August 21, 2010

રિટેલના રાજા : જય ગુપ્તા

આજે જે શહેરમાં ‘ધ લૂટ સ્ટોર’ હોય, ત્યાં મોટી કંપનીઓ પોતાનો સ્ટોર ખોલતા ફફડે છે.

પહેલાંના સમયમાં વેપાર-ધંધો શરૂ કરવા માટે સૌથી પહેલા મૂડીની જરૂર પડતી હતી. છેલ્લા બે દાયકાથી વ્યવસાય કરવા માટેની મૂળભૂત જરૂરિયાત બદલાઇ ગઇ છે. હાલમાં કોઇ બિઝનેસ શરૂ કરવા માટે મસમોટી મૂડીની કે ભારે ભરખમ ડિગ્રીની જરૂર નથી પડતી. બસ, એક ‘માર્કેટ કેચી’ આઇડિયા તમારી પાસે હોવો જોઇએ અને તેને અમલમાં મૂકવા માટેનું સાહસ અને ધીરજ હોવા જોઇએ. બિઝનેસ કરવા માટેના જરૂરી એવા આ ગુણ કોઇ સામાન્ય વ્યક્તિ ધરાવતી હોય તો તે સફળતાપૂર્વક બિઝનેસ શરૂ કરી શકે છે અને તે મિલિયોનર પણ બની શકે છે.

ફ્યુચર ગ્રૂપના સ્થાપક-સંચાલક કિશોર બિયાણી આનો ઉત્તમ દાખલો પૂરો પાડે છે. તેઓ એક સામાન્ય ટ્રેડરમાંથી ‘રિટેલના રાજા’ બન્યા છે. હાલમાં તેમના ‘બિગ બજાર’ કે ‘સેન્ટ્રલ મોલ’ એક દિવસમાં બે-ત્રણ કરોડ રૂપિયા કરતાં વધારેનું વેચાણ કરે છે. કિશોર બિયાણી સંઘર્ષના જૂના દિવસો હજુ ભૂલ્યા નથી. તેમના જેવું જ ઉદાહરણ ડિસ્કાઉન્ટ રિટેલ સ્ટોર શ્રૃંખલા ‘ધ લૂટ’ના સ્થાપક જય ગુપ્તાએ પૂરું પાડ્યું છે. જો કે જય હજુ કિશોર બિયાણી જેવી સફળતાની રાહ જોઇ રહ્યા છે.

જય ગુપ્તા બિહારના રજોલના વતની છે. ત્યાં તેમનો પરિવાર અનાજનો વેપાર કરતો હતો. ૧૯૯૬માં જયભાઇ કોલેજમાં ભણતા હતા ત્યારે તેમણ નવી મુંબઇના વાસી વિસ્તારમાં નાનકડો મલ્ટિ બ્રાન્ડ સ્ટોર શરૂ કર્યો. ૮ વર્ષ સુધી આ સ્ટોર અને ફેક્ટરી આઉટલેટ્સનો વહીવટ કરતા બિહારીબાબુએ મધ્યમ વર્ગના લોકોની ‘ભાવ કરવાની’ નાડ પારખી લીધી. મધ્યમ વર્ગની માનસિકતાને બરાબર જાણ્યા પછી જય ગુપ્તાને ડિસ્કાઉન્ટ રિટેલ સ્ટોર ‘ધ લૂટ’ શરૂ કરવાનો વિચાર જડ્યો.

જયભાઇને થયું કે કોઇ પણ ગ્રાહક દુકાનદાર સાથે ભાવ બાબતે રકઝક કરે તે તેમને ગમતું નથી. તેથી એક પણ દુકાનદારે ‘બાર્ગેન હન્ટર’ (ભાવ કરાવનારા) પર ક્યારેય ધ્યાન આપ્યું નથી. આ બાબતને ધ્યાનમાં રાખીને ૨૦૦૪માં જય ગુપ્તાએ મુંબઇના મરીન લાઇન્સ વિસ્તારમાં ‘ધ લૂટ’ના નામથી પહેલો સ્ટોર શરૂ કર્યો. આ સ્ટોરમાં તેઓ વિશ્ચ વિખ્યાત બ્રાન્ડ્સના કપડાં ડિસ્કાઉન્ટ પ્રાઇઝ સાથે વેચવા લાગ્યા. અહીં સ્વાભાવિક રીતે એવો સવાલ મનમાં થાય કે મોંઘાદાટ બ્રાન્ડેડ કપડાં જય ગુપ્તા ઓછા ભાવે ક્યાંથી અને કેવી રીતે ખરીદતા હશે? તદુપરાંત તેઓ ડિસ્કાઉન્ટ પ્રાઇઝે વેચતા હોવા છતાં નફો કેવી રીતે રળતા હશે? વળી, બીજો સવાલ એવો પણ થાય કે બ્રાન્ડેડ કંપનીઓ તેમને શા માટે ડિસ્કાઉન્ટ પ્રાઇઝે કપડાં વેચવા માટે આપે?

