August 18, 2010

હું શ્રેષ્ઠ સેલ્સમેન છું


માર્કેટિંગના માસ્ટરો કહે છે કે ઉત્પાદન સહેલું છે, વેચાણ જ અઘરું છે. એટલે જ પ્રોડક્ટ વેચવા નીકળેલા સેલ્સમેનમાં બત્રીસ લક્ષણો હોવા જોઇએ.

એક કંપનીમાં સેલ્સમેનની નોકરી માટે ઇન્ટરવ્યૂ લેવાઇ રહ્યા હતા. મેનેજિંગ ડિરેક્ટરે અમારે તમને શા માટે લેવા?’ તેવો સવાલ પૂછતાં ઉમેદવારે કહ્યું, ‘હું જગતનો શ્રેષ્ઠ સેલ્સમેન છું.’ ‘સારું, તો આ ઘડિયાળ બે કલાકમાં વેચી આવો.ત્રણેક કલાક પછી હાંફતો હાંફતો સેલ્સમેનપદનો ઉમેદવાર પાછો આવ્યો. મેનેજિંગ ડિરેક્ટરના ટેબલ પર ઘડિયાળ મૂકી કહ્યું, ‘માફ કરજો, હું જગતનો બીજા નંબરનો સેલ્સમેન છું.’ ‘તો પછી પહેલા નંબરનો સેલ્સમેન કોણ છે?’ મેનેજિંગ ડિરેક્ટરે પૂછ્યું. ઉમેદવારે જવાબ આપ્યો, ‘જે તમને આ ઘડિયાળ વેચી ગયો તે.

જે અંધોની નગરીમાં આયના વેચી શકે અને જે ઉત્તરધ્રુવમાં જઇ રેફ્રજિરેટર વેચી શકે તે જગતના શ્રેષ્ઠ સેલ્સમેન કહી શકાય. સેલ્સમેન કેવો હોવો જોઇએ એ સવાલનો જવાબ એ છે કે સેલ્સમેનમાં બત્રીસ લક્ષણો હોવો જોઇએ. ચતુર, રૂપાળો, બોલવે કુશળ, માણસોને માપવામાં માહિર, આકાંક્ષા જગાવનારો, વિકલ્પ આપનારો, ગ્રાહકના અહમ્ને સંતોષ આપનારો, માણસોને આદત પાડનારો વગેરે લક્ષણો તેનામાં હોવા જોઇએ. કેટલાંક લક્ષણોની વાત હળવે હૈયે જોઇએ.

માર્કેટિંગના માસ્ટરો કહે છે કે ઉત્પાદન સહેલું છે, વેચાણ જ અઘરું છે. ગરીબોને સીવણ શીખવનારી સંસ્થાઓ કહે છે કે શીખ્યા પછી ગરીબો કામ કરવા તો તૈયાર છે, પરંતુ તેમનાં ઉત્પાદન વેચવાં ક્યાં તે પ્રશ્ન છે.

એક માણસે બાટાની દુકાનમાં જઇ બૂટ માગ્યા. સેલ્સમેને અદ્દલ ચામડાના છે સાહેબ, પહેરોકહી એક જોડી આપી. ગ્રાહકે બહુ કોશિશ કરી છતાં બૂટમાં પગ ન ગયો તે જોઇ સેલ્સમેને દૂરથી કહ્યું, ‘જીભ બહાર કાઢો એટલે પગ અંદર જશે.થોડીવાર પછી સેલ્સમેને પૂછ્યું, ‘પહેરાયા?’ ‘હજુ થોદા તાઇત લાદે ચે.ગ્રાહકે જવાબ આપ્યો. (સાર : સેલ્સમેને ક્યાં તો બૂટ પહેરાવવા અથવા ગ્રાહક સમજે તેવી ભાષામાં વાત કરવી.)

જુની વસ્તુઓનો સંગ્રાહક એક એન્ટિક સ્ટોરમાં પહોંચી ગયો. સ્ટોરના એક ખૂણામાં એક બિલાડી જુની તાસકમાં દૂધ પી રહી હતી. સંગ્રાહકને તાસક ગમી ગઇ અને ૫૦૦ રૂપિયામાં તેણે તાસક ખરીદવાની ઓફર મૂકી. દુકાનદારે ના પાડી, ‘માફ કરજો આ તાસક વેચવાની નથી.સંગ્રાહકને થયું કે જો હું બિલાડી ખરીદી લઇશ તો તાસક ઉમેરણમાં મળી જશે. દુકાનદારે ૧૫૦૦ રૂપિયામાં બિલાડી વેચવાની હા પાડી.

