January 10, 2012

આતિફ અસલમના કાર્યક્રમમાં ભાગદોડ - ૩ યુવતીઓનું મોત

કહેવાય છે કે બહુ મોજશોખ સારા નહિ તે કહેવત આજે સાચી પડી છે. જાણવા મળતી વિગતો મુજબ પાકિસ્તાનના શહેર લાહોરમાં એક આર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે યોજાયેલા સિંગર આતિફ અસલમના કોન્સર્ટ દરમિયાન નાસભાગ થતા 3 યુવતીઓનું મોત થયું છે અને લગભગ ડઝન જેટલા લોકોને ઈજા થઈ છે.

અધિકારીઓએ જણાવ્યા અનુસાર પંજાબ કોલેજ ઓફ કોમર્સના ઘણા વિદ્યાર્થીઓ અલહામરા કલ્ચરલ કોમ્પલેક્ષ ખાતે આતિફના શોમાં ભાગ લેવા માટે આવ્યા હતાં. જ્યારે ખાનગી સુરક્ષાકર્મીઓએ આતિફનો ઓટોગ્રાફ લેવા માટે પડાપડી કરતી યુવતીઓને પાછી ધકેલવા માટે દંડાનો ઉપયોગ કર્યો ત્યારે નાસભાગ મચી હતી. ત્યા હાજર એક સાક્ષીએ ડેપ્યુટિ ઈન્સપેક્ટર જનરલ ઓફ પોલિસ ગુલામ મેહમુદ ડોગારને જણાવ્યુ હતું કે, "જ્યારે કોન્સર્ટ પૂરો થયો ત્યારે અમુક યુવતીઓ આતિફનો ઓટોગ્રાફ લેવા માટે તેની તરફ દોડી. આતિફને ભીડથી બચાવવા માટે સુરક્ષાગાર્ડે હળવો લાઠીચાર્જ કર્યો હતો જેનાથી યુવતીઓમાં ગભરાટ ફેલાયો હતો."

ડોગારે પત્રકારોને જણાવ્યુ હતું કે આ ઘટના પછી વિદ્યાર્થીઓ એક્સિટ તરફ દોડ્યા હતાં જ્યા નાસભાગ મચી હતી. આ કારણે જ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ નીચે પડ્યા હતાં અને તેમને ઈજા થઈ હતી. જ્યારે ઈજા પામેલા વિદ્યાર્થીઓને હોસ્પિટલ લઈ જવાયા ત્યારે ડોક્ટરે તેમાંની બિઝનેસનો અભ્યાસ કરતી 3 યુવતીઓને મૃત જાહેર કરી હતી. અધિકારીઓએ આ સિવાય અન્ય 5 ઈજાગ્રસ્તોની સ્થિતીને ગંભીર ગણાવી છે.

પંજાબ ચીફ મિનિસ્ટર શાહબાઝ શરીફે આ આખી ઘટનામાં તપાસ કરવાનો આદેશ આપ્યો છે. પંજાબ કોલેજ ઓફ કોમર્સ, દુન્યા ટીવીના ચીફ એક્સિક્યુટિવ મિયા અમેર મહેમૂદની માલિકીની છે. નામ ન આપવાની શરતે એક સિનિયર પોલિસ અધિકારીએ જણાવ્યુ હતું કે, "મીડિયા આ આખી ઘટનાને દબાવી રહ્યુ છે કારણ કે કોલેજ એક મોટા મીડિયા ગ્રુપની માલિકીની છે." એક મૃત વિદ્યાર્થીનીની માતાએ કહ્યુ હતું કે, "કોલેજ એડમિનિસ્ટ્રેશનનું મેનેજમેન્ટ તદ્દન વાહિયાત હતું. તેમણે મારી દીકરીનો જીવ લઈ લીધો છે." તેમણે અધિકારીઓને આ ઘટનાની જવાબદારી લેવા માટે કહ્યુ છે.

Source: www.gnsgujarat.com

No comments:

Post a Comment