આ બધા સવાલના જવાબ જય ગુપ્તાને ફેશન માર્કેટના એક ટ્રેન્ડથી મળ્યા. મલ્ટિ બ્રાન્ડેડ સ્ટોરનો વહીવટ કરતા જય ગુપ્તાએ જાણ્યું કે કંપનીઓ ઋતુ અનુસાર ખાસ સિઝનલ વસ્ત્રો બનાવે છે. દાખલા તરીકે ઉનાળામાં ‘કૂલ’ કોટન અને શિયાળામાં ઊની કપડાં. સિઝન પૂરી થવામાં હોય ત્યારે સિઝનલ વસ્ત્રોનો ‘અનસોલ્ડ સ્ટોક’ (વેચાયા વગરનો માલ) વધે છે ત્યારે કંપનીઓ ખાસ વેચાણ કરે છે.

તેમાં તે સૌથી ઓછી ખોટ ખાઇને વધેલો માલ વેચી નાખે છે. જય ગુપ્તા આવો માલ કંપનીઓ પાસેથી સીધા અડધાઅડધ (૫૦થી ૬૦ ટકા) ભાવે ખરીદવા લાગ્યા અને તેને ‘ધ લૂટ’ સ્ટોરમાં એમઆરપી કરતા ૨૫થી ૩૦ ટકા જેટલા ઓછા ભાવે વેચવા લાગ્યા. આ પ્રકારનું વેચાણ મધ્યમ વર્ગના જુવાનિયાઓને ખૂબ ગમી ગયું, કારણ કે તેમની ઇચ્છા બ્રાન્ડેડ કપડાં પહેરવાની હોય છે. પરંતુ તેની ખરી કિંમત તેમને પરવડે તેવી નથી હોતી.

‘બાર્ગેન હન્ટર’ ગ્રાહકોને ૧૦૦૦-૧૨૦૦ રૂપિયાના ભાવનું બ્રાન્ડેડ જીન્સ ૬૦૦-૭૦૦ રૂપિયાની કિંમતે મળ્યું. ત્યારે ‘ધ લૂટ’ પર ખરેખર તડાકો પડ્યો. ત્રણ વર્ષમાં જય ગુપ્તાએ મુંબઇમાં ૧૪ સ્ટોર્સ શરૂ કર્યા. ‘બાર્ગેન હન્ટિંગ’નો આઇડિયા ક્લિક થઇ ગયો. જય ગુપ્તાની વ્યવસાયિક કારકિર્દીને એક દિશા મળી. તેઓ ચોક્કસ મુકામે પહોંચી ગયા. તેઓ લઘુત્તમ પ્રોફિટ માર્જિનથી ‘ધ લૂટ’ સ્ટોર્સ ચલાવે છે. તેથી વધારે કમાણી કરવા માટે તેમણે વધારે ટર્નઓવર પર ભાર મૂક્યો.

‘ધ લૂટ’ સ્ટોર શ્રૃંખલાને મોટી કરવાનું કામ વિચારવામાં તો સરળ હતું, પરંતુ ખરેખર અમલમાં મુકવાનું ધારીએ તેટલું આસાન નહોતું. આના માટે મસમોટી મૂડી અને ‘મેન પાવર’ની જરૂર હતી. જય ગુપ્તાએ મૂડીની સમસ્યા ‘ફ્રેન્ચાઇઝી સ્ટોર્સ’થી ઉકેલી. હાલમાં ૮૫ શહેરોમાં ૧૫૦ લૂટ સ્ટોર્સ આવેલા છે. તેમાંથી ફક્ત ૪૦ સ્ટોર્સ જયની માલિકીના છે, બાકીના સ્ટોર્સનો વહીવટ ફ્રેન્ચાઇઝી કરે છે. આમ ‘ધ લૂટ’ શ્રૃંખલા મોટી બની તો વળી નવી સમસ્યા મોં ફાડીને ઊભી રહી.

