November 25, 2011

હોટેલ-રેસ્ટોરાંમાં ગુજરાતી થાળી મોંઘી બનશે

ગુજરાતભરની હોટેલ અને રેસ્ટોરાંના માલિકો આજકાલ દુઃખી છે, કારણ કે તેમને બેવડો માર પડ્યો છે! એક તરફ મોંઘવારીને કારણે લોકોએ પરિવાર સાથે બહાર ફરવા-જમવા જવાનું ઓછું કરી દીધું છે, બીજી તરફ ખાદ્ય સામગ્રીના ખર્ચમાં છેલ્લાં 6 મહિનામાં 25-30 ટકાનો વધારો ઝીંકાયો છે. બિચારા હોટેલ-રેસ્ટોરાં માલિકો માટે પરિસ્થિતિ એવી છે કે ‘જાયે તો જાયે કહાં...!’ ભાવવધારાની પરિસ્થિતિ જો લાંબો સમય જળવાઈ રહેશે તો ગુજરાતી થાળીના ભાવમાં રૂ. 15-20નો વધારો થશે એવી શક્યતા આ ઉદ્યોગના સૂત્રો વ્યક્ત કરી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે શહેરની એક-બે ગુજરાતી રેસ્ટોરાંએ થાળીઓના ભાવમાં વધારો કરી દીધો છે, બાકીના મંદીના પાપે વધારો કરતા અચકાઈ રહ્યાં છે.

ગઈ દિવાળીની સંખ્યાબંધ રજાઓ મોટી સંખ્યામાં રહેલા લોકોએ પરિવાર સાથે દૂરના પર્યટનસ્થળો વિતાવવાનું પસંદ કર્યું હતું, તેથી મિઠાઈના વેચાણને પણ મોટો ફટકો પડ્યો હતો. હોટેલોમાં કમર્શિયલ ગેસ વધારે વપરાય છે, હવે ઘણી હોટેલોમાં પાઇપલાઇન દ્વારા મળતો ગેસ પણ વપરાવો શરૂ થયો છે.

“કોઈપણ ગુજરાતી ડાઇનીંગ હોલ કે રેસ્ટોરાંમાં શાકભાજીનો મહત્તમ ઉપયોગ થતો હોય છે. અનાજ-કઠોળ, બળતણ, વિજળી ઉપરાંત લેબરનો ખર્ચ વધતાં થાળીદીઠ ખર્ચ વધ્યો છે. મંદીની અસરને કારણે ઘરાકી પણ ઓછી રહે છે, એટલે અમે તાત્કાલિકપણે ભાવ વધારો કરી શકતા નથી, પણ જો આ પરિસ્થિતિ લાંબો સમય ચાલી તો અમારે થાળીદીઠ રૂ. 15-20નો ભાવ વધારો કરવો પડી શકે છે,” એવું અમદાવાદ હોટેલ ઓનર્સ એસોસિયેશનનાં પ્રમુખ અશ્વિનભાઈ મહેતાએ જણાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતી થાળીમાં છેલ્લે 8 મહિના પૂર્વે રૂ. 10-15નો વધારો થયો હતો. પંજાબી થાળીમાં છેલ્લાં બે મહિનામાં થાળીદીઠ રૂ. 20નો વધારો થઈ ચૂક્યો છે.

મહેતાએ જણાવ્યા પ્રમાણે, છેલ્લાં 6 મહિનામાં ગેસના ભાવ 15-20 ટકા, શાકભાજી 30 ટકા, મરીમસાલા અને તેજાનાં 20 ટકા અને વિજળીનો ખર્ચ 15-20 ટકા ઊંચે ગયા છે. એકતરફ મોંઘવારીએ લોકોની ખરીદશક્તિ ઘટાડી છે, તેવા સમયે પેટ્રોલ-ડિઝલમાં થયેલા શ્રેણીબદ્ધ ભાવવધારાથી લોકોનો પરિવહન ખર્ચ પણ વધ્યો છે, તેથી લોકોએ બહાર જવા-આવવાનું ઘટાડ્યું છે, તેની સીધી અસર હોટેલ-રેસ્ટોરાંના વેપાર ઉપર પડી છે.

No comments:

Post a Comment