October 1, 2011

કોઇ સિસ્ટમ કે પ્રથા વર્ષોથી ચાલી આવી હોય, તો બસ એને ચાલવા જ દેવી જોઇએ? એ સારી છે કે ખરાબ, સાચી છે કે ખોટી એ વિચારવાનું જ નહીં? કોઇ ખોટી વાત વારંવાર થાય, લાંબો સમય ચાલે એટલે એ સાચી સારી બની જાય?

સીએની ફાઇનલ એકઝામનું રિઝલ્ટ આવ્યું ત્યારે ધ્રુવા (નામ બદલ્યું છે)નું નામ ટોપ રેન્કર્સના લિસ્ટમાં હતું. એ પછી અપેક્ષા મુજબ તરત મોટી પ્રતિષ્ઠિત કંપનીમાં જોબ મળી ગઇ. ધ્રુવાએ નક્કી કરેલું કે ડિગ્રી મેળવવા માટે જેટલી મહેનત કરી એનાથીયે વધુ નિષ્ઠા સાથે કામ કરીશ. આશા રાખેલી કે અહીં વર્ષોથી કામ કરતા સિનિયર્સ પાસેથી ઘણું શીખવા મળશે અને પોતાના નવા વિચારો રજુ કરવાની તક પણ ધીમે ધીમે મળતી જશે.

લગભગ આઠ મહિના નોકરી કર્યા બાદ ધ્રુવાએ ‘આપણી વાત’ને સંબોધીને ઇમેલ મોકલ્યો છે. એના શબ્દે શબ્દે ફ્રસ્ટ્રેશન ટપકે છે. ઇંગ્લિશમાં લખેલો મેઇલ લાંબો છે. પણ ટૂંકમાં એનું હાર્દ કંઇક આવું છે - ‘ઉત્સાહભેર આ મોટી ઇન્ડિયન કંપનીમાં જોડાઇ. એના થોડા જ દિવસોમાં ખ્યાલ આવી ગયો કે અહીં કામ કરતી સ્ત્રીઓની કેટલી કિંમત આંકવામાં આવે છે! મારા બોસ અહીં પચ્ચીસ વર્ષથી નોકરી કરે છે. બે વરસમાં રિટાયર થઇ જશે. જાહેરમાં એ કહેતા ફરે છે કે છોકરીઓ શું કામ કરવાની. એમણે તો બસ ભણીને પાસ થઇ જવાનું. એક ડિગ્રી મળી ગઇ એમાં શું!

આવા અને આનાથીયે વધુ અપમાનજનક શબ્દો ડગલે ને પગલે એમના મોઢામાંથી નીકળતા રહે છે. જો કે મારે આજે એમની સામે ફરિયાદ નથી કરવી. હું જાણું છું કે દુનિયામાં આવા અનેક જક્કી, જુનવાણી લોકો વસે છે જે મોટી ઉંમરે બદલાય એવી આશા રાખવાનો અર્થ નથી. પણ મારી ફરિયાદ કંપનીમાં કામ કરતા બીજા લોકો સામે છે. જેમાં નાની ઉંમરના લોકો, હાઇ કવોલિફાઇડ સ્ત્રીઓ પણ સામેલ છે. જે આ બધું ચલાવી તો લે જ છે અને ઉપરથી મને શિખામણ આપે છે કે ચૂપ રહે આવું જ ચાલે.

નોકરીમાં જોડાયા બાદ થોડો સમય તો હું પણ ખુદને ઉંમર અને અનુભવમાં નાની ગણીને ચૂપ જ રહેતી. પણ પછી અકળામણ થવા લાગી કે કોઇ ભૂલ કે વાંક વિના શું કામ આવું બધું સાંભળી લેવું જોઇએ! સહનશક્તિ ખૂટી ગઇ ત્યારે મેં એચઆરમાં ફરિયાદ કરી, પણ ત્યાંથી જે પ્રતિભાવ મળ્યો એ વધુ આઘાતજનક હતો. એ લોકો બોસનો સ્વભાવ જાણે છે પણ મારા માટે માત્ર સહાનુભૂતિ દાખવીને કહી દીધું કે લર્ન ટુ એડજસ્ટ! અહીં વર્ષોથી આવું જ ચાલે છે અને બીજાઓની જેમ મારે પણ ટેવાઇ જવું જોઇએ.