દાખલા તરીકે બધા સ્ટોર્સ માટે નિયમિતપણે માલ મેળવવાની અને તેને પહોંચાડવાની સમસ્યા. જયબાબુએ બ્રાન્ડેડ કપડાં બનાવતી કંપનીઓ સાથે વેચાયા વગરનો માલ ખરીદવા માટે કરાર કર્યા. આની ખરીદી કરતાં પહેલા સ્ક્રીનિંગ માટે ફોર-લેવલ સિસ્ટમ બનાવી. ધ લૂટ સ્ટોરના વાઇસ પ્રેસિડન્ટ, પ્રેસિડન્ટ, સીઇઓ અને અન્યમાં જય ગુપ્તા પોતે માલની તપાસ અને ગણતરી કરવા લાગ્યા. આટલી આકરી તપાસ કરવા છતાં સ્ટોર્સ પાસે દર વર્ષે લગભગ ૧૫ ટકા જેટલો માલ વેચાયા વગરનો પડી રહે છે. પછી આ માલ જય ગુપ્તા છુટક વેપારીઓને પડતર કિંમત કરતાં ૨૦ ટકા ઓછા ભાવે
વેચે છે.
ધ લૂટ સ્ટોર શ્રૃંખલાના દરેક સ્ટોરને માલનો જથ્થો પૂરો પાડવા માટે સ્ટોર્સને સ્મોલ-મીડિયમ, લાર્જ અને એક્સ્ટ્રા લાર્જ એમ ચાર ભાગમાં વહેંચી દીધા છે. તમામ માલ ફક્ત લાર્જ અને એક્સ્ટ્રા લાર્જ સ્ટોર્સ પર મળી રહે છે. જો કે ક્યાંય એક જેવો માલ ફરીથી મળે એની કોઇ ગેરેન્ટી નથી હોતી. જય ગુપ્તાએ સૌથી મોટો સ્ટોર મુંબઇના કલ્યાણ લોકલ રેલવે સ્ટેશન નજીક ખોલ્યો છે. તેમાં ૧૦૦ કરતાં વધારે રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય બ્રાન્ડનાં વસ્ત્રો ડિસ્કાઉન્ટ પ્રાઇઝે મળે છે.

જય ગુપ્તાએ ધ લૂટ સ્ટોર્સ શ્રૃંખલાની આખા વર્ષ દરમિયાન માલની માગને પહોંચી વળવા માટે પોતાની બ્રાન્ડ્સ પણ લોન્ચ કરી છે. આ બ્રાન્ડ ‘બસ સ્ટોપ’ અને ‘એક્સેન્ટ્રિકસ’ છે. ટૂંક સમયમાં બે નવી બ્રાન્ડ ‘આઇ આ‹ યૂ’ અને ‘રોડ-વે’ લોન્ચ કરવાના છે. જય ગુપ્તાએ ‘લૂટ’ના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે ગુલશન ગ્રોવરને પસંદ કર્યા છે. કારણ કે ફિલ્મોમાં તે ‘લૂટમાર’ માટે જાણીતા છે. જય ગુપ્તાને તેમને રોબિનહૂડની જેમ પ્રોજેક્ટ કર્યા છે.

વિવિધ વિશ્ચવિખ્યાત બ્રાન્ડ્સની સાથોસાથ પોતાની બ્રાન્ડ્સનું કુલ વેચાણ ૧૦૦ કરોડ રૂપિયા કરતાં વધારે છે. છતાં જય ગુપ્તા હજુ આટલેથી અટકે તેમ નથી. તેઓ નાનકડા ગામમાં ધ લૂટ સ્ટોર શ્રૃંખલા શરૂ કરવાની તૈયારીમાં મચી પડ્યા છે. આના માટે ૧૦૦ કરોડ રૂપિયાના જાહેર ભરણાં સાથે શેર માર્કેટમાં પગ મૂકવાની તૈયારી કરે છે. ધ લૂટ શ્રૃંખલાની કાર્યપદ્ધતિને વધારે વ્યવસ્થિત બનાવવા માટે તેમણે મુંબઇમાં એક લાખ સ્કવેર ફીટ ધરાવતું વેર હાઉસ સ્થાપ્યું છે. તદુપરાંત ટાટા કન્સલટન્સી સર્વિસિસ પાસે ઇઆરપી (એન્ટરપ્રાઇઝ રિસોર્સ પ્લાનિંગ) નામનું સોફ્ટવેર બનાવડાવી રહ્યા છે.

દેશમાં સૌથી પહેલો ડિસ્કાઉન્ટ સ્ટોર ફોર્મેટ શરૂ કરનારા ૩૪ વર્ષીય જયબાબુએ સાબિત કરી બતાવ્યું છે કે તમારી પાસે ફ્રેશ આઇડિયા અને જોખમ ખેડવાનું જોમ હોય તો પછી મસમોટી મૂડી કે ભારે ભરખમ ડિગ્રીની કોઇ વિસાત નથી.‘

No comments:

Post a Comment