November 17, 2011

મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ હાલમાં જ ચીનનો પ્રવાસ સંપન્ન કર્યો હતો, આ પ્રવાસ દરમિયાન તેમણે ચીનના પ્રધાન સમક્ષ પાકિસ્તાનનના કબજા હેઠળના કાશ્મીરમાં ચીનના સૈન્યની ઉપસ્થિતિ તથા પોતાના નકશામાં ખોટી રીતે અરૂણાચલ પ્રદેશની કરાયેલી સામેલગીરીનો ચર્ચાસ્પદ મુદ્દો ઉઠાવ્યો હતો, જેના જવાબમાં ચીનના પ્રધાને જણાવ્યું હતું કે ‘આ મુદ્દે તેમની ચીન ભારત સરકાર સાથે ચર્ચા કરી રહી છે, ગુજરાતે ચિંતા કરવાની જરૂર નથી.’

ચીનની જેલમાં કેદ ગુજરાતીઓનો મુદ્દો

આ સાથે મોદીએ ચીનની જેલમાં કેદ 22 ભારતીયોનો મુદ્દો પણ ચીનના ઉચ્ચ નેતાઓ સમક્ષ ઉઠાવ્યો હતો, આ ભારતીયોમાં કેટલાક ગુજરાતીઓનો પણ સમાવેશ થાય છે. ચીનની જેલમાં કેદ ગુજરાતીઓના મુદ્દે ચીનના નેતાઓએ હકારાત્મક પ્રતિભાવ આપ્યો હતો, મોદી સાથેના પ્રતિનિધિમંડળમાં સામેલ એક સભ્યએ જણાવ્યું હતું કે ‘આ મુદ્દે ચીન ટૂંક સમયમાં નક્કર પગલાં ભરશે એવી પ્રબળ સંભાવના છે.’

મોદીના માનમાં ‘શાકાહારી બેન્કવેટ’

પ્રતિનિધિમંડળના સભ્યએ વધુમાં જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદીના માનમાં ચીન સરકાર દ્વારા ખાસ બેન્કવેટનું આયોજન કરવામાં આવ્યું હતું, અને ગુજરાતમાં પ્રોહિબિશનથી વાકેફ ચીનના નેતાઓએ આ સમારંભમાં માત્ર શરાબ નહીં પીરસાય તેની કાળજી રાખી હતી, એટલું જ નહીં ભોજનમાં પણ તમામ વાનગીઓ શાકાહારી રાખવામાં આવી હતી.

રાષ્ટ્રના વડાને છાજે એવું મોદીનું સ્વાગત

નરેન્દ્ર મોદી ભવિષ્યમાં રાષ્ટ્રીય કક્ષાએ મહત્વની ભૂમિકા ભજવી શકે છે એ હકીકતથી વાકેફ ચીન સરકારે તેમની રાષ્ટ્રના વડા હોય એવી આગતા સ્વાગતા કરી હતી. મોદીના રીસેપ્શન, એસ્કોર્ટ, બેન્કવેટ, મુલાકાતો તથા સલામતીને લઈને ખાસ કાળજી રાખવામાં આવી હતી. સ્વયં મોદીએ પણ ચીનના વેપાર-ઉદ્યોગ તથા રાજકીય નેતાઓમાં ભારે રસ દાખવ્યો હતો.

No comments:

Post a Comment