August 18, 2010

બે જણા દિલથી મળે તો...

મરીઝ ગઝલની એક એવી મસ્જિદ છે કે જ્યાં તમામ ગઝલકારોને નમાજ પઢવાનું મન થાય.

આ મોહબ્બત છે કે એની દયા કહેતા નથી
એક મુદત થઈ કે તેઓ હા કે ના કહેતા નથી
જે કલાનું હાર્દ છે એની મજા મારી જશે
ક્યાંથી ક્યાંથી મેળવી છે પ્રેરણા કહેતા નથી
લ્યો, નવાઈ આપની શંકા સુધી પહોંચી ગઈ
બસ હવે આગળ અમે દિલની કથા કહેતા નથી
એને તું સંયમ કહે, તારી કૃપા, કિંતુ અમે
મનમાં નબળાઈ છે તેથી દુર્દશા કહેતા નથી
એ જ લોકો થઈ શકે છે મહેફિલની આબરૂ
જેઓ વેરાનીને પણ સૂની જગ્યા કહેતા નથી
બે જણા દિલથી મળે તો એક મજલિસ છે મરીઝ
દિલ વિના લાખો મળે એને સભા કહેતા નથી - મરીઝ

મૂળ નામ અબ્બાસ વાસી. લોકો ઓળખે મરીઝને નામે. મરીઝ ગઝલની એક એવી મસ્જિદ છે કે જ્યાં તમામ ગઝલકારોને નમાજ પઢવાનું મન થાય. એ એક એવી પ્રતીતિ આપે છે કે એ ગઝલ લખતાં નહીં પણ જાણે કે ગઝલ કહે છે. ઉપરછલ્લી રીતે તદ્દન સરળ લાગે પણ કોઈ ગહન અર્થ લીલની જેમ લપાઈને બેઠો હોય.

મુશાયરામાં મરીઝને ચિક્કાર દાદ મળતી. એમના પઠનના કારણે નહીં પણ એમની ગઝલમાં શિખરની ઊંચાઈ અને ખીણના ઊંડાણને કારણે. શ્રોતાઓ અદબથી એમની ગઝલ સાંભળતા. સ્વભાવે બાળક જેવા સરળ. ગઝલ લખતાં જ એટલું નહીં કેટલાકને લખી આપતા એ જાણીતી વાત છે.

એક મુશાયરામાં જ્યારે મારે સંચાલન કરવાનું હતું ત્યારે મને કાનમાં કહે કે આમાંની કેટલાકની ગઝલો લખી છે પણ હજી મારી લખવાની બાકી છે. તું મને છેલ્લે ઊભો કરજે. જો કે મરીઝની શાન જ એવી કે એમને છેલ્લાં જ ઊભા કરાય કારણ કે લોકો એમના માટે કાનમાં તરસ લઈને બેઠા હોય. એ ઘાટકોપરની હોસ્પિટલમાં હતા ત્યારે એકવાર એમને મળવા ગયો. એ વખતે નવો પ્રગટ થયેલો કવિતાનો અંક બીજો વાંચતા હતા. એમનો જીવ જ કવિતામાં. લખે ગઝલ પણ વાંચે બધું.

સ્વમાની માણસને પ્રેમ ખપે છે દયા નહીં. આપણા હોઠ કોઈ ભિક્ષાપાત્ર નથી કે એમાં દયાથી પ્રેરાઈને પ્રિય વ્યક્તિ ચુંબનના સિક્કાઓ વેરે. પ્રેમની અવેજીમાં દયા ન ખપે. એમનો એક જાણીતો શેર છે:

એક જ જવાબ દે, એક જ સવાલ છે
મારા આ પ્રેમ વિશે તારો શું ખ્યાલ છે?

આપણે કોઈકને પ્રેમ કરતાં હોઈએ પણ સામી વ્યક્તિ હા કે નામાં જવાબ જ ન આપે અને આપણી આખી જિંદગી ઘડિયાળના લોલકની જેમ આમતેમ અટવાયા કરે અને ટુ બી ઓર નોટ ટુ બીની સ્થિતિમાં મુકાવવું પડે એ પ્રેમી માટે અત્યંત કરુણ દશા છે.

