October 10, 2011

અત્યાર સુધી તેઓ મોદીના માસ્ક પહેરીને ફરતા હતા અને જાહેરસભાઓમાં વી ફોર વિક્ટરીની વાતો કરતા હતા. એક સમયે ભારતીય જનતા પાર્ટીની સક્રિય કેડર રચનારા કેટલાક કાર્યકરોએ મુખ્યમંત્રી તરીકે 10 વર્ષ પૂરા કરનારા નરેન્દ્ર મોદી માટે પોતાનો પરસેવો પાડવાના સ્થાને પોતાના કારોબાર પર ધ્યાન કેન્દ્રિત કરવાનું પસંદ કર્યું છે.

ભાજપના સ્ટાર પ્રચારક તેમની છબીને રાષ્ટ્રીય સ્તરે રજૂ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે અને તેમને પક્ષ કાર્યકરોની પહેલાં કરતાં વધુ જરૂર છે તેવા સમયે આ સ્થિતિ ઊભી થઈ છે. મોદી તેના કરિશ્મા દ્વારા કાર્યકરોના મન જીતી શકે છે પરંતુ પક્ષમાં ઘણા લોકો એવું માનતા થઈ ગયા છે કે ગુજરાત ભાજપ હવે એક વન-મેન શો થઈ ગયો છે.

અમદાવાદ સ્થિત એક સિનિયર એડ્વોકેટ અને ભાજપના કાર્યકરે જણાવ્યું હતું કે , પક્ષ માટે સ્થાનિક સ્તરે કાર્યક્રમો યોજવા માટે દર વર્ષે હું પક્ષ માટે રૂ.એક લાખ ખર્ચતો હતો. હવે મેં મારા પ્રોફેશન પર ધ્યાન કેન્દ્રિત કરવાનું નક્કી કર્યું છે.

પક્ષનું ધ્યાન નવા કાર્યકરો તરફ વધતાં ભાજપના ડોક્ટર સેલમાં સક્રિય એક મેડિકલ પ્રેક્ટિશનરે પોતાની પ્રેક્ટિસ પર ધ્યાન આપવાનું શરૂ કર્યું છે. આ ડોક્ટર જણાવે છે કે , હું મારી તમામ સાંજ પક્ષ કાર્યાલય પર વિતાવતો હતો અને તમામ કાર્યક્રમમાં ભાગ લેતો હતો. મેં પક્ષ માટે જેટલો સમય આપ્યો છે તેનું મને કોઈ વળતર મળ્યું નથી.

અમદાવાદ મહાનગરપાલિકામાં કેટલીક નગરપાલિકાઓ ભળ્યા બાદ ભાજપના એક પૂર્વ કોર્પોરેટરને લાગી રહ્યું છે કે પક્ષ દ્વારા તેમની ઉપેક્ષા થઈ રહી છે. અત્યારે તેઓ પક્ષમાં નિષ્ક્રિય છે. તેમને લાગે છે કે પક્ષના સિનિયર કાર્યકરોની રાજકીય કારકિર્દી થંભી ગઈ છે.

ભાજપ રાજ્ય પ્રમુખ આર સી ફળદુ પણ ભાગ્યે જ કોઈ રાજકીય મંચ પર જોવા મળે છે. ભાજપ કાર્યકરોનું કહેવું છે કે મોદી સંગઠન સાથે દાયકાઓથી જોડાયેલા અગ્રણી કાર્યકરોની રાજકીય મહત્ત્વાકાંક્ષાઓની અવગણના કરીને નવા ચહેરાઓને સ્થાન આપે છે.

ભાજપની સાથી સંસ્થાઓ વિશ્વ હિંદુ પરિષદ (વીએચપી) અને રાષ્ટ્રીય સ્વયં સેવકસંઘ(આરએસએસ)નો રાજ્યમાં અવાજ રહ્યો નથી. આ સંસ્થાઓ અગાઉ ઘણું પ્રભુત્વ ધરાવતી હતી ખાસ કરીને ટિકિટની વહેંચણી વખતે. અત્યારે આ બંને સંસ્થાઓ હાંસિયામાં ધકેલાઈ ગઈ છે.

પક્ષ સાથે બે દાયકાથી જોડાયેલા વિહિપના એક કાર્યકર જણાવે છે કે , હવે તો બુથ મેનેજમેન્ટ પણ મોદી કરે છે . આરએસએસ અને વિહિપનું ક્યાંય સ્થાન નથી .

2001 માં કેશુભાઈના રાજીનામાના પગલે રાજ્ય કપરા સમયમાંથી પસાર થઈ રહ્યું હતું ત્યારે તે સમયે પંજાબ , હિમાચલપ્રદેશ , જમ્મુ અને કાશ્મીર અને દિલ્હીનો હવાલો સંભાળતા રાષ્ટ્રીય મહામંત્રી મોદીની ગુજરાતના મુખ્યમંત્રી તરીકે નિયુક્તિ કરવામાં આવી હતી .

