તમારી પાસે છે એવો વૈભવ રાજા રામ કે દ્વારકાધીશ કૃષ્ણ કે સમ્રાટ અશોક કે બાદશાહ અકબર કે રાણી વિક્ટોરિયા પાસે પણ ન હતો. જરાક માથું ખંજવાળો, તો તમને જરૂર સમજાશે કે તમારે ત્યાં અલ્લાદીન પાસે હતો તેવો ચિરાગ પણ છે. આવા વૈભવની વચાળે પણ તમે દુ:ખી હો, તો વાંક કોનો?
તમે તમારા જીવનના ચીફ એકિઝક્યુટિવ ઓફિસર (ઈઉઠ) છો એ બાબતમાં કોઇ શંકા હોય તો હવે આ લખાણ આગળ વાંચવાની જરૂર નથી. તમને એવો ખ્યાલ પણ નથી આવતો કે તમારા ઘરમાં નોકર-ચાકરનો કાફલો તમારા હુકમની રાહ જોઇને ખડે પગે તૈયાર છે. ગુલામો રાખવાની પ્રથા નાબૂદ થઇ તોય તમારી સેવા માટે અનેક ગુલામો ટાંપીને બેઠા છે.
જરાક માથું ખંજવાળો, તો તમને જરૂર સમજાશે કે તમારે ત્યાં અલ્લાદીન પાસે હતો તેવો ચિરાગ પણ છે અને તેમાંથી નીકળતો આજ્ઞાંકિત જીન પણ છે. આવા વફાદાર સેવકો કોઇ બાદશાહ કે સમ્રાટ પાસે પણ ન હતા. તમારા ‘ચિરાગે જીન’ને ઓળખી રાખો. તમારા ઘરમાં છત પર લટકતા વિધુતપંખા તમારા ગુલામ છે. તમને જરાક ઉકળાટનો અનુભવ થાય ત્યાં તો તમે બટન દબાવો છો અને ગુલામ ચક્કર ચક્કર ફરવા માંડે છે. તમે કદી પણ એ પંખાને થેન્ક યૂ કહ્યું છે?
તમને કયાંક જવાનું મન થયું ત્યાં તો મોટરબાઇક કહે છે : ‘જી હજૂર! ગૃહિણીને અનાજ દળવાની જરૂર પડી ત્યાં તો અનાજ દળવાની ઘંટી બોલી : બહેનજી, એ ચિંતા મારા પર છોડો. તમે બેડરૂમમાં ગયા ત્યારે ભર ઉનાળે તમને ઠંડક પામવાની ઇરછા થઇ. લગભગ અશકય ગણાય તેવી ઇરછા પૂરી કરવા માટે તમે જીનને આજ્ઞા કરી : ભારોભાર ઉકળાટ છે, પરંતુ મારે શિયાળાની ઠંડક જોઇએ છે. જીન કદી ના પાડે? એ બાપડાએ પાંચ જ મિનિટમાં તમારા બેડરૂમમાં શિયાળો હાજર કરી દીધો! તમારા રસોડામાં ચોવીસે કલાક એક વફાદાર ગુલામ સેવામાં હાજર છે.
એનું નામ છે : મિસ્ટર ફ્રીજ. ગમે તે સમયે એ ગુલામ તમને તાજી છાશ, તાજાં ફળ, તાજાં શાકભાજી અને ઠંડું પાણી કે શરબત આપવા તૈયાર! તમારા આંગણામાં એક મહાકાય સેવિકા તમારા હુકમની રાહ જોઇને ઊભી રહે છે. લોકો એ સેવિકાને મોટરફોઇ કે પછી કારમાસી કહે છે. તમે જયાં જવા ઈચ્છો ત્યાં એ તમને સગવડપૂર્વક બેસાડીને લઇ જાય છે. તમારા ડ્રોઇંગરૂમમાં આસન જાળવીને બેઠેલા ટીવીમામાને તમે કયાં નથી ઓળખતા!
દુનિયાભરમાંથી એ મામા માહિતી અને મનોરંજન ખભા પર ઊચકીને લાવી આપે છે અને તમારા ઓરડામાં ઠાલવી દે છે. નોકર-ચાકરોની આ યાદી ઘણી લાંબી છે. ચીફ એકિઝકયુટિવ ઓફિસર સાહેબ! તમારી પાસે છે એવો વૈભવ રાજા રામ કે દ્વારકાધીશ કૃષ્ણ કે સમ્રાટ અશોક કે બાદશાહ અકબર કે રાણી વિકટોરિયા પાસે પણ ન હતો. આવા વૈભવની વચાળે પણ તમે દુ:ખી હો, તો વાંક કોનો?
