August 20, 2010

કામનો નશો

ઉદ્યોગપતિઓમાં શું ખાસિયત હોય છે? શ્રીમંતો અને તેમના સ્તરે નહીં પહોંચી શકતા લોકો વચ્ચે શું ભેદ હોય છે?

આમઆદમી હોય કે ઉદ્યોગપતિ, તુંડે - તુંડે મતિભિન્નતા જોવા મળે. ઉદ્યોગપતિઓમાં પણ જુદા - જુદા પ્રકારના સ્વભાવવાળા લોકો હોય છે. કોઇ મિલનસાર હોય તો કોઇ એકાંતપ્રિય, કોઇ ઉડાઉગીર હોય તો કોઇ કંજૂસ, કોઇ મનમોહક હોય તો કોઇ મહાબોર પરંતુ આ બધામાંય એક વાતનું સામ્ય જોવા મળે છે જે ‘સાહેબ’ બનવાની મહત્વાકાંક્ષા માટે અનિવાર્ય હોય છે. બિઝનેસમાં ટોચ પર પહોંચવા માટે કઠોર મહેનતનો કોઇ પર્યાય નથી એ તો પ્રચલિત જ છે. રોજ બાર કલાક ઓફિસમાં કામ, લંચ વખતે પણ બિઝનેસ મિટિંગો, રાતે કે રજાઓમાં પણ કામ, કામ ને કામ... આ છે ઉદ્યોગપતિઓની સામાન્ય દિનચર્યા. સફળતાનું પહેલું સૂત્ર છે પરિશ્રમ.

કામની ધૂન

કેટલાય ઉદ્યોગપતિઓ ખચકાટ વિના કબૂલે છે કે તેમને કામનો નશો છે. અટલાન્ટાના યુવાન ઉદ્યોગપતિ રોબર્ટ એડવર્ડ ટર્નર તૃતીયે ‘પ્લેબોય’ મેગેઝિનને આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, ‘મેં પરિવારની બધી જરૂરિયાતો પૂરી કરી દીધી છે તોય કમાતો રહું છું. કેમ? કારણ કે આ એક એવી ધૂન છે જે છૂટતી નથી.’ યુનાઇટેડ ટેકનોલોજીસના ચેરમેન હેરી ગ્રેને ભયાનક એક્સિડેન્ટને કારણે હોસ્પિટલમાં દાખલ થવું પડયું. આથી તેમણે તેમના સેક્રેટરીને ફાઇલો લઇને ત્યાં જ બોલાવી લીધો અને મહિનાઓ સુધી બિછાનામાં પડ્યા - પડ્યા કામ કરતા રહ્યા.

રજા કેવી ને વાત કેવી?

આવા ઉદ્યોગપતિઓ એટલી હદે કામગરા હોય છે કે રજાનું નામ પડતાં તેઓ નાકનું ટેરવું ચડાવે છે. અમેરિકન સ્ટાન્ડર્ડ ઇન્કોર્પોરેટેડના અઘ્યક્ષ વિલિયમ માકર્વાર્ડ લાંબી રજાઓને બદલે લાંબા વીક - એન્ડમાં માને છે. તેઓ કહે છે, ‘રજાનો ચોથો દિવસ વીતે ત્યાં તો મને અકળામણ થવા લાગે છે.’ આટલાન્ટાની ફૂકવા ઇન્ડસ્ટ્રીઝના સંસ્થાપક જોન બ્રુકસ ફૂકવા એકવાર બે સપ્તાહની રજા માનવવા સ્વિત્ઝરર્લેન્ડ ગયા પણ ત્રણ દિવસ પછી પાછા ઓફિસે પહોંચી ગયા. ‘મહેલ બધા સરખા જ હોય છે.

