August 18, 2010

ટાઇમ મેનેજમેન્ટની માયા


ભારતના એક વખતના વાઇસરોય લોર્ડ કર્ઝનને ભારતીય સંગીતના કાર્યક્રમનું આમંત્રણ મળ્યું. તેઓ આપેલા સમય મુજબ રાત્રે નવ વાગ્યે પહોંચ્યા. કોઇ તબલાંની ઠોક મેળવતું હતું તો કોઇક સીતારના તારના સૂર મેળવતું હતું. કોઇક બેઠક વ્યવસ્થા ગોઠવતું હતું. લોર્ડ કર્ઝને નિયત સમયે એટલે કે સાડા નવે ઊભા થઇ ભાષણ આપ્યું, ‘ભારતીય સંગીત ભવ્ય છે, તેનો વારસો અમૂલ્ય છે.ભાષણ પૂરું કરી આયોજકોનો આભાર માની ચાલી નીકળ્યા. પછી સંગીતનો કાર્યક્રમ શરૂ થયો...

સમય ચક્રાકાર છે કે રેખાકાર તે દર્શનશાસ્ત્રમાં વિવાદનો વિષય છે. ભારતીય દર્શનમાં સમયને ચક્રાકાર કહ્યો છે. ઓમ પૂર્ણમીદમ્, પૂર્ણમીદ: ... પૂર્ણમેવાશીષ્યતે’, અથવા તો શંકરાચાર્યે કહ્યું હતું તેમ પુનરપી જન્મં, પુનરપી મરણં, પુરમી જનની જઠરે શયનમ’. અને આમ હોવાથી સંસાર માયા છે, આપણે કાંઇ કરવાનું રહેતું નથી, માટે ભજ ગોવિંદમ્, ભજ ગોવિંદમ્’.

સમય જ્યાં ચક્રાકાર છે ત્યાં ફરીફરીને એક જ જગ્યાએ આવવાનું હોય તો બહુ મહેનત કરવાનો અર્થ રહેતો નથી. આથી ચક્રાકાર સમયના ખ્યાલવાળો સમાજ બહુ વિકાસતો નથી.

જ્યારે રેખાકાર સમય વિભાવનામાં રેખાની ઉર્ધ્વ ગતિ, અધોગતિ કે આડી (ક્ષિતીજીય) ગતિ શક્ય છે, આથી ઉર્ધ્વગતિ પામવા અથવા પોતાનાં જીવન દરમિયાન અમુક વસ્તુ કે સિદ્ધિ પ્રાપ્ત કરી લેવા પોતાના જીવનક્રમનું આયોજન કરતાં હોય છે. આમ તો જીવન દરમિયાન શું પ્રાપ્ત કરવાનું છે તે જ ચર્ચાનો વિષય છે.

એક વાર વિખ્યાત વિજ્ઞાની આઇન્સ્ટાઇનને એક યુવાન પત્રકારે પૂછ્યું, ‘જીવનનો મતલબ શું?’ આઇન્સ્ટાઇને જવાબ આપ્યો, ‘જીવનને કોઇ મતલબ હોતો નથી.આ જવાબ સાંભળીને પત્રકારના મોં પર ફરી વળેલી નિરાશા જોઇને તેણે ફરી કહ્યું, ‘આમ તો જીવનનો કોઇ મતલબ નથી, પરંતુ તમે તમારા પૂરતો મતલબ નક્કી કરી શકો.

આ રીતે જોઇએ તો દરેક વ્યક્તિ પોતાનાં જીવનને કોઇ મતલબ આપી તે મુજબ બનવાની કે પામવાની કોશિશ કરે છે. જે લોકોને પોતાના જીવનકાળ દરમિયાન બહુ બધું પામવું છે તેને સમયનું આયોજન કરવું પડે છે.

સમયના આયોજનમાં માણસ પાસે વિકલ્પ હોય છે. મારી પાસે આઠ કલાકની ઊંઘ બાદ કરતાં બાકીના સોળ કલાક સક્રિય કામકાજના રહે છે. તેમાંથી ભોજન, સ્નાન, કુટુંબ સાથે સમય કે એકાદ કલાક મનોરંજનને બાદ કરતાં બાર કલાક રહે છે.

આ બાર કલાકનું આયોજન તે કેવી રીતે કરે છે તેના ઉપર તે કેટલું પામશે તેનો આધાર રહે છે. ધારો કે રોજ એક કલાક વાંચે તો સારા વિદ્વાન થતાં બાર વર્ષ લાગે તો બે કલાક વાંચતા એટલી જ પ્રાપ્તિ માટે છ વર્ષ લાગે. રોજ ચાર કલાક વાંચો તો ત્રણ વર્ષમાં જ વિદ્વત્તા પ્રાપ્ત કરે.

પરંતુ માણસ પોતે સમયની બાબતમાં પૂર્ણ સ્વતંત્ર નથી. ઘણાં લોકો પોતાનાં કામ માટે બીજાનો સમય પણ લે છે. આથી જ ટાઇમ મેનેજમેન્ટની માયા ઊભી થઇ છે. એટલે નીચેની પાંચ સમય માયાઓની વાત સમજવી જરૂરી છે.

