August 20, 2010

ભવિષ્યદ્રષ્ટિ સ્પષ્ટ કરો

ગાંધીજી, રુઝવેલ્ટ કે ચર્ચિલ- બધા જ સફળ નેતાઓમાં એક સ્પષ્ટ ભવિષ્યદ્રષ્ટિ હોય છે, જે હંમેશાં પરિસ્થિતિને બહેતર બનાવવા લોકોને પ્રેરિત કરતા રહે છે.

સફળતમ ઉદ્યોગપતિઓ હંમેશાં માનતા હોય છે કે સંપત્તિમાં નહીં, માણસોમાં રોકાણ કરો. જી.ઇ. કંપનીના સ્થાપક વેલ્શ કહેતા કે મારી કંપનીની સાચી શક્તિ જેટ એન્જિન કે ગેસ ટર્બાઇન નહીં પણ મારા કર્મચારીઓ છે. સર્વશ્રેષ્ઠ લીડરો શોધવા, તેમને તાલીમ આપવી અને કંપનીનું સુકાન તેને સોંપવું એ બધામાં વેલ્શની માસ્ટરી હતી.

૧૯૫૦માં જી.ઇ.એ મેનેજમેન્ટ નિષ્ણાતોને એક વિસ્તૃત મેનેજમેન્ટ નીતિ બનાવવાનું કામ સોંપ્યું હતું. એવી નીતિ જેમાં મોટા ભાગની સમસ્યાઓનો ઉકેલ આવી જાય. પરંતુ વેલ્શ માનતા કે સર્વશ્રેષ્ઠ લીડર પોતાના મૌલિક અને તાજગીસભર વિચારોથી સૌને પ્રેરણા પૂરી પાડતા રહે છે.

કંપનીનું સી.ઇ.ઓ. પદ સંભાળતી વખતે જ કોઇ રણનીતિ કે એજેન્ડાને અનુસરવાનો ઇનકાર કરી દીધો હતો. તેઓ હંમેશાં આકર્ષક દ્રષ્ટિ પર વિશ્વાસ રાખતા. તેમના મતે સફળ નેતા ક્ષુલ્લક વાતોમાં ગૂંથાઇ રહેવાને બદલે પોતાની દૂરદ્રષ્ટિથી અન્યોને પ્રેરણા આપતા રહેતા હોવા જોઇએ. તેઓ કામ કરવાનું જડ ચોકઠું બનાવવાના વિરોધી હતા. તેમના મતે એક સ્વપ્નદ્રષ્ટા લીડર ટીમને ભવિષ્યનો રાહ ચીંધે છે અને ટીમમાં વિશ્વાસનું સિંચન કરે છે. બહુ જડ મેનેજમેન્ટ વ્યવસ્થામાં વ્યર્થ બાબતો પર ખૂબ બધો સમય વેડફાય છે. તેને બદલે દરેક કર્મચારીને-ટીમને યોગ્ય દિશા નિર્દેશ કરીને સ્વતંત્રતા આપવામાં આવે તો વધુ સારાં પરિણામો મેળવી શકાય છે.

આત્મવિશ્વાસથી ભરપૂર ટીમ હંમેશાં સફળ થાય છે. આવી ટીમ બનાવવા તેમને જાતે નિર્ણયો લેવાની છૂટ આપો. મોટાં લક્ષ્ય નિર્ધારિત કરો. જો એ લક્ષ્યપ્રાપ્તિમાં નિષ્ફળતા મળે તો ઠપકો આપવાને બદલે પ્રયત્નો બદલ પીઠ થાબડો. જીતનો ઓરછવ મનાવો. આમ કરવાથી ટીમના મનોબળમાં વધારો થશે અને ગમે તેવા પડકાર ઝીલવા તૈયાર જ હશે!

તમે આવા આર્ષદ્રષ્ટા લીડર બનવા માગો છો? તો નીચેની સલાહ ઘ્યાનમાં રાખો:

ભવિષ્યની રણનીતિ લખી રાખો

આગળનું વિચારવાની દ્રષ્ટિ વિકસાવો અને નક્કી કરેલા ઘ્યેય સુધી પહોંચવાના વિવિધ રસ્તાઓ ખોળી કાઢો. તેને લખી રાખો. આ દૂરદ્રષ્ટિ તમારી ટીમમાં પણ પ્રવાહિત કરો.

નાની-નાની પડપૂછમાં ન પડો

ભવિષ્યની રણનીતિનો અર્થ એ નથી કે દરેક વાતની પડપૂંછ કરીને બધું જ વિગતવાર સમજવામાં આવે! તમે બસ સર્વશ્રેષ્ઠ કર્મચારીઓની ટીમ તૈયાર કરો અને તેમની સમક્ષ ઘ્યેય સ્પષ્ટ કરી દો. બસ, પછી તેમને છુટ્ટા મૂકી દો.

સક્ષમ લોકોને કામે લગાડો

ઇન્ટરવ્યુ વખતે કોઇ પેચીદા પ્રશ્નનો સર્વશ્રેષ્ઠ ઉકેલ ખોળી કાઢનાર વ્યક્તિને નોકરી આપો. મૌલિક રીતે આવા લોકોની જ ટીમને જરૂર હોય છે. સફળતામાં રેકોર્ડ ધરાવતા લોકોને પ્રમોશન આપતા રહો.

No comments:

Post a Comment