August 20, 2010

વાત પણ કરાવે વાટ પણ લગાવે


મોબાઈલ ફોન આપણી લાઈફ સ્ટાઈલનો હિસ્સો જ નહીં, બલકે જેના વિના રહી જ ન શકાય એવો સાથીદાર બની રહ્યો છે.

‘મેં મારા જૂના ૩૩૧૫ને બદલે નવો ૬૬૦૦ લઈ લીધો. તેં પણ કંઈ ફેરફાર કર્યો કે નહીં?’‘હોય કંઈ? પહેલાં પહેલાં ૬૬૧૦ હતો એ કાઢીને હવે મોટોરેઝર લીધો છે!’આ કોઈ સાંકેતિક ભાષામાં બોલાયેલો સંવાદ નથી. બલકે રોજબરોજ યુવાનો વચ્ચે એકસચેન્જ થતી મોબાઈલ ફોનવિષયક વાતોનો એક નાનકડો નમૂનો છે! હવે મોબાઈલ માત્ર વાતને પાત્ર રહ્યો નથી. તેની લોકપ્રિયતામાં જાતભાતની વેલ્યુ એડેડ સર્વિસીઝનો ફાળો પણ નાનોસૂનો નથી. ૨૦૦૪ના વર્ષમાં યુવાનોએ મોબાઈલ ડેટા સર્વિસ પર ૧૫.૨ અબજ ડોલર ખર્ચી નાખ્યા હતા. એટલું જ નહીં, એવી ભવિષ્યવાણી થઈ રહી છે કે આવતાં પાંચ વર્ષમાં આ આંકડામાં દર વર્ષે ૧૫.૩ ટકાના દરે વધારો થશે!

આ વધારામાં યુવાનોનો સૌથી મોટો ફાળો છે. એટલે જ ટેલિકોમ કંપનીઓનું સમગ્ર ઘ્યાન લેટેસ્ટમાં લેટેસ્ટ મોડેલના મોબાઈલ ફોનનું ચલકચલાણું રમતાં જુવાનિયાંવ પર છે. આ આંકડાઓની માયાજાળમાં થોડા ઊંડા ઊતરીએ તો જાણવા મળે છે કે મોબાઈલ વાપરનારા યુવાઓ મોટે ભાગે મેસેજ, રિંગટોન, વોલપેપર, લોગો, ગેમ, મ્યુઝિક અને વિડિયોનો ઉપયોગ કરે છે. ૨૦૦૫માં યુવાનિયાઓએ ટોટલ ખર્ચનો ૪૦ ટકા ભાગ મેસેજ કરવામાં, ૨૯.૭ ટકા ભાગ રિંગટોન, સ્ક્રીનસેવર અને વોલપેપર માટે, ૯.૭ ટકા ગેમ પાછળ તથા ૬.૫ ટકા ભાગ વિડિયો પાછળ ખર્ચી નાખ્યો હતો. આ તમામ પિંજણનો સાર એ જ કે મોબાઈલ ફોન યુવાનોને મન સ્ટાઈલ સ્ટેટમેન્ટ છે અને અમુક અંશે પ્રતિષ્ઠાનું પ્રતીક પણ.


એસએમએસ સહિતની અનેક પ્રકારની વેલ્યુ એડેડ મોબાઈલ સર્વિસીસનું બજાર વર્ષેદહાડે ૨૩૦૦ કરોડ જેટલું થવા જાય છે. કંપનીઓ મોબાઈલ નામના ટચૂકડા પણ શક્તિશાળી સાધનને પ્લેટફોર્મ બનાવી રહી છે. મોબાઈલ ફોન એક જરૂરિયાત છે. ગ્રાહક જ્યારે રેડિયો, ટીવી, ઈન્ટરનેટ જેવાં સાધનોથી દૂર હોય ત્યારે ગ્રાહકો સુધી પહોંચવાની મથામણ થઈ રહી છે. આવા ‘મોબાઈલ સ્નેકસ’ આપનારી મિડિયા કંપનીઓ એ તમામને આવનારા સમય માટે મોબાઈલ ‘એન્ટરટેઈનમેન્ટ’નું નામ આપી રહી છે. લગભગ દરેક અગ્રણી ભારતીય ફિલ્મ અને પ્રોડકશન હાઉસ પાસે પોતપોતાના મોબાઈલ પાર્ટનર છે.