તમને ઝટ ખ્યાલ નથી આવતો કે તમે અત્યંત મહત્ત્વના માણસ છો. કોઇ અકળ મહાસત્તાના વિરાટ કોસ્મિક મેનેજમેન્ટમાં તમારું સ્થાન છે. આ દુનિયામાં તમારા જેવું બીજું કોઇ જ નથી. પિશ્ચમમાં માણસની કબર પર મૃત્યુલેખ (એપીટાફ) લખવાની પ્રથા છે. સોરેન કિર્કેગાર્ડ જેવા મહાન અસ્તિત્વવાદીની કબર પર જે મૃત્યુલેખ વાંચવા મળે તે અનન્ય છે. એક જ શબ્દના એપીટાફમાં લખ્યું : એ ચિંતક એક વ્યકિત તરીકે પોતાની રીતે જીવી ગયો. સ્વસ્થ માણસ જ પોતાની રીતે જીવી શકે. કોઇ વીર મનુષ્યો જ પોતીકી રીતે જીવે છે. એ માટે હઠ પકડવી પડે છે.
દુનિયામાં કરોડ લોકોમાં માંડ એકાદ મનુષ્ય પોતાની રીતે જીવે છે, બાકીના બધા તો પારકાં ઇરછે તે રીતે જીવે છે. જે વ્યકિત પોતાની ઢબે જીવે તે ચોર, ખૂની, બદમાશ કે ગણિકા પણ હોઇ શકે. આવી બહાદુર વ્યકિતઓ પાસે રૂપાંતરણની આશા રાખી શકાય. આજે નહીં ને કાલે કે પરમ દિવસે એ બહાદુરો જાગશે, પરંતુ જેઓ અન્યની ઇરછા મુજબ જીવવા ટેવાયા છે તેઓ કદી નહીં જાગે. સોરેન કિર્કેગાર્ડ તેથી કહેતો રહ્યો કે આ જગતમાં મનુષ્ય એકમાત્ર એવું પ્રાણી છે, જે પોતે ‘છે’ એના કરતાં જુદો દેખાવાનો પ્રયત્ન કરે છે.
આવા પ્રયત્નને કારણે જ અસત્ય, અદેખાઇ, હિંસા અને ચોરી જન્મે છે. આવાં કારસ્તાનો તો ‘સ્વ’થી વેગળો પડી ગયેલો ગુલામ મનુષ્ય જ કરી શકે. રુગ્ણ સમાજમાં સતત એવાં ષડ્યંત્રો રચાતાં રહે છે, જેને કારણે માણસ પોતાની જાતથી વેગળો પડતો જાય. ગાંધીજી મહાત્મા ગણાયા તેનું ખરું રહસ્ય શું? રહસ્ય એ જ કે તેઓ ‘પોતીકી રીતે’ જીવ્યા અને પોતીકી રીતે મર્યા!
એમણે જ ‘સ્વરાજ’ની ઝંખના રાખી તે અંગ્રેજોની વિદાયમાં સમાઇ જાય તેવું તકલાદી ન હતું. એમના ‘સ્વરાજ’નો અસલ સંબંધ ‘સ્વ’ (માંાલા) સાથે હતો. જીવનનું મેનેજમેન્ટ શીખવું હોય તો ગાંધીજી પાસે જવું પડે. જેવી દિનચર્યા, તેવી જીવનચર્યા! એક ઝેન સાધુ પાસે ચીકણા સ્વભાવનો માણસ જઇ ચડયો. સાધુ પોતાની ઝૂંપડીમાં રહેતો અને મૌન જાળવીને જીવતો હતો. પેલા માણસે પૂછ્યું : ‘ગુરુજી! મારે જીવનને સાર્થક કરવા માટે શું કરવું જોઇએ?’ સાધુએ કશો જવાબ ન આપ્યો. દિવસો વીતી ગયા, પરંતુ પેલો માણસ હારે તેમ ન હતો.
એક દિવસ એ માણસથી છૂટવા માટે સાધુએ કહ્યું : ‘હું બહુ બહુ તો મારા જીવન પર વિચારી શકું, પણ તારા જીવન અંગે તો તારે જ વિચારવું પડે.’ વર્ષોવીત્યાં તોય પેલો માણસ હાર્યો નહીં. એણે સાધુનો કેડો છોડયો નહીં. સાધુની ભીતર પડેલી સંપત્તિનો અણસાર એને મળી ગયો હતો. એક દિવસ વહેલી સવારે સાધુએ એને સામેથી બોલાવ્યો. સૂર્યોદય થવાની તૈયારી પૂર્વાકાશમાં ચાલી રહી હતી. આસપાસનાં વક્ષો પર પંખીઓ બધાં કોસ્મિક સિમ્ફનિમાં જોડાઇને કલરવ કરી રહ્યાં હતાં. સાધુએ પેલા માણસને કહ્યું : ‘હું વર્ષોથી અહીં રહું છું.