ઓફિસમાં કામ કરતા થોડા લોકો સાથે મિત્રતા થઇ ગઇ છે. એમને વાત કરી તો ત્યાંથી પણ આવું જ રિએકશન આવ્યું કે આ તો વર્ષોથી બધાએ સ્વીકારી લીધેલો ટ્રેન્ડ છે. કોઇ નથી બોલતું તો ધ્રુવાએ શું ક્રાંતિકારી બનવાની જરૂર છે? અરે, ઘણા લોકોને તો જે ચાલે છે એમાં ક્યારેય કંઇ વિરોધ કરવા જેવું પણ નહોતું લાગ્યું. એવી બીજીયે ઘણી ચીજો છે જેને બધાએ મૂંગે મોઢે સ્વીકારી લીધી છે અને કારણ એ જ અપાય છે કે પહેલેથી ચાલ્યું આવે છે.’

ધ્રુવા લખે છે કે, હતાશ થઇને હું નોકરી છોડવાની નથી કે રોજ ઝઘડા પણ નથી કરવાની. મારી રીતે હું સમસ્યાનો ઉકેલ શોધી કાઢીશ પણ મારે પૂછવું છે કે કોઇ સિસ્ટમ કે પ્રથા વર્ષોથી ચાલી આવી હોય, તો બસ એને ચાલવા જ દેવી જોઇએ? એ સારી છે કે ખરાબ, સાચી છે કે ખોટી એ વિચારવાનું જ નહીં? કોઇ ખોટી વાત વારંવાર થાય, લાંબો સમય ચાલે એટલે એ સાચી સારી બની જાય? વિરોધ કર્યા વિના માત્ર જુની પ્રથાને એડજસ્ટ થયા કરવાનું?

ધ્રુવાએ મને નહીં, ‘આપણી વાત’ના વાચકોને આ પ્રશ્ન પૂછ્યો છે. અને જવાબની અપેક્ષા તમારા તરફથી છે. એટલે એના કેસમાં મારે કોઇ ટિપ્પણી નથી કરવી, પરંતુ ધ્રુવાથી અલગ કહેવાય એવા સંજોગોમાં મેં પણ ઘણીવાર આ સૂચન-શિખામણ સાંભળ્યાં છે, તમેય લીધાં-દીધાં હશે કે સિસ્ટમમાં એડજસ્ટ થતાં શીખો. ડોન્ટ રોક ધ બોટ! હવે દર વખતે જે ચાલતું હોય એ કદાચ ખબર ન હોય, પરંતુ એનો અર્થ એવો કે એને બદલવાનો વિચાર પણ ન કરાય? ઘરમાં કે ઓફિસમાં નાની વયના લોકો કોઇ નવો વિચાર રજુ કરે તે તરત સિનિયર તરફથી સ્ટાન્ડર્ડ રિપ્લાય મળે કે ‘વર્ષોથી અમે કરીએ છીએ અને ક્યારેય વાંધો નથી આવ્યો, તો હવે તમે આજકાલના છોકરા અમને શું શીખવાડવાના?સાંભળવામાં બહુ સારું કે સેન્સિબલ લાગે એવું એક વિધાન છે કે કોઇ પણ સિસ્ટમ તોડતા પહેલાં એને સારી રીતે સમજીને એમાં માસ્ટર થઇ જાવ. મતલબ કે નવું કરતાં પહેલા જુનામાં એક્સપર્ટ થઇ જાવ.

વાતમાં ઝાઝો નહીં પણ થોડો દમ કદાચ લાગે પરંતુ આ સલાહને અમલમાં મૂકવામાં સહુથી મોટું જોખમ એ છે કે ક્યારેક જુની સિસ્ટમમાં એડજસ્ટ થતા, એને સમજતા, એનું પાલન કરતાં કરતાં માણસ એટલો ટેવાઇ જાય છે કે પછી કંઇ નવું કરવાનું છે, એ વાત જ ભૂલાઇ જાય, સીધેસીધું ચાલતું હોય ત્યાં નવા અખતરાનું જોખમ શું કામ લેવું? અરે વાહ, તમે તો તમારા પપ્પા (કે બોસ)નો વારસો બરાબર, અદલોઅદલ જાળવી રાખ્યો, ‘આ કમેન્ટને પ્રશંસા ગણીને માણસ જુના-પુરાણા ઢાંચાને વળગી રહે અને પછી તો કોઇ નવો વિચાર લઇને આવે તો એને પણ કહી દે, ‘વર્ષોથી આ જ રીતે ચાલીને અમે સક્સેસફૂલ થઇ ગયા છીએ પહેતા તમે આ તો શીખો...’ અને તેમ છતાં કોઇ માથાફરેલી વ્યક્તિ જોખમ લઇને જુદે રસ્તે ચાલે, એમાં નિષ્ફળ જાય તો પછી હસવાનું કે, અમે તો કહેતા જ હતા કે વર્ષોથી ચાલી આવેલી સિસ્ટમ બરાબર જ હતી. વડીલો કે અમે કોઇ મૂરખ નહોતા.’ બેક ટુ ધ્રુવા! તમે એને શું જવાબ આપશો?‘

No comments:

Post a Comment