August 18, 2010

ગેરસમજની સમજણ


મહોબ્બતમાં હવે મારો પરિચય આ પ્રમાણે છે, અજાણ્યા થઇ ગયા છે એ મને જે ખાસ જાણે છે.
‘ બરક્ત વીરાણી ‘બેફામ’

સંબંધો દરિયા જેવા છે, સંબંધોમાં પણ ભરતી અને ઓટ આવતી રહે છે. દરિયાની ભરતી અને ઓટ તો પ્રાકૃતિક કારણોથી ચાલતી રહે છે, પણ સંબંધોના ચડાવ-ઉતાર માણસે પોતાની સમજણથી નિયંત્રિત કરવા પડે છે. જે સંબંધોમાં સમજ હોય ત્યાં જ ગેરસમજની શક્યતાઓ રહે છે. પોતાના વ્યક્તિથી ક્યારેક કોઈ ભૂલ, ગેરવર્તન કે દુર્વ્યવહાર થાય ત્યારે માણસને સૌથી વધુ હર્ટ થાય છે. આપણને જેના પર પ્રેમ અને લાગણી હોય તેનું નાનું સરખું ગેરવર્તન પણ આપણાથી સહન થતું નથી.

આપણો વિરોધી કે દુશ્મન કંઈક બૂરું કરે ત્યારે આપણને બહુ દુ:ખ થતું નથી કારણકે આપણું મન તેના માટે તૈયાર હોય છે. સંબંધ હોય ત્યાં અપેક્ષાઓ હોવાની જ છે. દરેક સંબંધમાં સ્વાર્થ નથી હોતો, છતાં પણ આપણને આપણી વ્યક્તિ પાસેથી ફેવર, સંમતિ અને સહયોગની અપેક્ષા તો હોય જ છે.

રિલેશનશીપ વિશે થયેલા સ્ટડીમાં બહાર આવ્યું છે કે દોસ્તી બાદ થયેલી દુશ્મની વધુ તીવ્ર અને ઉગ્ર હોય છે. દુશ્મન સાથે માણસ કદાચ ખેલદિલીપૂર્વક લડી શકે પણ દોસ્તમાંથી દુશ્મન બનેલી વ્યક્તિ સાથેની દુશ્મનાવટમાં વધુ કટુતા આવી જાય છે. દુશ્મનના ઘા કરતાં દોસ્તનો નાનકડો દગો વધુ આકરો લાગે છે.

પોતાની વ્યક્તિનું માણસને ખોટું લાગે ત્યારે એ માણસ મનમાંને મનમાં એ વાત ઘૂંટયા રાખે છે. બહુ ઓછા લોકો એવા હોય છે જે પોતાના મિત્ર કે સ્વજનને મોઢામોઢ એવું કહી દે કે, તમારી આ વાત યોગ્ય નથી કે તમારું આ વર્તન મને ગમ્યું નથી. ઘણી વખત આપણને કંઈક ખોટું લાગી જાય છે અને જેનું ખોટું લાગ્યું હોય એને અણસાર પણ હોતો નથી.

સાચી વાત એ છે કે તમને તમારી નજીકના વ્યક્તિનું કોઈ ખોટું લાગ્યું હોય તો તેને મનમાંને મનમાં ભરી ન રાખો. બહુ જ નિખાલસતાપૂર્વક અને સહજ રીતે તમારા મનની વાત કરી દો. બનવાજોગ છે કે, તમે કોઈ વાત જે રીતે સમજયા હોય એવું કહેવાનો સામા માણસનો ઈરાદો ન હોય. આપણે ઘણી વખત સામેની વ્યક્તિની વાત આપણા મીટરથી જ માપતાં હોઈએ છીએ અને જાણે- અજાણે આપણે જ કોઈની વાતનો સાચો-ખોટો અર્થ કાઢી લેતા હોઈએ છીએ.

