August 18, 2010

કામ કરવાની કળા


સમૃદ્ધિ માટેની આંતરિક તૈયારીઓ બાદ સામે આવનારી તક ઉપર કાર્ય કરવાથી જ પરિણામ મળે છે તે આપણે જોયું. આપણું દરેક કામ વિકાસ માટે હોય અને અસરકારક હોય તો જ જોઈતા પરિણામ મળે એ પણ જોયું. અસરકારક રીતે કાર્ય કરવા માટે જે તે કાર્ય કરતાં વધુ લાયકાત કેળવવાની અને દરેક કાર્યમાં મનનું જોડાણ સાધવાની શરૂઆત કરશો એટલે તમારા કામમાં જુદા જ પ્રકારનો નિખાર આવતો જશે.

બારીકાઈથી જોશો તો ખ્યાલ આવશે કે કામ કરવું તે એક કળા છે, પછી તે કામ ભલે ગમે તે હોય. આપણે કલા અને કામને જુદી કરી નાખ્યા છે. એટલા માટે જ કલાકાર અને કર્મચારી એવા બે શબ્દો અસ્તિત્વ ધરાવે છે. બાકી દરેક કર્મચારીમાં એક કલાકાર છુપાયેલો જ હોય છે. પોતાના કાર્ય દરમિયાન જે વ્યક્તિ પોતાની અંદરના આ કલાકારને જગાડી દે છે એ હંમેશા શ્રેષ્ઠ રીતે કામ કરી છે અને શ્રેષ્ઠ પરિણામ મેળવે છે. જો પરિણામ શ્રેષ્ઠ જ જોઈતું હોય તો પ્રયત્નમાં કલા ઉમેરો. તમારી અંદર પણ એક કલાકાર છે જ. એ ચિત્રકાર છે કે સંગીતકાર એ તો તમે જાણતા હશો. પરંતુ એક વાત ચોક્કસ છે કે તમે જે કામ પસંદ કર્યું છે તે કામનો તે એક કલાકાર છે જ. બસ, એને થોડો ઢંઢોળવાનો છે. એને પ્રોત્સાહન આપશો એટલે એની કલા બહાર આવશે જ. વધુ સારી રીતે કામ કરવાની કલાને વિકસાવવા માટે નીચે દર્શાવેલ ત્રણ પગલાં લો, અને પછી જુઓ મજા!

કુદરતની જેમ કામ કરો: કુદરતની દરેક ક્રિયાનું નિરીક્ષણ કરશો તો ત્રણ બાબતોનો તમને ખ્યાલ આવશે. પહેલી વાત તો એ કે કુદરત હંમેશા દરેક કાર્ય સાહજિક રીતે કરે છે. જેમકે-જીવોનો વિકાસ. જળચર, ભૂચર કે નભચર જીવો હોય કે વનસ્પતિ હોય. એના વિકાસમાં ક્યાંય મથામણ નથી હોતી. ઋતુઓ બદલવા માટે પણ કુદરત મથામણ નથી કરતી, બધું જ સહજ રીતે ચાલ્યા કરે છે. આપણે પણ આપણાં કામને ‘સહજપ્ત રીતે કરવાની આદત પાડવી જોઈએ.

કામમાં જ્યારે ‘મથામણ’ પ્રવેશે છે, ત્યારે એ કામ પોતાની અસરકારક્તા ગુમાવી બેસે છે. તમારો પોતાનો પણ અનુભવ હશે જ કે જ્યારે કોઈ સેલ્સમેન તમને કોઈ વસ્તુ વેચવા માટેની ‘મથામણ’ કરતો હોય છે ત્યારે તમને એ ખરીદવાની બિલકુલ ઈચ્છા થતી નથી. બીજી વાત એ છે કે કુદરત સૌના લાભ માટે કામ કરે છે. તમે જ્યારે તમારું કામ એ રીતે કરો કે જેથી વધુમાં વધુ લોકોને ફાયદો થાય.ત્રીજું, કુદરત હંમેશાં વધુ આપે છે. જો આપણે પણ વળતર કરતાં વધુ કામ આપવાની આદત પાડીએ તો સફળતાના ચાન્સ વધી જાય.

માનવ મૂડીને સાચવો: કોઈપણ વ્યવસાયમાં માનવમૂડી એ શ્રેષ્ઠ મૂડી છે. ખલાસ થઈ ગયેલ આર્થિક મૂડી ફરીથી ઊભી કરવી તે સરળ કામ છે પણ ખલાસ થઈ ગયેલ માનવ મૂડીને ફરીથી ઊભી કરવી એ સહેલું નથી. તમારા કામ સાથે જોડાયેલી સૌથી નકારાત્મક મનાતી વ્યક્તિમાં પણ અમુક સકારાત્મકતા હોય જ છે. એ વ્યક્તિને પોતાની એ લાક્ષણિકતાની જાણ હોય કે ન હોય, પરંતુ તમે એ શોધી કાઢો અને એના પ્રત્યે એ વ્યક્તિનું ધ્યાન દોરો.

કરો કુછ હટ કે: તમારા વ્યવસાય જેવો જ વ્યવસાય કરનારા અન્ય લોકોથી જ્યારે તમે જુદી રીતે વ્યવસાય કરો છો ત્યારે તમે ‘સ્પેશિયલ’ બની જાઓ છો અને સ્પેશિયલ લોકોનો સંઘર્ષ બહુ જલદી સફળતામાં બદલાઈ જાય છે. તમારો વ્યવસાય ‘જુદી રીતે’ કરવા ઉપર રોજ ચિંતન કરતા રહો કોઈક આઈડિયા ચોક્કસ મળી આવશે. પછી એના ઉપર કામ શરૂ કરી દો.‘

સોના મહોર : જો કર્મ હશે જાનદાર,તો ફળ મળશે શાનદાર.

No comments:

Post a Comment