August 20, 2010

દરેક બાબતે પશ્ચિમી અનુકરણ યોગ્ય નથી

મુંબઈની લકઝરી હોટલ વેસ્ટ ઈન ગાર્ડન સિટીએ ધારાવીના ઝૂંપડાંમાં રહેતાં બાળકોને બેક ઓફિસ કામકાજ માટે તાલીમ આપવાનો નિર્ણય લીધો છે. આ પહેલથી ઝૂંપડપટ્ટીનાં બાળકો પણ હોસ્પિટાલિટી ઇન્ડસ્ટ્રીમાં રોજગાર મેળવવા કાબેલ બનશે. આ હોટલ લોન્ડ્રી મેનેજમેન્ટ, કિચન સ્ટેવાર્ડિંગ, હાઉસકીપિંગ અને બેન્કવેટ સર્વિસીસમાં ચાર મહિનાનો કોર્સ ચલાવે છે.

આ બાળકોને તાલીમ બાદ આ હોટલમાં જ નોકરી અપાશે. બેકાર રખડતાં બાળકોને ઉત્પાદક કાર્યોને લાયક બનાવી રોજગારીની તક આપવાની સાથે ગુના ઘટાડવાની આ ઉત્તમ રીત છે, જે પશ્ચિમી દેશોમાં જોવા નથી મળતી. જોકે એ દુભૉગ્ય છે કે આપણે દરેક બાબતે પશ્ચિમનું અનુકરણ કરતા હોઈએ છીએ. આપણે તે માનવીય ખાસિયતો ભૂલતા જઈ રહ્યા છીએ જે પશ્ચિમી જગતમાં નથી મળતી. આજકાલ આપણે કોઈ પ્રોજેક્ટથી પ્રભાવિત લોકો અથવા એવા લોકોની નોકરીમાં કાપ મૂકતા જઈ રહ્યા છીએ જેમણે બોમ્બ વિસ્ફોટ કે કોઈ દુર્ઘટનામાં પોતાના વાલીઓને ગુમાવ્યા છે. તેની પાછળ આપણી દલીલ એવી છે કે તેમના પરિવારોને વીમા કવચ મળેલું છે. આ ઉપરાંત આજે મોટા ભાગની સંસ્થાઓ હાયર-એન્ડ-ફાયરની નીતિ અપનાવે છે.

જો કંપનીને નુકસાન થાય તો કર્મચારીઓની છટણી કરી દેવામાં આવે છે. અહીં એ જોવામાં નથી આવતું કે નોકરીમાંથી કાઢી મુકાયા બાદ ક્યાંક કર્મચારીને ખાવાના ફાંફાં તો નહીં પડે ને. આ બંને બાબતો આપણે પશ્ચિમી મેનેજમેન્ટમાંથી શીખી છે. પરંતુ આપણે એ નથી જોતા કે પશ્ચિમના દેશોમાં એક સામાજિક સુરક્ષા તંત્ર ગોઠવાયેલું છે. જે અંતર્ગત એવા તમામ નાગરિકો કે જેઓ બેરોજગાર છે તેમને ખાવા-પીવા માટે બેરોજગારી ભથ્થું મળે છે.

આ ઉપરાંત મોટા ભાગના પશ્ચિમી દેશોમાં મેડિકલ ઇન્શ્યોરન્સ સેવા પણ છે, જેના દાયરામાં દરેક ગરીબ આવે છે. આપણે ત્યાં શું છે? ફક્ત એક રેશનિંગકાર્ડ. તેના સિવાય આપણે આવી કોઈ બીજી સુવિધા આપતા નથી. આજથી દસ-વીસ વર્ષ પહેલાં સુધી આપણે રસ્તે જતા તરસ્યા લોકોને પાણી પીવડાવતા કે તેમના માટે પરબ ઊભી કરતા હતા. આ પ્રથા પશ્ચિમમાં જોવા મળતી નથી. તો પછી પશ્ચિમ પ્રત્યે આટલો અનુગ્રહ શા માટે? આપણે તે વસ્તુઓને જ ગ્રહણ કરવી જોઈએ જે ઉત્તમ હોય.

ફંડા એ છે કે, આપણા દેશની અંદર ઘણી વિશેષતાઓ ભરેલી છે. તેને સમજીને આપણે દરેક વસ્તુ માટે પશ્ચિમનું આંધળું અનુકરણ કરવાની જરૂર નથી

No comments:

Post a Comment