એક સુખી દંપતીએ નક્કી કર્યું કે આપણે બાળક નથી જોઇતું. આ વાત પત્નીનાં આન્ટી સુધી પહોંચી. આન્ટીને થયું કે, છોકરાંવ હજુ નાના છે, જુવાનીના જોશમાં કદાચ બાળક ન કરવાનો નિર્ણય કર્યો હશે. હું ભત્રીજીને પ્રેમથી સમજાવીશ કે બાળકથી જીવનમાં કેટલો ફેર પડે છે.

એ આન્ટી આ વાત સમજાવવા માટે દીકરી પાસે ગયા. બહુ જ પ્રેમથી બાળક હોવાની લાગણીઓ વિશે વાતો કરીને ભત્રીજીને સમજાવવાનો પ્રયાસ કર્યો. ભત્રીજીએ બધી જ વાત શાંતિથી સાંભળીને કહ્યું કે આન્ટી, તમારે ક્યાં સંતાન છે? છતાં તમારી લાઈફ તો સરસ જ છે ને! બસ, આ વાત આન્ટીના દિલને ભેદી ગઈ. વાત એમ હતી કે, આન્ટી નાની ઉંમરે જ વિધવા થયાં હતા. સંતાન ન હતું.

બીજાં લગ્ન કર્યા નહીં અને સમાજસેવા કરવાનું જ નક્કી કર્યું. ભત્રીજીનો ઈરાદો પણ આન્ટીને હર્ટ કરવાનો ન હતો. એ તો સહજભાવે જ બોલી હતી. પણ, આન્ટીએ મતલબ કાઢ્યો કે, તમે શું શિખામણ આપો છો, તમારે વળી ક્યાં સંતાન છે?
આન્ટી ગયાં ત્યારે તેમના દિલમાં એક આઘાત હતો કે, મારી દીકરી જેવી ભત્રીજીએ મને આવાં વેણ કહ્યાં? તેમણે ધીરે ધીરે ભત્રીજી સાથે સંબંધો ઓછા કરી નાખ્યા. આખરે ભત્રીજીને વાત સમજાઇ ત્યારે એણે આન્ટી પાસે જઇને હાથ જોડીને એ વાતની માફી માગી. આન્ટીએ પણ તરત ભત્રીજીને માફ કરીને બધું ભૂલી જવા કહ્યું. પછી ભત્રીજીએ જે વાત કરી એ સમજવા જેવી છે. તેણે કહ્યું કે, આન્ટી તમે મને તરત જ કહી દીધું હોત કે તું આવું કેમ બોલી?

તમે ગુસ્સે થયા હોત તો પણ હું માફી માગી લેત! કારણ વગર તમે મારા વર્તનથી દુ:ખી થયા. આ વાત સાંભળીને આન્ટીએ કહ્યું કે, બેટા, મનમાં કોઈ ગાંઠ બંધાઈ જાય એ ઘડીકમાં છુટતી નથી. તું સારી છે કે તે તારાથી અજાણતા બંધાઈ ગયેલી ગાંઠ ખોલી નાખી. મુદ્દાની વાત એ કે આવી ગાંઠો બંધાઇ જાય તો લાંબી ખેંચવી નહીં, ખોલી નાખવી. ભૂલ સ્વીકારવામાં જેને નાનમ લાગે એ માણસ ક્યારેય મોટો ન થઈ શકે. કંઈ મનમાં ન રાખો, વ્યક્ત થઈ જાવ.

ઘણીવખત તો વાત શરૂ કોણ કરે એ જ અવઢવમાં વાત આગળ વધતી હોતી નથી. પોતાના પ્રિયજન કે સ્વજન તરફ હાથ લંબાવવામાં કોઈ જ નાનપ નથી, શક્ય છે કે એ પણ આ જ ઘડીની રાહ જોઈને બેઠાં હોય. ખુલ્લા દિલે જીવાતું જીવન જ જીવવાની મજા આપે છે. દિલનો દરવાજો એટલો જોરથી ક્યારેય બંધ ન કરવો કે કોઈ ગમે તેટલા ટકોરા મારે તો પણ ન ખૂલે!‘

No comments:

Post a Comment