૧. કાર્યક્રમ સમયસર શરૂ અને પૂર્ણ થાય : ભારતના એક વખતના વાઇસરોય લોર્ડ કર્ઝનને ભારતીય સંગીતના કાર્યક્રમનું આમંત્રણ મળ્યું. તેઓ આપેલા સમય મુજબ રાત્રે નવ વાગ્યે પહોંચ્યા. કોઇ તબલાંની ઠોક મેળવતું હતું તો કોઇક સીતારના તારના સૂર મેળવતું હતું. કોઇક બેઠક વ્યવસ્થા ગોઠવતું હતું. લોર્ડ કર્ઝને નિયત સમયે એટલે કે સાડા નવે ઊભા થઇ ભાષણ આપ્યું, ‘ભારતીય સંગીત ભવ્ય છે, તેનો વારસો અમૂલ્ય છે.ભાષણ પૂરું કરી આયોજકોનો આભાર માની ચાલી નીકળ્યા. પછી સંગીતનો કાર્યક્રમ શરૂ થયો. (કથાસાર : સમયનો ખ્યાલ સાપેક્ષ છે. લોર્ડ કર્ઝન અને આયોજકના સમયના ખ્યાલો અલગ છે. બંને પોતાની રીતે સાચા છે.)

૨. જગત ઘડિયાળને કાંટે ચાલે છે : એક કર્મચારી રોજ સવારે સાડાનવની બસમાં ગાંધીનગર જાય, સમયપાલનમાં ટેન્શન થાય. એક દિવસ બસસ્ટેન્ડ પર કોઇકે પૂછ્યું, ‘કેટલા વાગ્યા?’ કર્મચારીએ ઘડિયાળ જોવા હાથ ઊંચો કર્યો અને કહ્યું, ‘અરે, ઘડિયાળ તો ટેબલ પર ઘરે જ ભૂલી ગયો!વાત પૂરી થઇ.

બપોરે તે કર્મચારીના ઘરે બેલ વાગી. શ્રીમતીએ બારણું ખોલ્યું. સામા માણસે કહ્યું, ‘હું સાહેબની ઓફિસનો પટાવાળો છું. આજે એક ટિપોઇ વેચવાવાળો આવ્યો હતો. સાહેબે આ ટિપોઇ ખરીદીને મોકલાવી છે. અને હા, સાહેબ ટેબલ પર ઘડિયાળ ભૂલી ગયા છે તે આપો.

શ્રીમતીજીએ ઘડિયાળ આપી. સાંજે શ્રીમાન પાછા આવતાં શ્રીમતીજીએ કહ્યું, ‘આપણે ક્યાં ટિપોઇની જરૂર હતી તે તમે ખરીદી?’ વાતનો ભાંડો ફૂટતાં ખબર પડી કે ચોર ઘડિયાળ લઇ ગયો છે. પોલીસમાં ફરિયાદ કરી. બીજે દિવસે પોલીસ ઘરે આવી પંચકેસ કર્યો.

સાબિતી રૂપે ટિપોઇ પોલીસ લઇ ગઇ. થોડા દિવસ પછી શ્રીમાને પોલીસ સ્ટેશનમાં પૂછ્યું, ‘પેલી ફરિયાદ નોંધાવી હતી તે ઘડિયાળ મળી?’ પોલીસ ઓફિસરે સામું પૂછ્યું, ‘કઇ ફરિયાદ ને કેવી ઘડિયાળ?’ (કથાસાર : જગત ઘડિયાળને કાંટે ચાલે તો કાંટો વાગે પણ ખરો. હવે બધા પાસે મોબાઇલમાં ઘડિયાળ હોય છે. સમયનું ભાન ન હોય તેવું કોઇ નથી. આપણે સમય ન કહેવો.)

૩. કામનાં મહત્વ મુજબ સમય ફાળવાય : ઇન્ડિયન ટોબેકો કંપની એટલે કે ત્રીસ હજાર કરોડની કંપનીના ચેરમેન દેવેશ્વર પચાસ કરોડની સોફટવેર સબસિડીયરીના વાઇસ ચેરમેન દેસાઇને દર વર્ષે એક વાર અડધો કલાક ફાળવે. વધુ સમય માગતા દેવેશ્વરે જવાબ આપ્યો તમે સો કરોડના થશો ત્યારે તમને એક કલાક આપીશ.

(કથાસાર : ધંધામાં સમય અને નાણાં સમપ્રમાણમાં હોય છે. જો કોઇ મોટી કંપનીનો ચેરમેન નાના કામ માટે વધુ સમય ફાળવે તો કયાં તો કંઇક ખોટું થઇ રહ્યું છે તેમ સમજવું અથવા તો આવા ખરાબ ટાઇમ મેનેજમેન્ટને લીધે કંપની ખાડામાં જવાની છે તેમ સમજવું. આ કંપનીના શેર ન ખરીદવા.)

