October 10, 2011

હિટાચીએ ગાંધીનગર સ્થિત હાઇ-રેલ ખરીદી

ટોકયો સ્થિત હિટાચી લિમિટેડે જાહેર નહીં કરાયેલી રકમમાં ગાંધીનગર સ્થિત પાવર ઇલેક્ટ્રોનિક્સ કંપની હાઇ-રેલ ઇલેક્ટ્રોનિક્સ પ્રાઇવેટ લિમિટેડ ખરીદી છે. હાઇ-રેલનું હવે નામ બદલીને હિટાચી હાઇ-રેલ પાવર ઇલેક્ટ્રોનિક્સ પ્રાઇવેટ લિમિટેડ કરાશે.

હાઇ-રેલના મેનેજિંગ ડિરેક્ટર પીયૂષ શાહે જણાવ્યું હતું કે , હિટાચીએ હાઇ-રેલનો બહુમતી હિસ્સો ખરીદ્યો છે. અમે એકબીજાની શક્તિનો ઉપયોગ કરીને વૃદ્ધિ કરીશું. અમારી કંપનીમાં હેલિક્સના શેરમાં પણ ફેરફાર થશે.

હાઇ-રેલના એક ઉપરી અધિકારીએ જણાવ્યું હતું કે આ પગલાથી હિટાચીનો ભારતમાં પાવર ઇલેક્ટ્રોનિક્સ બિઝનેસ મજબૂત બનશે.

2010 માં પ્રાઇવેટ ઇક્વિટી કંપની હેલ્કિસ ઇન્વેસ્ટમેન્ટ એડ્વાઇઝર્સે રૂ. 50 કરોડમાં હાઇ-રેલનો બહુમતી હિસ્સો ખરીદ્યો હતો. કંપની સત્તાવાળાઓએ જણાવ્યું હતું કે હિટાચીના એક્વિઝિશન બાદ હેલિક્સના હિસ્સામાં પણ ઘટાડો થશે.

હાઇ-રેલ ગાંધીનગરમાં એક ઉત્પાદન એકમ ધરાવે છે અને બંને કંપની અમદાવાદ નજીક સાણંદ ખાતે 2 મેગાવોટ અને 5 મેગાવોટની ક્ષમતાવાળા પાવર પ્લાન્ટ્સ માટે મોટર કન્ટ્રોલ ડિવાઇસિસનું ઉત્પાદન કરવા માટે અન્ય એક ગ્રીન ફીલ્ડ પ્રોજેક્ટ સ્થાપી રહી છે.

હાઇ-રેલના બોર્ડ અને હિટાચીના અધિકારીઓ વચ્ચે બુધવારે એક બેઠક યોજાઈ હતી. અધિકારીઓ માને છે કે આ પગલાથી 31 માર્ચ 2016 ના અંતે પૂરા થતા નાણાકીય વર્ષમાં કંપનીની આવક વધીને રૂ. 800 કરોડ ( 14 અબજ યેન) થશે.

ભારતીય અર્થતંત્રની લગભગ 8 ટકાની વૃદ્ધિને પગલે મોટી સંખ્યામાં પાવર પ્લાન્ટ , સ્ટીલ ઉત્પાદન એકમો અને રિન્યુએબલ એનર્જીના પ્રોજેક્ટ્સ આવી રહ્યા છે જેને પગલે મિડિયમ-વોલ્ટેડ ઇન્વર્ટર સિસ્ટમ્સ , અનઇન્ટ્રપ્ટેડ પાવર સપ્લાઇસ (યુપીએસ) અને સોલર અને વિન્ડ પાવર ઉત્પાદન માટે પાવર કન્ડિશનર્સ જેવી પ્રોડેક્ટ્સની માંગમાં ઉછાળો આવ્યો છે.

જૂન 2011 માં હિટાચી અને હાઇ-રેલે હિટાચી દ્વારા હાઇ-રેલમાં ઇક્વિટી રોકાણની શક્યતા સહિતના બિઝનેસ જોડાણ અંગે ચર્ચાની શરૂઆત કરી હતી. હાઇ-રેલ લો-વોલ્ટેજ ઇન્વર્ટર ડ્રાઇવ સિસ્ટમ સહિત પાવર ઇલેક્ટ્રોનિક્સ પ્રોડક્ટ્સનું ઉત્પાદન કરે છે અને વેચાણ અને સેવાનું દેશવ્યાપી નેટવર્ક ધરાવે છે.

તેના મુખ્ય ક્લાયન્ટ્સમાં ઓએનજીસી , સીઇએસસી , હિન્દુસ્તાન ઝિંક , ટાટા સ્ટીલ , જેએસડબલ્યુ સ્ટીલ અને રિલાયન્સ પેટ્રોલિયમનો તેમજ રાજ્ય ઇલેક્ટ્રિસિટી બોર્ડ્સનો સમાવેશ થાય છે.

No comments:

Post a Comment