August 21, 2010

સર કરવા માટે ઘણાં શિખરો છે જિંદગીમાં

મે મહિનો એટલે બોર્ડનાં પરિણામ ને એવરેસ્ટને સર કરવાની મોસમ. દિલ્હીનો ૧૬ વર્ષનો અર્જુન અને અમેરિકાનો ૧૩ વર્ષનો જોર્ડન ગયા અઠવાડિયે માઉન્ટ એવરેસ્ટ સર કરી આવ્યા. ટીનેજરો અને મા-બાપે વિચારવાનું એ છે કે સિદ્ધિ એટલે માત્ર માર્કશીટના આંકડા નહિ!

સદીઓથી હિમાલય વિશ્વભરના સાહસિકોને પડકાર ફેંકી રહ્યો છે. એમાંય દુનિયાનું સૌથી ઊંચું શિખર માઉન્ટ એવરેસ્ટ આ પડકારનું શિખર છે. દર વર્ષે મે મહિનામાં અનેક સાહસિકો કફન બાંધીને એવરેસ્ટને સર કરવા નીકળે છે. મોટાભાગના એવરેસ્ટને આંબવાના પ્રયાસમાં અધવચ્ચેથી પાછા ફરે છે, બહુ ઓછા શિખરે પહોંચે છે. કેટલાક કમભાગી બરફનું કફન ઓઢીને દફન થઇ જાય છે. જીવનના અલગ અલગ તબક્કામાં સફળતા-નિષ્ફળતાનું પણ આવું જ હોય છે. મહત્વ પરિણામનું ચોક્કસ છે, પણ માત્ર ને માત્ર પરિણામનું જ નથી. પડકાર ઝીલવાનું અને તેનો સામનો કરવાનું પણ મહવ છે. તેમાં કુદરતી સંજોગોનું મેળવણ પણ ભળે છે, જે તમારી ઇચ્છાઓ અધૂરી રાખી શકે છે કે પૂરી કરી શકે છે.

મે મહિનો એટલે બોર્ડનાં પરિણામ અને માઉન્ટ એવરેસ્ટને સર કરવાની મોસમ. બોર્ડની ટકાવારી અને ટોપ ટેનના આંકડાના રેકોર્ડસની સાથે આ સમયમાં એવરેસ્ટ સર કરનારાના રેકોડ્ર્સ બને છે. ગયા અઠવાડિયે દિલ્હીનો ૧૬ વર્ષનો એક સ્કૂલબોય અર્જુન બાજપાઇ ૮૮૪૮ મીટરની ઊંચાઇના માઉન્ટ એવરેસ્ટને આંબી ગયો. આ એક રેકોર્ડની બરાબરી હતી. તેની સાથે જ પહોંચેલા નેપાળી શેરપા તેંબા શેરીએ ૧૬ વર્ષની ઉંમરે એવરેસ્ટ સર કર્યું હતું. જ્યાં પગ મૂકવો એ શ્રેષ્ઠતાની લાગણી હોય છે. જ્યાં શ્વાસ લેવો એ મોટી ઉપલબ્ધિ હોય છે એ એવરેસ્ટ પર અમુક મિનિટો ટકી રહેવું એ જીવન-મરણનો ખેલ હોય છે.

અખંડ પાછા ફરવું એ તો આવડત અને નસીબનો સરવાળાની માર્કશીટ હોય છે. ગુજરાતી મા-બાપ અને ટીનેજરોએ આ કિસ્સો ખાસ યાદ રાખવા જેવો છે. દિલ્હીનો લબરમૂછિયો છોકરડો એવરેસ્ટને આંબી આવ્યો. દિલ્હીની એક પ્રતિષ્ઠિત ઇન્ટરનેશનલ સ્કૂલમાં ભણતા અર્જુને માઉન્ટેનિયરિંગને કારકિર્દી બનાવી છે અને એ પણ ૧૬મા વર્ષે. આ ક્ષેત્રની તાલીમ લઇને તેણે અનેક નાના-નાના શિખરો સર કર્યા પછી તેણે સવૉચ્ચ શિખર અને દરેક માઉન્ટેનિયરના આખરી સ્વપ્ન સમાન એવરેસ્ટ પર નજર દોડાવી.

જિંદગી અને કારકિર્દીને બીબાંઢાળ પદ્ધતિથી જોવાનું બંધ કરવા જેવું છે. ૧૦+૨+૩+...આવી પદ્ધતિથી શિક્ષણ હોઇ શકે, પણ કારકિર્દીનું ઘડતર ન હોઇ શકે. કારકિર્દી શબ્દનો વ્યાપ સમજવાની જરૂર છે. અનેક ક્ષેત્રો અને વિષયો એવા છે જેમાં તકની કોઇ સીમા નથી, છતાં ગુજરાતી મા-બાપ એ દિશામાં જતા ખચકાય છે. આપણી સાહસવૃત્તિ માત્ર ગોખણપટ્ટીમાં છે. ગુજરાતીઓ વિશ્વ પ્રવાસીઓ બન્યા છે, પણ કોઇ શિખરની ઊંચાઇ કે દરિયાના પેટાળની ઊંડાઇના આંકડા કરતાં શેરબજારનો સેન્સેક્સ આંક આપણને વધુ પ્રિય લાગે છે. તનને શ્રમ આપવા કરતાં મનને ‘તંગ’ કરીને આપણે ધન રળીએ છીએ.

