August 20, 2010

મહત્વાકાંક્ષાના મહામંત્રમાં માનો છો?

મહત્વાકાંક્ષાના મહામંત્રમાં માનો છો?

હા ના કદાચ

૨૧થી ૩૦ વર્ષનો ગાળો એટલે કરીઅર અને જીવનસાથી વિશેના અત્યંત મહત્વના નિર્ણયો લેવાનાં વર્ષો. આ વર્ષોમાં ફેન્ટસી અને મહત્વાકાંક્ષા વચ્ચે જાડી ભેદરેખા અંકાઇ જવી જોઇએ. મહત્વાકાંક્ષાનાં અર્થ અને સ્વરૂપ ઉંમરની સાથે બદલાતાં જતાં હોય છે.

એક સીધોસાદો સવાલ: તમે કેવાક મહત્વાકાંક્ષી અથવા તો એમ્બિશિયસ છો? ખરેખર તો આનીય પહેલા પુછાવો જોઈએ તે સવાલ આ છે- સૌથી પહેલાં તો તમે મહત્વાકાંક્ષી છો ખરા? આનો જવાબ — ‘હા, ખૂબ જ’, ‘ના, જરાય નહીં’, ‘ઠીક ઠીક’, ‘ખબર નથી’ — આ ચારમાંથી કંઈ પણ હોઈ શકે. મહત્વાકાંક્ષાનો સંબંધ ઉંમર સાથે છે. તરુણાવસ્થામાં દુનિયાના સૌથી પૈસાદાર માણસ બનવાની એમ્બિશન હતી, પણ પાછલી ઉંમરે મહત્વાકાંક્ષાને અઘ્યાત્મનો રંગ ચડે, ઐમ બને. મહત્વાકાંક્ષાનો અર્થ અને સ્વરૂપ ઉંમરની સાથે બદલાતાં જાય અને એક તબક્કા પછી આ શબ્દ જ અપ્રસ્તુત બની જાય એમ પણ બને.

ઉંમરને - રાધર, સાચી ઉંમરને - વાતચીતમાં સાહજિક રીતે ઉછાળતા રહેવું એ આધુનિક સ્ત્રીનું લક્ષણ છે. ઉંમરના આંકડા પ્રત્યે સભાન બની જવું, એને સ્વરોવ્સ્કીના ખૂબસૂરત ક્રિસ્ટલ પીસની માફક કાળજીપૂર્વક સાચવતા રહેવું એ ન્યુ એજ મેનનું લક્ષણ છે. પોતાની ઉંમરના બદલાતા જતા આંકડા પ્રત્યે સતર્ક રહેવાની શરૂઆત ક્યારથી થતી હોય છે? કદાચ કોલેજજીવન પૂરું થયા પછી તરત જ. તરુણાવસ્થામાં કલરફુલ બર્થડે કાડ્ર્ઝ અને બર્થડે પાર્ટીઝ અને આકર્ષક રીતે પેક કરાયેલી ગિફ્ટસ માત્ર અને માત્ર નિર્ભેળ ઉલ્લાસનું નિમિત્ત બનતાં હતાં. હવે આ બધું એક નવો સંદર્ભ લઇને પેશ થવાનું શરૂ કરી દે છે. મનના બેકગ્રાઉન્ડ મ્યુઝિકમાં હવે ઉંમરનો એક સતત ચાલતો રહેતો નવો સૂર ઉમેરાઇ જાય છે.

ઉંમરનો આંકડો એક ઇન્ડિકેટર છે. લાલ અથવા લીલા રંગનું ઝબૂક ઝબૂક થતું ઇન્ડિકેટર. વીસીમાં પ્રવેશીએ એટલે અમુક બાબતોનો અધિકાર આપણી પાસેથી છીનવી લેવામાં આવે. ઉદાહરણ તરીકે, માસૂમ હોવાનો અધિકાર. માસૂમિયત બાળપણની સ્વાભાવિક સ્થિતિ છે. તરુણ વયનો માસૂમ છોકરો કે છોકરી ‘ક્યુટ’ લાગી શકે છે, પણ જુવાનીમાં માસૂમિયત અપ્રસ્તુત બની જાય છે. એનાથી ઊલટું, અત્યાર સુધી જેનાથી વંચિત રાખવામાં આવેલા એવા ઘણા અધિકારો - લગભગ તમામ મહત્વના અધિકારો - માણસને જુવાની આપી દે છે.