એક જોઇ લો એટલે સમજો બધા જ જોઇ લીધા.’ અવિરત કામ કરતા રહેવા માટે ઉદ્યોગપતિઓને અસાધારણ ર્જા જોઇએ. ઘણા પ્રતિભાશાળી યુવાન ઉદ્યોગપતિ એટલા માટે સફળ નથી થયા, કારણ કે તેમની કાર્યશૈલી અલગ પ્રકારની હતી. ઝેરોક્સના પીટર મેક્કોલો કહે છે, ‘આ રેસમાં કોણ પાછળ રહી જશે એની તરત જાણ થઇ જાય છે.’ લિટન ઇન્ડસ્ટ્રીઝના ટેક્સ થોનટર્ન પણ આ જ વાત કહે છે, ‘રેસના ઘોડાનો ઉછેર રેસ માટે જ કરવામાં આવે છે. માણસોને પણ આ વાત લાગુ પડે છે. ઉધમ સંસ્કારોમાં હોય છે.’

પ્રેરક સત્તા

સફળ ઉદ્યોગપતિઓને મહેનતની પ્રેરણા ક્યાંથી મળે છે? ધનની એષણા માણસને બિઝનેસ કરવા પ્રેરે છે પણ શિખર સુધી પહોંચવાની પ્રેરણા પૈસો નહીં, સત્તાની લાલસા હોય છે. મોનેસિટો કંપનીના ચીફ એકિઝકયુટિવ ઓફિસર જોન વેલર હેનલી નાનપણથી જ બીજાઓ પાસે પોતાનું ધાર્યું કામ કરાવી લેવાની પેરવી કરતા રહેતા હતા. શરૂઆતમાં તેઓ સોડાવોટરની દુકાનમાં કામ કરતા ત્યારે પણ તેઓ ગ્રાહકોને મોલ્ટમિશ્રિત મિલ્કશેકમાં ઇંડું નાખીને પીવાનો આગ્રહ કરતા હતા.

ડોનાલ્ડ નેલસન ફ્રાઇ પોતાની મહેનતના જોરે ૪૪મે વર્ષે ફોર્ડ મોટર્સના ગ્રુપ વાઇસ પ્રેસિડેન્ટ બની ગયા પણ તેમને સંતોષ ન થયો. તેઓ કહેતા, ‘મારે આખો વહીવટ મારી રીતે સંભાળવો છે.’ આથી તેઓ ફોર્ડ છોડીને બેલ એન્ડ હાબેલ કંપનીના ચીફ એકિઝકયુટિવ ઓફિસર બની ગયા. આ કંપની ફોર્ડની તુલનામાં સાવ તુચ્છ ગણાય પણ એ આખેઆખી તેમને આધીન હતી. સત્તાની સાથે વધતો રૂઆબ ઉદ્યોગપતિઓને શાન વધારનારો લાગે છે. જેટ વિમાન તેમને વિભિન્ના બિઝનેસ સેન્ટરો સુધી પહોંચાડે છે, જ્યારે હોલિડે હોમથી પાછા ફરવા માટે હેલિકોપ્ટર તેમની સેવામાં હાજર હોય છે. સૂટ સીવડાવવો હોય તો દરજી અને હજામત કરવી હોય તો નાઇ દોડતા ઘરે આવી જાય છે.

જબરદસ્ત જિજ્ઞાસુ

ઉદ્યોગપતિઓની જિજ્ઞાસાવૃત્તિ પ્રબળ હોય છે. ‘પુત્રનાં લક્ષણ પારણામાંથી’ ઉક્તિ અનુસાર પ્રતિભાવાનના ગુણો પ્રારંભમાં જ વર્તાઇ આવે છે. તેઓ કદી એક જગ્યાએ બેસી નથી રહેતા. તેઓ જુદા - જુદા વિભાગોમાં ફરતા રહે છે, લોકો સાથે સવાલ - જવાબ કરે છે, તેમને સલાહ આપે છે, તંગ કરતા રહે છે. એટી એન્ડ ટીના ભૂતપૂર્વ ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર જોન ડિબટ્સ ઘણી વાર મેઇન્ટેનન્સ વિભાગના કર્મચારીઓ સાથે ટેલિફોન ફિટ કરવા કે વાયરોનું રિપેરિંગ કરવા લાગી જતા.

