી એ બનાવને હજી થોડા મહિના જ વીત્યા છે. હવે ભારતની મહિલા હોકી ટીમને વર્લ્ડકપમાંથી બહાર રાખવાની ધમકી ઇન્ટરનેશનલ હોકી ફેડરેશને આપી છે. (આ મહિનાના અંતે આર્જેન્ટિનામાં મહિલા હોકી વર્લ્ડકપ રમાવાનો છે.) કારણ?

ભારત તરફથી કર્યું સંગઠન તેનું પ્રતિનિધિત્વ કરે છે એ નક્કી નથી અને ઇન્ટરનેશનલ રમતોત્સવના ધારાધોરણો મુજબ ભારતે ઢંગનો કોઇ પ્રત્યુત્તર આપ્યો નથી. કેમ નથી આપ્યો? કારણ કે રમતમાં એટલું રાજકારણ છે કે રમત સિવાયની તમામ પ્રવૃત્તિ ચાલે છે. હોકીની રમતમાં પહેલેથી જ આમ તો શીખ ખેલાડીઓનું વર્ચસ્વ રહ્યું છે. આ વખતે એવું થયું છે કે કેન્દ્રના ખેલમંત્રી અને ઇન્ડિયન હોકી ફેડરેશનના વડા બંને ગિલ છે અને બંને બાખડી રહ્યા છે. એમ. એસ. ગિલ ભૂતપૂર્વ ચૂંટણી કમિશનર છે અને કે. પી. એસ. ગિલ પંજાબના ભૂતપૂર્વ પોલીસવડા છે. એ બંનેની લડાઇમાં વિદ્યાબહેન કૂદી પડ્યાં.

મહત્વનો સવાલ એ છે કે રમતમાં કેમ રાજકારણીઓ ઘૂસી જાય છે? આ સવાલની સામે હંમેશા એક દલીલ થતી આવી છે કે રમતવીરો એ સારા વહીવટકર્તા નથી હોતા. કબૂલ, પણ સારા વહીવટકર્તાની આ દેશમાં ક્યાં કમી છે? રાજકારણીને બદલે કોઇ સારી કંપનીના સફળ સીઇઓને હોકીનો હવાલો સોંપી દો અને સારા ભૂતપૂર્વ ખેલાડીને કોચ બનાવી દો. પણ દરેક રાજકારણીને રમતજગતના વહીવટમાં ઘૂસવું છે. ગેડી-દડાની રમતમાં શતરંજની સ્ટ્રેટેજીની જરૂર નથી. મેદાન પર ખેલાડીઓ સારી રીતે રમી શકે એ માટે તેમને જરૂરી સુવિધા અને સાધનો આપશો તો ખમીર તો ખેલાડીઓમાં પડેલું જ છે.

ખાટલે મોટી ખોડ એ છે કે એક ભારતના આમ નાગરિક તરીકે આપણનેય આપણી રાષ્ટ્રીય રમતમાં એટલો રસ નથી. વચ્ચે તો એવીય ચર્ચા ચાલી હતી કે હોકીને બદલે આપણે ક્રિકેટને જ રાષ્ટ્રીય રમત બનાવી દેવી જોઇએ. ભલું થજો આઇપીએલનું કે તેનું કૌભાંડ બહાર આવ્યું એટલે થોડો ઉત્સાહ ઓસરી ગયો. ૧૫મી ઓગસ્ટે આપણી આઝાદી દિન મનાવીશું પણ જેને આપણે રાષ્ટ્રીય રમતનો દરજજો આપ્યો છે એ હોકીને આપણે બાબુશાહી અને રાજકારણમાંથી ક્યારે સ્વતંત્રતા આપીશું?

No comments:

Post a Comment