August 21, 2010

આ હડતાલ વાજબી નથી

ભારત સરકારની બંને વિમાન સેવાઓ-એર ઇન્ડિયા અને ઇન્ડિયન એરલાઇન્સના નામ છાપે ગવાયાં છે પણ ખોટા કારણસર અને ખરાબ રીતે ગવાયાં છે. મેંગલોર અકસ્માતની કારણ મીમાંસા હજુ થઇ નથી પણ અચાનક પાડેલી હડતાલથી હજારો મુસાફરોને વિનાકારણ હાલાકી વેઠવી પડી તેના લીધે વિમાનના કર્મચારીઓ બદનામ થયા છે. તેની લાજશરમ તેમને નથી. અદાલતે હડતાલને ગેરકાયદેસર ઠરાવી અને હડતાલિયા આગેવાનો સસ્પેન્ડ થયા. બે યુનિયનોની સ્વીકૃતિ રદ થઇ પણ આવું દરેક વખતે થાય છે અને દરેક વખતે શિક્ષાત્મક પગલાં રદ કરવામાં આવે છે, તેથી આ બધી કાર્યવાહી અર્થહીન બની જાય છે કારણ કે સરકારી કર્મચારીને તેમની અવળચંડાઇ માટે શિક્ષા મળતી નથી. થોડું નુકસાન, નજીવી શિક્ષા કે ચેતવણી જેવાં પગલાં લેવાય છે. શિક્ષા કરવી અને પાછળથી રદ કરવી તેના કારણે કર્મચારીઓ પેંધા પડી ગયા છે.

કામદારોને હડતાલ પાડવાનો હક છે. બેફામ શોષણ થાય, રોજગારી મળે નહીં અથવા નજીવી મળે, વિના કારણ ત્રાસ આપવામાં આવે અથવા હકાલપટ્ટી કરવામાં આવે તો ગરીબ મજુરોને સંગિઠત થઇને હડતાલ પાડવાનો હક આપવામાં આવ્યો છે કારણ કે મૂડીદારો સામે લડવાનું બીજું કોઇ સાધન તેમની પાસે નથી, પણ એર ઇન્ડિયાના કર્મચારીઓ ગરીબ મજુરો નથી. ભરપેટ પગાર મેળવીને તાગડધિન્ના કરનાર માલેતુજાર કર્મચારીઓ છે. તેમનાં પગાર અને ભથ્થાંના આંકડા રજુ થાય તો આમજનતાની આંખ ફાટી જાય.

વળી, આ કર્મચારીઓનું શોષણ થતું નથી. ઊલટું પોતાના હોદ્દા અને કારવાઇનો ગેરઉપયોગ કરીને તેઓ સરકારનું અને આમજનતાનું બંનેનું શોષણ કરે છે. સરકારી વિમાન સેવાના રેઢિયાળ વર્તાવ, તેમની ઉદ્ધતાઇ અને તેમની ગંદકીના કારણે એર ઇન્ડિયા કે ઇન્ડિયન એરલાઇન્સમાં લોકો નાછુટકે જ મુસાફરી કરે છે. જબરદસ્ત ખોટ કરતી આ એરલાઇન્સો પોતાનાં પાપે મરણતોલ હાલતમાં આવી પડી છે અને ગરીબ જનતા પાસેથી એકઠાં કરેલાં નાણાં તેમને નિભાવી રાખવા માટે વાપરવામાં આવે છે. સરકાર વેપારી ધોરણે કામ ચલાવવા માગતી હોય તો ખોટ કરતી પેઢીઓ બંધ કરવી ઉચિત થઇ પડે કારણ કે આ વિમાની કંપનીઓ બંધ પડી જાય તો બીજી વેપારી પેઢીઓ તેવી અવેજીમાં કામ બજાવવા માટે ખડે પગે તૈયાર છે.

પણ સરકાર આ ખોટનો ધંધો કરે છે, કારણ કે સરકારી અમલદારો અને આગેવાનોનાં પાપ ઢાંકવા માટેની સગવડ મળે છે. પ્રધાનો અને અધિકારીઓ વિના કારણે અથવા નજીવા કારણે અહીંની તહીં ઊડાઊડ કરે છે અને એક યા બીજા ઓઠા તળે પોતાનાં સ્વજનો અને ખુશામતખોરોને વિમાની સફરની સગવડ કરાવી આપે છે તેનો હવાલો સરકારી ખર્ચખાતામાં પડી જવાથી આમજનતાને તેની જાણકારી મળતી નથી.