આ અધિકારોનો ભોગવટો સારી અને સાચી રીતે થાય તો ખોંખારો ખાઇને ઊંચા સ્વરે ગાવાનું : ‘જવાની ઝિંદાબાદ..’ ગદ્ધાપચીસીનાં આ વર્ષોજો પાનની પિચકારીઓ મારવામાં, સવારે સાડાઅગિયાર વાગ્યે ઊઠીને પાછું ટીવી સામે ચોંટી જવામાં અને બે કાન વચ્ચે રહેલા દિમાગનો ઉપયોગ કરવાને બદલે બે પગ વચ્ચે રહેલા અંગને સંતોષ આપ્યા કરવામાં વિતાવ્યાં હોય તો થોડાં વર્ષોપછી ઘોઘરા થઇ ગયેલા દરદીલા અવાજે આવું કોઇક ગીત ગાવાનું: ‘જિંદગી કે સફર મેં ગુજર જાતે હૈ જો મકામ વો ફિર નહીં આતે...’

માણસ વીસ વર્ષનો થાય અને આખો દાયકો પસાર કરીને ત્રીસીમાં પ્રવેશે એ દરમિયાન એણે જીવનના બે અત્યંત મહત્વના નિર્ણયો લઇ લેવા પડે છે: એક, કરીઅરની પસંદગીનો નિર્ણય અને બે, જીવનસાથીની પસંદગીનો નિર્ણય. જીવનના હવે પછીના દાયકાઓનાં સુખદુખનો મહત્તમ આધાર આ બે નિર્ણયો પર નિર્ભર છે. આ બેમાંથી બીજો નિર્ણય, જોકે, વૈકિલ્પક છે. લગ્નનો નિર્ણય અઢાર વર્ષના થતાંવેંત જ કે પછી ત્રીસ વર્ષ વટાવી દીધાં પછી ગમે ત્યારે લઇ શકાય છે.

યુવાનીના ૨૧ થી ૩૦ વર્ષના ગાળામાં ખુદની પ્રકૃતિ, તાસીર કે મિજાજ વિશે પોતાની જાત સામે સ્પષ્ટતા થઇ જવી જોઇએ. ફેન્ટસી અને મહત્વાકાંક્ષા વચ્ચેની જાડી ભેદરેખા અંકાઇ જવી જોઇએ. નાનપણમાં તો કહેતા હતા કે મોટા થઇને પાઇલટ બનવું છે. હવે સિરિયસલી જવાબ આપો: શું બનવું છે જીવનમાં? તમે મેડિકલ કોલેજ/એન્જિનિયરિંગ કોલેજ/એકાઉન્ટન્સી ફર્મમાં ઓલરેડી એડમિશન લઇ લીધું છે, ફેમિલીનો બિઝનેસ સંભાળવાનું ઓલરેડી શરૂ કરી દીધું છે, ભલે, પણ તમે હૃદયપૂર્વક ડોક્ટર/એન્જિનિયર/ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ/બિઝનેસમેન બનવા માગો છો? જો ના, તો પછી શું? તમારા મનમાં ગાયક, અભિનેતા, લેખક, પત્રકાર, ચિત્રકાર, સામાજિક કાર્યકર, એડ્મેન, સ્પોર્ટ્સમેન બનવાની ખ્વાહિશ હતી, રાઇટ? એ બધું જસ્ટ એમ જ હતું? ખાલી હોબી? ફાઇન. જે પ્રવૃત્તિ તરફ દિલ ખેંચાયા કરે છે એને માત્ર શોખ પૂરતી મર્યાદિત રાખવાની છે, એને આજીવિકાનું સાધન નથી બનાવવાની - એટલી વૈચારિક સ્પષ્ટતા થઇ ગઇ હોય તો એ પણ ઘણું છે.

સરળ નથી હોતું આ પ્રકારનાં તારણો પર આવવાનું. મનની વૃત્તિઓની તીવ્રતા કેટલી જેન્યુઇન છે એ સમજવામાં ઘણી વાર વર્ષો નીકળી જતાં હોય છે. દિલ અમુક બાબતો તરફ શું ઉત્કટ લગાવને કારણે ખેંચાઇ રહ્યું છે કે પછી વર્તમાન પરિસ્થિતિનો સામનો કરવાની દાનત અને ત્રેવડ નથી એટલે અહીંથી ભાગી છૂટવા માટે મન ધમપછાડા કરી રહ્યું છે? હું જેને અંતરાત્માનો અવાજ ગણું છું એ સાચેસાચ અંતરાત્માનો જ અવાજ છે કે પછી અધમ પલાયનવૃત્તિ મને ભરમાવી રહી છે? શી રીતે નક્કી થાય આ બધું? અનુભવોથી, માત્ર ઘવાઇને, ચોટ ખાઇને મેળવેલા જાત અનુભવોથી.

