December 30, 2011

ફૂડ સિક્યુરિટી કાયદો - આના કરતા વહેલા ઘડપણ આવે એ સારું.

ફૂડ સિક્યુરિટી કાયદો ઘડાયો છે, પણ કાયદો ઘડી કાઢવાથી વિતરણવ્યવસ્થા સુધરવાની નથી. લાગવગવાળા દુકાનદારો, લાંચિયા અમલદારો અને લાચાર પ્રજાજનોનાં ત્રેખડના કારણે સરકાર અનાજનો કોથળો મોકલે તેમાંથી ગરીબ સુધી તો મિઠ્ઠીભર અનાજ પણ પહોંચતું નથી.અનાજ આપવા સહુ તૈયાર છે, પણ અનાજ પહોંચાડવાની વ્યવસ્થા તદ્દન સડેલી છે.

ફેશનની અને કાયદાની ભાષા એટલી અટપટી હોય છે કે તેનો સાદીસીધી ભાષામાં તરજુમો કર્યા વગર તેનો અર્થ સમજાતો નથી. છેલ્લાં બે વરસથી ખોરાક સલામતી ધારાની ચર્ચા ચાલ્યા કરે છે, એમાં ખોરાક અને સલામતી બંને શબ્દો આમ જનતાને સમજાય તેવા નથી. સાદી ભાષામાં કહીએ તો ભારતના તમામ નાગરિકોને પેટ પૂરતું અનાજ આપવા માટે કાયદો ઘડવાની મથામણ ચાલે છે.

કાયદો ઘડવાથી અનાજ પેદા થતું નથી અને સમાજમાં યોગ્ય વ્યવસ્થા ન ગોઠવાય તો છેવાડે ઊભેલા ગરીબ માણસ સુધી અનાજ પહોંચતું નથી. લોકશાહીમાં અપાતા અધિકારોની હાંસી ઉડાડતા એક ફ્રેન્ચ લેખકે (મોટા ભાગે અના તોલા ફ્રાંઝે, પણ ભૂલચૂક લેવીદેવી) લખેલું કે લોકશાહીમાં દરેક નાગરિકને સમાન અધિકાર અપાય છે. દરેકને મોંઘામાં મોંઘી હોટલોમાં જમવા જવાનો અધિકાર છે, પણ દરેક ગરીબ માણસને તો ભૂખે મરવાનો અધિકાર જ અપાય છે.

અધિકાર હોય, પણ સગવડ કે શક્તિ ન હોય તો અધિકાર વાપરી શકતા નથી. પોષણ મેળવવાનો હક અપાયો છે, પણ જરૂરી અનાજ ખરીદવાનાં નાણાં ન હોય તો પોષણ મળતું નથી. આપણા દેશમાં તો પરિસ્થિતિ અતિશય ખરાબ છે. આપણે ત્યાં અનાજની અછત નથી. સરકાર ઠરાવેલા ભાવે ઘઉં, ચોખા ખેડૂતો પાસેથી ખરીદે છે અને ખેડૂતો બજારમાં વેચીને નાણાં મેળવે છે. સરકારી ભંડારોમાં અનાજ છે, પણ અનાજને સાચવવા માટે ગોદામો નથી. ખુલ્લામાં પડી રહેલું અનાજ સડી જાય છે ત્યારે દારૂ બનાવનારી પેઢીઓ મફતના ભાવે અનાજ ખરીદી જાય છે. ખોરાકની કોઇ પણ ચીજ સડી જાય ત્યારે તેમાંથી દારૂ બને છે.

બીજી તરફ આપણે ત્યાં લગભગ ત્રીસેક કરોડ લોકો એટલા ગરીબ છે કે ખાવા માટે અનાજ ખરીદી શકતા નથી અને ભૂખ્યા પેટે અથવા અડધા ભૂખ્યા પેટે જીવે છે. રોગી બને છે અને વહેલા મરી જાય છે. અનાજ સડી જાય છે અને લોકો ભૂખે મરે છે તેવી ઘટના માત્ર આપણા દેશમાં જ જોવા મળે છે. આ હકીકત સર્વોચ્ચ અદાલતના ધ્યાનમાં આવી ત્યારે અદાલતે સલાહ આપી કે આ અનાજ ગરીબોને મફત અથવા મફતના ભાવે આપો.

શિખામણ સારી છે અને જરૂરી પણ છે, પણ વહેવારમાં તેનો અમલ કરવો અઘરો છે. અનાજ આપવા સહુ તૈયાર છે, પણ અનાજ પહોંચાડવાની વ્યવસ્થા તદ્દન સડેલી છે. ગરીબોને અનાજ આપવા માટેની સંખ્યાબંધ દુકાનો છે અને સરકાર તેમને નજીવા ભાવે અનાજ આપે છે. આ અનાજ મેળવવાનાં હકપત્રો, રેશનકાર્ડ પણ ગરીબોને અપાયાં છે, પણ માનેલા દુકાનદારો સસ્તું અનાજ ગરીબોને આપતા જ નથી અથવા ઓછું આપે છે અને બાકીનું અનાજ મોંઘા ભાવે બજારમાં વેચી નાખે છે.