કલા સાથે રહસ્ય સંકળાયેલું છે. કલાનું હાર્દ તમને ક્યાંથી પ્રેરણા મળે છે એમાં હોય છે. જોકે પ્રેરણા માટે મારી તો એક જ વાત છે કે જે પરિસ્થિતિ કે વ્યક્તિ કે કંઈ પણ આપણને લખવા પ્રેરે તે પ્રેરણા. મૂળને જોવા અને જાણવા માટે ઝાડને ઊખેડી નાખવાનો અર્થ નથી. પહેલાં તો પ્રિય વ્યક્તિને પ્રેમનું આશ્ચર્ય હતું, નવાઈ હતી, વિસ્મય હતો.

પણ સંબંધ ક્યારે વિકસે, ક્યારે વણસે, ક્યારે કણસે એ કહેવાય નહીં. નવાઈ હવે શંકામાં ફેરવાઈ ગઈ અને જ્યાં શંકા અને ભય હોય ત્યાં કદી પ્રેમ હોતો નથી. કોઈને એમ કહેવું કે, હું તને પ્રેમ કરું છું. એટલું કહેવા માટે પણ શરૂઆતમાં કેટલો બધો વલોપાત હોય છે અને જો કહીએ નહીં તો સામી વ્યક્તિ એને સંયમ માને. મનની નબળાઈને કારણે કહી ન શકીએ તો એ દુર્દશા અથવા લાચારી છે. એના સિવાય બીજું કશું નથી.

કેટલાક લોકો મહેફિલની આબરૂ સાચવી શકે છે. કેટલાક લોકો મહેફિલના વાતાવરણને બગાડી પણ શકે છે. રાવ ફરિયાદ કરનારા કોલાહલ કે ઘોંઘાટ કરનારાઓ, કકળાટ કરનારાઓ મહેફિલની આબરૂ સાચવી શકતા નથી. પણ કેટલાક હકાર ભાવે જીવનારા માણસો પરિસ્થિતિને હસતે મોઢે સ્વીકારી લે છે અને જે વેરાન જગ્યા હોય એને સૂની જગ્યા કહેતા નથી. આમ ન બોલીને આબરૂ સાચવી લે છે. આ ગઝલનો મકતા તો અતિ પ્રસિદ્ધ છે:

બે જણા દિલથી મળે તો એક મજલિસ છે મરીઝ.
દિલ વિના લાખો મળે એને સભા કહેતા નથી

સમગ્ર મરીઝપ્રગટ કરીને નવભારત પ્રકાશને અને રાજેશ વ્યાસે મહત્વનું કામ કર્યું છે. મરીઝની એક ગઝલથી ચાલે એવું નથી. તરસ છીપે નહીં એવી ગઝલ લખનારા આ શાયર છે, એટલે જ એમની બીજી ગઝલ જોઈએ:

પ્રેમમાં ખેંચાણ છે આવી ગઈ શ્રદ્ધા મને
એ હવે કહેવાને આવે છે કે ભૂલી જા મને
કંઈક ખામી આપણા આ પ્રેમના બંધનમાં છે
છુટવા માટે હજી દેખાય છે રસ્તા મને
હું તને જોતો તો દુનિયાને પછી જોતે નહીં
તું મને જોતે તો જોતી થઈ જતે દુનિયા મને
થાય ટીકા આપની એ પણ મને ગમતું નથી
હો પ્રશંસા આપની તો થાય છે ઈર્ષા મને
હાથમાં આવી ગયું તું એમનું આખું જીવન
હું તો ગાફિલ નહીં દેખાયા એ મોકા મને
આ સતત અવગણના એની મહેરબાની છે મરીઝ
ધીમે ધીમે એ કરી દેવાના બેપરવા મને

Deepak Bhatt is a Principal Consultant at Learning Lab, Ahmedabad. Being an Alumnus from XLRI and IIM Ahmedabad, he teaches a variety of subjects to MBA Students across India. He can be reached at writetodeepakbhatt@gmail.com and is more likely to respond if the subject line captures his attention.

No comments:

Post a Comment