કેશુભાઈ પટેલ અને તેમના સહાયકો ભૂતપૂર્વ કેન્દ્રીય કાપડમંત્રી કાશીરામ રાણા અને ભૂતપૂર્વ મુખ્યમંત્રી સુરેશ મહેતા પણ હાલ રાજ્યના રાજકારણમાં સુષુપ્ત અવસ્થામાં છે .
પક્ષ કાર્યકરો ગોપાલદાસ ભોજવાણી , જયંતીભાઈ પટેલ ( નરોડા ) , નવલ પટેલ , શંકર ચેવલી સહિતના ઘણા કાર્યકરો રાજકીય મંચ પર ફરીથી ઊભરવાની તકની રાહ જોતા ચૂપ રહેવામાં શાણપણ સમજે છે . ભૂતપૂર્વ ધારાસભ્ય ભાવિન શેઠ , ભરત બારોટ , ડો . જીતુભાઈ પટેલ પણ અન્ય નિષ્ક્રિય નેતાઓ પૈકીના કેટલાક છે .

ભાજપના ભૂતપૂર્વ મંત્રી અને હાલમાં મહાગુજરાત જનતા પાર્ટી નામના રાજકીય પક્ષના સ્થાપક ગોરધન ઝડફિયા જણાવે છે કે , મોદી વાપરો અને ફેંકી દો ' અને ' ભાગલા પાડો અને રાજ કરો ' ની નીતિ અપનાવે છે .

મોદીના કટ્ટર વિરોધી તરીકે જાણીતા ઝડફિયા 2002 ગોધરાકાંડ બાદનાં તોફાનોમાં તેમની ભૂમિકા માટે તપાસ હેઠળ છે . મોદી પક્ષ કરતા પણ મોટા થઇ ગયા છે '' એમ ઝડફિયાએ ઉમેર્યું હતું .

પોતાની મતબેન્ક પર વિશ્વાસ ધરાવતા મોદીએ કેશુભાઈના વફાદારોને પ્રમોટ કરવાની અને કોંગ્રેસમાંથી પણ કાર્યકરો લાવવાની નીતિ અપનાવી હતી .

વાજપેયી સરકારમાં કેન્દ્રીય ભારે ઉદ્યોગમંત્રી અને કેશુભાઈના વફાદાર વલ્લભ કથિરિયાને પાંચ વર્ષ બાદ હમણાં ગૌસેવા આયોગના ચેરમેનપદે નિમણૂક કરવામાં આવી છે .
કેશુભાઈના વધુ એક વફાદાર નેતા અને ભૂતપૂર્વ રાજ્યમંત્રી મહેન્દ્ર ત્રિવેદીને પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના ચેરમેન બનાવવામાં આવ્યા છે . રાજકીય નિરીક્ષકોનું માનવું છે કે , ભાવનગર જિલ્લામાં મતદાતાઓની બદલાયેલી સ્થિતિએ ત્રિવેદીને આ લાભ અપાવ્યો છે .

કોંગ્રેસ શાસન દરમિયાન ભૂતપૂર્વ નાણામંત્રી મનોહરસિંહ જાડેજાના પુત્ર માંધાતાસિંહને ભાજપમાં લાવવામાં આવ્યા હતા અને તેમને ટૂરિઝમ કોર્પોરેશન ઓફ ગુજરાત લિમિટેડ ( ટીસીજીએલ ) ના ડિરેક્ટરપદે નિયુક્ત કરવામાં આવ્યા હતા .

રાજકીય નિરીક્ષકોનું કહેવું છે કે , મોદી મત મેળવવા માટે મુખ્યત્વે તેના કરિશ્મા પર આધાર રાખે છે , ઉમેદવારનો માત્ર એક વ્યૂહાત્મક સાધન તરીકે ઉપયોગ કરે છે . જ્યારે પણ પક્ષ નબળો પડે છે કે વિપક્ષ મજબૂત થાય ત્યારે તે ભૂમિકામાં આવે છે અને સુનિશ્ચિત કરે કે તેનો ઉમેદવાર જીતે .

સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં નો - રિપીટ થિયરીથી સત્તા વિરોધી વલણ પર અંકુશ આવ્યો છે પરંતુ તેનાથી સિનિયર નેતાઓ હાંસિયામાં ધકેલાઈ ગયા છે .

જોકે પક્ષ હોદ્દેદારોનું કહેવું છે કે પક્ષનો નૈતિક જુસ્સો હજુ પણ ઊંચો છે . રાજ્ય ભાજપના પ્રવક્તા વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે , 20 વર્ષ સુધી કેશુભાઈનો નિર્ણય અંતિમ ગણાતો હતો . હવે મોદીનો વારો છે . મોદી ખૂબ જ સક્રિય છે અને કેડરને સક્રિય કરે છે.

No comments:

Post a Comment