વર્ષો સુધી રાહ જોયા પછી ભારતની સંકટગ્રસ્ત વિમાન કંપનીઓ ટૂંક સમયમાં વિદેશી ઉડ્ડયન કંપનીઓ તરફથી રોકાણને આકર્ષિત કરી શકશે. ઉદ્યોગ મંત્રાલયે એક કેબિનેટ નોટ તૈયાર કરીને આંતર મંત્રાલય ચર્ચા માટે મોકલી છે જેમાં નાગરિક ઉડ્ડયન મંત્રાલયની મંજૂરી બાદ વિદેશી ઉડ્ડયન કંપનીઓને ભારતીય વિમાન કંપનીઓમાં રોકાણ કરવાની મંજૂરી આપવાની દરખાસ્ત છે. જોકે એફડીઆઇના સ્તરનો વિકલ્પ ખુલ્લો રાખવામાં આવ્યો છે કેમ કે બન્ને મંત્રાલય મર્યાદાના મામલે સહમત થયાં નથી.
ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્ડસ્ટ્રિયલ પોલિસી એન્ડ પ્રમોશન (ડીઆઇપીપી)ના એક વરિષ્ઠ અધિકારીએ ઇટીને જણાવ્યું હતું કે આ ક્ષેત્રને ખુલ્લું મૂકવા માટે નાગરિક ઉડ્ડયન મંત્રાલયે તેની સૈદ્ધાંતિ મંજૂરી આપી હતી પરંતુ એફડીઆઇના સ્તર અંગેની મર્યાદા કેન્દ્રીય કેબિનેટ દ્વારા નક્કી કરવામાં આવશે.
ઉદ્યોગના અંદાજ અનુસાર , ભારતની ખાનગી એરલાઇન્સ કંપનીઓ ચાલુ વર્ષના પ્રથમ છમાસિક ગાળામાં રૂ. 3,500 કરોડથી વધુની ખોટ ધરાવતી હતી. તેમાંની ઘણી કંપનીઓ ડેટમાં ઘટાડો કરવા તથા આર્થિક રીતે ટકી રહેવા માટે નવી મૂડીની તીવ્ર જરૂરિયાત ધરાવે છે.
હાલમાં ભારત એરલાઇન કંપનીઓમાં 49 ટકા સુધીના વિદેશી રોકાણની મંજૂરી આપે છે પરંતુ વિદેશી ઉડ્ડયન કંપનીઓને તેની મંજૂરી આપવામાં આવતી નથી. એફડીઆઇ પોલિસી કહે છે કે વિદેશી એરલાઇન્સને કોઈ એર ટ્રાન્સપોર્ટ કંપનીમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ઇક્વિટી સાથે સંકળાવાની મંજૂરી આપવામાં આવતી નથી.
અનુભવી રોકાણકારોને આ ક્ષેત્રની બહાર રાખતા કાયદાના કારણે એરલાઇન ક્ષેત્રે વિદેશી રોકાણને પ્રોત્સાહન મળતું નથી. કેટલીક સ્થાનિક ખાનગી કંપનીઓ નાણાકીય રીતે સદ્ધર વિદેશી એરલાઇન્સને ભારતમાં પ્રવેશવા દેવાનો વિરોધ કરે છે. તેમને બીક છે કે વિદેશી એરલાઇન્સ થોડા જ સમયમાં સમગ્ર ભારતીય બજારને કબજે કરી લેશે.
જોકે આ વખતે નાગરિક ઉડ્ડયન મંત્રાલયે સ્થાનિક એરલાઇન્સમાં વિદેશી એરલાઇન્સને 24 ટકા સુધી હિસ્સો ખરીદવા દેવાની ડીઆઇપીપીની દરખાસ્તને અનુકુળ જવાબ આપ્યો છે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે , 26 ટકાથી નીચે કોઇ ટોચ મર્યાદાનો અર્થ નથી કારણ કે તેનાથી કંપનીમાં કોઇ નિયંત્રણાત્મક હિસ્સો મળતો નથી તેથી વિદેશી કંપનીને રોકાણ કરવામાં કોઇ રસ નહીં પડે.
એફડીઆઇ નિર્ણય અંગે નોડલ એજન્સી ડીઆઇપીપી સ્થાનિક એરલાઇન્સને બચાવવા માટે ટોચ મર્યાદા 49 ટકાથી ઉપર લઇ જવા માંગે છે . 25 ટકાથી વધુ હિસ્સો ધરાવતા કોઇ પણ ઇક્વિટી હોલ્ડિંગથી ' વિશેષ ઠરાવ ' બ્લોક કરવાનો અધિકાર મળે છે જ્યારે 49 ટકા હિસ્સાથી માલિકીથી સહેજ ઓછો અધિકાર મળે છે .
No comments:
Post a Comment