૪. એક મિનિટ આપશો? : કંપનીનાં બોર્ડની સભા મળે ત્યારે એજન્ડા અને હીડન એજન્ડા નક્કી હોય છે. એક કંપનીનાં ચેરમેને બે વાગ્યે બોર્ડ મીટિંગ રાખી. પચીસ એજન્ડા આઇટમ્સ ક્લીયર કરવાની હતી. વીસ નંબર પછીની આઇટમ્સ મહત્વની નાણાકીય બાબતો હતી.

ત્રણ આઇટમ પૂરી થઇ ત્યાં એક ડિરેક્ટર એક મિનિટકહીને બોલવા ઊભા થયા અને અમુક લોકોને કેમ નહીં રાખ્યા તે બાબત પર એકત્રીસ મિનિટ લીધી. સાડાચારનું પ્લેન પકડવાનું હોવાથી ચેરમેને સાડાત્રણે મીટિંગ પૂરી કરવી પડી.

મહત્વની નાણાકીય બાબતો આગામી બોર્ડ મીટિંગ માટે મુલતવી રહી. (કથાસાર : કોઇ એક મિનિટ માગે તો ખરેખર એક મિનિટ જ આપો. વધારે માગે તો કહો કે તમારો મુદ્દો આવતી મીટિંગમાં લઇશું. જાહેરસભામાં પણ ઘણીવાર મહાનુભાવો બે શબ્દોની જગ્યાએ બાવીસસો શબ્દો બોલે છે. લોકો આનાથી કંટાળે છે. ચેરમેનની ભૂમિકા ટાઇમ મેનેજમેન્ટમાં અગત્યની છે.)

૫. આ કામ કલાકમાં કરી આપો : કંપનીના મેનેજિંગ ડિરેકટરને એક સરકારી અધિકારી મળવા આવ્યા. વાતમાંથી વાત નીકળતાં કંપનીની નવી પ્રોડક્ટની ગુણવત્તાની વાત નીકળી. મેનેજિંગ ડિરેક્ટરે પૂછ્યું, ‘આપે અમારી પ્રોડક્ટ જોઇ છે?’ અધિકારીએ ના પાડી. મેનેજિંગ ડિરેક્ટરે પી.એ.નો હુકમ કર્યો. પ્રોડક્ટ તો કારખાને હતી. ઝડપથી ગાડી દોડાવી. અકસ્માત થયો. ગાડીને નુકસાન થયું, ડ્રાઇવરને વાગ્યું. પ્રોડક્ટ સમયસર ન પહોંચી.

(કથાસાર : વટ પાડવા ખાતર મર્યાદિત સમયમાં અશક્ય કામ કરવાનો હુકમ વિચાર્યા વિના ન આપો. વસ્તુ તત્કાલ આપવી જરૂરી નથી. પછીથી અધિકારીના ઘેર કે ઓફિસે પહોંચાડી શકાય. સમયનો સવાલ એ મેનેજિંગ ડિરેક્ટરની સત્તાનો સવાલ પણ ક્યારેક બની જાય છે.)

૬. પૈસાનો સવાલ નથી, સમયનો સવાલ છે : જ્યારે કોઇ કંપનીના બોસ એમ કહે કે આમાં પૈસા મહત્વના નથી, પરંતુ સમય મહત્વનો છે, ત્યારે ખરેખર તેમાં પૈસા મહત્વના છે તેમ સમજવું. એક કંપનીના યુનિયને હડતાલ માટે ચૌદ દિવસની નોટિસ કચેરી બંધ થયાના સમયે આપી.

બીજે દિવસે રજા હતી. ત્રીજા દિવસે એચ.આર.મેનેજરે કહ્યું કે આ તો બાર દિવસની જ નોટિસ ગણાય. કેસ એડ્જ્યુડિકેશનમાં ગયો. કંપનીના સલાહકાર અને વકીલ કમાયા. છેવટે નિર્ણય આવ્યો કે નોટિસ કાયદેસર છે. હડતાલ પડી. ઉત્પાદનને નુકસાન થયું. કંપનીને ત્રણસો કરોડની ખોટ ગઇ.

(કથાસાર : સવાલ એક દિવસની કાયદેસરતાનો નહોતો, ત્રણસો કરોડની ખોટ નિવારવાનો હતો. પરંતુ વાત જ્યારે મમતે ચડી છે ત્યારે હું ભલે મરું પણ તને બરબાદ કરુંપર પહોંચે છે. છેવટે બંને પક્ષોને નુકસાન થાય છે.)

ટાઇમ મેનેજમેન્ટની માયા, મગજમાં પડેલા અહમ્, સત્તાના ખ્યાલો, માનસિક ભય તથા વટ પાડવાના ખ્યાલમાં સમજાતી નથી. ટાઇમ મેનેજમેન્ટની માયામાં સપડાનાર લોકો દુષ્ટ નથી હોતા, માનસિક જાળાંઓથી ઘેરાયેલા હોય છે. સમય વ્યવસ્થાપનના પ્રશ્નો થતાં પછીથી તંગદિલી, સ્ટ્રેસ, અકસ્માત, હૃદયરોગ, ડાયાબિટીસ વગેરે ઘણું બધું થાય છે.

No comments:

Post a Comment