October 6, 2011

વધતી જતી ખોટ અને ગળાકાપ સ્પર્ધાના લીધે કિંગફિશર એરલાઇન્સે નીચા ભાડાનું બિઝનેસ મોડલ ધરાવતી કિંગફિશર રેડને
બંધ કરવાનો નિર્ણય લેવો પડ્યો છે. કંપની હવે સમગ્ર દેશમાં પ્રીમિયમ અને બિઝનેસ ક્લાસ પેસેન્જરોની માંગ સંતોષશે.

ત્રણ વર્ષ સુધી નીચા ભાડાની એરલાઇનના કારોબારમાં સંઘર્ષ કર્યા પછી વિજય માલ્યાની કંપનીએ કેપ્ટન ગોપીનાથ પાસેથી 2007 માં ખરીદવામાં આવેલી કિંગફિશર રેડને ' ભૂમિગત ' કરવાનો નિર્ણય લેવો પડ્યો છે.

વિજય માલ્યાએ બેંગલોરમાં કંપનીની વાર્ષિક સામાન્ય સભામાં જણાવ્યું હતું કે , અમે નીચા ખર્ચના સેગમેન્ટમાં સ્પર્ધા કરવા માંગતા ન હોવાથી કિંગફિશર રેડને સંકેલી રહ્યા છીએ. અમે તેને ચાલુ રાખીને વધુ ખોટ કરવા ઇચ્છતા નથી , અમારે અમારા ગ્રાહકોની પસંદગીને માન આપીને તેમના પ્રત્યે ન્યાયી બનવું જ રહ્યું.

કિંગફિશર આ ઉપરાંત રિકન્ફીગરિંગની પ્રક્રિયાના ભાગરૂપે સ્થાનિક રૂટમાં બિઝનેસ ક્લાસની કેટલીક સીટ ઇકોનોમી ક્લાસ માટે ઓફર કરશે.

માલ્યાએ કહ્યું હતું કે , કિંગફિશરની કાર્યકારી ક્ષમતામાં વધારો કરવાની પ્રક્રિયાના ભાગરૂપે એરક્રાફ્ટને રિકન્ફ્ીગર કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. તેના લીધે ખર્ચમાં લઘુતમ વધારાની સાથે તેની ક્ષમતામાં 10 ટકાનો વધારો થશે.

આનો સીધો અર્થ એમ થાય કે કિંગફિશરના બધા વિમાનમાં ફર્સ્ટ ક્લાસ અને ઇકોનોમી ક્લાસની સીટો હશે. હવે કિંગફિશર રેડ નામની અલગ બ્રાન્ડ નહીં હોય. આ પ્રક્રિયા આગામી ચાર મહિનામાં પૂરી કરવામાં આવશે.

કિંગફિશર પાસે 66 વિમાનો છે. કેપ્ટન જી આર ગોપીનાથ દ્વારા પ્રમોટ કરવામાં આવેલી ભારતની સૌ પ્રથમ લો-કોસ્ટ એરલાઇન એર ડેક્કનને કિંગફિશરે રિબ્રાન્ડેડ કરીને કિંગફિશર રેડ નામ આપ્યું હતું. કિંગફિશરે 2007 માં રૂ. 550 કરોડમાં આ બજેટ એરલાઇન હસ્તગત કરી હતી , આ એક્વિઝિશન માલ્યા માટે ફળદાયી નીવડ્યું નથી.

માલ્યાએ એક્વિઝિશનના આ નિર્ણયનો બચાવ કરતાં કહ્યું હતું કે ડેક્કનને હસ્તગત કરવાના લીધે ખૂબ જ જરૂરી ઇન્ફ્રાસ્ટ્રકચર , ડિપાર્ચર અને એરાઇવલની સાથે પાર્કિંગ લોટ્સ મળ્યું છે.
કિંગફિશર દ્વારા રેડને બંધ કરવાનું લેવામાં આવેલું પગલું ઉદ્યોગની વર્તમાન રીતરસમથી વિરુદ્ધ છે.

અન્ય એરલાઇન્સ , ખાસ કરીને દેશમાં બજારહિસ્સાની રીતે સૌથી મોટી કંપની જેટ એરવેઝ લો-ફેરના ક્ષેત્રમાં તેની કામગીરી વિસ્તારી રહી છે. તાજેતરમાં જ જેટે આગામી પાંચ વર્ષમાં તેની હાલની લો-ફેર ક્ષમતા 72 ટકાથી 85-95 ટકાએ લઈ જવાના આયોજનની જાહેરાત કરી હતી.

આ ઉપરાંત તે બે લો-ફેર સર્વિસિસ જેટ કનેક્ટ અને જેટલાઇટનું મર્જર પણ કરી રહી છે. ભારતમાં બજેટ એરલાઇન્સ વિસ્તરી રહી છે અને વિમાનોની સંખ્યામાં ઉમેરો કરી રહી છે , તેના લીધે તેમનો સંયુક્ત બજારહિસ્સો 70 ટકા જેટલો છે. ગુડગાંવ સ્થિત ઇન્ડિગો , મુંબઈની ગોએર અને સ્પાઇસજેટે 172 વિમાનોના ઓર્ડર આપ્યા છે.

No comments:

Post a Comment