November 24, 2011

સાંસદોએ ટેલિફોન બિલ પેટે રૂ.૭.૩૦ કરોડ ચુકવ્યા નથી

પૂર્વ સાંસદો સહિત કુલ ૪૦૫ સાંસદોએ ટેલિફોન બિલ પેટે રૂ.૭.૩૦ કરોડ ચુકવ્યા નથી.આરટીઆઇ હેઠળ પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં આ માહિતી આપવામાં આવી છે.

માહિતી અધિકાર હેઠળ આપવામાં આવેલ માહિતી અનુસાર ૩૯૯ પૂર્વ સાંસદો અને હાલના ૬ સાંસદોએ મહાનગર ટેલિફોન નિગમ લિમિટેડને ટેલિફોન બિલ પેટે રૂ.૭,૩૦,૬૬,૭૪૬ ચુકવ્યા નથી.

હાલના ૬ સાંસદો પૈકી ૪ સાંસદો કોંગ્રેસના છે. જેમાં કાલાહાંડી(ઓરિસ્સા)ના ભક્ત ચરણદાસે રૂ.૩.૩૧ લાખ,તામિળનાડુના એમ ક્રિશ્નાસ્વામીએ રૂ.૩.૧૯ લાખ, આંધ્રપ્રદેશના જી. વી. હર્ષકુમારે રૂ.૨.૦૬ લાખ  અને ઉત્તરપ્રદેશના હર્ષવર્ધને રૂ.૩૬,૭૪૪  ચુકવ્યા નથી.

આ ઉપરાંત જનતા દળ(યુનાઇટેડ)ના બિહારના હાજીપુરના સાંસદ રામ સુંદર દાસે રૂ.૯.૪૯ લાખ  ચુકવ્યા નથી.કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ નરેન્દર ભૂધાનિયાએ રૂ.૧.૩૩ લાખ  ચુકવ્યા નથી.
 
માહિતી અધિકાર કાર્યકર એસ. સી. અગ્રવાલ દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં આ માહિતી આપવામાં આવી છે.આ ઉપરાંત એમટીએનએલે જણાવ્યું હતું કે ક્રિશક ભારત નામના એનજીઓ દ્વારા દાખલ કરવામાં આવેલ એક જનહિતની અરજીના સંદર્ભમાં તે દિલ્હી હાઇકોર્ટમાં સમયસર પોતાનો પક્ષ રજૂ કર્યો હતો. ૩૯૯ પૂર્વ સાંસદોમાંથી છ સાંસદો એવા છે જેઓ મૃત્યુ પામ્યા છે.મૃત્યુ પામેલા સાંસદોમાં કે. ઓબુલ રેડ્ડી,એ.આર.માલ્લુ,ગોકુલ સાયકિઆ,એસ.એસ. રામાસ્વામી,ચન્દ્રા ત્રિપાઠી અને યુસુફ બેગનો સમાવેશ થાય છે.

No comments:

Post a Comment