ઘરની પરંપરાઓ-રીતો-પદ્ધતિઓ પેઢી-દર-પેઢી ઘરમાં ઊતરતી રહે અને બચાવી શકાય એટલી પરંપરાઓ બચાવી લેવાની કોશિશ કરવી તેને ‘ઘર માંડવું’ કહી શકાય.
થોડા દિવસો પહેલાં અમારી એક પરિચિત યુવતીનો ફોન આવ્યો, ‘વડોદરાથી હૈદરાબાદ આવી છું.’ તે યુવતી અમારા નજીકના સગપણમાં છે. થોડા સમય પહેલાં તેના દીકરાના લગ્ન થયાં હતાં. દીકરો હૈદરાબાદમાં નોકરી કરે છે. ‘ફરવા આવી છે?’ અમે પૂછ્યું.
‘ના, ના,’ તેણે કહ્યું, ‘દીકરાનું ઘર માંડવા આવી છું.’ તેનું એક જ વાક્ય કાને પડતાં મારી અંદર ઘણુંબધું ઝળાંહળાં થઇ ઊઠ્યું, ‘ઘર માંડવા’ જેવી બાહ્ય રીતે અત્યંત સ્થૂળ લાગે તેવા ઉદ્દેશની પાછળ-એની છેક ભીતરમાં રહેલો ભાવ મને સ્પર્શી ગયો. આપણી ભારતીય, ખાસ કરીને ગુજરાતી કુટુંબમાં રહેલી દ્રઢ કુટુંબભાવનાનો આખો ખ્યાલ મારી સામે ખૂલી ગયો.
ઘર માંડવું અત્યંત મહત્વનું કામ છે. દરેક કુટુંબની-દરેક ઘરની-પોતપોતાની આગવી પરંપરા કહો કે આગવા રીતરિવાજો હોય છે. ઘરમાં બહારની છોકરી પરણીને આવે છે ત્યારે તે નવા ઘરની રીતોથી પરિચિત હોતી નથી. તે પોતાના ઘરની વિશિષ્ટતાઓ-મર્યાદાઓને સાથે લઇને આવી હોય છે.
જો ઘરમાં આવેલી વહુને ઘરની કેટલીક મહત્વની પરંપરાઓથી આરંભમાં જ માહિતગાર કરવામાં ન આવે તો પાછળથી નાના-મોટા પ્રશ્નો ઊભા થવાની સંભાવના રહે છે. ‘ઘર માંડવું’ નો અર્થ કેવળ સંતાનના ઘર માટે જરૂરી ચીજવસ્તુઓ-અનાજ પાણી- ખરીદી આપવા જેવો થતો નથી, પરંતુ પોતાના ઘરની રીતોમાં વહુને ઢાળવી તેવો પણ થાય છે.
તો જ જૂનું સચવાય છે, સંવર્ધિત થાય છે - ઘરમાં આવેલી નવી વ્યક્તિના કુટુંબની સારી રીતો-પરંપરાઓને આપણા ઘરમાં સામેલ કરી શકાય છે. હવે જ્યારે સમાજમાં જ્ઞાતિબહાર લગ્નનો છોછ રહ્યો નથી ત્યારે આ બાબત વધારે અગત્યની બની જાય છે.
નાગરોમાં જમવા બેસતાં પહેલાં જે વ્યવસ્થા કરાવવામાં આવે છે તેના માટે ‘ચાળ માંડવી’ તેવો શબ્દપ્રયોગ કરવામાં આવે છે. ‘ચાળ’ શબ્દનો ભગવદ્રોમંડળમાં એક અર્થ ‘તૈયારી’ દર્શાવ્યો છે. કદાચ તે જ અર્થમાં જમવાની તૈયારી કરવી તેને ‘ચાળ માંડવી’ કહેવાતી હશે. જે હોય તે, પણ તે પરંપરા ઘરને જોડી રાખતી અને જમવા બેસવા જેવી મહત્વની પ્રવૃત્તિને સુવ્યવસ્થિત કરવાની વાત મને નાનપણથી ગમતી આવી છે.
મારા ઘરમાં દરરોજ ચાળ માંડવાની જે પ્રવૃત્તિ થતી તેનો રોમાંચ હજી પણ મારામાં છે. દાદાજી અમારા ઘરે હોય ત્યારે તો તેનું મહત્વ ખૂબ વધી જતું. પાટલા ગોઠવાતા. ઢીંચણિયાં મુકાઇ ગયાં હોય. દાદાજીનું ઢીંચણિયું જોઇને હું પણ બાળક માટેનું નાનું ઢીંચણિયું લેતો.
