August 21, 2010

દરેક સફળ નેતા પાછળ એક પી.એ.હોય છે

‘પાકિસ્તાન કોઇ આંદોલનને કારણે મળ્યું નથી. એ તો મેં અને મારા સ્ટેનો(પી.એ.)એ કરેલી મહેનતને કારણે મળ્યું છે.’- મહંમદઅલી ઝીણા

ઉપરના વાક્યને કોઇ ઐતિહાસિક સમર્થન મળતું નથી, પણ આ વાક્ય અનેકવાર ટાંકવામાં આવ્યું છે. અલબત્ત, છે કિવદંતી પણ તેમાંથી જે પ્રાપ્ત થાય છે તેને (એટલે કે પીએને) વિષય બનાવીને આજે અહીં વિચારનું વલોણું ફેરવવું છે. પી.એ. એટલે પર્સનલ આસિસ્ટન્ટ ઉર્ફે અંગત મદદનીશ. કોઇક જગ્યાએ આ માટે અંગત સચિવ એવો શબ્દ પણ વપરાય છે. પણ આ ‘પાત્ર’ને ઉજાગર કરવાનો પ્રયત્ન ખાસ થયો નથી.

પુરાણોમાં આ પીએનું મહત્વ શું હતું તે જાણી શકાય છે. રામાયણ અને મહાભારતમાંથી તેના ઉદાહરણો મળે છે. હનુમાનજી રામના દાસ તો પછી થયા પણ પહેલા તો સુગ્રીવના સચિવ હતા. સુગ્રીવ અને રામને ભેગા કરનાર અને રામની મદદ મેળવવા માટે સુગ્રીવને સમજાવનાર પણ હનુમાનજી જ હતા. મહાભારતમાં ધૃતરાષ્ટ્રના સચિવનું કામ સંજયે કર્યું છે.

નજીકના ભૂતકાળમાં જે અંગત સચિવ કે પીએ પોતાના કામથી જાણીતા થયા છે તેમાં મહાત્મા ગાંધીના પીએ મહાદેવભાઇ દેસાઇ, સરદાર પટેલના પીએ વી.કે.મેનન અને મૂળશંકર છોટાલાલ ભટ્ટ, જવાહરલાલ નેહરુના પીએ મથાઇ, શ્રીમતી ઇન્દિરા ગાંધીના પીએ, બી.કે.હરિપ્રસાદ અને પી.એન. હકસર, સ્વર્ગસ્થ મુખ્યમંત્રી બાબુભાઇ જશભાઇ પટેલના પીએ પ્રભાકર ખમાર વગેરેના નામ હજુ પણ સંબંધિતોના સ્મરણમાં તેની લીલાશ સાથે અકબંધ છે.

પીએ બનવું એટલે શું? તેનું ઉત્તમ, ઉજ્જવળ ઉદાહરણ મહાદેવભાઇ આપણી પાસે મૂકી ગયા છે. પોતાની જાતને સાવ ઓગાળી નાખી અને એક મહાન વ્યક્તિત્વમાં ભેળવી દઇએ ત્યારે સાચુકલા પીએ બની શકાય છે. ‘સ્વ’ને નામશેષ કરીને આ કરવાનું હોય છે.આ પીએનો જન્મ કેવી રીતે થયો? એવું સમજાય છે કે દરેક સફળ માણસનાં ક્ષેત્રો હંમેશાં વિસ્તરતા રહેતા હોય છે.

આ બધે ધ્યાન આપવા માટે તેની ઇચ્છા પણ હોવા છતાં સમય ઘણીવાર તેમ થવા દેતો નથી. વળી, માણસ માત્રની સ્મરણ શક્તિની પણ એક મર્યાદા હોય છે. આ સાથે એવું પણ દેખાય છે કે વ્યક્તિને મળેલી સફળતા ટકાવી રાખવાની મથામણ પણ તેના પર સવાર હોય છે. આ બધાના સરવાળારૂપે આવી બેહદ સફળ વ્યક્તિ છુપું બેબાકળાપણું અનુભવતી હોય છે અને એ કોઇક એવું વ્યક્તિત્વ ઇચ્છે છે કે જે તેનો ભાર ઓછો કરે અને માત્ર તેના માટે જ જીવે. આ વિચાર કે ઇચ્છામાંથી પીએનો જન્મ થયો હશે તેમ સમજાય છે. અલબત્ત, પીએનાં અનેક સ્વરૂપો છે.

