
સાત વર્ષનો એક છોકરો હતો. એને સાઇકલ ચલાવવાનો ભારે શોખ. એ અનાથ આશ્રમમાં રહેતો હોવાને લીધે કોઇની પાસે સાઇકલ માગી નહોતો શકતો. એક દિવસ તેને સાઇકલનો એક ફોટો રસ્તા પરથી મળ્યો. તેણે તે ફોટો લઇ લીધો. છોકરો તે ફોટો પોતાના ઓશીકા નીચે રાખતો અને રોજ રાત્રે તેને જોઇ, તેના વિશે વિચારતા વિચારતા સૂઇ જતો. આવું લગભગ સાતથી આઠ મહિના ચાલ્યું. એક વખત સ્કૂલમાં તે પહેલા નંબરે પાસ થયો અને પ્રિન્સિપાલ ખુશ થઇ ગયા. તેને ભેટમાં એક સાઇકલ આપી. આ એ જ સાઇકલ હતી જેનો ફોટો તેણે ઓશીકાની નીચે રાખી મૂક્યો હતો!
આવા અનેક કિસ્સા છે, જેમાં Power of subconcious mind ની અનુભૂતિ થાય છે. ‘રોડીઝ’ અને ‘બિગ બોસ’ જેવા રિયાલિટી શોના વિજેતા આશુતોષ કૌશિકની વાત કરીએ. આ દેશી મુંડાને અંગ્રેજી બોલતા પણ નથી આવડતું. પોતાના ગામમાં તે ધાબો ચલાવતો હતો. રોડીઝના ઓડિશનમાં એ શરૂઆતમાં રિજેક્ટ થઈ ગયો હતો, પણ પછી તે પાસ થઈ ગયો અને આખરે બધાને પાછળ રાખીને શો જીતી ગયો.
એ પછી એણે ક્યારેય પાછું વળીને જોયું નથી. આને એનું લક કહી શકો કે પછી ખરી જગ્યાએ ખરા સમયે હોવાની કમાલ. રંકમાંથી રાય બની ગયા હોય તેવા ઘણા લોકો છે. ખિલાડી અક્ષયકુમાર લકમાં સોએ સો ટકા વિશ્વાસ કરે છે, કારણ કે તેના હિસાબે તેની ઘણી ફિલ્મો એટલી સારી નથી હોતી જેટલી એને સફળતા મળી હોય છે.
હ્યુમન બિહેવિયર પર અનેક પુસ્તકો લખનાર લેખક લેસ ગિલ્બીન લકી બનવા માટેની અલગ જ થિયરી રજૂ કરે છે. તેમના હિસાબે જો પરિસ્થિતિનો સંપૂર્ણપણે અભ્યાસ કર્યા બાદ તમે એ કાર્ય કરો અને છતાંય સફળતા ન મળે તો તમે મન મક્કમ કરી શાંતિથી બેસી વિચાર કરો અને નિષ્ફળતાનું કારણ શોધી કાઢો. બસ આટલું કરવાથી તમે લકી બની શકો છો.
આ તો થઇ મનોવૈજ્ઞાનિક વાત, પણ તંત્ર-મંત્ર, તાવીજ જેવાં અવૈજ્ઞાનિક પરિબળો અને આજકાલ ગલીએ ગલીએ ફૂટી નીકળેલા બંગાળી બાબાઓ ઉપરાંત ભારતમાં એક એવી વિદ્યા છે, જેના વિશે સદીઓથી જાતજાતના તર્કવીતર્ક થઇ રહ્યા છે. તે છે જ્યોતિષ વિધા, જેના દ્વારા લોકોનાં ભવિષ્યની આગાહી કરવામાં આવે છે અને અબજો માઇલ દૂર રહેલા ગ્રહો પોતાનાં કિરણો દ્વારા માનવજીવન, વનસ્પતિ, ધાતુ અને રત્નો પર કેવી અસર કરે છે તે સમજાવવામાં આવે છે.
બસ તો હવે એ નક્કી કરવાનું છે- તમારે મંત્રતંત્ર, જ્યોતિષશાસ્ત્ર વગેરેના આધારે સફળ થવું છે કે પછી તમારા મનની શક્તિઓનો ઉપયોગ કરીને?
No comments:
Post a Comment