October 18, 2011

સર્વિસ, ગ્રાહક ક્ષેત્રમાં ભારતીય બિઝનેસ જૂથોનો નબળો દેખાવ

જનરલ ઇલેક્ટ્રિક (જીઇ) જો કરી શકતી હોય તો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (આરઆઇએલ) કેમ ન કરી શકે ? આવું વિચારીને જ મુકેશ અંબાણીએ ગયા સપ્તાહમાં અગ્રણી પ્રાઇવેટ ઇક્વિટી કંપની અને હેજ ફંડ ડીઇ શૉ સાથે સંયુક્ત સાહસ દ્વારા નાણાકીય સેવા ક્ષેત્રે પ્રવેશવાનો નિર્ણય લીધો હતો. સવાલ એ છે કે ફાઇનાન્સ બિઝનેસમાં

આરઆઇએલને જીઇ જેવી સફળતા મળશે ખરી ?

ગ્રાહકોના સીધા સંપર્કમાં આવવું પડતું હોય તેવા સર્વિસ સેક્ટરમાં ભારતીય જૂથોનો દેખાવ સાતત્યસભર નથી. પેટ્રોકેમિકલ્સ અને રિફાઇનિંગમાં અગ્રણી આરઆઇએલે સંગઠીત રિટેલમાં ધીમી ગતિએ વિસ્તરણ કરવું પડ્યું હતું.

આદિત્ય બિરલા ગ્રૂપે ફાઇનાન્સ , સંગઠીત રિટેલ અને બિઝનેસ પ્રોસેસ આઉટસોર્સિંગ (બીપીઓ)માં ટોચની ત્રણ કંપનીમાં સ્થાન મેળવવાની કામગીરીનું કદ ઘટાડવું પડ્યું હતું. અનિલ અંબાણીની રિલાયન્સ કોમ્યુનિકેશન્સ પર રૂ. 34,000 કરોડનું દેવું છે. ટાટાએ પણ સર્વિસ ક્ષેત્રે વીમા અને ટેલિકોમમાં મુશ્કેલ સ્થિતિનો સામનો કરવો પડ્યો છે.

તેની સરખામણીમાં માત્ર સર્વિસ ક્ષેત્રે જ સક્રિય હોય તેવી કંપનીઓ કમાણી કરી રહી છે. સુનિલ મિત્તલની ભારતી એરટેલ અને વોડાફોન મોબાઇલ ટેલિફોનીમાં ટોચની બે પ્રાઇવેટ સેક્ટરની કંપનીમાં સ્થાન ધરાવે છે.

કિશોર બિયાનીનું ફ્યુચર ગ્રૂપ દેવા હેઠળ દબાયેલ છે , પરંતુ સંગઠીત રિટેલિંગમાં તે સૌથી મોટું જૂથ છે. સ્થાનિક નાણાકીય સેવા જૂથો મોતીલાલ ઓસ્વાલ અને એડેલવેઇસ હાલમાં બ્રોકિંગ અને સંપત્તિના વ્યવસ્થાપનમાં અગ્રણી છે.

જીઇનો બિઝનેસ ઉર્જાથી લઇને ઓઇલ અને ગેસ તથા હેલ્થકેર સુધી ફેલાયેલો છે. આ મોડલ ભૂતપૂર્વ વડા જેક વેલ્ચના પ્રયાસોને આભારી છે જેમણે ગ્રૂપનું જોખમ ઘટાડવાની નીતિ અપનાવી હતી. ભારતમાં લોકોની આવકમાં વધારો થયો હોવાથી ગ્રાહકલક્ષી બિઝનેસ તરફ પારિવારિક બિઝનેસનો રસ ઉચ્ચ વૃદ્ધિદરને આભારી છે.

જોકે વ્યૂહ ઘડવો એક વાત છે અને તેનું અમલીકરણ બીજી વાત છે. ઘણા ભારતીય કૌટુંબિક બિઝનેસ જૂથો અનેક બિઝનેસમાં હાજર છે , અનેક કંપનીઓ ચલાવે છે અને સમગ્ર વિશ્વમાં હાજરી ધરાવે છે. ટાટા પાસે સાત બિઝનેસ , 90 કંપનીઓ અને 85 પ્રદેશોમાં હાજરી છે. આદિત્ય બિરલા ગ્રૂપની 27 દેશમાં 50 કંપનીઓ છે અને તે 15 બિઝનેસ ચલાવે છે.

કુટુંબ સંચાલિત બિઝનેસ જૂથના વડા જ્યારે નિર્ણય લેવાની પ્રક્રિયામાં સામેલ થાય ત્યારે ચિંતા વધી જાય છે . મુંબઈ સ્થિત એક બિઝનેસ જૂથના અધિકારી જણાવે છે કે , પરિવાર આધારિત બિઝનેસ જૂથમાં પરિવારના વડા બધા નિર્ણય લેતા હોવાથી પ્રત્યાઘાતનો સમય ઝડપી હોય છે .

આરપીજી એન્ટરપ્રાઇઝિસના ચેરમેન હર્ષ ગોએન્કા જણાવે છે કે , મોટા ઉદ્યોગપતિઓને વિશાળ પ્લાન્ટમાં જંગી રોકાણ કરવાનું , સમય ફાળવવાનું અને કંપનીને ખર્ચની બાબતમાં કાર્યક્ષમ બનાવવાનું ગમે છે . જોકે તેમને બ્રાન્ડ રચવામાં એટલો રસ હોતો નથી .

ગોએન્કા હકીકત જાણે છે કારણ કે તેમની કંપની ટેલિકોમ અને સંગઠીત રિટેલમાં આગળ હતી અને અત્યારે કંપની ટેલિકોમમાંથી નીકળી ગઇ છે જ્યારે સ્પેન્સર્સ રિટેલ પ્રથમ પ્રવેશનો લાભ ઉઠાવી શકી નથી .

એસકેએ એડવાઇઝર્સના સ્થાપક અને ચેરમેન સુનિલ અલઘે જણાવ્યું હતું કે ઔદ્યોગિક જૂથોના પ્રમોટર્સને સર્વિસમાં કામ મુશ્કેલ જણાઇ શકે છે કારણ કે મેન્યુફેક્ચરિંગ કરતા તે અલગ બિઝનેસ હોય છે .

રિટેલ અને ટેલિકોમમાં ગ્રાહકોની પસંદગી પ્રમાણે પરિવર્તન ચાલુ રાખવું જરૂરી હોય છે . આ ઉપરાંત પ્રમોટર્સ પોતાના મેન્યુફેક્ચરિંગ સાહસમાંથી વિશ્વાસુ લોકોને સર્વિસ સેક્ટરના નવા સાહસમાં ટોચ પર મૂકવા પ્રેરાતા હોય છે . અલઘ કહે છે કે આ લોકો સર્વિસ બિઝનેસનું નેતૃત્વ કરવા માટે શ્રેષ્ઠ હોય તે જરૂરી નથી .

કેટલાક બિઝનેસ જૂથો માટે સર્વિસ એ તેમના કોર બિઝનેસથી ઘણું દૂર હોય છે . ઉદાહરણ તરીકે ધીરુભાઇના સમયથી રિલાયન્સે પોલિએસ્ટર , પ્લાસ્ટિક્સ , પેટ્રોકેમિકલ્સ , રિફાઇનિંગ અને ઓઇલ એન્ડ ગેસ શારકામમ અને ઉત્પાદન તરફ બેકવર્ડ ઇન્ટીગ્રેશનની નીતિ અપનાવી હતી.

No comments:

Post a Comment