તેમાંના થોડાં સ્વરૂપો તરફ આંખ ફેરવીએ. અલબત્ત, આ દરેક સ્વરૂપો સ્વતંત્ર છે અને છતાંય તેનામાં સ્થિતસ્થાપકતા પણ છે. એટલે કે પીએનું એક સ્વરૂપ બીજા સ્વરૂપ સાથે ભળી જાય તેમ પણ બને. (૧) પગારદાર પીએ: આ પીએ એટલે માત્ર ફરજ તરીકે કામ કરતી વ્યક્તિ (૨) શારીરિક પીએ: આ પીએ એટલે સફળ વ્યક્તિ માટે તેનું ભારણ ઓછું કરાવનાર વ્યક્તિ પણ એથી વિશેષ કશું નહીં. (૩) વ્યવહારુ અને સમજદાર પીએ: આ પીએ એટલે સફળ વ્યક્તિને પામી જઇને તેને શું ગમે છે કે શું નથી ગમતું કે તેની શું જરૂરિયાત છે... વગેરે સમજી, સ્વીકારીને વર્તનાર વ્યક્તિ. (૪) ભક્ત પીએ: આ પીએ એટલે સફળ વ્યક્તિની આભામાં તણાઇને તેમની સેવામાં જોડાનાર વ્યક્તિ (૫) બૌદ્ધિક પીએ: આ પીએ એટલે મિત્ર સરીખો માણસ જે તમને કશેક ટોકે કે અટકાવે પણ ખરો (૬) સહજ પીએ: આ પીએ એટલે સફળ વ્યક્તિ અને મદદનીશની કેમેસ્ટ્રી બરાબર રચાઇ ગઇ હોય તેવી વ્યક્તિ (૭) કુદરતી પીએ: આ પીએ એટલે કશાય પ્રયાસ કે પરિચય વગર સફળ વ્યક્તિની બાજુમાં આકસ્મિક રીતે ગોઠવાઇને તેને દરેક રીતે વધારે સફળતા મળે તે માટે પ્રયાસ કરનાર વ્યક્તિ. આ વ્યાખ્યા આખરી ન બની શકે. ઘણી વાર પગારદાર પીએ પણ વ્યવહારુ અને સમજદાર કે ભક્ત પીએની પંગતમાં બેસવાની ક્ષમતા પ્રાપ્ત કરી લે છે. ઘણીવાર તો પીએ દ્વારા મોટા માણસના અનેક સંબંધો આપમેળે સચવાઇ જતા હોય છે.

સામાન્ય સમાજે પીએનાં જે સ્વરૂપો જોયાં છે તે મોટે ભાગે પ્રધાનો, મેયર, જિલ્લા પંચાયતના પ્રમુખ રાજ્ય સરકારના કલેક્ટર, કમિશનર, ડી.એસ.પી., સચિવ, મોટા ઉદ્યોગપતિઓ, સાધુ-સંતો વગેરેના મદદનીશોના રોલમાં જોયા છે. આ બધામાંથી પણ સરસ વ્યક્તિચિત્રો મળી શકે. આવા પીએનો વિચાર કરીએ ત્યારે સૌથી પહેલા સ્વ.રામભાઇ ઠાકર યાદ આવે. નાણાંમંત્રી વજુભાઇ વાળાના પીએ અને પીએસ તરીકે કામ કરી ચૂકેલા રામભાઇ પ્રવર્તમાનકાળના એક સફલ પીએનું ઉત્તમ ઉદાહરણ હતા.

સ્વ. અરિંવદભાઇ મણિયાર જ્યારે રાજકોટના પ્રથમ ચૂંટાયેલા મેયર તરીકે આરુઢ થયા ત્યારે બેટદ્વારકાથી આવેલા આ બ્રહ્નપુત્રને તેનું હીર પારખીને પોતાના પીએ તરીકે મહાનગરપાલિકામાં લઇ ગયેલા તે પછી રામભાઇએ પોતાનું જે વ્યક્તિત્વ વિકસાવ્યું તે અદ્ભુત હતું. રાજકોટના મેયરના પદની ગરિમા અને દબદબો ઊભો કરનાર રામભાઇ હતા. તેઓ એક સફળ પીએ હતા અને આનો પુરાવો એ કે તેમની સ્મશાનયાત્રામાં રાજકોટના પાંચ હજાર લોકો જોડાયા હતા. પી.એ. તરીકે રહીને પણ એક વ્યક્તિ કેટલું વિકસી શકે તેનો પુરાવો રામભાઇ આપતા ગયા. કેટલાક કલેક્ટરોના પીએ તરીકે પણ જે નિષ્ઠાથી કામ કર્યું છે. તે અદ્ભુત છે.

ભરૂચના કલેક્ટર તરીકે કુલીનચંદ્ર યાજ્ઞિક હતા ત્યારે તેમના પીએ સાબુવાલાએ કરેલી કામગીરીની નોંધ યાજ્ઞિકસાહેબે સગૌરવ લીધી છે. આવા બીજા ઘરદીવડા જેવા રાજકોટના કલેક્ટરના પીએ અશોક શુક્લ, જામનગર ડી.એસ.પી.ના પીએ પાનખણિયા, જુનાગઢ કલેક્ટરના પીએ મનમોહનસિંહજાડેજા, કચ્છના કલેક્ટરના પીએ અંતાણી છેલ્લા ૧૦-૧૫ વર્ષથી એક જગ્યાએ સાતત્યપૂર્ણ કામ કરી પગારદાર પીએમાંથી વ્યવહારુ-સમજદાર, ભક્ત પીએની કેટેગરીમાં પહોંચી ગયા છે.

‘ ઇતિ સિદ્ધમ : ‘જો મહાદેવભાઇ દેસાઇ ન હોત તો ગાંધીજી પણ ન હોત.’- નરેન્દ્ર મોદી

No comments:

Post a Comment