November 24, 2011

કીડીને કોષનો ડામ જ્યારે અદાણી-ટોરેન્ટ જેવા હાથીઓ મસ્તીમાં ફરે

ગેસ, મોબાઇલ અને વીજકંપની વગેરે પાસેથી ટેક્સ વસૂલ કરવા કડક કાર્યવાહી કરાશે

મ્યુનિ.ની અનેક સુવિધાનો ઉપયોગ કરીને અબજો રૂપિયાની કમાણી કરતી ગેસ, ટેલિફોન અને વીજકંપની સહિતની કંપનીઓ મ્યુનિ.ને લાખો-કરોડો રૂપિયાનો પ્રોપર્ટી ટેક્સ ચૂકવવામાં ધાંધિયા કરે છે, પરંતુ હવે મ્યુનિ. તંત્ર દ્વારા મોટી રકમના દેવાદારો સામે કડક હાથે કામ લેવાનું નક્કી કરવામાં આવ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર શહેરીજનોને પાઇપલાઇનથી ગેસ પૂરો પાડવાની મહત્વની કામગીરી રાજ્ય સરકારની માનીતી કંપની અદાણીને સોંપવામાં આવી છે અને તેના માટે અદાણી કંપનીએ શહેરના પાંચેય ઝોનમાં પાઇપલાઇનની જાળ પાથરી દીધી છે. મ્યુનિ.ના નિયમ અનુસાર રોડ ખોદીને પાઇપલાઇન નાખવા માટે મંજુરી તથા જરૂરી નાણાં ચૂકવવામાં આવ્યાં છે, પરંતુ નિયમ મુજબ પ્રોપર્ટી ટેક્સ ચૂકવવામાં આવ્યો નથી. આ બાબતે તપાસ કરતાં એવું જાણવા મળ્યું છે કે, છ ઝોનના મળી અંદાજે ૧૨ કરોડ રૂપિયા પ્રોપર્ટી ટેક્સ પેટે અદાણી જુથ પાસેથી વસૂલ કરવાના બાકી છે.

અદાણી જુથ પાસેથી કરોડો રૂપિયાનો પ્રોપર્ટી ટેક્સ વસૂલ કરવા મ્યુનિ.એ મહામહેનતે ડેટા મેળવીને બિલો તૈયાર કરી મોકલી આપ્યા છે, ત્યારે કંપની દ્વારા યેનકેન પ્રકારેણ વાંધા અને બહાના કાઢીને ટેક્સ ચૂકવતી નથી. તેવી જ રીતે શહેરના રસ્તા ખોદી વાયરોના જાળા પાથરનારી મોબાઇલ ફોન સર્વિસ પૂરી પાડતી કંપનીઓ તથા લેન્ડલાઇન સર્વિસ પૂરી પાડતી કંપનીઓ પાસેથી પણ પ્રોપર્ટી ટેક્સ વસૂલ કરવા માટે મ્યુનિ. દ્વારા દરેક કંપનીને વારંવાર જાણ કર્યા બાદ અમુક કંપની દ્વારા હજુ સુધી ડેટા જ આપવામાં આવ્યા નથી.

આથી મ્યુનિ. કમિશનરની સૂચનાથી આ કંપનીઓમાં આસિ.મેનેજર કક્ષાના અધિકારીને રૂબરૂ મોકલી વહેલી તકે ડેટા આપી દેવા તાકીદ કરવામાં આવી છે અને ડેટા મળી જતાં બિલ તૈયાર કરી ટેક્સ વસૂલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ જાણવા મળ્યું છે. તદ્ઉપરાંત વીજકંપની ટોરેન્ટની પ્રોપર્ટી ટેક્સમાં એક જ પ્લેટ ચાલતી હોવાનું જાણવા મળ્યું છે અને તેની પાસેથી રસ્તા નીચેના કેબલ અને રસ્તા ઉપર ઊભા કરાયેલા ડીપી બોક્સ વગેરેના પ્રોપર્ટી ટેક્સ વસૂલાત માટે નવેસરથી ડેટા મગાવવામાં આવ્યો છે.

સ્ટે.કમિટીમાં જ ઉગ્ર રજુઆત

શહેરમાં નાના વેપારી પ્રોપર્ટી ટેક્સ ન ભરી શકે તો તરત તેની દુકાન સીલ કરી દેવાય છે, ત્યારે અદાણી સહિતની મોટી કંપની કરોડો રૂપિયાનો પ્રોપર્ટી ટેક્સ નથી ચૂકવતી તે બાબતે સ્ટે.કમિટીમાં કોંગ્રેસના સભ્ય સુરેન્દ્ર બક્ષીએ ઉગ્ર રજુઆત કરી હતી અને તેના જવાબમાં ટેક્સખાતાનો હવાલો સંભાળતાં ડે.કમિશનર આર્જવ શાહે એમ જણાવ્યું હતું કે, આ તમામ કંપનીઓ પાસેથી ટેક્સ વસૂલ કરવાની કાર્યવાહી શરૂ કરી દેવાઈ છે અને મ્યુનિ. કમિશનરે કંપનીઓના ઉચ્ચાધિકારીઓને રૂબરૂ બોલાવ્યા છે.

મ્યુનિ. કોર્પો. તરફથી પ્રોપર્ટી ટેક્સ ભરવા માટે બિલ મોકલવામાં આવ્યાં છે તે અંગે અદાણી જુથે રિવ્યૂ અરજી કરી છે તેનો નિકાલ થયા બાદ કંપની તરફથી બિલ ભરવાની કાર્યવાહી કરવામાં આવશે.- દેવેન્દ્ર અમીન-વાઇસ પ્રેસિડેન્ટ, કોર્પોરેટ કોમ્યુનિકેશન, અદાણી જુથ.

No comments:

Post a Comment