August 20, 2010

હક્કોનો બીજાની મદદ માટે ઉપયોગ કરો

કોથા મહિપાલ રેડ્ડી અને વનજાના એકમાત્ર સંતાન નીતિન રેડ્ડી નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી (એનઆઇટી), સિલચરમાં ત્રીજા વર્ષનો વિદ્યાર્થી છે. આ પરિવાર પર ત્યારે આભ તૂટી પડ્યું જ્યારે તેમને જાણવા મળ્યું કે, નીતિનને લિમ્ફોમા નામનું બ્લડ કેન્સર છે. આંધ્રપ્રદેશના રેડ્ડીને શરૂઆતના ઉપચાર માટે પોતાના ગામ વારંગલ જવું પડ્યું. ત્યાં આ બીમારીની ખાતરી થઈ ગઈ અને તેમને કીમોથેરપી અને રેડિયોથેરપી કરાવવાની સલાહ આપવામાં આવી. રેડ્ડી પરિવાર માટે બીજો આઘાત એ હતો કે, આસામના સિલચરમાં ઉપચારની એવી કોઈ સુવિધા ન હતી અને નીતિનને દર પખવાડિયે હૈદરાબાદસ્થિત નિઝામ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સમાં સારવાર માટે જવું પડતું.

આ સમગ્ર સારવાર પ્રક્રિયામાં એક અવરોધ નીતિનનો અભ્યાસ હતો. નીતિનના વાલીએ ઇન્સ્ટિટ્યૂટના અધિકારીઓને મળીને તેને વારંગલ ખાતે શિફ્ટ કરવા રજુઆત કરી.એક ખૂબ માનવીય બાજુના આધારે એક જ સંગઠનની કોઈ બીજી ઇન્સ્ટિટ્યૂટમાં ટ્રાન્સફર કરવાની રજુઆત કરવા છતાં કડક નિયમો દર્શાવી ઇનકાર કરી દેવાયો. ઇનકાર કરવાનું કારણ એ હતું કે, વિદ્યાર્થીઓ માટે સીટોની ફાળવણી ઓલ ઇન્ડિયા એન્જિનિયરિંગ એન્ટ્રન્સ એકઝામમાં તેમના દ્વારા હાંસલ કરાયેલ રેન્કના આધારે થાય છે. પછીથી આ વાત પ્રેસ સુધી પહોંચી અને દિલ્હીના એક રાષ્ટ્રીય અખબારે આ સમગ્ર કિસ્સાને પ્રસિદ્ધ કર્યો.

પ્રધાનમંત્રીના ધ્યાનમાં આ વાત આવી અને તેમણે જાતે સંબંધિત મંત્રાલયના અધિકારીઓને ફોન કરી આ કેસને પ્રાથમિકતા આપી નિરાકરણ કરવા જણાવ્યું. ત્યારબાદ આ કિસ્સાએ વેગ પકડ્યો. ગયા અઠવાડિયે કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ મંત્રી કપિલ સબિ્બલે નીતિનની ટ્રાન્સફરની સૂચના આપી. તેમણે કહ્યું કે, ‘એનઆઈટી અને આઈઆઈટી જેવી સંસ્થાઓમાં ટ્રાન્સફરના અધિકારનો ઉપયોગ કોઈ ખાસ અને મહત્વના કિસ્સામાં કરવો જોઈએ.’ નીતિન તેનો હકદાર હતો અને તેને તેની જરૂર પણ હતી.

આ ટ્રાન્સફરની સૌથી મહત્વની વાત એ છે કે, તે એક યુવાનના જીવન સાથે જોડાયેલ છે, જે બીમારી સામે ઝઝૂમીને પોતાનો અભ્યાસ પૂરો કરવા માગે છે. આપણને એવા અનેક લોકો ભટકાતા હોય છે, જે પોતાને મળેલા અધિકારોનો દેખાડો કરવાની કોઈ તક નથી છોડતા, અને વંચિત કે જરૂરિયાતમંદ લોકોના ફાયદા માટે તેનો કદી ઉપયોગ કરતા જોવા નથી મળતા.

ફંડા એ છે કે, લોકો સમક્ષ તમારા અધિકારોનો દેખાડો કરવાને બદલે તેનો સારાં કામોમાં, લોકોને મદદ કરવામાં ઉપયોગ કરો

No comments:

Post a Comment