પછી સંગ્રાહકે કહ્યું, ‘આ બિલાડીને દૂધ પાવા માટે આ તાસક આપી દોને!દુકાનદારે જવાબ આપ્યો, ‘માફ કરજો સાહેબ, એ મારી શુકનવંતી તાસક છે. આ તાસકને લીધે તો મેં ગયા મહિનામાં પચાસ બિલાડીઓ વેચી છે.’ (સાર : શું વેચાઉ છે અને શું નથી તેનો સ્પષ્ટ ખ્યાલ ગ્રાહકને ન હોય તો સેલ્સમેન તેને સહેલાઇથી છેતરી જાય છે. ગુજરાતીમાં કહેવત છે કે દીકરીનાં માગાં હોય, વહુનાં માગાં ન હોય.)

એક કંપનીનો સિનિયર સેલ્સમેન તેની હોશિયારી અને ચાલાકી માટે જાણીતો હતો. એક જુનિયર સેલ્સમેને તેને પૂછ્યું, ‘તું આટલો હોશિયાર કઇ રીતે થયો?’ સિનિયર સેલ્સમેને જવાબ આપ્યો, ‘હું રોજ શંખપુષ્પી પીઉં છું.’ ‘ક્યાં મળે?’ ‘હું લાવી આપીશ.સિનિયર સેલ્સમેને કહ્યું. બીજે દિવસે સિનિયર સેલ્સમેને ૫૦૦ રૂપિયામાં સો ગ્રામની શંખપુષ્પી સીરપની બાટલી આપી.

થોડા દિવસ શંખપુષ્પી પીધા પછી દવા ખલાસ થતાં જુનિયર સેલ્સમેને દવાની દુકાનમાં પૂછપરછ કરતાં તેને ૧૦૦ રૂપિયામાં સો ગ્રામની બાટલી મળી ગઇ. બીજે દિવસે ઓફિસમાં આવીને સિનિયર સેલ્સમેનને ફરિયાદ કરતાં તેણે કહ્યું, ‘તેં મારી સાથે છેતરિંપડી કરી.સિનિયર સેલ્સમેને જવાબ આપ્યો, ‘જો શંખપુષ્પી પીતાં જ તારામાં કેટલી હોશિયારી અને ચાલાકી આવી ગઇ?’ (સાર : નિષ્ફળતાનો અનુભવ સેલ્સમેનને હોશિયાર અને ચાલાક બનાવે છે. શરત એ છે કે તે નિષ્ફળતામાંથી શીખવા તૈયાર હોવો જોઇએ.)

વેચાણ અને જાહેરાત સાથે સાથે ચાલે. એક સફળ સેલ્સમેનને મન થયું કે પોતે જાહેરખબરની કંપની શરૂ કરું તો સારા પૈસા મળે. તેણે પોતાની કંપનીના માલિકને પૂછ્યું, ‘મારે એક નાની જાહેરખબર કંપની શરૂ કરવી છે તો શું કરવું જોઇએ?’ ‘એક મોટી કંપની ખરીદી લે, છ મહિનામાં એની મેળે નાની થઇ જશે.માલિકે જવાબ આપ્યો. (સાર- સફળ સેલ્સમેન સફળ ધંધાદારી બની શકતા નથી. ધંધાદારી બનવા માટે અલગ ગુણોની જરૂર પડે છે.)

એક છાપાંનો ફેરિયો ચાર રસ્તે છાપું વેચવા બૂમો પાડતો હતો, ‘વાંચો તાજા સમાચાર. અમદાવાદમાં ભરબપોરે પચાસ લૂંટાયા.રસ્તેથી પસાર થતા એક સજજન બે રૂપિયામાં છાપું ખરીદી ચાલવા લાગ્યા. ફેરિયો ફરી બૂમો પાડવા લાગ્યો, ‘વાંચો તાજા સમાચાર. અમદાવાદમાં ભરબપોરે એકાવન લૂંટાયા.’ (સાર : આ એક નાની વાત કેટલી કહેવતો સાચી ઠેરવે છે? બોલે તેનાં બોર વેચાય. લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખ્યા ન મરે. સુણતલ કાન ન માનીએ, નજરું જોયા સાચ.)

કેટલીક સેલ્સ કહેવતો. બીજે છેતરાતાં પહેલાં અહીં આવો. અડધી મહેનત બેવડી ધોલાઇ, પછી ધુઓ અને રુઓ. રૂપાળા દેખાવાની છેલ્લી તક અમારું ક્રીમ વાપરો. અમારી દવા વાપરો, કાયમી ઘરાક થઇ જશો.

આજે ઘણા ભણેલા ગણેલા યુવાનો સેલ્સમેનનું કામ કરવા તૈયાર થતાં નથી, પણ સેલ્સમેનથી કરિયર શરૂ કરીને માર્કેટિંગ હેડ બન્યાના ઘણા દાખલા છે. માટે કરો શુભસ્ય શીધ્રમ.

No comments:

Post a Comment