પાણીના ચકચકિત કળશિયા-પ્યાલા ગોઠવાયા હોય. પુરુષો પહેલા જમવા બેસતા. દાદાજી ઉઘાડા ડિલે બેસતા. પિતાજી એમના જમાના પ્રમાણે અર્ધા ‘આધુનિક’ થયા હતા - દાદાજીની અપ્રગટ નારાજગી વહોરીને પણ એ જમવાટાણે ઉઘાડા ડિલે બેસતા નહીં. હું બેસતો. મને દાદાજીનું બધું જ સારું લાગતું.
આ એક નાનકડી પરંપરા છે. ઘરની તેવી પરંપરાઓ-રીતો-પદ્ધતિઓ પેઢી-દર-પેઢી ઘરમાં ઊતરતી રહે અને બચાવી શકાય એટલી પરંપરાઓને બચાવી લેવાની કોશિશ કરવી તેને ‘ઘર માંડવું’ કહી શકાય. દરેક ઘરમાં તે પ્રકારનું ‘ઘર માંડવું’ ઊતરતું રહે છે, સમય અને સંજોગો અનુસાર તેમાં સારાં અને નરસાં પરિવર્તનો આવતાં રહે છે.
હવે જમીન પર ‘ચાળ મંડાતી’ નથી, પણ ડાઇનિંગ ટેબલ ‘સજાવવા’માં આવે છે. નવી તો નવી, પણ ઘરની આગવી પ્રથા વિકસે તો છે જ.
માએ તેનાં સંતાનો માટે જે કર્યું હોય તે બધાંની જાળવણી થાય ઘરની અન્ય વ્યક્તિઓને શું અનુકૂળ આવે છે, ઘરના દરેક લોકોની પસંદ-નાપસંદ શું છે, ઘર કેવી રીતે ચલાવવું, સમાજમાં અન્ય લોકોની સાથે કેવા પ્રકારના સંબંધ રાખવા- કોનું કેટલું મહત્વ છે વગેરે ઝીણી ઝીણી બાબતો વિશે ઘરમાં આવેલી નવી છોકરીને અવગત કરાવવી તે પણ ઘર માંડવાની પ્રવત્તિનો હિસ્સો છે.
સામાજિક વ્યવહારોને પણ સમજીને સાચવી રાખવાના હોય છે. દીકરા-વહુ સંજોગોવસાત જુદા સ્થળોમાં, પોતાની રીતે એકલાં રહેવા લાગે ત્યારે તે લોકોનું જીવન મૂળ ઘરથી અતડું પડી ન જાય બલકે મૂળ ઘરનું એક્સ્ટેન્શન જ બની રહે અને તે રીતે કુટુંબ-ઘરનો વ્યાપ વધતો રહે- તે પણ ઘર માંડવાનો એક અર્થ છે. અલગ સ્થળમાં રહીને-સ્વતંત્ર જિંદગી જીવતાંજીવતાં-પણ મૂળ ઘરના પાયા સાથે જોડાયેલા રહેવું તે ભારતીય સંસ્કતિનું ઉજ્જવળ પાસું છે.
આજે આપણે કુટુંબોને તૂટતાં જોઇએ છીએ, માણસ-માણસ વચ્ચેનું અંતર વધતું જતું અને સંવાદ કપાતા જોઇએ છીએ ત્યારે આ પ્રકારનું ‘ઘર માંડવું’ અનિવાર્ય પ્રવૃત્તિ બની જાય છે. તેમાં તાલીમ છે, નવવધૂને આવકારનો ભાવ છે- એક અલાયદો, છતાં મૂળ સાથે જોડાયેલો, સંસાર વસાવી આપવાની શુભભાવના રહેલી છે.
આપણા બદલાતા સમયમાં એવી શુભભાવનાની તાતી જરૂરત અનુભવાય છે. આધુનિકતા જે જૂનું છે તેના પૂર્ણ ઉચ્છેદનું સમર્થન કરતી નથી, જૂનાંનું ગૌરવ જાળવી રાખવાનું હોય છે.
Deepak Bhatt is a Principal Consultant at Learning Lab, Ahmedabad. Being an Alumnus from XLRI and IIM Ahmedabad, he teaches a variety of subjects to MBA Students across
No comments:
Post a Comment