ખાનગી વિમાનોમાં મુસાફરી થાય તો તેનાં નાણાં રોકડેથી ચૂકવવા પડે અને તેની જાહેરાત જોરશોરથી થાય.
કર્મચારીઓ પ્રજાને ત્રાસ આપે અને પ્રજાનાં નાણાંથી સાહ્યબી ભોગવે તેવું આપણા દેશમાં ચાલી રહ્યું છે અને શિક્ષાનો ભય ગુમાવી બેઠેલા આ દાંડ કર્મચારીઓ ફરી હડતાલ પાડવાની ધમકી આપીને પોતાની ગુનાખોરી છાવરવા માગે છે. એરલાઇન્સ બંધ ભલે થાય પણ નોકરિયાતોની ગેરવાજબી માગણીઓ અને જોહુકમી સાંખી લેવામાં નહીં આવે તેનો પાકો નિર્ણય સરકારે કરવો જોઇએ અને આ નિર્ણયને સરકારે વળગી રહેવું જોઇએ. એક વખત શિક્ષા ભોગવવી પડે તો બીજી વખત આવું પગલું ભરતાં અગાઉ કર્મચારીઓ દસ વખત વિચાર કરતા શીખશે.

સરકાર અમને બદનામ કરે છે અને બિનસરકારી વેપારી એરલાઇન્સને પ્રોત્સાહન આપવા માગે છે તેવી કાગારોળ કર્મચારીઓ કરી રહ્યા છે તે તદ્દન વાહિયાત છે. એર ઇન્ડિયાની આબરૂ બગડી હોય તો તેના માટે કર્મચારીઓ જાતે જ જવાબદાર છે અને ઘરાકી ગુમાવીને તેઓ પોતાના જ પગ પર કુહાડો મારી રહ્યા છે. વિમાન સેવાઓ ટકાવવા માટે નાણાંની કોથળીઓ ઠાલવી દેવાથી ચાલવાનું નથી કારણ કે મુસાફરો એરલાઇન્સનાં બજેટ જોતા-જાણતા નથી પણ પોતાની સગવડતા અને સમયપાલનના આધારે વિમાની સેવાની પસંદગી કરે છે. આજે તો પરિસ્થિતિ એવી છે કે લોકો નાછુટકે એર ઇન્ડિયા-ઇન્ડિયન એરલાઇન્સની વરણી કરે છે. બીજી એરલાઇન્સની સગવડ હોય ત્યાં સુધી લોકો તેમાં જ મુસાફરી કરે છે.

આ બંને વિમાની સેવાઓ ટકી રહી છે કારણ કે ભારતનાં સંખ્યાબંધ શહેરોમાં બીજી વિમાન કંપનીઓને પ્રવેશ અપાતો નથી. સરકારી સત્તાનો ગેરવપરાશ કરીને એક પ્રકારની મોનોપોલી ઊભી કરાય છે અને સેવા નહીં પણ સત્તાના આધારે આ માળખાને ટકાવી રાખવામાં આવે છે. ભારત સરકારે વ્યાપારીકરણની નીતિનો સ્વીકાર કર્યો છે અને નફો કરતી સરકારી પેઢીઓના શેર જનતાને વેચવામાં આવે છે. નફો રળતી પેઢીઓમાંથી હાથ કાઢી લેવો અને ખોટ કરતી વિમાની સેવાઓને ટકાવી રાખવા માટે અબજો રૂપિયાનો ધુમાડો કરવો તેમાં રહેલી વિસંગતતા સહેજે ધ્યાનમાં આવે તેવી સ્પષ્ટ છે.

એક જમાનામાં સમાજવાદી અર્થતંત્રનાં ગુણગાન ગાનારી સરકારે મૂડીવાદી અર્થવ્યવસ્થા સ્વીકારી લીધી છે. મૂડીવાદી સરકારે પણ નફા-નુકસાનનો હિસાબ રાખવો જરૂરી છે. જુના જમાનાના અવશેષ જેવી સરકારી પેઢીઓ અને સેવાઓ બોજાકારી થઇ પડ્યાં હોઇ તેનું વિસર્જન કરવું જોઇએ. વેપારીઓને લાભ મળે તેવા એકમો મફતના ભાવે વેચી મારવામાં આવે છે.

થોડા વરસ અગાઉ થયેલો મોટી હોટલનો સોદો તેના નમૂનારૂપ છે. અને મૂડીવાદીઓ માટે બોજારૂપ હોય તેવી ધંધાદારી પેઢીઓ સરકાર ચલાવ્યે રાખે અને તેને ટકાવવા માટે આમજનતાના કરવેરાનાં નાણાં વાપરવામાં આવે તે જબરદસ્ત આર્થિક ગુનો ગણાવો જોઇએ.

સમાજવાદી અર્થતંત્રો દુનિયામાંથી ભૂસાઇ જવા આવ્યા છે. મૂડીવાદને અપનાવી લેનાર રાષ્ટ્રોએ મૂડીવાદની રૂપરેખા પલટી કાઢી છે અને મૂડીવાદને આમજનતા માટે ઉપયોગી બનાવ્યો છે. જુના શોષણખોર મૂડીવાદના આ નવા અને લાભદાયી સ્વરૂપને સ્વીકાર કરીને ભારત સરકારે તેનો અમલ કરવો ઘટે છે. આવું થાય તો આ બંને વિમાની સેવાઓ તત્કાળ નાબૂદ થઇ જાય.

No comments:

Post a Comment