August 20, 2010

બાળકોમાં ચિંતનશીલતા પ્રોત્સાહિત કરો

ફ્રેડરિક ફોરસિંથે ‘ડે ઓફ ધ જેકલ’ નામની એક ખૂબ લોકપ્રિય એકશન, સસ્પેન્સ થ્રિલર નોવેલ લખી, જેની લાખો કોપીઓ વેચાઈ અને તેના પર ફિલ્મ બની, જેણે લાખો ડોલર કમાણી કરી. ફ્રેડરિક અગિયાર ઉપન્યાસ અને અનેક લઘુકથાઓ લખી ચૂક્યા છે. એક ઇન્ટરવ્યૂમાં તેમણે એક વાત કહી કે, ‘મને મારી આસપાસ ત્યારે જ શાંતિ જોઈએ જ્યારે હું કંઈ લખી રહ્યો હોઉં, બાકી તો હું અવાજવાળા વાતાવરણમાં પણ વિચારી શકું જ છું.’ જ્યારે તેઓ બેસીને દીવાલ તરફ જોઈ રહ્યા હોય છે તો તેમની નાની બેબી આવીને પૂછે છે કે, તેઓ શું કરી રહ્યા છે ? ત્યારે તેમનો જવાબ હોય છે કે, તે કામ કરી રહ્યા છે, કારણ જો તેઓ કહે કે પોતે વિચારી રહ્યા છે, તો તેમની દીકરી કદાચ શબ્દના ઊંડાણને સમજી ન શકે.

તેમની દીકરી બીજાં સમજદાર બાળકોની જેમ તરત બીજો સવાલ કરે છે કે, ‘તમે કામ નથી કરતા, પણ દીવાલ તરફ જોઈ રહ્યા છો.’ ફ્રેડરિક હળવા હાસ્ય સાથે જવાબ આપે છે કે, ‘બેટા, આ મારું કામ છે અને આ રીતે જોતાં હું કોઈ વાર્તા વિચારી રહ્યો છું.’ સ્પષ્ટ વાત છે કે, તેને આ વાત પણ નથી સમજાતી. તેનું કહેવું છે કે, વિચારી તો ગમે ત્યાં શકાય, માછલી પકડતાં કે કૂતરાને ફેરવતાં અથવા કલાકો સુધી એમ જ બેસી રહીને ! જોકે દુર્ભાગ્યે જ્યારે બાળકો ધ્યાનમગ્ન થઈને કોઈ વસ્તુ નિહાળે છે તો આપણે તેમના પર ગુસ્સો કરીએ છીએ કે, તેઓ આમ શા માટે બેસી રહ્યાં છે.

આપણી વિચારવાની શૈલી એવી છે કે, આપણને હંમેશાં નકારાત્મક વિચાર પહેલો આવે છે અને પછીથી આપણા વિચારને સકારાત્મક પક્ષ તરફ વાળવાની કોશિશ કરીએ છીએ, જ્યારે બાળકો પોતાના કામમાં સફળ થાય છે. જ્યારે પણ આપણે અડધા ભરેલા ગ્લાસની ક્ષમતા વિશે વાત કરીએ છીએ તો આપણું એવું જ કહેવું હોય છે કે, તે અડધો ખાલી છે. આપણે એવું ભાગ્યે જ કહીએ છીએ કે, ગ્લાસ અડધો ભરેલો છે અને તેને પૂરેપૂરો ભરવા માટે ૫૦ ટકા પાણીની હજુ જરૂર છે.

એવી જ રીતે ઘણા લોકો કહેતા હોય છે કે, ખાલી દિમાગ શેતાનનું ઘર હોય છે, પરંતુ મારા હિસાબે ખાલી દિમાગ એવી જગ્યા છે, જ્યાં અનેક થિયરીઝ, સ્ટોરીઝ, ફેકટ્સ અને ફિગર્સ સ્ટોર કરી શકાય છે. બાળક દીવાલ તરફ જેટલું વધારે જુએ છે, સમજો કે તે તેટલું વધારે વિચારે છે.

ફંડા એ છે કે, બાળકોનાં દિમાગ એવી જગ્યા છે, જ્યાં અનેક રોમાંચક વસ્તુઓ, વિચારોનાં બી રોપી શકાય છે. બાળકોમાં ચિંતનશીલ પ્રવૃત્તિને પ્રોત્સાહિત કરો.

No comments:

Post a Comment