August 20, 2010

ભણેલા કરતાં ગણેલા સારા

પોલીસે ભગાના વાહન સામે જોયા વગર જ પૂછી નાખ્યું કે હેલ્મેટ કેમ પહેરી નથી? એણે ભેંસ ઉપર બેઠા-બેઠા જવાબ આપ્યો કે આ ફોર વ્હીલર્સ છે,

નામ ભગો, જાતનો ભરવાડ, ઉંમર અડધી સદીની આસપાસ, અભ્યાસ અભણ કારણ કે ભગો ભણવા બેઠો ત્યારે પ્રવેશોત્સવની પ્રથા નહોતી. એ વખતે અષાઢીબીજ એટલે બાળકને ભણવા બેસવા માટેનો દિવસ ગણાય. એ વખતે સંતાનની જન્મતારીખ અને જન્મસમય બાબતે મા-બાપ આટલાં ચોક્કસ નહોતાં. અત્યારે તો ખાસ દિવસ અને ખાસ સમયે જન્મ થયો ગણાય તે માટે સિઝેરિયન કરીને બાળકને ખેંચી લેવા જેવી વધુ પડતી જાગૃતિ પણ જોવા મળે છે.

એ વખતે અંગ્રેજી માધ્યમનું દૂષણ આટલું બધું વકર્યું નહોતું એટલે અઢી વરસના બાળકને નર્સરીમાં જવાની સજા થતી નહોતી. ગામનાં છોકરાઓ છ-સાત દિવસ સુધી નિશાળના દરવાજા સામે નજર પણ નાખ્યા વગર લખોટી-ભમરડો-ગિલ્લીદંડા-પકડદાવ અને સંતાકૂકડી જેવી રમતો આખો દિવસ રમતાં. અમે ભૂખ્યા થતા ત્યારે ઘરે જતાં અથવા મા પરાણે લઇ જતી ત્યારે જતા હતા. અત્યારે નાની ઉંમરે ચશ્માં પહેરીને ટી.વી.માં વિડિયોગેમ રમતાં બાળકોને જોઇને મને આ દેશની દયા આવે છે.

ભગાને એના બાપા અષાઢીબીજના દિવસે નિશાળે બેસાડવા લઇ ગયા. આશરે આઠ વરસનો ભગો પાંચ વરસનાં બાળકો વચ્ચે પાંચીકામાં દાણિયો પડ્યો હોય એવો લાગતો હતો. નિશાળના ઓરડાની ચાર દીવાલો વચ્ચે ભગાનો જીવ મૂંઝાવા માંડ્યો. એને નિશાળના વર્ગખંડમાં વગડા જેવી મોજ આવી નહીં.

બીજા દિવસે ભગો સવારના પહોરમાં ઘેટાં-બકરાં લઇને સીમમાં જતો રહ્યો તે છેક સાંજે આવ્યો. એને નિશાળે ન જવું પડે એટલે નિશાળ ખૂલે તે પહેલાં ગામની બહાર જતો રહેતો અને શાળા બંધ થાય પછી જ ગામમાં પ્રવેશ કરતો જેથી શાળામાં પ્રવેશવું ન પડે. ભગો ક્યારેક રજા રાખતો તો પણ રવિવારે રાખતો જેથી એના બાપાના મગજમાં ભગાને ભણવા મોકલવાનો કુવિચાર ન આવે.
થોડા મહિના પહેલાં સૌરાષ્ટ્રમાં હેલ્મેટનો કાયદો ખૂબ કડક હતો. અર્જુનને જેમ માછલીની આંખ જ દેખાતી એમ એ વખતે પોલીસને માણસોનાં માથાં જ દેખાતાં હતાં.

આ દિવસોમાં ભગો એકવાર ભેંસ ઉપર આરૂઢ થઇને નીકળ્યો. પોલીસને એ વખતે માથા સિવાય બીજું કશું જોવાની ફુરસદ હતી નહીં એટલે ભગાને ઉઘાડા માથે જોઇને તરત જ વ્હીસલ મારી દીધી. સિસોટીનો અવાજ સાંભળીને ભગાએ ભેંસને બ્રેક મારી. દંડની લાલચે ભગા સુધી દોડી આવેલા પોલીસે પેન ખોલી, પહોંચબુક ખોલી પણ સરખી રીતે આંખ ન ખોલી.

પોલીસે ભગાના વાહન સામે જોયા વગર જ પૂછી નાખ્યું કે હેલ્મેટ કેમ પહેરી નથી? ભગો ભલે ભણ્યો નથી પણ ખૂબ ગણ્યો છે. એણે ભેંસ ઉપર બેઠા-બેઠા જવાબ આપ્યો કે આ ફોર વ્હીલર્સ છે, ત્યારે પોલીસનું ધ્યાન ગયું કે ચાલક ભેંસ નામના વાહન ઉપર બિરાજમાન છે. ભણેલાનો અહમ્ અભણના અહમ્ કરતાં મોટો હોય છે. પોલીસ જાહેરમાં ભોંઠો પડ્યો એટલે એણે બીજો સવાલ કર્યો કે ફોર વ્હીલર્સ છે તો સીટ બેલ્ટ કેમ બાંધ્યો નથી? આ સાંભળી ભગાએ તરત જ ભેંસનું પૂછડું ખેંચીને સીટ બેલ્ટ માફક રાખીને કહ્યું કે આ મારી ગાડીનો સીટ બેલ્ટ છે. આ જોઇને રસ્તે જતા રાહદારીઓ તો હસ્યા પણ બીક લાગે એવા બિહામણા ચહેરાવાળો પોલીસ પણ ખડખડાટ હસી પડ્યો.

No comments:

Post a Comment