હવે પછીના દાયકાઓ કરતાં આ વર્ષોમાં શક્ય હોય એટલું વધારે લોહીલુહાણ થઇ જવાય એટલું સારું, કારણ કે શરીર અને મન અત્યારે સૌથી વધારે યુવાન છે. ભાંગતૂટ થયા પછી પાછાં સાજાનરવાં થવાની અને પરિસ્થિતિને નવેસરથી ગોઠવી શકવાની સંભાવના અત્યારે વધુમાં વધુ છે. એકવીસથી ત્રીસ વર્ષના ગાળાનું સૌથી ઉત્તમ પાસું એ છે કે તે તમને તકો આપે છે. ભૂલો કરવાની અને ભૂલો સુધારવાની તકો. પહેલો ચાન્સ, બીજો ચાન્સ, ત્રીજો ચાન્સ, કદાચ ચોથો ચાન્સ... આટલી ઉદારતા જીવનના બીજા કોઇ દાયકા પાસે નથી.

બધા જુવાનિયા કંઇ તીવ્ર ગમા-અણગમા ધરાવતા નથી હોતા. ઘણાખરા યુવાનો - ખરેખર સારા, કાબેલ અને બુદ્ધિશાળી યુવાનો પણ - પેલા કહ્યાગરા પાણી જેવા હોય છે. અત્યાર સુધીની સાહજિક ગતિ એમને જે ક્ષેત્રમાં ઢાળશે તેવો આકાર તેઓ ધારણ કરી લેશે. ગુડ ફોર ધેમ.

સંબંધોનાં ઘણાં ખરાં સત્યોનો સામનો પણ એકવીસથી ત્રીસના દાયકામાં નથી જઇ જતો શું? સંબંધોનાં વિરોધાભાસી સત્યોનો? ધક્કા સાથે અથવા તો ધીમે ધીમે સમજાય છે કે છિદ્રો વગરના સંબંધોની શોધમાં ધમપછાડા કરવા કેટલા અર્થહીન છે. સમજાય છે કે પ્રેમ વિશે બહુ પિષ્ટપિંજણ કરવાની ન હોય, બલકે પ્રેમની ક્ષણોને માત્ર નિતાંતપણે માણવાની હોય. સમજાય છે કે નિષ્ક્રિય સહૃદયતા અને નિષ્ક્રિય આત્મીયતા ફ્લાવરવાઝમાં ગોઠવાયેલાં કૃત્રિમ ફૂલો જેટલી જ નકામી છે.

સમજાય છે કે મારું ચિંતન એ મારું વાસ્તવ નથી, મારું મનન એ મારું વ્યક્તિત્વ નથી. ત્રીસીમાં એક નવી અંગત એમ્બિશન આકાર લેવા માંડે છે: સંવેદનહીન કે સ્વકેન્દ્રી બન્યા વિના હું મારી જાત પ્રત્યે વફાદાર રહીશ. આ એમ્બિશન પૂરી કરવી કેટલી કિઠન છે એનો અનુભવ હવે પછીનાં વર્ષોમાં સતત થતો રહે છે.

અમૃતા પ્રીતમે એમની આત્મકથા ‘રેવન્યુ સ્ટેમ્પ’માં લખ્યું છે, ‘પોતાનો ચહેરો જ્યારે પણ પોતાની કિલ્પત પ્રતિમા સાથે મળતો આવવા માંડે છે ત્યારે કિલ્પત પ્રતિમા વધુ સુંદર થઇને દૂર જઇને ઊભી રહે છે. કેવળ એટલું કહી શકું છું કે આખી જિંદગી એની સુધી પહોંચવા મથતી રહી છું.’ આ વાત આપણને સૌને લાગુ નથી પડતી શું? વીસ અને ત્રીસના દાયકાઓમાં ખાસ. આયુષ્યનો નવો દાયકો શરૂ થવાનો હોય ત્યારે એની ધાર પર ઊભા રહેતી વખતે મિશ્ર અનુભૂતિ થાય. ‘સો? જીવનના ત્રણ/ચાર/પાંચ દાયકા પૂરા કરી નાખ્યાં, હં?’ અંદરથી એક અવાજ ઊઠે છે. આશ્ચર્ય, ધરપત, સલામતી, અસલામતી, વ્યંગ્ય, પૃચ્છા, ઉઘરાણી - આ બધું જ હોય આ અવાજમાં. ‘નોટ બેડ...’ બીજા ખૂણેથી કોઈ આશ્વસ્ત કરે. એક ઝાંખી ઝાંખી સ્વપ્રતિમા દૂર દૂર દેખાય, પણ દૂરબીન વડે તાકીને એ પ્રતિમાની એકેએક રેખાને ધારીધારીને જોવાનું મન થાય, ન પણ થાય.