આ બધાં વૃક્ષોને ઓળખું છું. કોઇ વૃક્ષ નાનું છે ને કોઇ મોટું છે. પ્રત્યેક વૃક્ષની ખાસિયત જુદી. દરેકની છટા જુદી અને ઘટા જુદી! આટલાં વર્ષોમાં મેં કયારેય કોઇ વક્ષને બીજા વૃક્ષની પંચાત કરતું જોયું નથી. વૃક્ષો વરચે હરીફાઇ નથી અને અદેખાઇ નથી. સૌ પોતાની રીતે ઊગે છે, વધે છે અને મરે છે.’ જવાબ સાંભળીને માણસ શાંત થઇ ગયો.
માણસના હાથમાં રાઇફલ જોવાનું બને ત્યારે મન વિચારે ચડી જાય છે. એ રાઇફલ નારી જાતિ ગણાય, તોય મરદનું રક્ષણ કરનારી ગુલામડી ગણાય. ટેકનોલોજીની ક્રાંતિને કારણે રાઇફલને બદલે મોબાઇલ ઘણા હાથોમાં પહોંચી ગયો. રાઇફલ સામેના માણસને એક જ ક્ષણમાં ખતમ કરી શકે. મોબાઇલ ફોન દૂર હજારો કિલોમીટર છેટે રહેનારી વ્યકિતને કહી શકે : ‘આઇ લવ યૂ.’ માનવીને એકસાથે અલ્લાદીન પાસે હતો, તેવા તો અનેક સમર્થ જીન મળ્યા છે. ફોન, ફેકસ, ટેલેકસ અને એસએમએસ એવા સમર્થ જીન છે, જેઓને કારણે અમદાવાદ અને એમ્સ્ટર્ડેમ વરચેનું અંતર ખતમ થઇ ગયું!
વિજ્ઞાને જે કમાલ કરી તેને કહે છે: ‘ડેથ ઓફ ડિસ્ટન્સ.’ ચાલુ મોટરગાડીની પાછલી સીટ પર બેઠેલો કંપની મેનેજર કાંદિવલીથી ચર્ચગેટ પહોંચે ત્યાં સુધીમાં પોતાના લેપટોપ પર કેટલાંય કામો પતાવે છે. માણસે સૂર્યોદયને નીરખે એટલા જ વિસ્મયથી કોમ્પ્યુટરને પણ નિહાળવું જોઇએ. એક મેગા-વિસ્મય છે, બીજું માઇક્રો-વિસ્મય છે. બંને એક જ પરમ સત્તાની લીલા છે. એ લીલા નીરખવી એ જ પ્રાર્થના! ગાંધીજીએ કહ્યું : ‘સત્ય એ જ પરમેશ્વર.’ વાત સાચી છે તોય થોડીક કઠણ છે.
એકવીસમી સદીના મનુષ્યનું નવું સૂત્ર હશે : ‘વિસ્મય એ જ પરમેશ્વર.’ વિસ્મય જેવી બીજી કોઇ આઘ્યાત્મિક બાબત મારા ઘ્યાનમાં નથી. જીવનનું મેનેજમેન્ટ વિસ્મયની માવજત વિના અધૂરું જ ગણાય. ઉપાસના વિસ્મયસ્વરૂપા હોય તો ઘણું! જે મનુષ્ય અંદરથી અસ્વસ્થ હોય તેને કોઇ વિકલાંગ નથી કહેતું. જે માણસ માનસિક રીતે બીમાર હોય એની ખબર કાઢવા કોઇ નથી જતું. લોહી ન નીકળે ત્યાં સુધી કોઇ જખમને જખમનું સ્ટેટસ પ્રાપ્ત થતું નથી. વ્હીલચેરમાં ન બેસે તેવા મનુષ્યના પગ સાબૂત છે એવું માની લેવામાં સાર નથી. ભવ્ય બંગલામાં અટવાતી અભવ્ય ગરીબાઇ ઝટ નજરે નથી પડતી.
‘હું સાક્ષાત્ સમય છું.’ ટાઇમ મેનેજમેન્ટ એટલે જીવનનું મેનેજમેન્ટ! રામજી એમાં રાજી રાજી!
પાઘડીનો વળ છેડે ચોરી કરશો નહીંકારણ કે સરકારને પોતાના હરીફો પ્રત્યે સખત નફરત હોય છે.
No comments:
Post a Comment