આ સમસ્યાના ઉકેલ માટે ફૂડ સિક્યુરિટી કાયદો ઘડાયો છે, પણ કાયદો ઘડી કાઢવાથી વિતરણવ્યવસ્થા સુધરવાની નથી. લાગવગવાળા દુકાનદારો, લાંચિયા અમલદારો અને લાચાર પ્રજાજનોનાં ત્રેખડના કારણે સરકાર અનાજનો કોથળો મોકલે તેમાંથી ગરીબ સુધી તો મિઠ્ઠીભર અનાજ પણ પહોંચતું નથી.

ગરીબોને અનાજ મેળવવાના હક્કનો ખ્યાલ નથી. વેપારીઓ-અમલદારો સામે પગલાં ભરવાની ત્રેવડ-આવડત નથી અને હવે ખેડૂતોએ નવો વાંધો કાઢ્યો છે. ખેતી ખાતાના મંત્રી શરદ પવારે વાંધો કાઢ્યો છે કે સરકાર ત્રીસ કરોડ માણસોને મફતના ભાવે અનાજ આપે તો બજારમાં અનાજના ભાવ તૂટી જાય અને ખેડૂતોને ઓછા ભાવ મળે, તેથી અનાજની વહેંચણી ગરીબોના લાભમાં છે, પણ ખેડૂતોનું હિત જોખમાય છે.

અધિકાર આપવાથી કશું વળતું નથી. અધિકારની સમજ હોવી જોઇએ અને અધિકાર વાપરવા જેટલી શક્તિ હોવી જોઇએ. સમાજમાં આ શક્તિ સંગઠન સિવાય આવતી નથી. તેથી ભૂખે મરતા લોકોને સંગઠિત કરીને તેમનો અવાજ બુલંદ કરવામાં આવે, ત્યાર પછી જ સસ્તું અનાજ પૂરતા પ્રમાણમાં તેમના ઘરમાં પહોંચે.પણ આવું સંગઠન આપણા દેશમાં નથી. સદીઓથી કચડાયેલી પ્રજા પાંગળી બની ગઇ છે. લાંબા સમય સુધી પાંજરામાં પુરાયેલો વાઘ પણ ત્રાડ પાડવાનું ભૂલી જાય છે, તેમ પ્રજા બોલવાનું કે અવાજ ઉઠાવવાનું ભૂલી ગઇ છે.

ગરીબોને અનાજ મળવું જ જોઇએ તેવું બધા કબૂલ કરે છે, પણ ગરીબોનો અવાજ મજબૂત બનાવવામાં રાજકીય આગેવાનોને રસ નથી. સંગઠિત અને શિક્ષિત સમાજને અવાજ માટે બોલતાં આવડી જાય તો આગેવાનોની મનમાની સામે અવાજ ઉઠાવતાં, પણ શીખી જાય. આગેવાનોને લોકશાહીની વાતો કરવી છે, પણ તેમને સવાલ ઉઠાવનાર મતદારો જોઇતા નથી. મૂંગા ઢોરની માફક લાકડીના ઘોદે મતદાનમથકે આવીને તેમના મુખિયા કહે તેમ મતનું પતાકડું નાખી જાય અથવા મતયંત્રની ચાંપ દાબી જાય તેટલું તેમને જોઇએ છે.

આપણા રાજપુરુષો આગેવાન નહીં, પણ શાસક બની ગયા છે. આગેવાને પોતાના કાફલાને સમજાવીને સાથે રાખવો પડે છે, શાસક ચાબુક ફટકારીને કામ કઢાવી જાય છે. અનાજના વિતરણની સરસ ગૂંથણી આપણા દેશમાં છે જ, પણ તેનો ઉપયોગ સાચી રીતે કરવામાં આવતો નથી. ફૂડ સિક્યુરિટી કાયદા ઘડવાથી અનાજ ગરીબોનાં ઘરમાં પહોંચી જાય તેવું માની લેવામાં આવે છે, પણ આ નરી ભ્રમણા છે.

રેશનની તમામ દુકાનો સીધી રીતે વહેંચણી કરે અને લોકોને હકસરનું અનાજ પહોંચાડે તેવી વ્યવસ્થા ગોઠવાતી નથી. અનાજ વહેંચણીમાં અફરાતફરી કરનારને જડમૂળથી ઉખેડી નાખવામાં આવે તો આ વ્યવસ્થામાં તે જ પુરાય બાકી તો કાયદાનાં થોથાંમાં ઉમેરણો કર્યા કરવાથી આગેવાનોને જશ મળે, વડીલોને કામ મળે અને આપણને કશું કર્યાનો વાંઝિયો સંતોષ મળે.

No comments:

Post a Comment