માણસ વીસીમાંથી ત્રીસીમાં, ત્રીસીમાંથી ચાળીસીમાં કે ચાળીસીમાંથી વનપ્રવેશ કરે ત્યારે શું શું સાથે લઇ જઈ શકે પોતાની સાથે? ઘણું બધું. શું શું પાછળ છોડી દેવાનું હોય? ઘણું બધું. તર્ક, સતત ખુલ્લાં રહેતાં આંખ-કાન અને ભૂતકાળના નકારાત્મક અનુભવોના પડછાયા વચ્ચે પણ પેલી મુગ્ધતા હજુ ટકી રહી હોય તો એ સુખદ આશ્ચર્ય આપ્યા કરશે. ઘણુંય એવું અમૂલ્ય હશે જે અનેક આઘાતો પછી પણ અકબંધ રહ્યું હશે.

જીવનના આખરી બિંદુ સુધી એ યથાવત્ રહેશે એવો વિશ્વાસ પણ જન્મી ચૂકયો હોય. હજુય શેખચલ્લી બન્યા વિના સપનાં જોઈ શકાય છે. હજુય નવી ક્ષિતિજો તરફ કદમ માંડવાનાં જોશ અને હિંમત અનુભવી શકાય છે. ઓહો, હજુ તો ત્રીસ/ચાળીસ/પચાસ જ થયાં. ઘણો સમય છે હાથમાં. દીકરા-દીકરીને પરણાવીને સેટલ કરવા તે પણ એક મહત્વાકાંક્ષા હોઈ શકે છે. પૌત્ર-પૌત્રીને રમાડયા પછી જ મરવું છે- આવી ઈરછાને શું કહીશું: મહત્વાકાંક્ષા કે મોહમાયાની માયાજાળ?

શું એમ્બિશિયસ હોવું હંમેશાં ઈચ્છનીય છે? મહત્વાકાંક્ષા જીવનની ગાડી ચલાવતું સૌથી મહત્વનું ઈંધણ છે એવું કોણે કહ્યું? આ ઈંધણ ન પુરાય એટલે ગાડી અનિવાર્યપણે ઊભી રહી જ જાય? ઓશો કહે છે, ‘જો તમે એમ્બિશિયસ હશો તો તમારું દિમાગ સતત રેસ્ટલેસ રહેશે, તમે સતત અજંપો અનુભવશો. જો તમને શાંતિ જોઈતી હોય તો સૌથી પહેલાં તો મહત્વાકાંક્ષાઓમાંથી મુકત થઈ જાઓ. જયાં સુધી તમે તમારી એમ્બિશન્સને ઓગાળશો નહીં ત્યાં સુધી જીવને ચેન નહીં પડે.’

દુનિયાભરમાં કરોડોની સંખ્યામાં વેચાતી સેલ્ફહેલ્પ બુક્સ અને સેમિનારો ગજાવતા મોટિવેશનલ સ્પીકર્સના ફુગ્ગામાંથી હવા કાઢી નાખે એવી ઓશોની આ વાત છે. ઓશો તો મહત્વાકાંક્ષા ધરાવવી અને તેની પૂર્તિ કરવાની આખી પ્રક્રિયાને ‘ઈગો ટિ્રપ’ કહે છે. એ કહે છે કે એમ્બિશન ધરાવવી એટલે તમારા અહ્મ અથવો તો ઈગોનું સર્જન કરવું અને માણસમાં એક વાર ઈગો આવે એટલે એનો કેસ ખલાસ થઈ ગયો તેમ સમજવું!ઓશોની આ આત્યંતિક લાગતી થિયરી હાલ પુરતી એક બાજુ મૂકીએ અને છેલ્લે ફરી એક સવાલનો જવાબ આપીએ:

શું મહત્વાકાંક્ષાને કારણે હું વધુ પોઝિટિવિટી ફીલ કરું છું, વધારે ફોકસ્ડ રહી શકું છું, જીવન વધારે જીવવા જેવું લાગે છે? આનો જવાબ ‘હા, એકદમ’ ‘ના, જરાય નહીં’ કે ‘સમજાતું નથી’- આ ત્રણમાંથી કોઈપણ એક હોઈ શકે. જો ‘હા, એકદમ’ જવાબ લાગુ પડતો હોય તો કોન્ગ્રેચ્યુલેશન્સ... આપણે આડુંઅવળું કશુંય વિચારવાની જરૂર નથી, આપણે સાચા રસ્તા પર જ છીએ. બીજા અને ત્રીજા વિકલ્પવાળાઓએ મહત્વાકાંક્ષા વિશે વિચારવાની જરૂર નથી, કારણ કે જીવનને અર્થપૂર્ણ બનાવવાના બીજાં માઘ્યમો તેમણે ઓલરેડી શોધી રાખ્યાં છે.

No comments:

Post a Comment