November 25, 2011

ઓએનજીસીમાં કરોડોના કૌભાંડના મામલે જાહેરહીતની રીટ

ઓએનજીસીના બે સિનિયર અધિકારીઓ દ્વારા ઓએનજીસીમાં થયેલા કૌભાંડના મામલે થયેલી જાહેરહીતની રીટમાં મુખ્યન્યાયમુર્તિની ખંડપીઠે ઓએનજીસી, રાજય સરકાર, કેન્દ્ર સરકાર અને વીજીલન્સ કમિશ્નરને નોટીસ પાઠવી છે. ઓએનજીસી મહિલા સમિતીને મલ્ટીનેશનલ કંપનીઓ દ્વારા દાન આપવામાં આવ્યું હતું. તેમજ ઓએનજીસી દ્વારા પણ અપાયેલી મોટી દાનની રકમનો દુર ઉપયોગ થયો હોવાનો રીટમાં આક્ષેપ કરવામાં આવ્યો છે.

આ કેસની વિગત એવી છેકે ઓએનજીસીના સીએમડી આર.એસ.શર્મા અને તત્કાલી ડાયરેકટર સુધીર વાસુદેવા દ્વારા ઓએનજીસી મહિલા સમીતીને મલ્ટીનેશનલ કંપનીઓ જેવી કે સ્ચ્લુમબરર્ગર અને રીલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ સહિતની કેટલીક કંપનીઓ પાસેથી રૂ. 3.257 કરોડનું ભંડોળ મેળવવામાં મદદ કરવામાં આવી હતી. આ મહિલા સમીતીના વડા તરીકે આર.એસ.શર્માના પત્ની રશ્મી શર્મા હતાં. આ મલ્ટીનેશનલ કંપનીઓનો કોન્ટ્રાકટ મુંબઇ દરીયામાં ઓએનજીસીના કોન્ટ્રાકટ ચાલુ હતો. આ દાન ચેરીટીના નામે મેળવવામાં આવ્યું હતું. આ પ્રકારે દાન મેળવવું તે ભ્રષ્ટ્રાચાર વિરૂધી કાનુન અને કંપનીના નિયમોની વિરૂધ્ધમાં છે. અરજદારો દ્વારા આરટીઆઇ હેઠળ આ અંગેની માહિતી મેળવી ઓએનજીસીમાં વ્હીસલ બ્લોઅર તરીકે આ નીતિ વિરૂદ્ધ હોવાની ફરિયાદ કરી હતી. કેન્દ્રના સીવીસી સમક્ષ તેમણે ફરિયાદ કરી હતી જોકે તે ફરિયાદ બાદ પણ કોઇ પગલા લેવામાં આવ્યા ન હતા. તેમની ફરિયાદ દ્વારા હાલના મેનેજમેન્ટ અને કોન્ટ્રકટર વચ્ચેની મીલીભગતને તેમણે બહાર લાવવાનો પ્રયાસ કર્યો હતો.

એડવોકેટ મુકુલસિંહા અને કે.જી.પીલ્લાઇ મારફત થયેલી આ રીટમાં એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતોકે આર.એસ.શર્માની ચેરમેન હેઠળ ઓએનજીસી દ્વારા સામાજીક જવાબદારી હેઠળ ઓએનજીસી મહિલા સમીતીને દત્તક લેવામાં આવી હતી. તેમજ આ સંસ્થાને 2010-11 માટે રૂ. 4.11 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી. આ ફંડનો દુરઉપયોગ થયો હતો. દેશના હીતમાં આ કૌભાંડમાં યોગ્ય તપાસ થવી આવશ્યક છે. મુખ્યન્યાયમુર્તિની ખંડપીઠે આ કેસમાં જવાબદારોને નોટીસ પાઠવી ત્રણ સપ્તાહમાં જવાબ આપવા આદેશ કર્યો છે.

No comments:

Post a Comment