જે ફિલ્મો અને ધારાવાહિકોને વિવિધ સ્પર્ધાઓ, રિંગટોન્સ તથા વોલપેપરને નામે પ્રમોટ કરી રહ્યા છે. આ મિડિયાની પોપ્યુલરિટી કેટલી છે તેનો અંદાજ માત્ર એક જ ઉદાહરણથી આવી શકે તેમ છે. ઈન્ડિયન આઈડોલ સ્પર્ધાને માત્ર પાંચ મહિનામાં એસએમએસ મારફત સાડા પાંચ કરોડ વોટ મળેલા! એક મેસેજદીઠ ત્રણ રૂપિયા કિંમત ગણીએ તો તેની કુલ કિંમત સાડાસોળ કરોડ જેટલી થઈ. જેમાં ટેલિકોમ કંપનીને ૧૧.૫ કરોડ રૂપિયાનો અને સોની ટીવીને ૫ કરોડ રૂપિયાનો નફો થયો. તો બીજી તરફ રેડિયો મિચીર્ને દરરોજ સરેરાશ ચાલીસથી પિસ્તાલીસ હજાર એસએમએસ મળે છે. મિડિયા કન્ટેન્ટ ગ્રુપ્સના નિષ્ણાતો આગાહી કરે છે કે આવનારા દિવસોમાં મોબાઈલ પર ઉપલબ્ધ થનારી વેલ્યુ એડેડ સર્વિસીસનું મહત્વ વાત કરવા કે એસએમએસ કરતાં પણ વધી જશે.

લેહમેન બ્રધર્સ રિપોર્ટ કહે છે કે ૨૦૧૦ સુધીમાં ભારતમાં વેલ્યુ એડેડ સર્વિસીસનું બજાર ૧૦ અબજનું હશે. ૨૦૦૬ના ડિજિટલ મ્યુઝિક રિપોર્ટમાં જણાવ્યા અનુસાર મ્યુઝિક ડાઉનલોડને વરેલી વેબ-સાઈટોની સંખ્યા ૫૦થી વધીને ૩૩૫ થઈ ગઈ છે. એ જ રીતે સેલ્યુલર ઓપરેટર એસોસિયેશન ઓફ ઈન્ડિયાના જણાવ્યા મુજબ ૧૧.૫ કરોડ ડોલરની મોબાઈલ મ્યુઝિક માર્કેટ આ વર્ષના અંત સુધીમાં ૧૭.૦ કરોડ ડોલરને આંબી જશે. જે કેસેટ-સીડી જેવા પરંપરાગત માઘ્યમના ૫૦ લાખ ડોલરના બજારને ક્યાંય પાછળ રાખી દેશે. એરટેલના વાઈસ પ્રેસિડેન્ટ મોહિત ભટનાગર જણાવે છે કે એસએમએસ પછી મ્યુઝિક ડેટા સર્વિસ કમાણીનો સૌથી મોટો સ્રોત બનશે.

મોબાઈલ હેન્ડસેટ

ભારત આજે મોબાઈલ હેન્ડસેટનું વિશ્વનું સૌથી મોટું મોબાઈલ બજાર બની ગયું છે. ‘ઈન્ડિયા મોબાઈલ હેન્ડસેટ માર્કેટ-૨૦૦૬’ નામના વાયરલેસ વર્લ્ડ ફોરમના રિસર્ચ પેપર પણ સાક્ષી પૂરે છે કે વર્તમાન માર્કેટનું હવામાન ટેક્નોલોજીના વિકસતા બજારને માફક આવે તેવું છે. બીજી એક વાત એ પણ બહાર આવી છે કે મોબાઈલ અપગ્રેડેશન, સર્વિસ અને વેલ્યુ બેઝડ સર્વિસીસ પર નાણાંની કોથળી ખોલવામાં કંપનીઓને પણ કોઈ વાંધો નથી. ભારતીય બજારમાં મોટું માથું ગણાતા નોકિયાના ૫૯ ટકા માર્કેટ શેરની સામે સેમસંગ ૧૩ ટકા અને મોટોરોલા ૭ ટકા છે.