દિલ્હીનો અર્જુન એવરેસ્ટ પરથી હજી ઉતરી જ રહ્યો હતો ત્યાં અમેરિકાના કેલિફોર્નિયાનો જોર્ડન તેના પિતા અને તેમની ગર્લફ્રેન્ડ સાથે એવરેસ્ટ સર કરવા જઇ રહ્યો હતો. અર્જુનનો રેકોર્ડ અમુક કલાકો સુધી જ એવરેસ્ટની ટોચે કાયમ રહ્યો. જોર્ડને જગતની ટોચ પર શ્વાસ લીધા કે તરત જ એ એવરેસ્ટ પર પહોંચનારો વિશ્વનો સૌથી નાની ઉંમરની વ્યક્તિ બની ગયો.

વિચારવા જેવો મુદ્દો એ છે કે પૃથ્વીની ટોચે પહોંચવા જેવા સૌથી કપરા સાહસમાં આવી ‘ગળાકાપ સ્પર્ધા’ થવા માંડી છે. શારીરિક ક્ષમતાઓને ઓળંગીને ટીનેજરો એવરેસ્ટ ભણી મીટ માંડતા થયા છે. યાદ રહે, એવરેસ્ટ પર પહેલાં પગ મૂકનારા સર એડમંડ હિલેરી તેમની ઉંમરના ૩૩મા વર્ષે ત્યાં પહોંચ્યા હતા. જોર્ડનના નામે તો બીજો એક રેકોર્ડ પણ બનવાનો છે. જોર્ડન સાતેય ખંડોના સૌથી ઊંચા શિખરો સર કરવા નીકળ્યો છે. જેમાંથી એવરેસ્ટ પછી હવે તેણે એક શિખર સર કરવાનું બાકી રહ્યું છે.

હવે એ એન્ટાર્કટિકાનું માઉન્ટ વિન્સન શિખર સર કરવા જવાનો છે. દસ વર્ષની ઉંમરે તેણે આફ્રિકાના સૌથી ઊંચા શિખર માઉન્ટ કિલિમાન્જારોને સર કરી લીધું હતું. બાય ધ વે, જોર્ડન આઠમા ધોરણનો વિદ્યાર્થી છે અને દિલ્હીનો અર્જુન બારમા ધોરણનો વિદ્યાર્થી છે. આ બંને ટેણિયાઓએ એવરેસ્ટને રીતસર વામણું બનાવી દીધું. અર્જુન બાજપાઇની ટીમના ટીમ લીડર તરીકે ગયેલા ૫૦ વર્ષના અપા શેરપાએ વળી નવો રેકોર્ડ બનાવ્યો છે. આ શેરપાએ એવરરેસ્ટને ૨૦મી વખત લાંઘી દીધું.

એવરેસ્ટ પર સર એડમંડ હિલેરીએ પગ મૂક્યો તેને બે દિવસ પછી સત્તાવન વર્ષ પૂરા થાય છે. બે વર્ષ પહેલાં મૃત્યુ પામેલા એડમંડના અસ્થિ અપા શેરપાની ટીમ આ એક્સપિડશિનમાં સાથે લઇ જવાની હતી. પર્વતપ્રેમીઓની ઇચ્છા તેમના અસ્થિને માઉન્ટ એવરેસ્ટની ટોચે પહોંચાડવાની હતી. જોકે શેરપાઓની લાગણીને માન આપીને પછી એ શકય ન બન્યું.

મૂળ વાત પર પાછા ફરીએ તો અનેક ક્ષેત્રો હજી એવા છે જેમાં ગુજરાતીઓએ પહેલાં બની શકે છે. કોઇકે પ્રેરણાસ્રોત બનવાની જરૂર છે. એકવાર નવી કેડી કંડારવાની જરૂર છે. પછી તો તેના રાજમાર્ગ પર દોડનારા અનેક મળી રહેશે. દુનિયા કેડી કંડારનારને ક્યારેય ભૂલતી નથી. પર્વતપ્રેમીઓ જ નહિ, દુનિયા ક્યારેય એડમંડ હિલેરી અને શેરપા તેન્ઝીંગ નોરગેને નહિ ભૂલે. બાળકો કોરી પાટી જેવા હોય છે. તે ક્યાં? શું? કેવી રીતે? ગ્રહણ કરી લે તેની મા-બાપને ક્યારેય ખબર નથી હોતી. જોર્ડનનો પ્રેરણાસ્રોત શું છે જાણવું છે? નવ વર્ષની ઉંમરના જોર્ડને તેની સ્કૂલમાં એક મ્યુરલ જોયું હતું તેમાં સાતેય ખંડના શિખરો હતા. આપણી કઇ સ્કૂલમાં આવા ‘પ્રેરણાસ્રોત’ હશે, વારુ?

No comments:

Post a Comment