November 25, 2011

વોલમાર્ટના સ્ટોરને હું જાતે આગ લગાડીશ: ઉમા ભારતી

મલ્ટીબ્રાન્ડ રીટેલમાં 51 ટકા એફડીઆઈનો વિરોધ સંસદથી સડક સુધી ઉગ્ર બની રહ્યો છે. સંસદમાં એફડીઆઈના મુદ્દે થયેલા હંગામાને કારણે બંને ગૃહોની કાર્યવાહી સોમવાર સુધી સ્થગિત કરવામાં આવી છે. ઉત્તર પ્રદેશમાં ભાજપને ચૂંટણી જીતાડવા મથામણ કરી રહેલા ઉમા ભારતીએ મલ્ટીબ્રાન્ડ રીટેલમાં 51 ટકા એફડીઆઈનો વિરોધ પોતાના ચિરપરિચિત અંદાજમાં કર્યો છે. 

તાજેતરમાં ભાજપમાં પાછા ફરેલા ઉમા ભારતીએ કહ્યું છે કે જો દેશમાં વોલમાર્ટના રીટેલ સ્ટોર્સ ખુલશે તો તેને તેવો આગ લગાવી દેશે. ભારતીએ કહ્યું છે કે તેઓ વિદેશી કંપની વોલમાર્ટના રીટેલ સ્ટોર્સને પોતાના હાથે આગ લગાડશે અને તેના માટે તેઓ જેલમાં જવા માટે પણ તૈયાર છે.

ઉલ્લેખનીય છે કે મલ્ટીબ્રાન્ડ રીટેલમાં 51 ટકા એફડીઆઈનો યુપીએ સરકારના ઘટક દળ તૃણમૂલ કોંગ્રેસના સુપ્રિમો અને પ. બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પણ કર્યો છે. જો કે મમતાના વિરોધ છતાં કેન્દ્રીય કેબિનેટે રીટેલમાં 51 ટકા એફડીઆઈને મંજૂરી આપી દીધી છે. વડાપ્રધાન કાર્યાલયના ઉચ્ચ સૂત્રોના જણાવ્યા પ્રમાણે, સરકાર આ નિર્ણય પાછો ખેંચવા માટે તૈયાર નથી.

તો કેન્દ્રીય કાયદા મંત્રી સલમાન ખુરશિદે સંસદ બહાર એક પ્રતિક્રિયામાં કહ્યુ છે કે આ નીતિ વિષયક નિર્ણય છે. તેને માનવા કે ન માનવા માટે રાજ્યો પૂરી રીતે સ્વતંત્ર છે. જો કે સંસદમાં એફડીઆઈ મુદ્દે ચર્ચાથી બચી રહેલી સરકાર મુશ્કેલ પરિસ્થિતિમાં ફસાઈ છે, કારણ કે તૃણમૂલ કોંગ્રેસે રીટેલમાં એફડીઆઈ મુદ્દે આક્રમક વલણ અપનાવીને સંસદમાં ચર્ચાની માગણી કરી છે.

No comments:

Post a Comment