‘ફોર્ચ્યુંન’માં પ્રકાશિત લેખમાં તેમના એક વાઇસ પ્રેસિડેન્ટ કહે છે, ‘બોસ અને હું એક કેબિન પાસેથી નીકળ્યા. મેં પૂછ્યું, જોનસાહેબ, ખબર નહીં આ લોકો શું કરતા રહેતા હોય છે. આ સાંભળીને તેમણે જરા ચા સ્વરે કહ્યું, મને ખબર છે તેઓ શું કરી રહ્યા છે.’ ઉદ્યોગપતિઓની અન્ય ખાસિયતો પણ હોય છે. તક ઝડપી લેવાની બાબતે તેમને કોઇ ન પહોંચે. આ બાબત તેઓ એકદમ ચોક્કસ અને ચપળ હોય છે. અંગત લાભનો કોઇ મોકો તેઓ જવા નથી દેતા. આ બધા ઉપરાંત તેઓ સાચા અર્થમાં આસ્થાવાન હોય છે. પોતાના કામમાં, પોતાના માલમાં, પોતાની કંપનીમાં અને નિરંકુશ ઉદ્યોગ પ્રણાલીમાં તેમને અતિશય વિશ્વાસ હોય છે અને કેમ ન હોય, આમાં તેમને સફળતા જ મળી છે.

મહદ્ અંશે સમજદાર નિષ્ફળ જાય છે?

ઉદ્યોગપતિ કટ્ટર પ્રતિસ્પધa હોય છે અને જીતવામાં તેમને અનેરો આનંદ મળે છે. સ્પર્ધાથી બચનારા કે ડરનારા લોકો મોટે ભાગે સફળ નથી થતા. કારણ કે વ્યવસાયી પ્રગતિ અનંત સ્પર્ધાઓની શ્રૃંખલા છે. રોય એશ સ્પર્ધાની ભાવનાને સત્તાની આકાંક્ષાનો વિસ્તાર ગણે છે. તેમનું કહેવું છે કે ‘સત્તા અને જીત અલગ - અલગ નથી. જીતવાની ઇચ્છા વિના પત્તાં કે સોગઠાંબાજી પાછળ કોને સમય ગુમાવવો ગમે?’ અનેક ઉદ્યોગપતિ વિદ્યાર્થી જીવનમાં વિવિધ રમતો - સ્પર્ધાઓમાં સક્રિય રહી ચૂક્યા હોય છે.

પેપ્સીકોના ડોનાલ્ડ કેન્ડલ અને રોકવેલ ઇન્ટરનેશનલના રોબર્ટ એન્ડરસને ફૂટબોલમાં તથા નોર્ટન સાઇમના ડેવિડ માઓનીએ બાસ્કેટ બોલમાં શિષ્યવૃત્તિ મેળવીને ભણતર પૂરું કર્યું હતું. માઓનીનું કહેવું છે કે સ્કૂલમાં તેમના કોચ તેમના જીવનની મહત્વની વ્યક્તિઓમાંના એક છે. ‘તેઓ મારા મનમાં એક જ વાત ઠસાવતા હતા કે તારે લક્ષ્ય સુધી પહોંચવાનું છે, તું પહોંચી શકે છે, તારે પહોંચવું જ જોઇએ, તું ઓર અથાગ પ્રયત્નો કરીશ તો અચૂક પહોંચીશ.

તેઓ કહેતા કે હારની મને સખત નફરત છે. તેમનું પ્રિય વાક્ય હતું કે તું મને સારો હારવાવાળો દેખાડી દે તો હું તને હારવાવાળો બનાવી દઇશ.’ ટોચ સુધી પહોંચનાર દરેક જણ સામાન્ય લોકો કરતાં ઘણા વધુ તેજસ્વી હોય છે. પરંતુ શિખર સુધી પહોંચવા માટે પ્રતિભા કરતા કટિબદ્ધતા વધુ જરૂરી છે. આ સંબંધમાં જાણીતા મેનેજમેન્ટ એકસપર્ટ પીટર એફ. ડ્રકરે લખ્યું છે: ‘અસાધારણ બૌદ્ધિક ક્ષમતાવાળા લોકો મોટે ભાગે નિષ્ફળ જાય છે. તેઓ એ નથી સમજી શકતા કે અંતદ્રષ્ટિ ન તો કોઇ ઉપલબ્ધી છે, ન વ્યવસાય.’

No comments:

Post a Comment