અત્યારે જે સુવિધાઓ હોટ ફેવરિટ છે તેમાં વાઈફાઈ, બ્લુ ટૂથ, ૧થી ૬ મેગા પિકસેલના ઝૂમ ઈન કેમેરા, ૧થી ૨૦ મિનિટનું વિડિયો રેકોર્ડિંગ, વોઈસ રેકોર્ડિંગ, વિડિયો ટેલિફોની અને લાઈવ વિડિયો સ્ટ્રિમિંગની સુવિધાનો સમાવેશ થાય છે. હવેના મોબાઈલ ટ્રિપલ-પ્લે ટેલિકોમ, ઈન્ટરનેટ અને ટીવીથી સજજ છે. કલર સ્ક્રીન, રેડિયો, ફલેશ, qwerty કી-બોર્ડ, યુએસબી, એસડીઆરએએમ, સ્પીચ કમાંડર, એલસીડી ટચ સ્ક્રીન, સીડીએમએ, એમએમએસ, મલ્ટિમિડિયા, જાવા, આઈટયૂન ઈન્ટરફેસ અને એમપીથ્રી તો મોબાઈલ ફોન માટે સાવ સામાન્ય થઈ પડયાં છે.

ગેમિંગ

૨૦૦૪માં ૩ કરોડ ડોલરની રેવન્યુ કમાવી આપનાર ગેમિંગનું બજાર ૨૦૦૯ સુધીમાં ૩૩.૬ કરોડ ડોલરે પહોંચવાની ધારણા છે. એસીઓ ગ્રુપ (ઈન્ડસ્ટ્રી કન્સલ્ટન્ટ)ના રિપોર્ટ પ્રમાણે વિશ્વમાં મોબાઈલ એન્ટરટેઈનમેન્ટ થકી થનારી કમાણી ૨.૫ અબજ ડોલરે પહોંચશે. જેનું શ્રેય ગેમ સેક્ટરને આપી શકાય. ભારતમાં ૨૫ વર્ષથી નાની વયના યુવાનો ગેમ્સને ‘મસ્ટ હેવ ગેજેટ’ની કેટેગરીમાં મૂકે છે. હાલમાં ભારતમાં છ મોટા ગેમ ડેવલપર અને ચાર મોબાઈલ ઓપરેટર છે.

ક્રિમિનલ કરન્સી

દરેક આધુનિક સગવડની જેમ દુરુપયોગની બદીથી મોબાઈલ ફોન પણ અળગા રહી શકયા નથી. મોબાઈલ ટેક્નોલોજીનો દુરુપયોગ ‘ક્રિમિનલ કરન્સી’ તરીકે કુખ્યાત છે. નાના નાના અપરાધોને પોષવામાં આડકતરી રીતે મોબાઈલ ફોન હાથો બની રહ્યા છે. જેમાં ફોન પર ખંડણી માગવી, સિમકાર્ડનું કલોનિંગ કરીને ફ્રી કોલ કરી લેવા, ટ્રેસ ન કરી શકાય તેવા નંબરોથી ગેરકાનૂની હરકતો આચરવી, પોર્નોગ્રાફિક ક્લિપિંગ્સ વહેતા કરવા વગેરે ભાંગફોડિયા પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. પોર્ન ક્લિપિંગ્સની આપ-લેના શિકાર મોટેભાગે યુવાનો થાય છે. કેમેરા અને વિડિયો રેકોર્ડિંગની સુવિધા, અન્ય લોકોની પ્રાઈવસી પર તરાપ મારે છે. ‘એફ-સિક્યોર’ નામની એન્ટી વાઈરસ ફર્મના જણાવ્યા મુજબ આવનારા સમયમાં સ્પામ મેસેજ અને મોબાઈલ વાઈરસનો ભોગ બનનારાઓની સંખ્યામાં વધારો થશે.

No comments:

Post a Comment